You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ કઈ તરફ આગળ વધશે? ગુજરાતમાં અસર થશે?
ગુજરાતમાં હાલ છેલ્લા કેટલાક દિવસથી ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આગામી દિવસોમાં હજી પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
અરબી સમુદ્રમાં રહેલી સિસ્ટમ આગળ વધીને હાલ ઓમાનની આસપાસ પહોંચી ચૂકી છે, જેથી તેની અસર હવે ગુજરાતમાં ઓછી થવાની સંભાવના છે.
જોકે, હજી પણ બે દિવસ સુધી કચ્છ અને સૌરાષ્ટ્રમાં છુટોછવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હજી આગામી ચારથી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે.
સિસ્ટમ ગુજરાતથી દૂર જઈ રહી છે અને તેના કારણે હવે રાજ્યમાં વરસાદના પ્રમાણમાં પણ ઘટાડો થવાની શરૂઆત થઈ જશે.
હાલ બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બની છે અને તેના કારણે દક્ષિણ ભારતના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે. એવી શક્યતા છે કે આ સિસ્ટમ આગળ વધીને અરબી સમુદ્રમાં આવશે.
આ સિસ્ટમ જો ગુજરાતની નજીક આવી તો ફરીથી ગુજરાતમાં વરસાદ વધવાની સંભાવના દેખાઈ રહી છે. પરંતુ જો આ સિસ્ટમ ગુજરાતથી દૂરથી પસાર થઈ તો રાજ્યમાં તેની બહુ અસર જોવા મળશે નહીં.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 15 ઑક્ટોબરના રોજ દેશના તમામ ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે એટલે કે દેશમાં દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું અધિકારીક રીતે પૂરું થઈ ગયું છે.
આગામી દિવસોમાં હવે ઉત્તર-પૂર્વના ચોમાસાની શરૂઆત થશે, જે દક્ષિણ ભારત અને ખાસ કરીને તામિલનાડુ માટે ખૂબ મહત્ત્વનું છે. હવે તામિલનાડુમાં આગામી મહિનાઓમાં વરસાદમાં વધારો થશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન