હૈદરાબાદ : સગાઈના દિવસે જ યુવતીનું ઘરમાંથી અપહરણ, શું છે મામલો?

ઇમેજ સ્રોત, UGC
- લેેખક, બાલા સતીશ
- પદ, બીબીસી સંવાદદાતા, તેલુગુ સર્વિસ
- પ્રકાશિત
તેલંગણાના હૈદરાબાદમાં શુક્રવારે 24 વર્ષનાં મહિલાને તેમની સગાઈ સમયે હથિયારબંધ કેટલાક લોકોએ તેમના ઘરેથી જ અપહરણ કરીને લઈ ગયા.
પોલીસ કહ્યું કે મન્નેગુડામાં થયેલ આ ઘટનામાં અપહરણની ફરિયાદ આવ્યાના છ કલાકમાં જ વૈશાલી નામનાં આ મહિલાને છોડાવી લેવાયાં. અત્યાર સુધી આ મામલામાં 31 લોકોની ધરપકડ કરાઈ છે.
મામલાના મુખ્ય આરોપી નવીન રેડ્ડીની ધરપકડને લઈને સ્થિતિ હજુ સુધી સ્પષ્ટ નથી.
અમુક રિપોર્ટોમાં દાવો કરાઈ રહ્યો છે કે તેમની ધરપકડ કરી લેવાઈ છે પરંતુ પોલીસે જણાવ્યું છે કે પોલીસ તેની શોધમાં છે.

ઘટનાના દિવસે શું થયું હતું?
આ ઘટના શુક્રવારે નવ ડિસેમ્બરે બની હતી. બપોરના સમયે નવીન રેડ્ડીએ પોતાના 50 સમર્થકો સાથે હૈદરાબાદના છેવાડાના વિસ્તારમાં આવેલ મન્નેગુડામાં દામોદર રેડ્ડીના ઘરે હુમલો કર્યો.
નવીન રેડ્ડી ‘માસ્ટર ટી’ નામથી રાજ્યના ઘણા વિસ્તારોમાં ફેન્ચાઇઝી મૉડલ આધારે ચાની દુકાન ચલાવે છે.
જે સમયે નવીન રેડ્ડીએ દામોદર રેડ્ડીના ઘરે હુમલો કર્યો એ સમયે ઘરે તેમનાં દીકરી વૈશાલીની સગાઈનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો.
પોલીસ પ્રમાણે તેમણે દામોદર રેડ્ડી અને તેમના પરિવાર પર હુમલો કર્યો. તેમનાં ઘર અને કારને નુકસાન કર્યું અ વૈશાલીનું અપહરણ કર્યું. તેમણે જતાં જતાં સીસીટીવી કૅમેરા પણ તોડી નાખ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે પ્રકારે આ ઘટનાને અંજામ અપાયો ઘણા લોકોને તે ફિલ્મના દૃશ્ય જેવું લાગ્યું. આ ઘટનાના કારણે પીડિત મહિલા તો આઘાતમાં છે જ પરંતુ સ્થાનિક લોકો પણ ડરમાં છે.
આ ઘટના બન્યાના તરત બાદ દામોદર રેડ્ડીના પરિવારજનોએ હાઇવે પર ધરણાં-પ્રદર્શન કર્યાં અને વૈશાલીને છોડાવાની માગ કરવા લાગ્યા.
વૈશાલીના ઘરની સામે રહેલ નવીન રેડ્ડીની એક દુકાનમાં આગ ચાંપીને તેને તહસનહસ કરી દેવાઈ.
દામોદર રેડ્ડીએ આ મામલે પોલીસમાં ફરિયાદ કર્યા બાદ આદિબાટલા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 147, 148, 307, 324, 427, 506 અને 149 અંતર્ગત ગુનો દાખલ કરાયો.

વૈશાલીના પરિવારજનોએ શું ફરિયાદમાં શું જણાવ્યું?

ઇમેજ સ્રોત, UGC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દામોદર રેડ્ડીએ પોતાની ફરિયાદમાં લખ્યું, “વૈશાલી બૅડમિન્ટન રમવા જતી, એ દરમિયાન તેની મુલાકાત નવીન રેડ્ડી સાથે થઈ હતી. ત્યારથી જ નવીન મારી દીકરીને પ્રેમ અને લગ્નના નામે પરેશાન કરી રહ્યો હતો. શુક્રવારે નવીન રેડ્ડી, રૂબેન અને 50 અને લોકોએ મારા ઘર પર હુમલો કર્યો. તેઓ TS07HX 2111 લાઇસન્સ પ્લેટવાળી એક વૉલ્વો બસ, TS07U 4141 લાઇસન્સ પ્લેટવાળી એક બોલેરા કાર અને અન્ય કેટલીક કારોમાં મારા ઘરે આવ્યા.”
પોલીસને અપાયેલ પોતાની ફરિયાદમાં તેમણે લખ્યું, “તેમની પાસે ગાડીમાં લોખંડની પાઇપ અને પથ્થર હતા. તેઓ પરાણે મારા પરિવાર અને મારી દીકરીને મારવાના ઇરાદે આવ્યા હતા. નવીન રેડ્ડીએ મારા માથા પર લોંખડની પાઇપથી હુમલો કર્યો. મારા બચાવમાં આવેલા મારા મિત્ર પર પણ હુમલો કર્યો.”
તેમણે કહ્યું, “એ બાદ તેઓ પરાણે મારી દીકરીને ઢસડીને ગાડી સુધી લઈ આવ્યા અને તેનું અપહરણ કરાયું. તેમણે મારા ઘરનું ફર્નિચર તોડ્યું અને જતાં જતાં સીસીટીવી કૅમેરા તોડી નાખ્યા.”
પોલીસ પ્રમાણે અત્યાર સુધી આ મામલે 31 લોકોની ધરપકડ કરાઈ છે. ધરપકડ કરાયેલ લોકોમાં તેલંગણા સિવાય અન્ય રાજ્યોના લોકો પણ સામેલ છે.

નવીને મને માર માર્યો : વૈશાલી

ઇમેજ સ્રોત, UGC
પીડિતા વૈશાલી આઘાતમાં છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું, “વૈશાલીને માર મરાયો, તેને ધમકાવવામાં આવી. અમે અપહરણના છ કલાકની અંદર જ તેને મુક્ત કરાવી લીધી.”
રાચાકોંડાના અધિક પોલીસ નિદેશક સુધીર બાબૂએ મીડિયાને કહ્યું, “અપહરણ યોજના ઘડીને કરાયું. અપહરણ બાદ વૈશાલીને ધમકાવાઈ. નવીન રેડ્ડીની હજુ સુધી ધરપકડ કરાઈ નથી. તેને શોધવામાં ટીમ લાગેલી છે. અમે પકડાયેલ લોકોની પૂછપરછ કરીશું. ફરાર આરોપીઓને પણ પકડવામાં આવશે.”
નવીન રેડ્ડીનાં માતાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, “નવીન અને વૈશાલી એકબીજાને પહેલાંથી ઓળખતાં હતાં. મૅચમૅકિંગ અને લગ્નના નામે વૈશાલીનાં માતાપિતા અમારા ઘરે પણ આવ્યાં હતાં.”
તેમણે કહ્યું, “મારા દીકરાએ મને કહ્યું કે તેણે વૈશાલી સાથે લગ્ન કરી લીધાં છે. જોકે હું એ લગ્નમાં હાજર નહોતી.”
પોલીસે બચાવી લીધા બાદ વૈશાલીએ મીડિયાને કહ્યું કે તેમણે ક્યારેય નવીન સાથે લગ્ન નથી કર્યાં. તેમણે આરોપ લગાવ્યા કે નવીને અપહરણ બાદ તેમને પ્રતાડિત કર્યા.
તેમણે કહ્યું, “નવીન સંબંધીઓ મારફતે મારી સાથે લગ્નનો પ્રસ્તાવ લઈ આવ્યા હતા. મેં ના પાડી દીધી હતી. ત્યારથી તે મને પરેશાન કરી રહ્યો છે. તેણે નકલી ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ બનાવીને મને બ્લૅકમેલ કરવાનું શરૂ કરી દીધું. તેણે તસવીરો સાથે ચેડાં કર્યાં અને એ જ તસવીરો તે બતાવી રહ્યો છે. મારું અપહરણ કર્યા બાદ તેણે કારમાં મારી સાથે મારઝૂડ કરી. તેણે મારા વાળ ખેંચ્યા અને મને લાફો માર્યો. જ્યારે મેં કહ્યું કે હું તેને પસંદ નથી કરતી તો તે મને યાતના આપવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હું શું વિચારું છું એનાથી તેને ફરક નથી પડતો. તેણે કહ્યું કે જો તું મારી ન થઈ શકે તો બીજાની પણ નહીં થાય.”

નવીને શું કહ્યું?

ઇમેજ સ્રોત, UGC
હૈદરાબાદની એલબીનગર કોર્ટમાં નવીન રેડ્ડીએ એક અરજી દાખલ કરી છે જેમાં તેમણે વૈશાલીના પરિવાર પર તેનાં પુન:લગ્ન કરાવાની કોશિશનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે તેમનો પરિવાર વૈશાલીનાં લગ્ન થઈ ચૂક્યાં છે અને તે નવીનનાં પત્ની છે તે હકીકતને છુપાવીને તેમનાં લગ્ન કરાવાની કોશિશ કરી રહ્યો છે.
તેમની અરજી અનુસાર, “અમે બંને જાન્યુઆરી 2021થી એક બીજાના પ્રેમમાં છીએ. વૈશાલીનાં માતાપિતા પણ આ વાત જાણે છે, મારા પૈસાથી વૈસાલીના પરિવારે ઘણાં સ્થળે યાત્રા કરી છે. અમે આંધ્ર પ્રદેશના બાપાતલા જિલ્લાના મર્તુલ મંડળમાં સ્થિત વલાપારલા ગામના એક મંદિરમાં 4 ઑગસ્ટ, 2021ના રોજ લગ્ન કર્યાં હતાં. જોકે વૈશાલીએ મને કહ્યું હતું કે આ લગ્ન વિશે કોઈને કઈ કહેવાનું નથી, જ્યારે તે બીડીએસનું ભણતર પૂરું કરી લેશે તે પછી ઘરે વાત કરીશું. તેણે ક્યારેય મંગળસૂત્ર પણ ન પહેર્યુંકારણ કે આવું કરવાથી તેની કૉલેજની અન્ય વિદ્યાર્થિનીઓ તેની હાંસી ઉડાવત.”
નવીન દાવો કરે છે કે, “પરંતુ એક સમય બાદ વૈશાલીના પરિવારજનો કહેવા લાગ્યા તેમનાં લગ્ન ક્યારેય થયાં નહોતાં.”
તેમનું કહેવું હતું કે, “લગ્નના બધા પુરાવા એ લોકો પાસે જ છે. તેમણે એ બધા પુરાવા નષ્ટ કરી દીધા છે. તેથી, હું કોર્ટમાં એ અંગે કંઈ જમા કરાવી શકું એમ નથી.”
“વૈશાલીના પરિવારે મને તેને છોડી દેવા માટે ધમકી આપી છે. હું આ અંગે પહેલાંથી જ આદિબતલા પોલીસ સ્ટેશનમાં એક કેસ નોંધાવી ચૂક્યો છું. તેનાં માતાપિતા મને એવું કહીને યાતના આપી રહ્યા છે કે અમે ક્યારેય લગ્ન જ નથી કર્યાં અને માત્ર ભેગા રહી રહ્યાં હતાં. જ્યારે મેં મારી વૉલ્વો ખરીદી, ત્યારે મેં વૈશાલીને પત્ની તરીકે તેના વીમામાં નૉમિની પણ બનાવી. અંબરપેટમાં મારી સૌથી મોટી આઉઉટલેટમાં કૅશ સ્કૅનર પણ તેના નામ પર રાખ્યું છે. એ પૈસા તેને મળે છે.”
આ તમામ વાતો નવીને પોતાની અરજીમાં કહી છે.
અરજીમાં તેમણે કોર્ટ પાસેથી વૈવાહિક અધિકારની માગણી કરી છે.
જોકે, વૈશાલીનાં માતાપિતા કહે છે કે તેમણે (વૈશાલીએ) પહેલાંથી એક ફરિયાદ દાખલ કરાવેલ છે કે નવીન રેડ્ડી સાથે તે લગ્ન નથી કરવા માગતી.
























