ઓમ બિરલા લોકસભાના અધ્યક્ષ ચૂંટાયા, વિરોધપક્ષે નાયબ અધ્યક્ષનું પદ કેમ માગ્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
18મી લોકસભાના સ્પીકર તરીકે ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય અને એનડીએના ઉમેદવાર ઓમ બિરલા બીજી વખત ચૂંટાયા છે. ઓમ બિરલા 17મી લોકસભામાં પણ સ્પીકર હતા. આ અગાઉ બલરામ જાખડને પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ ફરીથી સ્પીકરનું પદ મળ્યું હતું.બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો
આ લોકસભાની શરૂઆતમાં સ્પીકરના નામ પર સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે સમજૂતી થઈ ન હતી.
વિપક્ષે પરંપરા પ્રમાણે ડેપ્યુટી સ્પીકરનું પદ માંગ્યું હતું, પરંતુ આ વાત પર સમજૂતી ન થઈ.
લોકસભામાં સ્પીકર પદ માટે એનડીએ તરફથી ઓમ બિરલાના નામની જાહેરાત કરવામાં આવી હતી.
ઓમ બિરલા રાજસ્થાનની કોટા બૂંદી લોકસભા બેઠક પર ત્રીજી વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાયા છે.
એનડીએ પાસે 292 સંસદ સભ્યોનું સમર્થન છે.
કેન્દ્રીય મંત્રી લલ્લનસિંહે જણાવ્યું કે એનડીએ તરફથી ઓમ બિરલાએ સ્પીકર પદ માટે નામાંકન દાખલ કર્યું છે.
કૉંગ્રેસ પાર્ટીએ કે સુરેશને સ્પીકર પદ માટે ઉમેદવાર બનાવ્યા છે. સુરેશ આઠમી વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇન્ડિયા ગઠબંધન પાસે 233 સંસદ સભ્યોનું સમર્થન છે. (વાયનાડની બેઠક પર રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીઘું છે.)
કૉંગ્રેસ સંસદ સભ્ય ગૌરવ ગોગોઈએ કહ્યું, “અમે કે સુરેશને સ્પીકર પદ માટે ઉમેદવાર બનાવ્યા છે.”
કે સુરેશ દલિત છે અને પરંપરા પ્રમાણે, વિપક્ષે તેમને વરિષ્ઠતા અનુસાર પ્રોટેમ સ્પીકર બનાવવાની માંગ કરી હતી.
સમાજવાદી પાર્ટીનાં નેતા અખિલેશ યાદવે કહ્યું કે લોકસભામાં ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને મળવું જોઇએ.

વડા પ્રધાન મોદીએ અભિનંદન આપતા શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસ નેતાએ ઓમ બિરલાને સ્પીકર તરીકે ચૂંટાયા પછી અભિનંદન આપ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “હું મારા તરફથી અને આખા સદન તરફથી તમને અભિનંદન પાઠવું છું. અમૃત કાળના આ મહત્ત્વપૂર્ણ કાળખંડમાં બીજી વખત આ પદ પર વિરાજમાન થવું એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ જવાબદારી છે.”
વડા પ્રધાન મોદીએ જણાવ્યું, “તમારો પાંચ વર્ષનો અનુભવ અને તમારી સાથે અમારો પાંચ વર્ષોના અનુભવ પછી અમને ભરોસો છે કે તમે આ સદનની ફરીથી આગેવાની કરશો. મને વિશ્વાસ છે કે તમે દરેક પગલે નવા કિર્તિમાન સ્થાપિત કરતા આવ્યા છે.”
તેમણે વધુમાં કહ્યું, “બીજી વખત સ્પીકરનો કાર્યભાર સંભાળવો તે પણ એક નવો રેકર્ડ છે. પૂર્વ સ્પીકર બલરામ જાખડને પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરીને ફરીથી સ્પીકર બન્યા છો. ત્યારબાદ તમે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરીને ફરીથી સ્પીકર બન્યા છો.”
તેમણે ઉમેર્યું, “તમારી અધ્યક્ષતામા સંસદમાં જે ઐતિહાસિક નિર્ણયો લેવાયા તે તમારો અને આ સદનનો વારસો છે. તમારી અધ્યક્ષતાવાળી 17મી લોકસભાના કાર્યકાળ સંસદીય ઇતિહાસનો સ્વર્ણિમકાળ રહ્યો છે. 17મી લોકસભામાં નારી શક્તિ વંદન બિલ, જમ્મુ કશ્મીર પુર્નગઠન બિલ, ભારતીય ન્યાય સંહિતા, મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ બિલ ઉપરાંત સામાજિક, આર્થિક, રાષ્ટ્ર માટે મહત્ત્વનાં બિલો પસાર કરવામાં આવ્યાં હતાં.”
રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ શું બોલ્યા?

ઇમેજ સ્રોત, Sansad TV
લોકસભામાં કૉંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “સ્પીકર સર, હું તમને બીજી વખત સ્પીકર તરીકે ચૂંટાવા બદલ વિપક્ષ અને ઇન્ડિયા ગઠબંધન તરફથી અભિનંદન પાઠવું છું. આ સદન ભારતના લોકોના અવાજનું પ્રતિનિધિત્વ કરે છે. સરકાર પાસે રાજકીય સત્તા છે, પરંતુ વિપક્ષ પણ ભારતના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે.”
“વિપક્ષ તમને તમારું કામ કરવામાં મદદ કરશે. વિપક્ષનો અવાજ પણ આ ગૃહમાં સંભળાય તે પણ મહત્ત્વપૂર્ણ છે. મને ભરોસો છે કે તમે ભારતના લોકોના અવાજનું પ્રતિનિધિત્વ કરવા માટે વિપક્ષને સદનમાં બોલવાનો મોકો આપશો. વિપક્ષનો અવાજને બંધ કરીને આ સદન ચલાવવાનો વિચાર અબંધારણીય છે.”
“આ ચૂંટણીએ પુરવાર કર્યું છે કે ભારતના લોકો આશા કરે છે વિપક્ષ આ દેશના બંધારણને બચાવશે. તમે પણ વિપક્ષને સદનમાં બોલવા દેશો અને દેશના બંધારણને બચાવવામા અમારો સાથ આપશો.”
તો ઇન્ડિયા ગઠબંધનના સભ્ય સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કહ્યું, “હું તમને સ્પીકર તરીકે ચૂંટાવા બદલ ખૂબ જ અભિનંદન આપું છું. તમે જે પદ પર બેઠા છો તેની સાથે અનેક ગૌરવશાળી પરંપરાઓ જોડાયેલી છે. અમે બધા માનીએ છીએ કે તમે લોકસભાના અધ્યક્ષ તરીકે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેક સંસદ સભ્ય અને દરેક દળને બરાબર મોકો અને સમ્માન આપશો.”
તેમણે વધુમાં કહ્યું, “તમે લોકતાંત્રિક ન્યાયના મુખ્ય ન્યાયધીશ તરીકે બિરાજમાન છો. અમે અપેક્ષા રાખીએ છીએ કે એક પણ પ્રતિનિધિનો અવાજ ન દબાવામાં આવે. તમારો અંકુશ વિપક્ષ પર તો રહે જ છે, પરંતુ તમારો અંકુશ સત્તા પક્ષ પર પણ રહેશે.”






















