નિમિષા પ્રિયા મામલે ભારતીય વિદેશ મંત્રાલયે શું જણાવ્યું?- ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે નિમિષા પ્રિયા મામલામાં ભારત યમનના અધિકારીઓ અને નિમિષાના પરિવાર સાથે સતત સંપર્કમાં છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલને જ્યારે નિમિષા પ્રિયા મામલે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, "આ એક સંવેદનશીલ મામલો છે અને ભારત સરકાર આ મામલામાં દરેક સંભવ સહાયતા આપી રહી છે. અમે કાનૂની સહાયતા ઉપલબ્ધ કરાવી છે અને પરિવારની સહાયતા માટે એક વકીલની નિયુક્તિ પણ કરી છે."

જાયસવાલે કહ્યું કે, "અમે નિયમિત કૉન્સુલર મુલાકાતોની વ્યવસ્થા કરી છે. અમે સ્થાનિક અધિકારીઓ તથા પરિવારના સભ્યો સાથે સતત સંપર્કમાં છીએ એટલે આ મામલે સમાધાન આવી છે."

તેમણે કહ્યું કે, "હાલના દિવસોમાં અમે વિશેષ પ્રયત્નો કર્યા છે જેથી નિમિષા પ્રિયાના પરિવારને બીજા પક્ષ સાથે આપસી સહમતીથી સમાધાન લાવવા માટે વધુ સમય મળી શકે. યમનમાં સ્થાનિક અધિકારીઓએ તેમની સજાને સ્થગિત કરી દીધી છે. અમે આ મામલે સતત નજર રાખી રહ્યા છીએ અને શક્ય હોય એવી દરેક સહાયતા આપી રહ્યા છીએ. અમે કેટલાક મિત્ર દેશોના પણ સંપર્કમાં છીએ."

16 જુલાઈના નિમિષા પ્રિયાની મોતની સજાની તારીખ નક્કી હતી પરંતુ છેલ્લી ઘડીએ તેને ટાળી દેવામાં આવી છે. 2017માં પોતાના બિઝનેસ પાર્ટનરની હત્યાના મામલામાં નિમિષા પ્રિયાને યમનની સ્થાનિક અદાલતે 2020માં મોતની સજા સંભળાવી હતી.

નિમિષા પ્રિયાના બિઝનેસ પાર્ટનર યમનના નાગરિક તલાલ અબ્દો મહદી હતા. નિમિષા અબ્દો સાથે યમનની રાજધાની સનામાં એક ક્લિનિક ચલાવતાં હતાં. અબ્દોના મૃતદેહના કેટલાક ટુકડા પાણીની ટાંકીમાંથી મળ્યા હતા.

ગાઝામાં ભૂખ અને કુપોષણને કારણે 21 બાળકોનાં મૃત્યુ

ગાઝા ખાતે શિફા હૉસ્પિટલના નિર્દેશક ડૉ. મોહમ્મદ અબુ સલમિયાએ બીબીસીને કહ્યું કે છેલ્લા 72 કલાકમાં આ વિસ્તારમાં કુપોષણ અને ભૂખથી 21 બાળકોનાં મૃત્યુ થયાં છે.

તેમણે બીબીસીને જણાવ્યું કે ગાઝામાં લગભગ નવ લાખ બાળકો ભૂખથી પીડિત છે અને તેમાંથી લગભગ 70 હજાર બાળકો કુપોષણથી પીડિત છે.

ડૉક્ટરની ચેતવણી છે કે તેમને મોતના ખતરનાક આંકડાનો સામનો કરવો પડે છે, ડાયાબિટીસ અને લીવરના રોગીઓને વિશેષ ખતરો છે.

હમાસ દ્વારા સંચાલિત આરોગ્ય મંત્રાલયએ કુપોષણના કારણે થનારાં મૃત્યુની સંખ્યા વિશે વધુ આંકડા જાહેર કર્યા છે.

મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે છેલ્લા 48 કલાકમાં 12 બાળકો સહિત 33 લોકોનાં મોત થયાં છે.

તેમણે જણાવ્યું કે 2023માં યુદ્ધ શરૂ થયા બાદ કુપોષણના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 101 છે, તેમાં 80 બાળકો છે.

ત્યારે મેના અંતમાં અમેરિકા અને ઇઝરાયલ સમર્થિત ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશન (જીએચએફ) તરફથી રાહત વિતરણ શરૂ થયા બાદથી લગભગ દરેક દિવસે રાહત સામગ્રી મેળવવાની કોશિશમાં પેલેસ્ટાઇનિયન લોકોના મરવાના સમાચાર આવી રહ્યા છે.

અમેરિકન સાંસદે અર્થતંત્રને બરબાદ કરવાની ચેતવણી આપીને કહ્યું કે ભારત બ્લડ મની આપી રહ્યું છે

અમેરિકી સૅનેટર લિંડસે ગ્રાહમે ચેતવણી આપી છે કે જે દેશો રશિયા પાસેથી તેલની આયાત કરી રહ્યા છે તેના પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારે ટેરિફ લગાવશે. લિંડસે ગ્રાહમે ખાસ કરીને ભારત, ચીન અને બ્રાઝિલનું નામ લીધું હતું.

હાલમાં જ ફૉક્સ ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ગ્રાહમે કહ્યું, "ટ્રમ્પ એ દેશો પર ટેરિફ લગાવવા જઈ રહ્યા છે જે રશિયા પાસેથી તેલ ખરીદે છે -ચીન ભારત અને બ્રાઝિલ.''

અમેરિકી સૅનેટરનું કહેવું છે કે રશિયા પાસેથી તેલ ખરીદનારા દેશો યુક્રેન સામેના યુદ્ધમાં પૈસા એકઠા કરવામાં રશિયાની મદદ કરી રહ્યા છે.

એમણે કહ્યુ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ બધા દેશો પર 100 ટકા ટેરિફ લગાવવા જઈ રહ્યા છે. પુતિનની મદદ કરવા બદલ સજા મળશે.

લિંડસે ગ્રાહમે કહ્યુ, હું ચીન, ભારત અને બ્રાઝિલને એટલું જ કહીશ કે જો તમે આ યુદ્ધ ચાલુ રાખવા માટે સસ્તુ તેલ રશિયા પાસેથી ખરીદી કરી રહ્યા છો તો અમે તમને બરબાદ કરી નાખીશું અને તમારી અર્થવ્યવસ્થાને વેરવિખેર કરી નાખીશું, કારણ કે તમે જે કરી રહ્યા છો એ બ્લડ મની છે.

GCMMFના ચૅરમૅન તરીકે અશોક ચૌધરી ચૂંટાયા, ગોરધન ધામેલિયા વાઇસ ચૅરમૅન

અમૂલ બ્રાન્ડનું માર્કેટિંગ કરતી ગુજરાત કો-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ની મંગળવારે ચૂંટણી યોજાઈ જેમાં અશોકભાઈ ચૌધરી GCMMFના ચૅરમૅન તરીકે અને ગોરધનભાઈ ધામેલિયા વાઇસ ચૅરમૅન તરીકે ચૂંટાયા છે.

અમૂલ એ સહકારી ક્ષેત્રે વિશ્વસ્તરે વિખ્યાત છે. ફેડરેશનના વર્તમાન ચૅરમૅન શામળભાઈ પટેલ અને વાઇસ ચૅરમૅન વાલમજીભાઈ હુંબલનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. તેથી મંગળવારે GCMMFના ચૅરમૅન અને વાઇસ ચૅરમૅનની ચૂંટણી યોજાઈ હતી.

અશોક ચૌધરી એ મહેસાણાની દૂધસાગર ડેરીના ચૅરમૅન છે જ્યારે ગોરધનભાઈ ધામેલિયા રાજકોટની ગોપાલ ડેરીના ચૅરમૅન છે. તેમની નિમણૂક સર્વાનુમતે કરવામાં આવી છે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પર પીએમ મોદીએ શું કહ્યું?

ઉપરાષ્ટ્રપતિપદેથી જગદીપ ધનખડના રાજીનામા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા ઍક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે, "જગદીપ ધનખડજીને ભારતના ઉપરાષ્ટ્રપતિપદ સહિત ઘણી ભૂમિકાઓમાં દેશની સેવા કરવાની તક મળી છે. હું તેમની ઉત્તમ તબિયત માટે કામના કરું છું."

જગદીપ ધનખડે સોમવારે તબિયતનું કારણ આપીને ઉપરાષ્ટ્રપતિના પદેથી રાજીનામું આપ્યું હતું.

ધનખડે રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં લખ્યું હતું કે, "હું બંધારણના અનુચ્છેદ 67 (એ) મુજબ તાત્કાલિક અસરથી દેશના ઉપરાષ્ટ્રપતિના પદેથી રાજીનામું આપું છું."

એએનઆઈ મુજબ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ધનખડનું રાજીનામું સ્વીકારી લીધું છે.

મુંબઈ સિરિયલ બ્લાસ્ટઃ આરોપીઓને નિર્દોષ છોડવા સામે સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ

મુંબઈમાં 2006માં લોકલ ટ્રેનોમાં થયેલા બૉમ્બબ્લાસ્ટના મામલે બૉમ્બે હાઇકોર્ટે તમામ 12 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા પછી મહારાષ્ટ્ર સરકાર આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં ગઈ છે.

રાજ્ય સરકારે સુપ્રીમમાં સ્પેશિયલ લીવ પિટિશન ફાઇલ કરી છે જેના પર 24 જુલાઈએ સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે મંગળવારે આના પર સહમતિ દર્શાવી હતી.

મુંબઈ સિરિયલ બ્લાસ્ટના 19 વર્ષ પછી અને ટ્રાયલ કોર્ટના ચુકાદાના 10 વર્ષ બાદ બૉમ્બે હાઇકોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે આ મામલો બહુ ગંભીર છે અને તાત્કાલિક સુનાવણીની જરૂર છે.

તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્ર સરકારે પહેલેથી હાઇકોર્ટના ચુકાદા સામે અપીલ દાખલ કરી દીધી છે. તેમાં આરોપીઓને દોષિત જાહેર કરવાના અને પાંચ આરોપીઓને મોતની સજા આપવાના ટ્રાયલ કોર્ટના ચુકાદાને પલટાવી નાખવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે મીડિયા રિપોર્ટ પ્રમાણે નિર્દોષ જાહેર કરાયેલા 12માંથી આઠ લોકોને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. મહેતાએ તેની પુષ્ટિ કરીને કહ્યું કે, "આમ છતાં આ મામલે તાત્કાલિક સુનાવણીની જરૂર છે."