You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં હજુ ચાર દિવસ ધોધમાર વરસાદની આગાહી, કયા જિલ્લામાં રેડ ઍલર્ટ છે?
ગુજરાતમાં 16 જૂને ચોમાસાના આગમન પછી ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાનો ચાલુ છે. જૂન મહિનામાં ગુજરાતમાં સર્વત્ર ભારે વરસાદ પડ્યો હતો અને છેલ્લાં 10 વર્ષનો રેકૉર્ડ તૂટ્યો હતો.
જુલાઈમાં પણ વરસાદની ગતિ જળવાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદ પછી સિઝનનો કુલ સરેરાશ વરસાદ 322 મિમી થયો છે, જે આખા રાજ્યમાં દર વર્ષે પડતા સરેરાશ વરસાદના 36 ટકા થાય છે.
ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં લગભગ 30 ટકા વરસાદ પડી ગયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 40 ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 38 ટકા વરસાદ પડી ગયો છે.
ગુજરાતના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે જેમાં વડગામમાં સવારના 8 વાગ્યા સુધીમાં 11 ઈંચ વરસાદ, દાંતીવાડામાં સાત ઈંચ, પાલનપુરમાં સાત ઈંચ, ધાનેરામાં પાંચ અને ડીસામાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં વરસાદ બાદ હજુ પણ કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે શું આગાહી કરી?
ગુજરાતમાં છેલ્લા 24 કલાકના વરસાદનો ડેટા જોવામાં આવે તો અમદાવાદમાં 2.5 મિમી, આણંદમાં 20.9 મિમી, બનાસકાંઠામાં 78 મિમી, ડાંગમાં 46 મિમી, ગાંધીનગરમાં 12.7 મિમી, મહીસાગરમાં 100 મિમી, મહેસાણામાં 39 મિમી, નર્મદા જિલ્લામાં 15 મિમી, પંચમહાલમાં 21.6 મિમી વરસાદ નોંધાયો છે.
સાબરકાંઠામાં 62.1 મિમી, સુરતમાં 42 મિમી, તાપીમાં 55 મિમી વરસાદ પડ્યો છે.
અમદાવાદસ્થિત હવામાન કચેરીના બુલેટિન પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લામાં અતિભારે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત વલસાડ અને દાદરા અને નગરહવેલીમાં પણ કેટલીક જગ્યાએ ભારે વરસાદ નોંધાયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્રીજી જુલાઈ માટેની આગાહી પ્રમાણે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ ઉપરાંત પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, અમરેલી, ભાવનગર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતના કયા જિલ્લામાં હવે ધોધમાર વરસાદ પડશે?
ગુજરાતના આ સિવાયના ભાગોમાં ત્રીજી જુલાઈએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે જે દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.
ચોથી જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે જ્યારે બાકીના ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે.
પાંચમી જુલાઈએ અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
પાંચમી જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી છે.
છઠ્ઠી જુલાઈએ ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલાક સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડશે એવું હવામાન વિભાગનું બુલેટિન જણાવે છે.
જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.
7 અને 8 જુલાઈએ પણ નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, દાહોદ, મહીસાગર જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન