કોર્ટે કેજરીવાલને ત્રણ દિવસના સીબીઆઈ રિમાન્ડ પર મોકલ્યા

કેજરીવાલ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ
પ્રકાશિત

દિલ્હીના રાઉજ એવેન્યૂ કોર્ટે બુધવારે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને ત્રણ દિવસ માટે સીબીઆઈ રિમાન્ડ પર મોકલ્યા છે.

બુધવારે કોર્ટની પરવાનગી બાદ સીબીઆઈએ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની ઔપચારિક રીતે ધરપકડ કરી.

કથિત શરાબનીતિ મામલે સીબીઆઈએ મંગળવાર રાત્રે કેજરીવાલની તિહાડ જેલમાં પુછપરછ કરી હતી.

પુછપરછ બાદ સીબીઆઈએ તેમનું નિવેદન લીધું હતું અને બુધવારે સવારે કેજરીવાલને રાઉજ એવેન્યૂ કોર્ટમાં પેશી માટે લઈ ગઈ હતી.

જજ અમિતાભ રાવતે કેજરીવાલ મામલાની સુનાવણી કરી.

સીબીઆઈએ સુનાવણી બાદ કોર્ટમાં જ કેજરીવાલની ધરપકડ કરી. સીબીઆઈ કોર્ટને કેજરીવાલના રિમાન્ડની માગ પણ કરી જેને કોર્ટે સ્વીકારી.

વિકિલીક્સ સંસ્થાપક જુલિયન અસાંજ પોતાના દેશ ઑસ્ટ્રેલિયા પહોંચ્યા ત્યારે તેમનાં પત્નીએ શું કહ્યું?

વિકિલીક્સ સંસ્થાપક જુલિયન અસાંજ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જુલિયન અસાંજનાં પત્ની સ્ટેલા અસાંજ

વિકિલીક્સ સંસ્થાપક જુલિયન અસાંજ પોતાના દેશ ઑસ્ટ્રેલિયા પહોંચી ગયા છે.

વિમાનમાંથી ઊતરીને તેઓ તેમનાં પત્નીને ભેટી પડ્યા. અસાંજ 14 વર્ષની લાંબી કાયદાકીય લડાઈ બાદ આઝાદ થયા છે.

અમેરિકા સાથે થયેલી સમજૂતિ અંતર્ગત અમેરિકાની કોર્ટમાં તેમણે પોતાનો ગુનો સ્વીકારવાનો હતો.

અમેરિકાની સરકાર અસાંજ માટે 62 મહિનાની કેદની માગ કરી શકી હોત. જજ આ માગને સ્વીકારીને તેને સજા ફટકારી શક્યા હોત પરંતુ આટલો સમય અસાંજ બ્રિટનની જેલમાં ગુજારી ચૂક્યા છે. તેથી અસાંજને આઝાદ કરી દેવાયા.

જુલિયન અસાંજ
ઇમેજ કૅપ્શન, વિકિલીક્સના સંસ્થાપક જુલિયન અસાંજ ઑસ્ટ્રેલિયા પહોંચીને તેમની પત્નીને ભેટી રહ્યા છે.

જુલિયન અસાંજના ઑસ્ટ્રેલિયા પહોંચવા પર તેમનાં પત્ની સ્ટેલા અસાંજે પત્રકારો સાથે વાતચીત કરી.

સ્ટેલાએ કહ્યું કે જુલિયનને સાર્વજનિક વાતચીત કરવા માટે સ્વસ્થ થવું જરૂરી છે.

તેમણે કહ્યું કે જુલિયન હજુ પણ સિદ્ધાંતવાદી અને નીડર છે. તેમણે કહ્યું, “મને આશા છે કે મીડિયાને જુલિયન સામે આ અમેરિકાના કેસ મામલે જોખમની જાણ હશે. જે સમાચાર એકત્ર કરવા અને સાર્વજનિક હિત માટે જાણકારી પ્રકાશિત કરવાને અપરાધ માને છે અને તેના માટે સજા આપે છે.”

સ્ટેલાએ આશા વ્યક્ત કરી કે જુલિયનને અમેરિકાના રાષ્ટ્રપતિ તરફથી માફી મળી જશે.

મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈએ ધરપકડ કરી, જામીન માટે સુપ્રીમ કોર્ટમાં ફરીથી અરજી કરશે

અરવિંદ કેજરીવાલની ધરપકડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અરવિંદ કેજરીવાલ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઉમંગ પોદ્દાર

બીબીસી સંવાદદાતા

દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈએ ઔપચારિક રીતે ધરપકડ કરી લીધી છે.

કથિત શરાબનીતિ કૌભાંડના મામલામાં સીબીઆઈએ મંગળવારે રાતે તિહાડ જેલમાં કેજરીવાલની પૂછપરછ કરી હતી. પૂછપરછ પછી સીબીઆઈએ નિવેદન નોધ્યું અને બુધવારે સવોરે કેજરીવાલને રાઉઝ એવેન્યુ કોર્ટમાં હાજર કરવા લઈ ગયા.

રાઉઝ એવેન્યુ કોર્ટમાં જજ અમિતાભ રાવતએ કેજરીવાલના કેસની સુનાવણી કરી.

સીબીઆઈએ સુનાવણી બાદ કોર્ટમાં જ કેજરીવાલની ધરપકડ કરી લીધી. સીબીઆઈ કોર્ટમાં કેજરીવાલને રિમાન્ડ પર લેવાની માંગ પણ કરશે.

કેજરીવાલના જામીન પર બુધવારે સવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની હતી, પરંતુ તે પહેલાં સીબીઆઈએ તિહાડ જેલમાંથી જ તેમને કસ્ટડીમાં લઈ લીધા.

ત્યારબાદ અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાંથી તેમની અરજી પાછી લીધી અને કહ્યું કે તેઓ ફરીથી અરજી દાખલ કરશે.

અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, "અમારી સાથે દરરોજ કંઈકને કઈંક થઈ રહ્યું છે. સીબીઆઈએ ગઈ કાલે 2022ની નૉટિસ અને પૂછપરછના સંદર્ભમાં ધરપકડ કરી છે."

સિંઘવીએ એમ પણ કહ્યું કે દિલ્હી હાઈકોર્ટનો આદેશ ગઈકાલે જ આવ્યો હતો જેમાં 'ઘણી ખામીઓ' હતી.

તેમણે કહ્યું કે આ બધા માટે એક નવી વિશેષ તૈયારીઓની જરૂર પડશે. આ પછી જ તેમણે પોતાની અરજી પાછી ખેંચવાની અને નવી અરજી દાખલ કરવાની પરવાનગી માંગી હતી. કોર્ટે અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી દીધી છે.

વડા પ્રધાન મોદી જુલાઈમાં રશિયાની મુલાકાત લેશે

નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી જુલાઈ મહિનાની શરૂઆતમાં રશિયાનો પ્રવાસ કરી શકે છે. આ મામલે જાણકારી રાખનાર લોકોએ કહ્યું, “મૉસ્કો પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બેઠક થશે.”

રશિયાની સરકારી ન્યૂઝ એજન્સી આરઆઈએની માહિતી પ્રમાણે, રશિયાના રાષ્ટ્રપતિના સહાયક યૂરી ઉશાકોવે પત્રકારોને જણાવ્યું કે મોદીના પ્રવાસની તૈયારીઓ ચાલી રહી છે અને બંને પક્ષો તારીખની જાહેરાત કરશે.

ઉશાકોવે કહ્યું, “હું આ વાત ખાતરીપૂર્વક કહી શકું છું કે અમે વડા પ્રધાન મોદીના સ્વાગતની તૈયારીઓ કરી રહી છે. અમે અત્યારે કોઈ તારીખ જણાવી શકતા નથી. કારણ કે તારીખની જાહેરાત બંને પક્ષોની સહમતિ પછી જ થશે. જોકે, અમે સક્રિયતા સાથે તૈયારી કરી રહ્યા છીએ. હું એક વખત ફરીથી કહીશ કે આ પ્રવાસ (મોદીનો રશિયા પ્રવાસ) થશે.”

જો આ પ્રવાસ થશે તો વડા પ્રધાન મોદી 2019 પછી પ્રથમ વખત રશિયા જશે. આ પ્રવાસ એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ રહેશે કારણ કે ફેબ્રુઆરી 2022માં રશિયાના યુક્રેન પર હુમલાઓ પછી પહેલી વખત વડા પ્રધાન મોદી રશિયાની ધરતી પર પગ મૂકશે. આ સાથે જ મોદીના ત્રીજા કાર્યકાળ આ તેમનો પ્રથમ દ્વીપક્ષીય પ્રવાસ હશે.

પુતિન છેલ્લે 2021માં ઇન્ડિયા-રશિયા સંમેલન માટે ભારત આવ્યા હતાં, જેનું આયોજન છેલ્લાં બે વર્ષથી નથી થયું.

જોકે, ભારત અને રશિયા તરફથી આ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. દિલ્હી અને મોસ્કોમાં આ મુલાકાતની તૈયારીમા જોડાયેલા લોકોએ નામ ન આપવાની શરતે અંગ્રેજી સમાચાર પત્ર હિંદુસ્તાન ટાઇમ્સને જણાવ્યું કે વડા પ્રધાન મોદી જુલાઈની શરૂઆતમાં એક દિવસ માટે રશિયા જશે તેવી આશા છે. કેટલાક અહેવાલો આઠ જુલાઈની તારીખનો ઉલ્લેખ કરી શક્યા છે. જોકે, કોઈ સત્તાવાર જાણકારી મળી નથી.

અન્ય એક વ્યક્તિ કહ્યું કે આ એક રાજકીય નહીં, પરંતુ સત્તાવાર મુલાકાત હશે. આ કારણે જ વધારે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ મુલાકાતમાં ચર્ચાઓ અને બેઠકો પર ભાર રહેશે. આ લોકોએ જણાવ્યું કે ભારત તરફથી સુરક્ષા ચકાસણી માટેની કોઈપણ ટીમ મોકલવામાં આવી નથી, જે વડા પ્રધાનની વિદેશ યાત્રા પહેલાં મોકલવામા આવે છે.

વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિનની છેલ્લી મુલાકાત સપ્ટેમ્બર 2022માં ઉઝબેકિસ્તાનના સમરકંદ યોજાયેલી શાંઘાઈ કોઑપરેશન ઑર્ગેનાઇઝેશન સંમેલનમાં થઈ હતી. વડા પ્રધાન મોદીએ ત્યારે રાષ્ટ્રપતિ પુતિનને યુક્રેન વિવાદને વાતચીતનો રસ્તો અપનાવવા માટે કહ્યું હતું.

આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે રશિયાના પૂર્વ વડા પ્રધાનની ધરપકડ માટે વૉરંટ જાહેર કર્યું

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને સર્ગેઈ શોઇગુ (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને સર્ગેઈ શોઇગુ (ફાઇલ ફોટો)

આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે રશિયાના પૂર્વ વડા પ્રધાન સર્ગેઈ શોઇગુ અને સેના પ્રમુખ વેલેરી ગેરાસિમોવની ધરપકડ માટે વૉરંટ જાહેર કર્યું હતું. તેમના પર યુદ્ધ અને યુક્રેનમાં માનવતા વિરોધ ગુનાના આરોપો છે.

બંને પર રહેણાંક વિસ્તારો અને વીજળી નેટવર્ક પર મિસાઇલ હુમલાના આદેશ આપવાનો આરોપ છે.

રશિયા આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટનું સભ્ય નથી. રશિયાએ આ વૉરંટને રદિયો આપતા કહ્યું કે આ વૉરંટનું કોઈ મહત્ત્વ નથી.

જોકે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે જાહેર કરેલા વૉરંટ દર્શાવે છે કે રશિયાને તેના ગુનાઓની સજા મળશે.

ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે યુદ્ધના ગુનામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ધરપકડ માટે પણ વૉરંટ જાહેર કર્યુ હતું.

વૉટ્સએપ

ચીનનું અવકાશયાન ચંદ્રની જમીનના નમૂના લઈ પૃથ્વી પર પરત ફર્યું

ચીન

ઇમેજ સ્રોત, Getty Images

ચીનનું માનવરહિત અવકાશયાન ચંદ્રના દૂરના અજાણ્યા વિસ્તારોના નમૂના લઈને પૃથ્વી પર પરત આવી ગયું છે. ચાંગ’ઈ-6 લગભગ બે મહિના પછી ઇનર મંગોલિયાના રણપ્રદેશમાં ઊતર્યું.

વૈજ્ઞાનિકો ચાંગ’ઈ-6ની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. કારણ કે ચંદ્રથી લવાયેલા નમૂના તેની ઉત્પત્તિ વિશે કેટલાક મહત્ત્વપૂર્ણ સવાલોના જવાબ આપી શકે છે. ચીન એકમાત્ર દેશ છે જે ચંદ્રના દૂરના ભાગ પર ઊતર્યો છે. ચીનનું અવકાશયાન 2019માં પણ ચંદ્રના દૂરના ભાગ પર ઊતર્યું હતું.

ચંદ્રના આ વિસ્તારમાં અવકાશયાનની લેન્ડિંગ ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. કારણ કે લાંબું અંતર, વિશાળ ખાડાઓ અને ઓછી સપાટ જગ્યાને કારણે અહીં લેન્ડિંગ મુશ્કેલ છે.

વૈજ્ઞાનિકો ચંદ્ર પર અભિયાનો મોકલવામાં એટલા માટે રસ દાખવે છે, કારણ કે તેમને લાગે છે કે ત્યાં બરફના અંશ હોઈ શકે છે, જે ઑક્સિજન, પાણી અને હાઇડ્રોજન બનાવવામાં મદદરૂપ પુરવાર થઈ શકે છે.

ચીન માટે ચાંગ’ઈ-6 અભિયાન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. કારણ કે આ અભિયાનથી ચીન પોતાના પ્રતિસ્પર્ધી અમેરિકાને પડકાર આપી શકે છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ચાંગ’ઈ-6 અભિયાનના કમાન્ડ સેન્ટરના લોકોને અભિનંદન આપવા માટે ફોન કર્યો હતો. જિનપિંગે કહ્યું મને આશા છે કે તમે અવકાશમાં આપણાં અભિયાનો ચાલુ રાખશો.

જિનપિંગ ઉમેર્યું કે મને આશા છે કે વૈજ્ઞાનિકો અવકાશમાં સંશોધનો ચાલુ રાખશે અને બ્રહ્માંડના ભેદને ઉકેલવામાં નવી સફળતાઓ મેળવશે અને માનવતાને લાભ પહોંચાડશે. આ સાથે જ તેઓ રાષ્ટ્રને પણ આગળ વધારશે.

ચાંગ’ઈ-6 મિશનને મે મહિનાની શરૂઆતમાં એક અંતરિક્ષ કેન્દ્રથી લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશનનું લક્ષ્ય ચંદ્રના દૂરના વિસ્તારોમાંથી દુર્લભ પથ્થરો અને માટીના નમૂના એકઠા કરવાનું હતું.

ચીનનું આ અવકાશયાને ચંદ્રના દક્ષિણ ધ્રુવ-એટકેન બેસિન ભાગ પર લેન્ડિંગ કર્યું હતું. આ ભાગને પૃથ્વી પરથી જોઈ શકાતો નથી.

સ્કૉટલૅન્ડના શાહી ખગોળશાસ્ત્રી કૅથરીન હેમૅન્સે આશા વ્યકત કરી છે કે આ નમૂનાનો ઉપયોગ ખગોળ અને ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતોનું પરીક્ષણ કરવા માટે થશે કે 4.5 અબજ વર્ષો પહેલાં ચંદ્ર કેવી રીતે બન્યો અને શું તે પૃથ્વીના ખૂબ જ પ્રારંભિક સમયમાં થયેલી અથડામણને કારણે બન્યો હતો?