You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથ ભાજપમાં જોડાશે? શું ખુલાસો કર્યો?
ભારતીય મીડિયામાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી કમલનાથના ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી છે.
કમલનાથ પોતાના દીકરા અને કૉંગ્રેસના સાંસદ નકુલનાથ સાથે શનિવારે દિલ્હી આવ્યા હતા. દિલ્હીમાં જ ભાજપ કાર્યકારિણીની બેઠક પણ ચાલી રહી છે.
કમલનાથ દિલ્હી પહોંચ્યા, પરંતુ તેમણે મીડિયા સાથેની વાતચીતમાં ભાજપમાં પોતાના જોડાવાના સમાચારની પુષ્ટિ નથી કરી. જોકે, તેમણે આનો ઇનકારેય નથી કર્યો.
મીડિયા દ્વારા પુછાયેલા આ જ સવાલ પર કમલનાથે કહ્યું, “જો કોઈ એવી વાત હશે તો સૌપ્રથમ આપ સૌને જણાવીશ.”
તેમજ મધ્યપ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ જિતુ પટવારીએ કમલનાથ અંગે મીડિયામાં ચાલી રહેલા સમાચારોનું ખંડન કરતાં કહ્યું છે કે, “કમલનાથ અંગે ચાલી રહેલી વાત નિરાધાર છે.”
કમલનાથ છિંદવાડાથી નવ વખત લોકસભા ચૂંટણી જીતનારા કૉંગ્રેસના દિગ્ગજ નેતા છે.
જોકે, ગત બે ચૂંટણીથી તેઓ ત્યાંથી ધારાસભ્ય રહ્યા છે અને તેમના દીકરા નકુલનાથ છિંદવાડાથી સાંસદ છે.
હાલમાં જ કૉંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અશોક ચવ્હાણ ભાજપમાં સામેલ થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અગાઉ પણ જ્યોતિરાદિત્ય સિંધિયા, આરપીએનસિંહ, હાર્દિક પટેલ સહિત મોટા કૉંગ્રેસી નેતા ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે.
ખરાખરીના જંગમાં ભાજપને હરાવી મુખ્ય મંત્રી બન્યા હતા કમલનાથ
કમલનાથની આગેવાનીમાં કૉંગ્રેસે વર્ષ 2018ની મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી સતત ત્રણ ટર્મથી મુખ્ય મંત્રી રહેલા શિવરાજસિંહ ચૌહાણની સરકારને ઘરભેગી કરી હતી.
વર્ષ 2018ની એ ચૂંટણીમાં કૉંગ્રેસ વિધાનસભાની કુલ 230 બેઠકો પૈકી 114 બેઠકો મેળવવામાં સફળ રહી હતી. જ્યારે સત્તાધારી ભાજપને 109 બેઠકો મળી હતી. બંને પાર્ટીઓ બહુમતીના જાદુઈ આંકડાથી દૂર હોવા છતાં મનાય છે કે ‘કમલનાથની ચપળતાથી’ રાજ્યમાં કૉંગ્રેસની સરકાર રચાઈ શકી.
કોણ સરકાર બનાવશે તેની અવઢવમાં કમલનાથે એક માસ્ટરસ્ટ્રોક માર્યો. તેમણે મોડી રાત્રે રાજ્યપાલને ઇ-મેઇલ કર્યો સાથે જ સરકાર રચવાના દાવા સાથે એક વ્યક્તિના હાથે આ કાગળ રૂબરૂ પહોંચતો કરી દીધો. તેમજ સવારે રાજ્યપાલ સમક્ષ 121 ધારાસભ્યોનું સમર્થનપત્ર મૂકીને આખરે સરકાર રચી દીધી.
આ તમામ બાબતોને કારણે રાજકીય પંડિતો કમલનાથને ‘રાજકારણના માસ્ટરમાઇન્ડ’ ગણાવવા લાગ્યા હતા.
જોકે, 2020માં કમલનાથે રાજ્યના મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપવું પડ્યું અને આખરે એ જ સમયે કૉંગ્રેસની સરકારનું પતન થયું.
તમામ મુશ્કેલીઓ છતાં મધ્યપ્રદેશમાં સરકાર રચી બતાવવાને કારણે રાજકારણમાં તેમની આવડતની ચર્ચા થવા લાગી હતી.
જોકે, કમલનાથની ક્ષમતા અને તેની આવડતને લઈને વિરોધીઓને કોઈ શંકા નથી. એ વાત બીજી છે કે કમલનાથ લોપ્રૉફાઇલમાં રહેવાનું પસંદ કરે છે.
ઉલ્લેખનીય છે કે કમલનાથ સંજય ગાંધીના સ્કૂલના મિત્રો હતા. તેમની મિત્રતા સ્કૂલથી શરૂ થઈ અને મારુતિ કાર બનાવવાના સપના સાથે યુવા કૉંગ્રેસની રાજનીતિમાં આવી પહોંચ્યા હતા.
પત્રકાર વિનોદ મહેતાએ પોતાના પુસ્તુક 'સંજય ગાંધી- અનટોલ્ટ સ્ટોરી'માં લખ્યું છે કે યૂથ કૉંગ્રેસના સમયમાં સંજય ગાંધીએ પશ્ચિમ બંગાળમાં કમલનાથને સિદ્ધાર્થ શંકર રે અને પ્રિયરંજન દાસમુંશી વિરુદ્ધ ચૂંટણીમાં ઉતાર્યા હતા.
એટલું જ નહીં જ્યારે કટોકટી બાદ સંજય ગાંધીની ધરપકડ થઈ ત્યારે તેમને કોઈ મુશ્કેલી ના પહોંચે તેનું ધ્યાન રાખવાના ચક્કરમાં જજ સામે ગેરવર્તણૂક કરી.
આ મામલે કમલનાથને તિહાર જેલમાં મોકલી દેવાયા અને ઇંદિરા ગાંધીની 'ગૂડ બુક'માં આવી ગયા.
1980માં કૉંગ્રેસે તેમને પ્રથમ વખત છિંદવાડાથી ટિકિટ આપી હતી.
ત્યારે તેમના ચૂંટણીપ્રચારમાં ઇંદિરા ગાંધીએ કહ્યું હતું, "હું નથી ઇચ્છતી કે તમે કૉંગ્રેસ નેતા કમલનાથને મત આપો. હું ઇચ્છું છું કે તમે મારા ત્રીજા દીકરા કમલનાથને મત આપો."
કૉંગ્રેસને લાંબા સમયથી કવર કરી રહેલા વરિષ્ઠ પત્રકાર મનોરંજન ભારતી કહે છે, "લોકો એવું પણ કહેવા લાગ્યા હતા કે 'ઇંદિરા કે દો હાથ- સંજય ગાંધી ઔર કમલનાથ'".
પ્રથમ ક્યાંથી જીત્યા હતા કમલનાથ?
આદિવાસી વિસ્તારમાં 1980માં પહેલી વાર જીતનારા કમલનાથે છિંદવાડાની પૂરી તસવીર બદલી નાખી હતી.
આ વિસ્તારમાંથી નવ વખત સાંસદ બનનાર કમલનાથે અહીં સ્કૂલ-કૉલેજ અને આઇટી પાર્ક બનાવ્યાં છે.
એટલું જ નહીં સ્થાનિક લોકોને રોજગાર અને કામ ધંધો મળી રહે તે માટે તેમણે વેસ્ટર્ન કૉલફિલ્ડ્સ અને હિંદુસ્તાન યુનીલિવર જેવી કંપનીઓ ખોલાવી.
સાથે જ ક્લૉથ મૅકિંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ડ્રાઇવર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પણ તેમના વિસ્તારમાં શરૂ કરાવ્યાં.
આમ તો સંજય ગાંધીનું મૃત્યુ અને ઇંદિરા ગાંધીની હત્યાએ કમલનાથની રાજકીય કારકિર્દી પર અસર કરી હતી.
જોકે, તેઓ કૉંગ્રેસ અને ગાંધી પરિવારને વફાદાર બની રહ્યા.
1984માં ઇંદિરા ગાંધીની હત્યા બાદ શીખવિરોધી હુલ્લડોમાં તેમનું નામ પણ આવ્યું.
જોકે, તેમાં તેમની ભૂમિકા સજ્જનકુમાર કે જગદીશ ટાઇટલર જેવા નેતાઓની જેમ સ્પષ્ટ થઈ શકી નહીં.
1984ના શીખ વિરુદ્ધનાં હુલ્લડો અને 1996માં હવાલા કાંડને જો અપવાદ માની લેવામાં આવે તો વર્ષો સુધી મહત્ત્વનાં મંત્રાલયો તેમની પાસે રહ્યા છતાંય કમલનાથ કોઈ વિવાદમાં ના પડ્યા.
ઉપરાંત તેમના પર ભ્રષ્ટાચારના કોઈ બીજા ગંભીર આરોપો પણ લાગ્યા નથી.
તેઓ પર્યાવરણ, શહેરી વિકાસ, કૉમર્સ અને ઇન્ડસ્ટ્રી જેવાં મહત્ત્વનાં મંત્રાલયો સંભાળી ચૂક્યા છે.
જ્યારે હવાલા કાંડના આરોપ લાગ્યા
1996માં જ્યારે કમલનાથ પર હવાલા કાંડના આરોપ લાગ્યા ત્યારે પાર્ટીએ છિંદવાડાથી તેમનાં પત્ની અલકાનાથને ટિકિટ આપીને ચૂંટણીમેદાનમાં ઉતાર્યાં હતાં.
તેમનાં પત્ની તો જીતી ગયાં, પરંતુ બીજા વર્ષે પેટાચૂંટણીમાં કમલનાથને હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ છિંદવાડાથી માત્ર એક જ વાર હાર્યા હતા.
ઇંદિરા ગાંધીના મૃત્યુ બાદ કમલનાથ રાજીવ ગાંધીના વિશ્વાસુમાં પણ રહ્યા અને આજની તારીખમાં રાહુલ ગાંધી પણ તેમના પર પૂરો ભરોસો કરે છે.
વાસ્તવમાં, કાનપુરમાં જન્મેલા અને પશ્ચિમ બંગાળમાં વેપાર કરનારા વેપારી પરિવારથી આવતા કમલનાથ ખુદ એક 'બિઝનેસ ટાયકૂન' છે.
તેમનો વેપાર રિયલ એસ્ટેટ, ઍવિએશન, હૉસ્પિટાલિટી અને શિક્ષણનાં ક્ષેત્રો સુધી ફેલાયેલો છે.
આઇએમટી ગાઝિયાબાદના ડાયરેક્ટર સહિત લગભગ 23 કંપનીઓના બોર્ડમાં કમલનાથ સામેલ છે.
આ વ્યવસાય તેમના બે પુત્રો નકુલનાથ અને બકુલનાથ સંભાળે છે.