સીમા હૈદરના પાકિસ્તાની પતિ ગુલામ હૈદરે ભારતમાં કેમ કેસ કર્યો?

    • લેેખક, વિભુરાજ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત

ભારતમાં ગેરકાયદે દાખલ થનાર પાકિસ્તાની મહિલા સીમા હૈદર ફરી એક વાર ચર્ચામાં છે.

આ વખતે પાકિસ્તાનમાં રહેતા સીમા હૈદરના પતિ ગુલામ હૈદરે નોઇડાની ફેમિલી કોર્ટમાં તેમની વિરુદ્ધ તલાક/ન્યાયિક છૂટાછેડાની અરજી દાખલ કરી છે.

નોઇડા ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ બુદ્ધિસાગર મિશ્રાની કોર્ટે પાકિસ્તાની નાગરિક ગુલામ હૈદરની અરજી પર સીમાને 27 મેના રોજ પોતાનો પક્ષ રાખવા માટે હાજર રહેવા કહ્યું છે.

અગાઉ ફેબ્રુઆરી મહિનામાં એવા અહેવાલ આવ્યા હતા કે સીમા હૈદરના પ્રથમ પતિએ પોતાનાં બાળકોને પરત લાવવા માટે એક ભારતીય વકીલની સેવા લીધી છે.

પાકિસ્તાની વકીલ અને માનવાધિકાર કાર્યકર અન્સારી બર્નીએ ભારતીય સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું કે ગુલામ હૈદરે પોતાનાં બાળકોને પરત લાવવામાં મદદ માટે તેમનો સંપર્ક કર્યો હતો.

અન્સારી બર્નીએ કહ્યું કે નિર્ધારિત પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ભારતીય વકીલ અલી મોમિનને રાખ્યા છે અને ભારતમાં કાયદા પ્રક્રિયા શરૂ કરવા તેમને પાવર ઑફ ઍટોર્ની મોકલી દેવાઈ છે.

કોર્ટનું સમન

ગુલામ હૈદર વિરુદ્ધ સીમા હૈદરના મૅટ્રિમોનિયલ કેસ (વૈવાહિક કેસ) નંબર 537/2024 હેઠળ ગૌતમ બુદ્ધનગરમાં પ્રિન્સિપાલ જજ ફેમિલી કોર્ટે સીમા હૈદરના નામથી એક સમન જારી કર્યું છે.

સમન જારી કર્યાની તારીખ 12 એપ્રિલ છે.

ગુલામ હૈદરની ડિવોર્સ પિટિશન પર કોર્ટે પોતાના સમનમાં તેમને ખાનગી રીતે કે પોતાના વકીલના માધ્યમથી 27 મેના રોજ 11 વાગ્યે હાજર રહેવા કહ્યું છે.

ફેમિલી કોર્ટે એ પણ કહ્યું કે કેસ સંબંધિત તમામ મહત્ત્વના સવાલોના જવાબ તેઓ જાતે આપશે અથવા તેમના વકીલ આપશે કે તેમની સાથે એવી કોઈ વ્યક્તિ હશે, જે તેમના સવાલના જવાબ આપવા સક્ષમ હશે.

આ સાથે જ કોર્ટે સુનાવણીની તારીખના દિવસે સીમા હૈદરને પોતાના બચાવમાં જરૂરી પુરાવા, સાક્ષી અને દસ્તાવેજ રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

સીમા હૈદરના વકીલ એપીસિંહે તેમના અસીલને કોર્ટનું સમન મળતા બીબીસી સંવાદદાતા અભિનવ ગોયલે કહ્યું, "હવે સીમાએ સનાતન ધર્મ ગ્રહણ કરી લીધો છે. ભારતમાં રહે છે. જ્યારે તે રોતી હતી ત્યારે કોઈ આંસુ લૂછવાં આવ્યું નહોતું, પરંતુ હવે તે ખુશ છે તો તેને ફરી રોવડાવવા, દુ:ખી કરવા, પરેશાન કરવા માટે આ રીતે તેનું શારીરિક, માનસિક અને નાણાકીય રીતે ઉત્પીડન કરાઈ રહ્યું છે."

કાયદાકીય સવાલ

આ મામલે એ સર્વવિદિત તથ્ય છે કે સીમા હૈદર એક પાકિસ્તાની નાગરિક છે. તેઓ નેપાળના રસ્તે કાયદેસર દસ્તાવેજ વિના ભારત આવ્યાં હતાં અને ભારતીય નાગરિક સચીન મીણા સાથે વિવાહ પહેલાં તેમણે પાકિસ્તાનમાં જ ગુલામ હૈદર સાથે લગ્ન કર્યાં હતાં.

આથી એવો સામાન્ય સવાલ થઈ શકે કે શું કોઈ પાકિસ્તાની નાગરિક પોતાની પાકિસ્તાની પત્નીના વિરુદ્ધ કોઈ ભારતીય કોર્ટમાં તલાકનો કેસ દાખલ કરી શકે. ભારતીય કોર્ટનો જ્યુરિસ્ડિક્શન પર કાયદો શું કહે છે અને આ કેસ સુનાવણીના હિસાબે કેટલો ટકી શકે છે. અમે આવા કેટલાક સવાલોના જવાબ માટે કાયદાના જાણકારો સાથે વાત કરીને સમજવાનો પ્રયાસ કર્યો.

સુપ્રીમ કોર્ટના વકીલ ઑન રેકૉર્ડ્સ અજય વિક્રમસિંહ કહે છે કે કેસ દાખલ કરવા માટે કોઈ સમસ્યા નથી.

અજય વિક્રમસિંહ કહે છે, "કેમ કે પત્ની ભારતમાં રહે છે, આથી પતિ (ગુલામ હૈદર) ભારતીય કોર્ટમાં કેસ દાખલ કરી શકે છે. વિદેશોમાં રહેતાં ભારતીય દંપતી પણ ત્યાંની કોર્ટોમાં વૈવાહિક વિવાદો સંબંધિત કેસ દાખલ કરી શકે છે. કાયદાકીય રીતે આમાં કોઈ સમસ્યા નથી."

ગુલામ હૈદરે કોઈ પાકિસ્તાની કોર્ટમાં આ કેસ કેમ દાખલ ન કર્યો? આ સવાલના જવાબમાં અજય વિક્રમસિંહ કહે છે, "સિવિલ કેસમાં પાકિસ્તાની કોર્ટનું સમન ભારતમાં મોકલી શકાય નહીં. આ મામલામાં બાળકોની કસ્ટડીનો સવાલ પણ હોઈ શકે છે. કેસ દાખલ કરવાની જગ્યાનો નિર્ણય એનાથી પણ નક્કી થઈ શકે કે બાળકો ક્યાં રહે છે. ભારતીય કોર્ટમાં કેસ દાખલ કરવાનું એક કારણ એ પણ હોઈ શકે કે ગુલામ હૈદરનાં બાળકો સીમા સાથે ભારતમાં રહે છે."

જોકે એ સ્પષ્ટ નથી કે ગુલામ હૈદરે પોતાની ડિવોર્સ પિટિશનમાં બાળકોની કસ્ટડીનો મુદ્દો ઉઠાવ્યો છે કે નહીં.

વકીલ સોનાલી કરવાસરા અન્ય કાનૂની પાસાં તરફ ધ્યાન દોરે છે.

તેઓ કહે છે, "ભારતમાં ફેમિલી કોર્ટ લગ્ન અને સગપણના કાયદા અને કેટલાક પર્સનલ લૉથી સંચાલિત છે. મુસ્લિમ પર્સનલ લૉ સાથે જોડાયેલો કાયદો ભારતમાં રહેતા મુસ્લિમ લોકો પર લાગુ થાય છે. આ મામલે સવાલ એ પણ થઈ શકે કે સીમા હૈદરની ભારતમાં રહેવાની કાયદાકીય સ્થિતિ શું છે."

ઍડવોકેટ સોનાલી એ પણ સવાલ કરે છે કે ગુલામ હૈદરે પાવર ઑફ ઍટોર્નીના માધ્યમથી ભારતમાં કેસ તો દાખલ કર્યો છે અને તેઓ આના માધ્યમથી કેસની સુનાવણીમાં ભાગ લઈ શકે છે, પરંતુ સવાલ એ થાય કે તેઓ પ્રમાણ-પુરાવા કેવી રીતે આપશે?

તેઓ સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયનો હવાલો આપી છે, જેમાં ઉચ્ચ ન્યાયાલયે કહ્યું હતું કે પાવર ઑફ ઍટોર્નીધારક એ બાબતો પર ગવાહી ન આપી શકે, જે તેમના અંગત જ્ઞાન સાથે સંબંધિત ન હોય.

આ કેસ કોર્ટમાં ટકી શકશે કે નહીં એ સવાલ પર સોનાલી કહે છે, "સમન જારી કરવાનો એ અર્થ નથી કે આ કેસ મેનટેનેબલ રહેશે અને આગળ ટ્રાયલ થશે."

સીમા હૈદરનો કેસ શું છે?

સીમાને વર્ષ 2019માં ઑનલાઇન પબજી ગેમ રમતાં ગ્રેટર નોઇડા માં રબુપુરમાં રહેતા સચીન મીણા સાથે પ્રેમ થઈ ગયો હતો.

સીમા હૈદરે પોલીસને જણાવ્યું હતું કે ભારતનો વિઝા ન મળતા તેમણે નેપાળનો વિઝા લીધો હતો. તેઓ 10 માર્ચ, 2023માં શારજહાં થઈને નેપાળ પહોંચ્યાં હતાં. અહીં સચીન મીણા તેમને મળવા આવ્યા હતા. બંનેએ કાઠમાંડુના ન્યૂ બસ પાર્ક વિસ્તારમાં આવેલી ન્યૂ વિનાયક હોટલમાં રૂમ લીધો અને અહીં બંને સાત દિવસ રહ્યાં હતાં.

બાદમાં સીમા ગુલામ હૈદર પરત પાકિસ્તાન ચાલ્યાં હતાં. બરાબર બે મહિના બાદ સીમા હૈદર ફરીથી ટૂરિસ્ટ વિઝા લઈને નેપાળ પહોંચ્યાં. આ વખતે સીમાની સાથે તેમનાં ચાર બાળકો પણ હતાં, પણ સચીન ભારતમાં જ હતા.

એફઆઈઆર અનુસાર, પોતાનાં ચાર બાળકો સાથે 13 જુલાઈની રાતે સીમા હૈદર યમુના એક્સપ્રેસ-વે પર ફલૈદા કટ પાસે ઊતર્યાં હતાં, જ્યાં સચીન મીણા તેમની રાહ જોતા હતા.

અહીંથી સચીન, સીમા અને બાળકો ગ્રેટર નોઇડા માં રબુપુરાના આંબેડકર મહોલ્લામાં લઈ ગયાં.

સીમા હૈદર ક્યાંનાં રહેવાસી છે?

સીમા હૈદર પાકિસ્તાનના રિંદ સિંધના ખૈરપુર જિલ્લાનાં રહેવાસી છે. આ વિસ્તાર ખજૂરની ખેતી માટે જાણીતો છે. આ અંતિમ આઝાદ રજવાડું હતું, જે બાદમાં પાકિસ્તાનમાં સામેલ થઈ ગયું.

સીમાના પતિ ગુલામ હૈદર જકોબાબાદના રહેવાસી છે. સીમા અને ગુલામ હૈદર બંને બલોચ છે. ગુલામ હૈદરના મિસ્ડ કૉલનો જવાબ આપ્યા બાદ સીમા રિંદના સંપર્કમાં આવ્યાં હતાં.

બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને પછી તેમણે પ્રેમનો એકરાર કર્યો હતો.

લગ્નમાં આવતી અડચણો જોઈને સીમાએ પોતાનું ઘર છોડી દીધું હતું. ઘર છોડ્યા બાદ સીમાએ ગુલામ હૈદર સાથે કોર્ટમાં લગ્ન કર્યાં હતાં.

મામલો પંચાયતમાં ગયો અને ગુલામ હૈદરના પરિવારને દંડ ભરવો પડ્યો હતો.

પત્નીના કહેવા પર ગુલામ હૈદર કરાચી ચાલ્યા ગયા, જ્યાં તેઓ ઑટો રિક્ષા ચલાવી અને મજૂરી કરીને ખર્ચો કાઢતા હતા અને વર્ષ 2019માં કામ માટે સાઉદી અરેબિયા ગયા હતા.