પૂર્વ લદાખમાં ઘર્ષણ ઘટાડવા માટે ભારત-ચીન વચ્ચે યોજાઈ બેઠક
પૂર્વ લદાખની કેટલીક જગ્યાઓ પર ચાલી રહેલા ઘર્ષણને ઘટાડવા માટે ફરી એક વખત ભારત અને ચીન વચ્ચે વાતચીત યોજાઈ છે. 11 માર્ચે ભારત-ચીન વચ્ચે કૉર્પ કમાન્ડર લેવલની 15મા રાઉન્ડની બેઠક ચુશુલ-મોલ્દો બૉર્ડર પૉઇન્ટ પર યોજાઈ.
આ પહેલાં 12 જાન્યુઆરીએ 14મા રાઉન્ડની વાતચીત થઈ હતી. જે દરમિયાન પશ્ચિમના ક્ષેત્રમાં એલએસી સાથે જોડાયેલા મુદ્દાના સમાધાન માટે વાતચીત થઈ હતી અને તાજેતરની બેઠકમાં તે જ મુદ્દાને આગળ વધારવા ચર્ચા કરવામાં આવી.
બન્ને પક્ષો વચ્ચે બાકીના બચેલા મુદ્દાના જલદીથી જલદી સમાધાન પર વિસ્તૃત વિચારવિમર્શ કરવામાં આવ્યો. બન્ને પક્ષો પશ્ચિમ સૅક્ટરમાં સુરક્ષા અને સ્થિરતાને ટકાવી રાખવા સહમત થયા.
એ વાત પર પણ સહમતિ થઈ કે બન્ને પક્ષોમાં સૈન્ય અને રાજકીય વાટાઘાટો જારી રહેશે. જેથી બાકીના મુદ્દાઓ પર પણ સમાધાન સુધી પહોંચી શકાય
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, વાતચીતમાં હૉટ સ્પ્રિંગ ક્ષેત્રોમાં સૈનિકો હઠાવવાની પ્રક્રિયાને આગળ વધારવા પર જોર આપવામાં આવ્યું. ભારતની તરફથી બેઠકની કમાન લૅફ્ટનન્ટ જનરલ અનિંદ્ય સેનગુપ્તા સંભાળી રહ્યા હતા.