You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

યુક્રેનની રાજધાની પાસે રશિયન હેલિકૉપ્ટર તોડી પડાયું, 'ચેર્નોબિલને કબજે કરવાનો રશિયાનો પ્રયત્ન'

યુક્રેનની રાજધાની કીએફ પાસે હોસ્ટોમેલ ઍરપૉર્ટ પર લડાઈ દરમિયાન એક રશિયન સૈન્યનું હેલિકૉપ્ટર તોડી પડાયાના વીડિયોની બીબીસીએ પુષ્ટિ કરી છે.

લાઇવ કવરેજ

  1. બ્રેકિંગ, યુક્રેન: બેલારુસ તરફથી સૈનિકોનું આગમન શરૂ

    અહેવાલો પ્રમાણે, યુક્રેનિયન સત્તાધીશો જણાવે છે કે બેલારુસના સૈનિકો રશિયન હુમલામાં જોડાઇ રહ્યા છે.

    તેનો અર્થ એમ થાય છે કે ઉત્તર તરફથી પણ યુક્રેન પર હુમલો શરૂ થઇ શકે છે.

    બેલારુસ યુક્રેનની ઉત્તરમાં આવેલું છે. જોકે, તે શરૂઆતથી રશિયાની સાથે છે. ઉત્તર તરફથી યુક્રેનને ઘેરવા ઉપરાંત રશિયાએ પૂર્વ અને દક્ષિણની સીમાઓ પર પણ સૈનિકો તહેનાત કર્યા છે.

  2. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે કહ્યું, તાત્કાલિક તણાવ ઓછો કરવાની જરૂર છે

    પૂર્વ યુક્રેનમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સૈન્યકાર્યવાહીની ઘોષણા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષાપરિષદે કટોકટીની બેઠક બોલાવી છે.

    આ બેઠકમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિએ ફરીથી એ જ વાત કહી કે તાત્કાલિક તણાવ ઓછો કરવાની જરૂર છે.

    ટી. એસ. તિરુમૂર્તિએ કહ્યું, "બે દિવસ પહેલા જ સુરક્ષા પરિષદમાં યુક્રેનની સ્થિતિ પર વાત થઈ અને ભારતે તાત્કાલિક તણાવ ઓછો કરવાની અને વાટાઘાટ દ્વારા તમામ મુદ્દાના સમાધાનની વાત કહી હતી, પરંતુ અફસોસ કે આંતરરાષ્ટ્રીય સમુદાયની તણાવ ઓછો કરવાની માગને સાંભળવામાં ન આવી."

    તેમણે કહ્યું, "તેને લઇને અમે ચિંતાતુર છીએ. જો પરિસ્થિતિ સાવધાનીથી ન સંભાળવામાં આવી તો ક્ષેત્રની શાંતિ અને સ્થિરતા પર ખતરો ઊભો શકે છે. અમે તાત્કાલિક તણાવ ઓછો કરવાની માગ કરીએ છીએ."

  3. યુક્રેનની રાજધાની કીવમાં બીબીસીના સંવાદદાતાએ સાંભળ્યો બૉમ્બબ્લાસ્ટનો અવાજ

    બીબીસીના રાજદ્વારી સંવાદદાતા પૉલ ઍડમ્સ પ્રમાણે, સવારે પાંચ વાગ્યાની આસપાસ કીવમાં પહેલી વખત બ્લાસ્ટનો અવાજ સાંભળવા મળ્યો હતો. ત્યાર બાદ ચાર-પાંચ વખત અવાજ આવ્યો.

    છેલ્લે સંભળાયેલો ધડાકો એકદમ નજીક હતો, પરંતુ તે શહેરી વિસ્તારમાં ન હતો. એક અહેવાલ દર્શાવે છે કે ઍરપૉર્ટ પર હુમલો થયો હોઇ શકે છે.

    વિદેશી પત્રકારો સાથે વાત કરતાં એક સરકારી પ્રતિનિધિએ જણાવ્યું કે, મિલિટરી હૅડક્વૉટર અને ઍરફીલ્ડને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

  4. બ્રેકિંગ, રશિયાએ યુક્રેન પર મિસાઇલ હુમલા કર્યા, યુક્રેને માર્શલ લૉ લાગુ કરવા બેઠક બોલાવી

    સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ પુષ્ટિ કરી છે કે રશિયાએ યુક્રેન પર મિસાઇલ હુમલા કર્યા છે.

    તેમણે કહ્યું કે રશિયાએ યુક્રેનનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સીમાસુરક્ષાબળો પર આ હુમલા કર્યા છે.

    તો બીજી બાજુ યુક્રેનના રાષ્ટ્રપતિએ નેશનલ સિક્યૉરિટી અને ડિફેન્સ કાઉન્સિલની બેઠક બોલાવી છે.

    આ બેઠક યુક્રેનમાં માર્શલ લૉ લાગુ કરવા માટે બોલાવવામાં આવી છે. જેમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.

  5. પુતિને પૂરજોશમાં ઘૂસણખોરી શરૂ કરી: યુક્રેનના વિદેશમંત્રી

    યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, પુતિને પૂરજોશમાં યુક્રેનમાં ઘૂસણખોરી શરૂ કરી છે.

    તેમણે આગળ લખ્યું કે, પુતિનને ડર છે કે યુક્રેન ખુદનો બચાવ કરશે અને સમગ્ર વિશ્વ પુતિનને રોકશે.

    સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે, સંયુક્ત રાષ્ટ્રમાં યુક્રેનના રાજદૂતે કહ્યું કે, રશિયાના સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિએ પુષ્ટિ કરી છે કે તેમના રાષ્ટ્રપતિએ અમારા દેશ વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું છે.

  6. રશિયા અને યુક્રેન વચ્ચે પરિસ્થિતિ આ હદ સુધી કઈ રીતે વણસી?

    રશિયાએ તેના જ પાડોશી રાષ્ટ્ર યુક્રેન પર સૈન્યકાર્યવાહીની જાહેરાત કરી છે. યુક્રેનની સરહદ પર તૈનાત લગભગ એક લાખ રશિયન સૈનિકોએ આગેકૂચ શરૂ કરી છે. આ પૂર્વે પુતિને યુદ્ધની સંભાવનાઓ યુક્રેનના બે અલગાવવાદી વિસ્તારોને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો જાહેર કર્યો હતો.

  7. બ્રેકિંગ, યુક્રેન પર કબજો કરવાનું કોઇ આયોજન નથી: પુતિન

    રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે સવારે એક ટેલિવિઝન સ્પીચમાં રશિયન નાગરિકોને સંબોધિત કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે રશિયાનું યુક્રેન પર કબજો કરવાનું કોઇ આયોજન નથી.

    તેમણે એક વિશેષ સૈન્યકાર્યવાહીની જાહેરાત કરતાં કહ્યું હતું કે યુક્રેનનાં લોકોને દેશ કોણ ચલાવશે તેની મુક્તપણે પસંદગી કરવાનો અધિકાર મળવો જોઇએ.

    આ ટેલિવિઝન પર સ્પીચ દરમિયાન પુતિને યુક્રેનિયન સૈનિકોને આત્મસમર્પણ કરવા પણ કહ્યું હતું.

    આ સાથે પુતિને યુક્રેનને ચેતવણી આપી હતી કે લોહિયાળ પરિસ્થિતિ માટે તેઓ જવાબદાર રહેશે.

  8. બ્રેકિંગ, રશિયામાં અને યુક્રેનના અલગતાવાદી વિસ્તાર દોનેત્સ્કમાં સંભળાયા બ્લાસ્ટના અવાજ

    બીબીસીના પૂર્વ યુરોપ સંવાદદાતા સારા રેન્સફૉર્ડે કહ્યું છે કે, પૂર્વ યુક્રેનના અલગતાવાદી વિસ્તાર દોનેત્સ્કમાં એક મોટા બ્લાસ્ટનો અવાજ સાંભળવામાં આવ્યો છે.

    જ્યારે સમાચાર એજન્સી રૉયટર્સે એક પ્રત્યક્ષદર્શીને ટાંકીને જણાવ્યું કે, દક્ષિણ પશ્ચિમ રશિયામાં આવેલા બેલોગોરોડ પ્રાંતમાં પણ એક મોટા ધડાકાનો અવાજ સાંભળવા મળ્યો છે.

    આ પ્રાંત રશિયા-યુક્રેન બોર્ડરની એકદમ નજીકમાં જ આવેલો છે.

  9. બ્રેકિંગ, રશિયાએ પૂર્વ યુક્રેનના ઍરસ્પેસ બંધ કર્યા - મૉનિટરિંગ ગ્રૂપ

    રશિયા-યુક્રેન તણાવ વચ્ચે રશિયાએ એક સિવિલ ઍવિએશન નોટિસ જારી કરી છે. રશિયાએ પોતાની સીમા સાથે જોડાયેલ પૂર્વ યુક્રેનનાં તમામ હવાઈ ક્ષેત્રોને બંધ કર્યાં છે.

    રશિયાએ જારી કરેલી સિવિલ ઍવિએશન નોટિસમાં જણાવાયું છે કે, રશિયા પોતાની સીમા સાથે જોડાયેલ પૂર્વ યુક્રેનનાં હવાઈ ક્ષેત્રો બંધ કરી રહ્યું છે.

    એક મૉનિટરિંગ ગ્રૂપે આ વાત કહી છે.

    ‘ધ ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ મૉનિટર’નું કહેવું છે કેરશિયાની તરફથી આ ‘નોટિસ ટૂ ઍરમેન’માં સમય-સીમા અથવા તો સમાપ્તિના સમયનો ઉલ્લેખ નથી કરાયો.

    મૉનિટરિંગ ગ્રૂપનું કહેવું છે કેઍરલાઇન્સે યુક્રેન સંઘર્ષવાળા વિસ્તારો પરથી ઉડાન ભરવી બંધ કરી દેવી જોઈએ.

    આ ગ્રૂપની વેબસાઇટ પર લખવામાં આવ્યું છે કેયુક્રેનમાં રશિયન સેનાની કાર્યવાહીના કારણે યુક્રેનમાં તણાવ અને અનિશ્ચિતતાનો માહોલ છે. જેથી નાગરિક ઉડ્ડયનને લઈને સંભવિત ભયની આશંકા વધી ગઈ છે.

  10. બ્રેકિંગ, પુતિને દૉનબાસમાં સૈન્યકાર્યવાહીની જાહેરાત કરી, યુક્રેનિયન સૈનિકોને આત્મસમર્પણ કરવા કહ્યું

    રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના દૉનબાસ પ્રાંતમાં સૈન્યકાર્યવાહીની જાહેરાત કરી છે.

    તેમણે આ જાહેરાત એક ટેલિવિઝન સ્પીચ દરમિયાન કરી હતી. જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષાપરિષદ દ્વારા તેમને હુમલો ન કરવા અપીલ કરવામાં આવી હતી.

    ગુરુવારે સવારે ટેલિવિઝન પર સ્પીચ આપતી વખતે પુતિને યુક્રેનિયન સૈનિકોને સરેન્ડર કરવા કહ્યું હતું.

    આ સાથે પુતિને યુક્રેનને ચેતવણી આપી હતી કે, લોહિયાળ પરિસ્થિતિ માટે તેઓ જવાબદાર રહેશે.

  11. નમસ્કાર! બીબીસીની ગુજરાતી સેવા પર આપનું સ્વાગત છે.