રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ગુરુવારે સવારે યુક્રેન પર વિશેષ સૈન્યઅભિયાનની જાહેરાત કરી છે.
જ્યાર બાદ વૈશ્વિક સ્તર પર ઘટનાક્રમ બહુ ઝડપથી બદલાઈ રહ્યો છે જેની બજાર પર પણ અસર પડી રહી છે.
વધતા તણાવના કારણે કાચા તેલની કિંમત 100 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની જાહેરાત બાદ સાત વર્ષોનો રેકૉર્ડ તૂટી ગયો છે.
ગત સાત વર્ષમાં આવું પહેલી વખત થયું કે તેલની કિંમત 100 ડૉલર પ્રતિ બેરલની ઊપર પહોંચી ગઈ છે.
આક્રમણના સમાચારની અસર એશિયન શૅર માર્કેટ પર પણ જોવા મળી રહી છે. જ્યાં શૅર માર્કેટ બેથી ત્રણ ટકા નીચે આવ્યું છે.
જોકે ગત કેટલાક દિવસોમાં વૈશ્વિક સ્તર પર વધતા તણાવની અસર બજારને પણ પ્રભાવિત કરી રહી છે.
બીબીસી એશિયા બિઝનેસ સંવાદદાતા મૈરિકો ઓઈ અનુસાર, રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ ભાગી રહ્યા છે. સોનાની કિંમત એક વર્ષના સૌથી ઊંચા સ્તર પર પહોંચી ગઈ છે.
આ સિવાય અમેરિકન ડૉલર અને જાપાનની કરન્સી યેન મજબૂત થઈ છે.
બિઝનેસ ઇન્સાઇડરના સમાચાર અનુસાર, રશિયા-યુક્રેન સંકટની અસર ભારતીય બજાર પર પણ પડી છે.
ગુરુવારના ભારતીય બજાર ક્રૅશ થઈ ગયું હતું.
ગુરુવારના સૅન્સેક્સ 1428.34 અંક નીચે આવી ગયું હતું અને 55,803.72 પર ખૂલ્યું હતું . નિફ્ટી 413.35 અંક નીચે આવીને 16,647 પર ખૂલ્યું.