ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું આજે પરિણામ, 8 વાગ્યે મતગણતરી શરૂ થશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું આજે ગુરૂવારે પરિણામ છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થવા જઈ રહી છે.
સવારે 8:00 વાગે સૌપ્રથમ પોસ્ટલ બૅલેટની ગણતરી કરાશે અને 8:30 વાગ્યાથી પોસ્ટલ બૅલેટની સાથે સાથે ઈવીએમના મતોની ગણતરી પણ શરૂ કરાશે.
રિટર્નિંગ ઑફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી ઈવીએમબહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં ગોઠવવામાં આવશે.
મત ગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસનો પહેરો હશે. મતગણતરી લોકેશન પર એસઆરપીએફ અને મતગણતરી કેન્દ્રના દરવાજાની બહાર સીએપીએફનો ચુસ્ત બંદોબસ્ત હશે. ફરજ પરના અધિકારીઓ અને ખાસ મંજૂરી પ્રાપ્ત રાજકિય પ્રતિનિધિઓ સિવાય વ્યક્તિ કે વાહનને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોની મતગણતરી થશે.
મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી અનુસાર, રાજ્યના 37 કેન્દ્રો પર મતગણતરી શરૂ થશે.
સમગ્ર મતગણતરી પ્રક્રિયા માટે 182 કાઉન્ટિંગ ઑબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 492 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે.
મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં 03 મતગણતરી કેન્દ્રો પર, સુરતમાં 02 મતગણતરી કેન્દ્ર પર અને આણંદમાં પણ 02 મતગણતરી કેન્દ્રો છે. એ સિવાય તમામ જિલ્લાઓમાં એક-એક મતગણતરી કેન્દ્ર ઉપર એકસાથે મતગણતરી શરૂ કરાશે.
પી. ભારતીએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર મતગણતરી પ્રક્રિયા માટે 182 કાઉન્ટિંગ ઑબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. મતગણતરી માટે વધારાના 78 મદદનીશ ચૂંટણી અધિકારી હશે. આ ઉપરાંત 71 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બૅલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે.
પી. ભારતીએ વધુ માહિતી આપતા બુધવારે જણાવ્યું હતું કે, મતદાન કેન્દ્રના દરેક ટેબલ પર એક માઈક્રો-ઑબ્ઝર્વર, કાઉન્ટીંગ સુપરવાઈઝર અને કાઉન્ટીંગ આસિસ્ટન્ટને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત કાઉન્ટીંગ હૉલમાં બે માઈક્રો-ઑબ્ઝર્વર મૂકવામાં આવશે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે.