વડા પ્રધાન મોદીએ કહ્યું "કૉંગ્રેસમાં મને અપશબ્દ કહેવાની હોડ લાગી છે"
ગુજરાતમાં 89 વિધાનસભા બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે ત્યારે બીજા તબક્કા માટે ચૂંટણીપ્રચાર ચાલી રહ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી રેલીમાં કહ્યું કે કૉંગ્રેસમાં તેમને ગાળો આપવાની સ્પર્ધા ચાલી રહી છે.
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર વડા પ્રધાન મોદીએ કહ્યું કે, "કૉંગ્રેસમાં સ્પર્ધા ચાલી રહી છે કે કોણ મોદીને વધારે અપશબ્દો કહે."
પંચમહાલ જિલ્લાના કાલોલમાં વડા પ્રધાન મોદીએ એક રેલીને સંબોધિત કરતાં કહ્યું, "ભારત મોબાઇલની દુનિયામાં આટલી મોટી ક્રાંતિ કરી શકશે એ 2014 પહેલાં કોઈએ વિચાર્યું નહોતું. 2014માં તમે મને દિલ્હી મોકલ્યો ત્યારે ફોન બનાવનારી બે ફેકટરી હતી, આજે 200થી વધારે ફેકટરી છે."
તેમણે વધુમાં કહ્યું કે, "હું તો ગુજરાતનો દીકરો છું, તમે મને જે ગુણ આપ્યા છે, તે ગુણ લઈને કામ કરી રહ્યો છું, આ કૉંગ્રેસવાળાને ગુજરાતે મને જે શક્તિ આપી છે, એ ખટકે છે. જે મોદીને તમે ઘડ્યો એ મોદીનું અપમાન તમારું અપમાન છે કે નહીં?"
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પંચમહાલના કાલોલમાં એક ચૂંટણી રેલીમાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર નિશાન સાધ્યું.
તેમણે કહ્યું કે "એક કૉંગ્રેસ નેતાઓ કહ્યું કે અમે મોદીને તેની ઔકાત બતાવશું. અમારી શું ઔકાત છે? અમે સેવક છીએ.... તેમને નથી ખબર કે ગુજરાત રામભક્તોની ધરતી છે. કૉંગ્રેસ હાઈ કમાને નવા અધ્યક્ષને ગુજરાત આવવાનું કહ્યું અને કહ્યું કે મોદી સો માથાંવાળો રાવણ છે. અમે જાણીએ છીએ કે કૉંગ્રેસ ભગવાન રામની ઓળખને પણ નથી માનતી. તેમને અયોધ્યાના રામ મંદિર પર કોઈ શ્રદ્ધા નથી. તેમણે રામસેતુના અસ્તિત્વને પણ નહોતા માનતા પણ હવે તેઓ રામાયણથી રાવણને લઈ આવ્યા.”
મોદીએ કહ્યું કે "મારા માટે આવા અપશબ્દોથી મને આશ્ચર્ય નથી. મને આશ્ચર્ય છે કે કૉંગ્રેસ પાટી અને તેના ટોચના નેતાઓ ક્યારેય આધિકારિક રીતે માફી નથી માગતા...જોકે, કૉંગ્રેસ પાટી વિચારે છે કે તેમને આ દેશના વડા પ્રધાનનું અપમાન કરવાનો અધિકાર છે. જો તેમને લોકશાહીમાં કોઈ શ્રદ્ધા હોત તો તેઓ આવું ન કરતા હોત. તેમને લોકશાહીમાં નહીં પણ એક જ પરિવારમાં શ્રદ્ધા છે”.