You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

બીટીપીના સંસ્થાપક અને આદિવાસી નેતા છોટુ વસાવાની કેજરીવાલ સાથે મુલાકાત

ગુજરાતની વિધાનસભા ચૂંટણી પહેલાં બીટીપીના સંસ્થાપક અને આદિવાસી નેતા છોટુ વસાવાએ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી.

લાઇવ કવરેજ

  1. ભારતના પ્રથમ મુસ્લિમ ગૃહમંત્રીની પુત્રીનું અપહરણ, જે કાશ્મીરની કહાણીનું ટર્નિંગ પૉઇન્ટ બન્યું

  2. ભારતમાં મોંઘવારી આટલી કેમ વધી રહી છે અને ક્યારે મળશે રાહત?

  3. પુતિનની બે દીકરીઓ કોણ, જેમના પર અમેરિકાએ લાદ્યો છે પ્રતિબંધ

  4. 'કોઈની હિંમત નથી કે ભારત દેશને કંઈ બોલી શકે', ઇમરાન ખાને રાષ્ટ્રજોગ સંબોધનમાં શું કહ્યું?

  5. બીબીસી ગુજરાતીનું લાઇવ કવરેજ સમાપ્ત

    ગુજરાત, દેશ અને દુનિયાના સમાચાર માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.

    અર્જુન પરમાર, હરિતા કાંડપાલ અને સુરેશ ગવાણિયા તરફથી નમસ્રકાર !

  6. 'સરકારે જજોને બદનામ કરવાનું શરૂ કર્યું છે, આ દુર્ભાગ્યપૂર્ણ છે'- ચીફ જસ્ટિસ એન.વી.રમન્ના

    સુપ્રીમ કોર્ટે શુક્રવારના કહ્યું કે સરકાર તરફથી જજોને બદનામ કરવાનું નવું ચલણ શરૂ થયું છે. કોર્ટે આને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે.

    ચીફ જસ્ટિસ એનવી રમન્નાની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બૅન્ચે છત્તીસગઢ સરકાર અને એક કાર્યકર તરફથી દાખલ બે અરજીઓ પર સુનાવણી વખતે આ ટિપ્પણી કરી હતી. અરજીમાં હાઈકોર્ટના નિર્ણયને પડકાર આપવામાં આવ્યો છે.

    સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે,“તમે જે લડાઈ લડી રહ્યા છો, તે બરાબર છે, પરંતુ કોર્ટને બદનામ કરવાનો પ્રયત્ન ન કરો. હું આ કેસમાં પણ જોઈ રહ્યો છું, આ એક નવું ચલણ છે.”

    રાજ્ય સરકાર તરફથી દલીલ સીનિયર એડવોકેટ રાકેશ દ્વિવેદી કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ આ પૉઇન્ટ પર બિલ્કુલ દબાણ નથી કરી રહ્યા.

    એવામાં તેમને ચીફ જસ્ટિસે ભારપૂર્વક કહ્યું, ''અમે રોજ જોઈ રહ્યા છીએ. તમે વરિષ્ઠ વકીલ છો, તમે વધુ જોયું છે. આ એક નવું ચલણ છે. સરકારે જજોને બદનામ કરવાનું શરૂ કર્યું છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે.''

  7. આદિવાસી નેતા છોટુ વસાવાની દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત

    ગુજરાતની વિધાનસભા ચૂંટણી પહેલાં બીટીપીના સંસ્થાપક અને આદિવાસી નેતા છોટુ વસાવાએ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી.

    છોટુ વસાવા સાથે તેમના પુત્ર મહેશ વસાવા પણ હાજર રહ્યા હતા. જોકે આને શુભેચ્છા મુલાકાત ગણાવાઈ રહી છે, પણ આ મુલાકાતથી અનેક રાજકીય અટકળો પણ થવા લાગી છે.

    ઉલ્લેખનીય છે કે પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત બાદ પાર્ટી ગુજરાતની વિધાનસભા ચૂંટણી માટે સક્રિય થઈ છે. અગાઉ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને પણ અમદાવાદમાં રોડ શો કર્યો હતો.

  8. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ફસાયેલાં ભારતીય ગર્ભવતી મહિલાની કહાણી

  9. મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદને 32 વર્ષ જેલની સજા

    ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર પાકિસ્તાનની ઍન્ટી ટેરરિસ્ટ કોર્ટે (એટીસી) મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ અને જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદને આતંકવાદને ફંડિગના બે વધુ કેસમાં 32 વર્ષ જેલની સજા ફટકારી છે.

    સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર અદાલતે હાફિઝ સઈદ પર 3,40,000 પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

    એટીસીના જજ એજાઝ અહમદ ભુટ્ટરે શુક્રવારે હાફિઝ સઈદને પંજાબ પોલીસના કાઉન્ટર ટેરરિઝ્મ ડિપાર્ટમેન્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી બે એફઆઈઆરના કેસમાં 32 વર્ષની જેલની સજા સંભળાવી.

    હાફિઝ સઈદને એક એફઆઈઆરમાં 15.5 વર્ષ અને બીજી એફઆઈઆરમાં 16.5 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

    અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા હાફિઝ સઈદ ઉપર 20 મિલિયન ડૉલરનું ઇનામ રાખવામાં આવ્યું હતું. હાફિઝ સઈદની જુલાઈ 2019ના ધરપકડ કરવામાં આવી હતી. જમાત-ઉદ-દાવા લશ્કરે-તૈયબાની સંસ્થા છે જેનો 26/11ના મુંબઈ હુમલાની પાછળ હાથ હતો, આ હુમલામાં 166 લોકોનો ભોગ લેવાયો હતો જેમાં છ અમેરિકન નાગરિકો હતા.

  10. સીરમ ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યું કે કોવિશીલ્ડના બૂસ્ટર ડોઝના ભાવ શું હશે?

    કોરોના મહામારી સામે લડતમાં શુક્રવારે બે મોટી જાહેરાતો થઈ.

    ભારત સરકારે 18 વર્ષથી વધારે ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવાની અનુમતિ આપી દીધી છે.

    બીજી તરફ કોરોના વૅક્સિન બનાવનાર કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (એસઆઈઆઈ)એ કહ્યું કે 600 રૂપિયામાં કોવિશિલ્ડનો બૂસ્ટર ડોઝ મળી શકશે.

    અગાઉ આરોગ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું હતું કે '18 વર્ષથી વધારે ઉંમરના લોકો 10 એપ્રિલથી કોઈ પણ ખાનગી રસીકરણ કેન્દ્ર પર બૂસ્ટર ડોઝ મુકાવી શકે છે.' આરોગ્ય મંત્રાલય અનુસાર 18 વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના એ લોકોને બૂસ્ટર ડોઝ મળી શકે છે, જેમણે બીજો ડોઝ નવ મહિના પહેલાં લીધો હોય.

  11. ગુજરાતમાં ભારે ગરમી તો બીજી તરફ પડશે વરસાદ, ચોમાસું કેવું રહેશે?

  12. યુક્રેનમાં રેલવે સ્ટેશન પર હુમલામાં 30 લોકોનાં મૃત્યુ, ઝૅલેન્સ્કીએ કહ્યું 'રશિયા છળથી જનતાનો વિનાશ કરી રહ્યું છે'

    યુક્રેનમાં એક રેલવે સ્ટેશન પર રશિયાના રૉકેટ હુમલામાં 30 થી વધારે લોકોનું મૃત્યુ થયું છે અને 100થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. સરકારી રેલવે કંપનીએ આ માહિતી આપી છે.

    રશિયાએ આ હુમલો ક્રામાટોર્સ્ક સ્ટેશન પર કર્યો છે. રશિયાના હુમલા વચ્ચે ક્રામાટોર્સ્ક એવા રેલવે સ્ટેશન્સમાંથી એક છે જે કાર્યરત હતું.

    યુક્રેનમાં રેલવેના પ્રમુખે કહ્યું છે કે સ્ટેશન પર બે રૉકેટથી હુમલો થયો. ક્રામાટોર્સ્ક એવું સ્ટેશન હતું જે પૂર્વીય યુક્રેનથી બહાર નીકળવા માટે મહત્ત્વપૂર્ણ હતું. ડોનેત્સ્કના સ્થાનિક ગવર્નરે કહ્યું કે પોલીસ અને બચાવકર્મીઓને મોટી સંખ્યામાં લોકોના મૃતદેહો અને અનેક લોકો ઈજાગ્રસ્ત મળ્યા છે.

    તેમણે દાવો કર્યો કે જ્યારે આ સ્ટેશન પર હુમલો થયો ત્યારે અહીંયા હજારો લોકો હાજર હતા

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ ક્રામાતોર્સ્ક સ્ટેશન પર રશિયાના હુમલાની ટીકા કરી હતી.

    ઇન્સ્ટાગ્રામ પર તેમણે લખ્યું કે, "તેમનામાં અમારી સામે લડાઈના મેદાનમાં ઊભા રહેવાની શક્તિ અને સાહસની કમી છે અને તેઓ છળથી જનતાનો વિનાશ કરી રહ્યા છે."

    "આ ક્રૂરતાની કોઈ સીમા નથી. અને જો આની સજા નહીં થાય તો આ ક્યારેય બંધ નહીં થાય."

  13. ભારતમાં 10 એપ્રિલથી 18 વર્ષ કરતાં વધુ વયના લોકોને કોરોનાની રસીનો બૂસ્ટર ડોઝ આપવાની શરતી મંજૂરી અપાઈ

    કોરોના વિરુદ્ધ જંગમાં વધુ એક કદમ લેતાં ભારત સરકારે 18 વર્ષ કરતાં વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવાની મંજૂરી આપી દીધી છે.

    સ્વાસ્થ્યમંત્રાલય પ્રમાણે આ આયુ વર્ગના લોકો 10 એપ્રિલથી કોઈ પણ ખાનગી રસીકરણ કેન્દ્ર પર બૂસ્ટર ડોઝ મુકાવી શકશે.

    આવશે, જેમણે રસીની બીજો ડોઝ મુકાવ્યાને નવ મહિના થઈ ગયા છે. સરકારે એવું પણ સ્પષ્ટ કર્યું છે કે સરકારી વૅક્સિનનેશન સેન્ટરો પર પ્રથમ અને બીજા ડોઝ મળતા રહેશે. સાથે જ 60 કે તેથી વધુ વયના લોકો, હેલ્થવર્કર, ફ્રન્ટલાઇન વર્કરોને સરકારી સેન્ટરો પર રસી મળતી રહેશે.

  14. ફ્રાન્સની ચૂંટણી : રાષ્ટ્રપતિ મેક્રોંને પ્રતિસ્પર્ધી લે પેન તરફથી આકરી ટક્કર મળવાનું અનુમાન, વધતી જતી મોંઘવારીને મુદ્દો બનાવી લે પેન લોકો વચ્ચે જગ્યા બનાવવામાં ઘણી હદે સફળ થયાં હોવાનો મત વ્યક્ત કરાઈ રહ્યો છે.

    ફ્રાન્સના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ મેક્રોંના પ્રતિસ્પર્ધી તરીકે ઊતરવા માટે રવિવારે યોજાયેલ પ્રથમ રાઉન્ડ બાદ સ્પષ્ટપણે મરિન લે પેન ફૅવરિટ તરીકે સામે આવ્યાં છે. જો તેઓ 24 એપ્રિલના રોજ યોજાનાર રન-ઑફમાં ભાગ લેવા માટે પસંદગી પામે છે તો ઑપિનિયન પૉલ પ્રમાણે તેઓ ફ્રાન્સમાં સત્તાપલટો કરે તેવી સંભાવના પ્રબળ છે.

    તેઓ નેશનલ રેલીનાં નેતા છે.

    વધતી જતી મોંઘવારીને મુદ્દો બનાવી લે પેન લોકો વચ્ચે જગ્યા બનાવવામાં ઘણી હદે સફળ થયાં હોવાનો મત વ્યક્ત કરાઈ રહ્યો છે.

    મરિન લે પેને કામકાજી ગરીબોને મદદ કરવાનો વાયદો કર્યો છે, જે કારણે તેમની લોકપ્રિયતામાં વૃદ્ધિ થઈ હોવાનું મનાઈ રહ્યું છે.

    ઘણા મતદારો, નિષ્ણાતો અને જાણકારોએ પણ મરિન જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

  15. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાંથી બાદબાકી પર રશિયાએ શી પ્રતિક્રિયા આપી?

    સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ગુરુવારે રશિયાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાંથી નિલંબિત કરી દીધું હતું. આ બાદ રશિયાએ કહ્યું છે કે આ નિર્ણય પશ્ચિમના દેશોની પ્રાથમિકતાઓને ધ્યાનમાં લઈને કરાયો છે ના કે માનવાધિકારોની સ્થિતિના આધારે.

    સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના મિશને સોશિયલ મીડિયા પર નિવેદન જારી કર્યું. તેમાં કહેવાયું, “અમેરિકાનો આ પ્રસ્તાવ ગેરકાયદેસર છે અને રાજકારણથી પ્રેરિત છે. તેનો હેતુ એક સાર્વભૌમ રાષ્ટ્ર પર દબાણ કરવાનો છે, જેની પાસે સ્વતંત્ર વિદેશ અને ઘરેલુ નીતિ છે.”

    રશિયાએ કહ્યું કે આ પ્રસ્તાવ વૈશ્વિક સંબંધો માટે ખતરનાક છે અને નિલંબન પહેલાં જ 7 એપ્રિલ, 2022ના રોજ રશિયન સંઘે માનવાધિકાર પરિષદમાંથી બહાર નીકળવાનો નિર્ણય કરી લીધો હતો.

    રશિયાએ એ પણ કહ્યું કે કેટલાક દેશોનો એક સમૂહ પોતાના હિત સાધવાના હેતુસર માનવાધિકાર પરિષદનો ઉપયોગ કરી રહ્યો છે.

    યુક્રેનના શહેર બૂચામાં માનવાધિકાર ઉલ્લંઘનોના આરોપો બાદ ગુરુવારના રોજ સંયુક્ત રાષ્ટ્રે રશિયાને માનવાધિકાર પરિષદમાંથી બહાર કરવાનો નિર્ણય કર્યો હતો.

  16. લઘુમતી સમાજની મહિલાઓ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરતા મહંતનો વીડિયો વાઇરલ

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર શુક્રવારે સોશિયલ મીડિયા પર કથિતપણે સીતાપુરના એક મહંતનો વીડિયો વાઇરલ થયો હતો.

    જેમાં મહંત લઘુમતી સંપ્રદાયનાં મહિલાઓ માટે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. તેમજ તેમની આસપાસ રહેલ ભીડ બૅકગ્રાઉન્ડમાં નારાબાજી કરતી જોવા મળી રહી છે.

    વીડિયોમાં મહંત પોતાની કારની સીટ પર બેસીને માઇક વડે ઉશ્કેરણીજનક નિવેદન કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે ભીડ ‘જય શ્રીરામ’ના નારા પોકારી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે.

    પોલીસ અનુસાર આ વીડિયો ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લાના ખૈરાબાદ પોલીસ સ્ટેશનના શેશેવાલી મસ્જિદ વિસ્તારનો ચે.

    સીતાપુરના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, આર. પી. સિંહે કહ્યું કે આ મામલે સર્કલ ઑફિસર રૅન્કના અધિકારી દ્વારા તપાસ ચાલી રહી છે.

  17. RBIએ વ્યાજદરો યથાવત્ રાખ્યા

    ભારતીય રિઝર્વ બૅંકે શુક્રવારે રેપો રેટમાં ફરી એક વાર કોઈ ફેરફાર નથી કર્યો. રેપો રેટ ચાર ટકા જાળવી રાખવામાં આવ્યો છે.

    તેનો અર્થ છે કે દેવું ચૂકવનાર વર્ગના માસિક હપ્તામાં કોઈ ફેરફાર નહીં થાય.

    RBIગવર્નર શક્તિકાંતા દાસે આ દરમિયાન માન્યું કે અર્થતંત્ર સામે ઘણા વધુ મોટા પડકારો છે.

    આ સાથે જ RBIએ અનુમાનિત જીડીપી દર પણ ઘટાડીને 7.8 ટકાથી 7.2 ટકા કરી દીધો છે.

    આ પહેલાં મોંઘવારીનો દર 4.5 ટકા કરતાં વધુ થશે તેવું અનુમાન હતું પરંતુ તેને વધારીને હવેનાણાકીય વર્ષ 2022-23 માટે 5.7 ટકા કરાઈ દેવાયો છે.

    નોંધનીય છે કે સતત 11મી વખત RBIગવર્નર શક્તિકાંતા દાસની અધ્યક્ષતાવાળી મૉનિટરી પૉલિસી સમિતિએ રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ સાથે જ રિવર્સ રેપ રેટ પણ 3.35 ટકા રહેશે.

    તેમણે કહ્યું કે બે વર્ષ બાદ હવે દેશ મહામારીની સ્થિતિમાંથી નીકળી રહ્યો હતો, ત્યારે 24 ફેબ્રુઆરીના રોજ યુરોપમાં શરૂ થયેલા યુદ્ધ અને તેના કારણે લદાયેલા પ્રતિબંધો અને જમીનને લઈને વધી રહેલા તણાવને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં ઊથલપાથલ જોવા મળી રહી છે.

    રેપો રેટ એટલે જે દરે દેશની કેન્દ્રીય બૅંક વાણિજ્યિક બૅંકોને નાણાં ઉધાર પેટે આપે છે.

  18. ઑસ્ટ્રેલિયાએ યુક્રેનને 14.2 કરોડ ડૉલરની મદદનો વાયદો કર્યો, મોકલ્યાં બખ્તરબંધ વાહન

    ઑસ્ટ્રેલિયાએ યુક્રેનને ત્રણ બખ્તરબંધ મિલિટરી ટ્રક મોકલી છે. પાછલા અઠવાડિયે વોલોદિમીર ઝૅલેન્સ્કીના આગ્રહ પર ઑસ્ટ્રેલિયાએ યુક્રેનને આવી કુલ 20 ટ્રક આપવાનો વાયદો કર્યો છે.

    ઑસ્ટ્રેલિયાથી મળેલાં આ વાહનોનો ઉપયોગ સૈનિકો અને નાગરિકોને યુદ્ધ ક્ષેત્રમાં એકથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરાશે. જોકે, તેમનો હુમલો કરવા માટે ઉપયોગ નહીં કરી શકાય.

    યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ પાછલા અઠવાડિયે ઑસ્ટ્રેલિયાની સંસદને વીડિયો કૉન્ફરન્સ થકી સંબોધિત કરી હતી. ઑસ્ટ્રેલિયા એવો 20મો દેશ છે જેની સાથે ઝૅલેન્સ્કીએ વાત કરી.

    ઑસ્ટ્રેલિયાએ વાયદો કર્યો છે કે તેઓ યુક્રેનને 14.2 કરોડ ડૉલરની સૈન્ય અને માનવીય સહાયતા પૂરી પાડશે. સાથે જ ઑસ્ટ્રેલિયાએ રશિયાના કેટલાક જાણીતા લોકો અને ઑઇલની નિકાસ પર પણ પ્રતિબંધ લાદ્યો છે.

    ઑસ્ટ્રેલિયન મુખ્ય મં6 સ્કૉટ મૉરિસને પાછલા અઠવાડિયે ઝૅલેન્સ્કીના નિવેદન બાદ કહ્યું હતું કે, “રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કી, ઑસ્ટ્રેલિયા જીવનના જંગમાં યુક્રેન સાથે ઊભું છે.”

  19. આજે પાકિસ્તાન કૅબિનેટની બેઠક

    પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ઇમરાન ખાને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેઓ શુક્રવારે દેશની જનતાને સંબોધિત કરશે.

    ઇમરાન ખાને લખ્યું, "મેં કાલે કૅબિનેટની બેઠક બોલાવી છે, સાથે જ સંસદીય દળની બેઠક પણ બોલાવી છે. કાલે હું રાષ્ટ્રજોગ સંબોધન કરીશ. મારે દેશને સંદેશ આપવો છે કે તેમના માટે સંઘર્ષરત રહીશ. હું છેલ્લા બૉલ સુધી સંઘર્ષ કરીશ."

    પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે ગૃહને ભંગ કરવાના ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને ગેરબંધારણીય ઠેરવ્યો હતો અને શનિવારે બહુમતી પુરવાર કરવા ઇમરાન ખાન સરકારને આદેશ આપ્યા છે.

    ઇમરાન ખાન સરકારની ભલામણ બાદ રાષ્ટ્રપતિએ આરિફ અલ્વીએ સંસદ ભંગ કરી દીધી હતી, પરંતુ સુપ્રીમકોર્ટે તેની સ્વતઃનોંધ લીધી. જો ઇમરાન ખાન સરકાર વિશ્વાસમત જીતી જાય તો તેમની પાસે વિકલ્પ રહેશે કે તેઓ દોઢ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરે અથવા તો ફરી વખત સંસદને ભંગ કરવાની ભલામણ કરે.

    બીજી બાજુ, વિપક્ષે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી-નવાઝના શહબાઝ શરીફને ગઠબંધનના વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા છે.

  20. યુક્રેન-રશિયા યુદ્ધ : રશિયાનો સ્વીકાર, 'ભારે નુકસાન થયું'

    યુક્રેન પર રશિયા દ્વારા આક્રમણને 42 દિવસ કરતાં વધુનો સમય થઈ ગયો છે અને ઝૅલેન્સ્કી હજુ પણ સત્તા ઉપર છે, ત્યારે રશિયાએ પ્રથમ વખત સ્વીકાર્યું છે કે તેને ભારે ખુવારી વેઠવી પડી છે.

    રશિયાના રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરી દિમિત્રિ પેસ્કોવે પશ્ચિમી મીડિયા સંસ્થા સ્કાય ન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું, "હા અમારા પક્ષે ભારે ખુવારી થઈ છે, તે અમારા માટે કરુણ બાબત છે."

    દિમિત્રિએ દાવો કર્યો હતો કે શાંતિ મંત્રણા દરમિયાન "શુભાશયના પ્રતીકરૂપે" તથા "તણાવને ઘટાડવા" માટે રશિયાની સેનાએ કિએવમાંથી પીછેહઠ કરી છે અને તે "અપમાનજનક" નથી.

    યુક્રેન "રશિયાવિરોધી" બની ગયું હોવાથી રશિયાએ "વિશેષ સૈન્યાભિયાન" હાથ ધરવું પડ્યું હોવાનું જણાવીને દિમિત્રિએ યુક્રેન સામેની રશિયાની કાર્યવાહીને વાજબી ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો.

    થોડા સમય પહેલાં રશિયાએ ઔપચારિક રીતે સ્વીકાર્યું હતુ કે તેના 1350 જેટલા સૈનિક મૃત્યુ પામ્યા છે, પરંતુ પશ્ચિમી દેશોની ગુપ્તચર સંસ્થાઓનું અનુમાન છે કે આ આંકડો સાડા સાત હજારથી 15 હજારની વચ્ચે હોઈ શકે છે.