You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ગુજરાતમાં ભાજપ ભવ્ય જીત તરફ, સુરતમાં ચાલ્યું આમ આદમી પાર્ટીનું ઝાડું

ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને સરેરાશ ટકાવારી 41.75 રહી હતી, આજના પરિણામની અસર જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી પર પડી શકે છે.

લાઇવ કવરેજ

  1. બ્રેકિંગ, અમદાવાદમાં કૉંગ્રેસ કાર્યાલય બહાર સુનકાર

    છ મહાનગરપાલિકામાં યોજાયેલી ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે.

    આ દરમિયાન અમદાવાદમાં આવેલા કૉંગ્રેસના કાર્યાલયમાં કોઈ હિલચાલ જોવા નહોતી મળી.

    છ મ્યનિસિપલ કૉર્પોરેશનની મતદાનની પ્રક્રિયા સંપન્ન થયા બાદ દરેક પક્ષ પોતપોતાની જીતનો દાવો કરતો જોવા મળી રહ્યો છે. જોકે, અસલ ચિત્ર તો આજે જ સ્પષ્ટ બનશે.

    નોંધનિય છે કે આ વખતે રાજ્યમાં ભાજપ-કૉંગ્રેસ ઉપરાંત અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અને અસદુદ્દીનની એઆઈએમઆઈએમ મેદાને છે.

  2. મતદાન અને મતગણતરી

    ગુજરાતમાં સૌથી ઓછું મતદાન અમદાવાદમાં (42.51 ટકા), જ્યારે સૌથી વધુ વોટિંગ જામનગરમાં (53.38 %) નોંધાયું હતું. જામનગર સિવાય 50 ટકા કરતાં વધુ મતદાન માત્ર રાજકોટ (50.72 ટકા)માં નોંધાયું હતું.

    મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતની સરખામણીમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં મતદાન પ્રત્યે સરેરાશ કરતાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્રીજા ક્રમે ભાવનગરમાં 49.46 % મતદાન નોંધાયું હતું.

    આ સિવાય વડોદરામાં (47.84 ટકા) અને સુરતમાં 47.14 % મતદાન સાથે છ કૉર્પોરેશનની ચૂંટણીમાં સરેરાશ 46.08 ટકા મતદાન થયું હતું.

  3. ભાવનગરમાં 4 રાઉન્ડના અંતે બે વોર્ડમાં ભાજપની પેનલ આગળ

    ભાવનગરમાં મતગણતરીના ચાર રાઉન્ડ પૂર્ણ થઈ ગયા પછી વૉર્ડ નંબર 11 અને 17માં ભારતીય જનતા પાર્ટીની પેનલ આગળ ચાલી રહી છે.

    જ્યારે વૉર્ડ નંબર એકમાં ભાજપના ત્રણ કૉંગ્રેસના એક ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.

    વૉર્ડ-4માં બે રાઉન્ડ પૂર્ણ થયા પછી બે ભાજપ અને બે કૉંગ્રેસ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.

  4. ભાવનગરના વૉર્ડ નં. 1માં કૉંગ્રેસના કાંતિભાઈને મળ્યા 1958 મત

    ભાવનગરના વૉર્ડ નંબર 1માં પોસ્ટલ બૅલેટના મતની ગણતરી કરવામાં આવી હતી. જેમાં ભાજપના ઉમેદવાર ઉપેન્દ્રસિંહને 1323 મત મળ્યા હતા.

    જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ ચૌહણને 1958 મત પોસ્ટ બૅલેટથી મળ્યા હતા.

    વૉર્ડ નંબર 1 ચિત્રા ફુલસર વૉર્ડમાં કૉંગ્રેસની પેનલ આગળ ચાલી રહી છે.

  5. રાજકોટમાં ક્યાં ક્યાં મતગણતરી?

    રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે.

    સવારથી જ મતગણતરીકેન્દ્રો પર કોવિડ-19ની ગાઇડલાઇન અનુસાર સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના તકેદારીનાં પગલાઓનો ચુસ્તપણે અમલ થાય તે માટે પહેલાંથી જ તૈયારી કરવામાં આવી હતી.

    રાજકોટમાં મતગણતરી વિવિધ સ્થળો પર ચાલવાની છે. જે પ્રમાણે મહાનગરપાલિકાના વૉર્ડનં-૧ થી ૩ માટે મતગણતરીસ્થળ વીરબાઇમા મહિલા કૉલેજ, ફાયરબ્રીગેડ સામે યોજાઈ રહી છે.

    વૉર્ડ નં-4થી 6 માટે મતગણતરીસ્થળ એ.એસ.ચૌધરી હાઇસ્કુલ, કસ્તુરબા રોડ, રાજકોટ ખાતે નક્કી કરાયું છે.

    ટાગોર હૉલની બાજુમાં આવેલી એસ.વી.વિરાણી હાઇસ્કૂલ ખાતે વૉર્ડનં- 7થી 9ની મતગણતરી થઈ રહી છે.

    વૉર્ડનં- 10થી 12 માટે મતગણતરી એ.વી. પારેખ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનૉલૉજી ઑલ્ડ બિલ્ડિંગ (એ.વી.પી.ટી.) ટાગોર રોડ, રાજકોટ ખાતે યોજાઈ રહી છે.

    વૉર્ડનં- 13થી 15 માટે મતગણતરી પી.ડી. માલવીયા કૉલેજ અને વૉર્ડનં-16થી 18 માટેની મતગણતરી પૂજય રણછોડદાસજી બાપુ કૉમ્યુનીટી હૉલ, આનંદનગર મેઇન રોડ પર યોજાઈ રહી છે.

  6. ગુજરાતના ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીપ્રક્રિયા કેમ?

    બંધારણીય જોગવાઈ મુજબ, રાજ્યસભા, લોકસભા તથા વિધાનસભાની ચૂંટણીપ્રક્રિયા (ચૂંટણીની તારીખથી ચૂંટણીપરિણામની જાહેરાત) કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા હાથ ધરવામાં આવે છે.

    જ્યારે, મ્યુનિસિપલ કૉર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા ગ્રામપંચાયતની ચૂંટણી (સામાન્ય, મધ્યસત્રી કે પેટા) રાજ્યના ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવે છે. બંધારણના અનુચ્છેદ 243 (કે)ની જોગવાઈ હેઠળ સપ્ટેમ્બર-1993માં ગુજરાત ચૂંટણીપંચની સ્થાપના કરવામાં આવી હતી.

    બંધારણના 73મા તથા 74મા સુધાર દ્વારા પંચાયત તથા મ્યુનિસિપાલિટીના ગઠન સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી હતી. સમગ્ર ચૂંટણીપ્રક્રિયા દરમિયાન આદર્શ આચાર સંહિતાને લાગુ કરાવવાની તથા મળેલી ફરિયાદો ઉપર કાર્યવાહી કરવાની સત્તા પંચને મળેલી છે.

  7. અમદાવાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે મતગણતરી શરૂ થઈ

    અમદાવાદમાં ગુજરાત કૉલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે મતગણતરી શરૂ થઈ ગઈ છે.

    કોને કેટલા મત મળ્યા તે જોઈ શકે માટે મોટી એલઈડી સ્ક્રીન ગોઠવવામાં આવી છે.

    ગુજરાત કૉલેજમાં દાણીલીમડા, મણીનગર, ઇસનપુર, અમરાઇવાડી, હાટકેશ્વર, ખોખરા, અસારવા, શાહીબાગ, શાહપુર, જોધપુર, વેજલપુર, સરખેજ, નવાવાડજ, નારણપુરા, એસ.પી.સ્ટેડીયમ, ચાંદખેડા, સાબરમતી, રાણીપ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડીયા, નિકોલ, વિરાટનગર અને ઓઢવ વૉર્ડમાં થયેલ મતદાનની મતગણતરી કરવામાં આવી રહી છે.

  8. ગુજરાતમાં કોરોનાનો ઓછાયો

    હાલમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે, ત્યારે ચૂંટણીપરિણામો બાદ વિજયસરઘસ નહીં કાઢવા તમામ રાજકીયપક્ષો, ઉમેદવારો અને જિલ્લા વહીવટી તંત્ર તથા સંબંધિત પક્ષકારોને જાણ કરવામાં આવી છે.

    ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઍક્ટ તથા ભારતીય દંડસંહિતાની અલગ-અલગ કલમ હેઠળની જોગવાઈઓ હેઠળ આ નિષેધાત્મક આદેશ બહાર પાડવામાં આવ્યા છે અને તેનું પાલન નહીં કરનાર સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી હાથ ધરવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.

    ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, અલગ-અલગ મ્યુનિસિપલ કૉર્પોરેશનના હદવિસ્તારમાં સોમવારે નોંધાયેલા નવા કેસની સંખ્યા ઉપર નજર કરીએ તો ; અમદાવાદમાં 70, વડોદરા 59, સુરત 48, રાજકોટ 39, જામનગર 7 નવા કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

    રાજ્યભરમાં કોરોનાના કુલ 1732 કેસ નોંધાયેલા છે, જેમાંથી 30 પેશન્ટ વૅન્ટિલેટર ઉપર છે, જ્યારે અન્યોની સ્થિતિ સ્થિર છે. અત્યારસુધી કુલ બે લાખ 61 હજાર 281 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે, જ્યારે ચાર હજાર 406 મૃત્યુ થયાં છે.

  9. રાજકોટમાં ખૂલ્યા સ્ટ્રૉંગ રૂમ, કૉંગ્રેસના કાર્યકરોએ કરી તપાસ

    રાજકોટમાં જ્યાં ઇવીએમ રાખવામાં આવ્યા હતા તે સ્ટ્રોંગ રૂમને ખોલી નાખવામાં આવ્યા હતા. સ્ટ્રોંગ રૂમ ખોલતાની સાથે જ તમામ પક્ષોના ઉમેદવારોના એજન્ટોએ સીલ કરાયેલા ઇવીએમનું નીરિક્ષણ કર્યું હતું.

  10. કોરોનાને કારણે ચૂંટણીપંચે મતગણતરી પ્રક્રિયામાં કર્યું પરિવર્તન

    ગુજરાતના ચૂંટણીપંચે કોરોના વાઇરસના ફેલાવાને જોતાં મતગણતરીની પ્રક્રિયા સંદર્ભે સ્ટાન્ડર્ડ પ્રૉટોકૉલ જાહેર કર્યાં છે. જે મુજબ, મતદાનમથકમાં પ્રવેશનાર દરેક વ્યક્તિનું થર્મલગનથી તાપમાન માપવું, દરેક વ્યક્તિએ મતગણતરીના દરેક તબક્કે માસ્ક પહેરવું અને હાથ ધોવા. આ માટે સાબુ તથા હૅન્ડ-સૅનિટાઇઝરની વ્યવસ્થા કરવા સ્થાનિક વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે.

    સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે મતગણતરીના વધુ હૉલ અને ટૅબલ ઉપરાંત વાહનોની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. એક હૉલમાં મહત્તમ સાત ટૅબલ ગોઠવવાના આદેશ આપવામાં આવ્યા છે.

    જો કોઈ પાર્ટીના પૉલિંગ એજન્ટને તાવ આવતો હોય કે કોરોનાના લક્ષ્ણ જણાય, તો રાજકીય પક્ષ જે-તે કાર્યકરના સ્થાને અન્ય કોઈ કર્મચારીની નિમણૂક કરી શકે છે. મતગણતરી સાથે સંકળાયેલ કર્મચારી ઇચ્છે તો સ્વૈચ્છિક રીતે મતગણતરી મથક ઉપર જ કોરોનાનો રેપિડ ટેસ્ટ કરાવી શકશે.

    સ્ટાફને માસ્ક ઉપરાંત ગ્લવ્ઝ તથા ફેસશિલ્ડ પહેરવાના રહેશે. મતગણતરીકેન્દ્રોને અગાઉથી ડિસઇન્ફૅક્ટ કરી દેવાયાં છે, મતગણતરીમાં ઉપયોગમાં લેવાનારી તમામ સામગ્રીને સૅનિટાઇઝ કરવાની રહેશે.

    મતગણતરી બાદ ઈ.વી.એમ.ને સૅનિટાઇઝ કરીને સ્ટ્રૉંગ રુમમાં મોકલી દેવા સૂચના આપવામાં આવી છે.

  11. જામનગરમાં મતગણતરી

    જામનગરમાં હરિયા કૉલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી શરૂ થવાની છે. એજન્ટ, ઉમેદવારોને કોવિડના નિયમો મુજબ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. મતગણતરીકેન્દ્ર બહાર ભારે ભીડ જોવા મળી રહી છે. પક્ષો દ્વારા ટેકેદારો માટે બેસવા માટે મંડપની વ્યવસ્થા કરવામા આવી છે

  12. નિષેધાત્મક આદેશો જારી

    અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા હોદ્દાની રુએ બહાર પાડવમાં આવેલા નિષેધાત્મક આદેશો પ્રમાણે, પોલીસ તથા ચૂંટણીપ્રક્રિયા સાથે સંકળાયેલા સ્ટાફ સિવાય કોઈ વ્યક્તિ મતગણતરી મથકની 200 મીટરની ત્રિજિયામાં મોબાઇલ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઇલેક્ટ્રૉનિક સાધનો કે વાહનોનો ઉપયોગ નહીં કરી શકે.

    આ સિવાય મતગણતરી મથકની અંદર (કે ચારેય બાજુએ 200 મીટરની ત્રિજિયામાં) માચીસ, ગૅસ, લાઇટર કે અન્ય જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ નહીં કરી શકે.

    ક્રિમિનલ પ્રૉજિર કૉડ હેઠળ મળેલી સત્તાના આધારે સ્થાનિક ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા સમયાંતરે આ પ્રકારના નિષેધાત્મક આદેશો બહાર પાડવામાં આવતા હોય છે. કાયદો અને વ્યવસ્થા કે ટ્રાફિકની વ્યવસ્થા જળવાય રહે તે માટે આ પ્રકારના આદેશ અપાતા હોય છે.

  13. નવના ટકોરે મતગણતરી

    સવારે નવ વાગ્યાથી ગુજરાતના છ મહાનાગરની મ્યુનિસિપલ કૉર્પોરેશન માટેની મતગણતરી શરૂ થઈ જશે.

    ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, રાજ્યમાં કુલ 15 સ્થળોએ 60 હૉલમાં 664 ટૅબલ ઉપર, 3500 કર્મચારી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરશે. લગભગ પાંચ હજાર પોલીસકર્મચારી સુરક્ષાની વ્યવસ્થા સંભાળશે, જ્યારે આરોગ્યવિભાગના 227 કર્મચારી પણ ફરજ બજાવશે.

    કોવિડ-19 સંદર્ભે આરોગ્યવિભાગના 227 કર્મચારીઓ ફરજ બજાવશે.

  14. આજે મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ

    રવિવારે રાજ્યની છ મહાનગરપાલિકાની 575 બેઠકો પર મતદાન યોજાયું હતું. જેની મતગણતરી આજે હાથ ધરાઈ રહી છે. 21 ફેબ્રુઆરીએ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં કુલ 144 વૉર્ડમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે 2015ની સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓની સરખામણીએ આ તમામ મહાનગરપાલિકાની બેઠકો પર પાંચ ટકા જેટલું ઓછું મતદાન નોંધાયું હતું.

    રવિવારે યોજાયેલી ચૂંટણીમાં છ વાગ્યા સુધી તમામ મહાનગરપાલિકાઓમાં સરેરાશ 41.75 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે વર્ષ 2015માં સરેરાશ મતદાનની ટકાવારી 47 હતી.

    જે પૈકી સૌથી ઓછું મતદાન અમદાવાદમાં નોંધાયું હતું. અમદાવાદમાં સરેરાશ 38.73 ટકા, રાજકોટમાં 45.74 ટકા, સુરતમાં 42.72 ટકા, વડોદરામાં 42.82 ટકા, ભાવનગરમાં 43.66 ટકા અને જામનગરમાં સૌથી વધુ 49.64 ટકા મતદાન નોંધાયું હતું.

    રાજકીય વિશ્લેષકોના મતે આ વખત સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓમાં નાગરિકોએ મતદાનમાં અનેક કારણોસર રસ દાખવ્યો નથી. જે પૈકી કોરોનાવાઇરસની મહામારી સૌથી મોટો કારક હોવાનું જણાવાઈ રહ્યુ છે.

  15. નમસ્કાર! બીબીસીની ગુજરાતી સેવાના આ લાઇવ રિપોર્ટિંગ પેજ પર આપનું સ્વાગત છે. ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોની તમામ અપડેટ્સ અહીં રજૂ કરાશે.