You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ગુજરાતમાં 650 પૉઝિટિવ કેસ, અમદાવાદના વિસ્તારોમાં કર્ફ્યૂ

ગુજરાત સહિત દેશ-વિદેશની કોરોના વાઇરસ સંબંધિત માહિતી અને અપડેટ્સ અહીં વાચો.

લાઇવ કવરેજ

  1. સ્પેનમાં લૉકડાઉનમાં ઢીલ આપવાની શરૂઆત

    કોરોના વાઇરસથી સૌથી વધારે અસરગ્રસ્ત દેશોમાંથી એક સ્પેનમાં લૉકડાઉનમાં ઢીલ આપવાની શરૂઆત થઈ છે.

    કડક લૉકડાઉનને કારણે અહીં અર્થતંત્ર અસરગ્રસ્ત થઈ રહ્યું હતું.

    મૅન્યુફૅક્ચરિંગ, નિર્માણ તથા અન્ય સેવાઓમાં કામ કરતા લોકોને તેમનું કામ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ ગાઇડલાઇન્યનું કડકાઈથી પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.

    બાકી લોકોએ હજી ઘરમાંજ રહેવું પડશે.

    કોવિડ-19 સંક્રમણને કારણે સ્પેનમાં લગભગ 17,500 લોકોનાં મૃત્યુ થયાં છે, છેલ્લા કેટલાક દિવસથી ત્યાં સંક્રમણ ફેલાવવાનું ધીમું થયું છે.

    કોરોના સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત થનાર ઇટાલીમાં મંગળવારથી અમુક સેવાઓ ખોલવામાં આવશે. અહીં કોરોના સંક્રમણથી 20 હજારથી વધારે મરણાંક પહોંચ્યો છે.

  2. પત્રકારના સવાલ પર ઉશ્કેરાઈ ગયા ટ્રમ્પ

    વ્હાઇટ હાઉસમાં કોરોના ટાસ્ક ફોર્સની પત્રકાર પરિષદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં છેલ્લા અમુક દિવસોથી દરરોજ આવનારા નવા સંક્રમણના કેસની સંખ્યા સ્થિર છે. ટ્રમ્પે કહ્યું, "ન્યૂ યૉર્ક, ન્યૂ જર્સી, મિશિગન અને લુઇસિયાના જેવાં હૉટસ્પૉટમાં હૉસ્પિટલમાં લોકોને દાખલ કરવાની પ્રક્રિયા ધીમી થઈ છે. એનું કારણ છે કે લોકો અમેરિકન ગાઇડલાઇન્સનું પાલન કરી રહ્યા છે. તમે ચાર્ટ જોઈ શકો છો. પહેલાં એક લાખથી વધારે મૃત્યુનું અનુમાન હતું. હવે આ સંખ્યા ઓછી રહેશે. આના ઠોસ પ્રમાણ છે અને અમારી આક્રામક નીતિ કામ કરી રહી છે." પત્રકાર પરિષદમાં ટ્રમ્પ અમેરિકન મીડિયામાં કોરોના વાઇરસના કવરેજને લઈને પત્રકારોથી નારાજ જણાયા હતા. ટ્રમ્પે આ દરમિયાન એક વીડિયો બતાવીને કહ્યું કે આ ફેક ન્યૂઝ છે.

    ટ્રમ્પે કહ્યું કે ટીકાને તેઓ મહત્ત્વ નથી આપતા, પરંતુ ટીકા કરનાર લોકો ખોટા હોય તો જાણ કરવી જરૂરી છે. જ્યારે સીબીએસનાં રિપોર્ટ પાઉલા રીડે ટ્રમ્પને પૂછ્યું કે ફેબ્રુઆરી મહિનામાં ટ્રમ્પ પ્રશાસને શું કર્યું તો ટ્રમ્પ આ પ્રશ્નને ટાળતા રહ્યા.

    પછી તેમણે કહ્યું, ''તમને ખબર છે તમે ખોટા છો? શું તમને ખબર છે તમારૂં કવરેજ બનાવટી છે?'' આ પત્રકાર પરિષદમાં અમેરિકામાં ટાસ્ક ફોર્સના વડા ડૉ. ફાઉચીએ પણ ટ્રમ્પના દાવાનું સમર્થન કર્યું કે સંક્રમણ ફેલાવવાનું ધીમું થયું છે, જ્યારે છેલ્લા અઠવાડિયામાં પરિસ્થિતિ બહુ ખરાબ હતી. રવિવારે એક ઇન્ટર્વ્યૂમાં ડૉ. ફાઉચીએ કહ્યું હતું કે જો અમેરિકા પહેલાંથી સતર્ક હોત, તો ઓછા લોકોનો જીવ ગયો હોત. ત્યાર પછી અટકળો હતી કે ટ્રમ્પ તેમને કોરોના સંક્રમણ અંગેની ટાસ્ટ ફોર્સના પ્રમુખપદેથી હઠાવી દેશે. ડૉ. ફાઉચીએ કહ્યું કે તેમણે ઇન્ટર્વ્યૂમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં શબ્દોનું ચયન બરાબર નહોતું કર્યું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે કોરોના વાઇરસની મહામારીને રોકવા માટે બરાબર પગલાં લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે પહેલાં પાબંદી લગાવવામાં આવી, ત્યારે તેની ટીકા કરવામાં આવી. કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સારવારમાં સાધનોની કમી માટે તેમણે રાજ્ય સરકારોના ગવર્નરોને જવાબદાર ઠેરવ્યા.

  3. કોરોના વાઇરસ સંબંધિત અપડેટ્સ

    નમસ્કાર. કોરોના વાઇરસના અપડેટ્સ સંબંધિત બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે. ગઈકાલ રાતથી અત્યારસુધીના મુખ્ય અપડેટ્સ ઉપર નજર કરીએ તો:

    • ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા પ્રમાણે, રાજ્યમાં કોરોનાના 572 ઍક્ટિવ કેસ છે. 26 દરદીઓનાં મૃત્યુ થયાં છે, જ્યારે 54 પેશન્ટ સાજા થઈ જતાં તેમને રજા આપવામાં આવી છે.
    • કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણની વેબસાઇટના આંકડા પ્રમાણે, ભારતમાં કોરોનાના કુલ 8,040 કરતાં વધુ ઍક્ટિવ કેસ છે. 979પેશન્ટને રજા આપવામાં આવી છે, જ્યારે 324 મૃત્યુ થયાં છે.
    • જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા પ્રમાણે, વિશ્વમાં એક લાખ 19 હજાર કરતાં વધુ મૃત્યુ થયાં છે, જ્યારે 19 લાખ 18હજાર કરતાં વધુ કેસ નોંધાયા છે.