ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રવર્તમાન તણાવનો અંત
આવતો જણાય છે. બંને દેશો તાત્કાલિક અસરથી પૂર્ણપણે સંઘર્ષવિરામ માટે સહમત થયા છે.
આ વાતની જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ ઉપર
લખ્યું, "યુએસએની મધ્યરાત્રિની મધ્યસ્થતાને પગલે ભારત અને પાકિસ્તાન
પૂર્ણપણે અને તાત્કાલિક સંઘર્ષવિરામ માટે સહમત થઈ ગયા છે. મને તેની જાહેરાત કરતા
ખુશી થાય છે. સામાન્ય વિવેક અને બુદ્ધિમતાનો ઉપયોગ કરવા બદલ બંને દેશોને અભિનંદન.
આ બાબત અંગે ધ્યાન આપવા બદલ આભાર! "
પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇસહાક ડારે
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અસરથી
સંઘર્ષવિરામ માટે સહમત થઈ ગયા છે. પાકિસ્તાને પોતાના સાર્વભૌમત્વ અને વિસ્તારનું
સમાધાન કર્યા વગર આ પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા ઇચ્છી છે."
અમેરિકાના સ્ટેટ સેક્રેટરી માર્કો રૂબિયોએ
ઍક્સ પર લખ્યું, 'ગત 48 કલાક દરમિયાન મેં અને ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે ભારતના વડા પ્રધાન
નરેન્દ્ર મોદી, પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ, ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર, પાકિસ્તાની સેનાના
વડા આસિમ મુનીર, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ, પાકિસ્તાનના
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અસીમ મલિક અને ભારત-પાકિસ્તાનના ઉચ્ચ અધિકારીઓ સાથે
વાટાઘાટ કરી હતી.'
'મને એ વાતની જાહેરાત કરતા ખુશી થાય છે કે ભારત અને પાકિસ્તાનની
સરકારો તાત્કાલિક અસરથી સંઘર્ષવિરામ માટે સહમત થયા છે. તેઓ બંને દેશ વચ્ચે
પ્રવર્તમાન મુદ્દાઓ ઉપર તટસ્થસ્થળે વાતચીત કરવા માટે સહમત થયા છે.'
'શાંતિ માટે વડા પ્રધાન મોદી, શરીફના શાણપણ, સાવધાની અને
મુત્સદ્દીપણાની અમે પ્રશંસા કરીએ છીએ.'
જોકે, ભારત સરકારના વિદેશ મંત્રાલયનાં સૂત્રોએ
બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે સીધી જ
વાટાઘાટ થઈ હતી, જેમાં તાત્કાલિક અસરથી ગોળીબાર અને સૈન્યકાર્યવાહી અટકાવવા માટે
સહમતિ સધાઈ હતી."
"શનિવારે બપોરે પાકિસ્તાની સેનાના ડીજીએમઓનો (ડાયરેક્ટર જનરલ મિલિટરી
ઑપરેશન્સ) કોલ આવ્યો હતો, એ પછી બંને વચ્ચે ચર્ચા થઈ હતી અને આ અંગે સહમતિ સધાઈ હતી."
"આ સિવાય અન્ય કોઈ મુદ્દે કે અન્ય કોઈ સ્થળે ચર્ચા અંગે કોઈ નિર્ણય
નથી લેવાયો."
આ પહેલાં અમેરિકાના સ્ટેટ સેક્રેટરી માર્કો રૂબિયોએ કહ્યું હતું કે તટસ્થ સ્થળોએ વાટાઘાટ માટે બંને દેશ સહમત થયા છે.