પરિણામ બાદ પીએમ નરેન્દ્ર મોદીએ શું પ્રતિક્રિયા આપી?
લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનના પ્રદર્શન પર કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ પત્રકારપરિષદ સંબોધી હતી.
સારાંશ
18 મી લોકસભાના ગઠન માટે ભાજપના નેતૃત્વવાળા એનડીએ અને કૉંગ્રેસના નેતૃત્વમાં નવગઠિત ઇન્ડિયા એલાયન્સની વચ્ચે મુખ્ય સ્પર્ધા હતી.
ચૂંટણીપંચ અનુસાર 31 કરોડ 20 લાખ મહિલા મતદારોએ સામાન્ય ચૂંટણી દરમિયાન વોટિંગ કર્યું હતું.
કુલ 75 દિવસ દરમિયાન સાત તબક્કામાં દેશની આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ અને ઓડિશા એમ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ પણ યોજાઈ હતી.
સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી હતી, જ્યારે ઇન્દોરની બેઠક ઉપરથી કૉંગ્રેસના ઉમેદવારે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.
લાઇવ કવરેજ
લોકસભા ચૂંટણી 2024 : ગિફ્ટ નિફ્ટીમાં નબળાઈ
ઇમેજ સ્રોત, Getty Images
મંગળવારે સવારે મતગણતરી શરૂ થઈ તે પહેલાં ગિફ્ટ
નિફ્ટીમાં મજબૂતાઈ જોવા મળી હતી અને તે લગભગ 0.20 ટકા જેટલો ઉછળ્યો હતો, પરંતુ એ પછી સવારે
સાડા આઠ વાગ્યા આસપાસ નિફ્ટીમાં નરમાશ જોવા મળી હતી અને તે 36 પૉઇન્ટના ઘટાડા સાથે 23 હજાર 444 આસપાસ ટ્રૅન્ડ કરી રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ઍક્ઝિટ પોલ્સનાં
પરિણામોના આશાવાદે 30 શૅરના બીએસઈ સૂચકાંકમાં બે હજાર 500 તથા એનએસઈ સૂચકાંકમાં 733 પૉઇન્ટની વૃદ્ધિ થઈ
હતી. બંને શૅરબજારમાં લગભગ સવા ત્રણ ટકા જેટલો વધારો થવા પામ્યો હતો.
8:30 વાગ્યા સુધીનાં વલણો
મતગણતરીના પ્રારંભ સાથે જ વલણો આવવાનું શરૂ થઈ ગયું છે. સાડા આઠ વાગ્યાનાં વલણોની વાત કરવામાં આવે તો એનડીએ 87 બેઠકો પર આગળ છે, જ્યારે ઇન્ડિયા 65 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે.
પ્રારંભિક વલણ મુજબ આણંદથી ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ તથા જામનગરથી પૂનમબહેન માડમ આગળ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની સુરત બેઠક ભાજપે બિનહરીફ જીતી હતી અને બાકીની 25 બેઠક ઉપર સાતમી મેના દિવસે મતદાન યોજાયું હતું.
આઠના ટકોરે મતગણતરી શરૂ, કેટલી બેઠક પર એનડીએ આગળ? કેટલી બેઠકો પર ઇન્ડિયા ગઠબંધન આગળ?
ચૂંટણીપંચના નિર્ધારિત કાર્યક્રમ મુજબ, મંગળવારે સવારે આઠ વાગ્યાથી લોકસભાની ચૂંટણી માટે મતગણતરી
શરૂ થઈ ગઈ હતી. જેમાં પ્રારંભિક વલણ પ્રમાણે, એનડીએ 42 તથા ઇન્ડિયા ગઠબંધન 33 બેઠક ઉપર આગળ છે.
ચૂંટણીપંચે શરૂઆતની અડધી કલાક માટે માત્ર
પોસ્ટલ મતોની ગણતરી કરવાની અને પછી ઈવીએમના મતોની ગણતરી શરૂ કરવાની પ્રક્રિયા
જાહેર કરી છે. ગત લોકસભા ચૂંટણી દરમિયાન પણ આ રીતે જ મતગણના હાથ ધરવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પોસ્ટ્સ તથા ન્યૂઝ રિપોર્ટ્સ
પ્રમાણે, મતગણતરી પૂર્વે અનેક રાજનેતાઓએ ધાર્મિકસ્થળોએ
જઈને તેમના કે પક્ષ માટે વિજયની કામના કરી હતી.
બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટેઅહીં ક્લિક કરો...
મતગણતરી પૂર્વે અખિલેશના આરોપ
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, અખિલેશ યાદવ
મતગણતરી પૂર્વે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ
અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક વીડિયો મૂકીને આરોપ મૂક્યો છે
કે મતગણતરી પૂર્વે વિરોધપક્ષના નેતાઓને નજરબંધ કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને તેઓ મતગણતરીની પ્રક્રિયામાં ભાગ ન લઈ શકે.
વીડિયોમાં યાદવે કહ્યું, "મિર્ઝાપુર, અલીગઢ, કન્નૌજ ઉપરાંત ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં જિલ્લાધીકારીઓ
અને પોલીસતંત્ર દ્વારા વિપક્ષના નેતાઓને નજરકેદ કરવાનું ગેરબંધારણીય કામ કરી રહ્યા
છે, જેથી કરીને કાલે તેઓ મતગણતરીની પ્રક્રિયામાં
ભાગ ન લઈ શકે. સન્માનીય સર્વોચ્ચ અદાલત, ચૂંટણી વડા તથા
પોલીસ વડા આ બાબત ધ્યાને લે."
"પોતાના મતની સુરક્ષા કરવાનો બધાને અધિકાર છે,
વિશેષ કરીને જ્યારે કોર્ટ દ્વારા લગાડવામાં આવેલા કૅમેરા
સાથે ચેડા કરવાનું દુસાહસ કરી શકે તેવી સરકાર સત્તા ઉપર હોય."
યાદવે માગ કરી હતી કે પક્ષપાતી ડિસ્ટ્રિક્ટ
મૅજિસ્ટ્રેટ તથા અન્ય વહીવટી અધિકારીઓને તત્કાળ હઠાવવામાં આવે તથા શાંતિપૂર્ણ
વાતાવરણમાં મતગણતરી યોજાય.
એ વીડિયો પોસ્ટ કર્યાના લગભગ નવેક કલાક બાદ
તેમણે વધુ એક પોસ્ટ મૂકીને તેમણે મતગણતરી દરમિયાન સતર્ક રહેવા કાર્યકરોને આહ્વાન
કર્યું હતું.
2019ની લોકસભા ચૂંટણીમાં શું થયું હતું?
ઇમેજ સ્રોત, VISHAL BHATNAGAR/NURPHOTO VIA GETTY IMAGES
18મી લોકસભા ચૂંટણી માટે સાત તબક્કામાં
મતદાન થયું હતું. 16 માર્ચે ચૂંટણીની તારીખોનું એલાન થયું હતું.
ચૂંટણીપંચ અનુસાર પહેલા તબક્કામાં 66.14
ટકા, બીજા તબક્કામાં 66.71 ટકા અને ત્રીજા તબક્કામાં 65.68 ટકા મતદાન થયું
હતું. ચોથા તબક્કામાં મતદાનની ટકાવારી સૌથી વધારે 69.16 ટકા રહી હતી. પાંચમા
તબક્કામાં 62.20 ટકા અને છઠ્ઠા તબક્કામાં 63.36 ટકા મતદાન થયું હતું.
ચૂંટણીપંચ અનુસાર, સાતમા
તબક્કાનું 63.88 ટકા મતદાન થયું હતું.
2024ની લોકસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો
ભાજપના નેતૃત્વ હેઠળના ‘એનડીએ’ અને વિપક્ષી દળોના ગઠબંધન ‘ઇન્ડિયા’ વચ્ચે રહ્યો
હતો.
અગાઉની ચૂંટણીની વાત કરીએ તો 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા
પાર્ટીએ સતત બીજી વાર પૂર્ણ બહુમતીથી સત્તા હાંસલ કરી હતી અને નરેન્દ્ર મોદી બીજી
ટર્મ માટે વડા પ્રધાન બન્યા હતા.
ભાજપે 303 બેઠકો પર વિજય મેળવ્યો હતો અને
તેમને મળેલા મતોની ટકાવારી 37.36 ટકા હતી. એનડીએ ગઠબંધનને કુલ 353 બેઠકો મળી હતી.
મુખ્ય વિપક્ષી દળ કૉંગ્રેસે ફરી એક વાર
નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું અને માત્ર 52 બેઠકો મળી હતી. તેમની મતોની ટકાવારી
19.49 ટકા હતી. કૉંગ્રેસને દસ ટકા બેઠકો મળી ન હોવાથી તેમને વિપક્ષ તરીકે પણ સ્થાન
મળ્યું નહોતું.
તો તૃણમૂલ કૉંગ્રેસને 22 બેઠકો, ડીએમકેને 24 બેઠકો, વાયએસઆર કૉંગ્રેસને 22 બેઠકો, બીજુ જનતા દળને 12 બેઠકો મળી હતી.
2014ની વાત કરીએ તો ‘મોદી લહેર’ને લીધે
ભાજપને 282 અને એનડીએને 336 બેઠકો મળી હતી. જ્યારે કૉંગ્રેસને 44 અને યુપીએને 59
બેઠકો મળી હતી.
2014 અને 2019ની ચૂંટણીમાં ગુજરાતની
26માંથી 26 લોકસભા બેઠકો પર ભાજપની જીત થઈ હતી.
ગુજરાતની લોકસભા ચૂંટણી અને વિધાનસભા પેટાચૂંટણીનાં પરિણામ
ઇમેજ સ્રોત, twitter/getty
ગુજરાતમાં થયેલી લોકસભા ચૂંટણીના દિગ્ગજ
નેતાઓની વાત કરીએ તો પરશોત્તમ રૂપાલાની સામે કૉંગ્રેસના પરેશ ધાનાણી ચૂંટણી લડ્યા
હતા. તો પોરબંદરથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ચૂંટણી લડ્યા હતા.
ગાંધીનગરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
ચૂંટણી લડ્યા હતા. અન્ય નેતાઓમાં બનાસકાંઠાથી ગેનીબહેન ઠાકોર, ભરૂચથી ચૈતર વસાવા, નવસારીથી ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર
પાટીલ, જામનગરથી પૂનમ માડમ ચૂંટણી લડ્યાં હતાં.
સુરતની બેઠક પરથી ભાજપના મુકેશ દલાલ
કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફૉર્મ રદ થતાં બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.
તેમજ ગુજરાતમાં લોકસભા ચૂંટણીની સાથે
પાંચ પેટાચૂંટણીનાં પરિણામ પણ આજે જાહેર થશે. પોરબંદર, માણાવદર,
વીજાપુર, વાઘોડિયા અને ખંભાતની બેઠકો પર
વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી.
અહીં ઉલ્લેખનીય છે કે 2022ની વિધાનસભાની
ચૂંટણીમાં આ પાંચમાંથી ચાર બેઠકો પર કૉંગ્રેસના ધારાસભ્યો જીત્યા હતા અને એક બેઠક
પર અપક્ષ ધારાસભ્ય ચૂંટાયા હતા.
રાજીનામું આપ્યા બાદ આ પાંચેય ધારાસભ્યો
ભાજપમાં સામેલ થઈ ગયા અને ભાજપે તેમને ટિકિટ આપી હતી.
ચૂંટણી અગાઉ કૉંગ્રેસના દિગ્ગજ નેતા
અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા હતા અને તેઓ પોરબંદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર
તરીકે ચૂંટણી લડ્યા હતા.
દેશમાં કોની બનશે સરકાર?
ઇમેજ સ્રોત, ANI
લોકસભા ચૂંટણીનું આજે એટલે કે ચાર જૂનનું
પરિણામ દેશમાં આગામી સત્તા કોની બનશે એનો નિર્ણય કરશે. દેશની 543 બેઠકો પર થયેલી
ચૂંટણીનાં પરિણામ જાહેર થશે.
પરિણામ અગાઉ આવેલા ઍક્ઝિટ પોલમાં
સત્તાધારી ભાજપના ગઠબંધનવાળા એનડીએને બહુમતી મળતી હોવાનું અનુમાન લગાવાયું છે. તો
ઇન્ડિયા ગઠબંધનનો દાવો છે કે પરિણામ ઍક્ઝિટ પોલથી વિપરીત આવશે.
ગુજરાતની વાત કરીએ તો અહીં છેલ્લી બે
ટર્મથી ભાજપ તમામ 26માંથી 26 બેઠકો જીતતો આવે છે. ઍક્ઝિટ પોલ અનુસાર ગુજરાતમાં
ભાજપે એક કે બે સીટ ગુમાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સુરતની બેઠક
પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ અગાઉ જ બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા છે.
ગુજરાતમાં લોકસભાની 25 સીટની સાથે પાંચ
પેટાચૂંટણીનું પરિણામ પણ જાહેર થશે.
ગુજરાતમાં આ ચૂંટણી રાજકોટના ભાજપના
ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
નમસ્કાર
બીબીસી ગુજરાતી ન્યૂઝના લાઇવ પેજ પર આપનું સ્વાગત છે. લોકસભા ચૂંટણી 2024નાં પરિણામ આજે આવી રહ્યાં છે, ત્યારે તમે દરેક લાઇવ અપડેટ માટે આ પેજ પર બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.
લોકસભા ચૂંટણી સાથે ગુજરાતમાં થયેલી વિધાનસભાની પાંચ બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. તમામ અપડેટ અહીં વાંચો.