પરિણામ બાદ પીએમ નરેન્દ્ર મોદીએ શું પ્રતિક્રિયા આપી?

લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનના પ્રદર્શન પર કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ પત્રકારપરિષદ સંબોધી હતી.

સારાંશ

  • 18 મી લોકસભાના ગઠન માટે ભાજપના નેતૃત્વવાળા એનડીએ અને કૉંગ્રેસના નેતૃત્વમાં નવગઠિત ઇન્ડિયા એલાયન્સની વચ્ચે મુખ્ય સ્પર્ધા હતી.
  • ચૂંટણીપંચ અનુસાર 31 કરોડ 20 લાખ મહિલા મતદારોએ સામાન્ય ચૂંટણી દરમિયાન વોટિંગ કર્યું હતું.
  • કુલ 75 દિવસ દરમિયાન સાત તબક્કામાં દેશની આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ અને ઓડિશા એમ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ પણ યોજાઈ હતી.
  • સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી હતી, જ્યારે ઇન્દોરની બેઠક ઉપરથી કૉંગ્રેસના ઉમેદવારે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

લાઇવ કવરેજ

  1. રાજકોટની બેઠક પર રૂપાલા આગળ

    રાજકોટની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા બે લાખ 82 હજાર મતોથી આગળ છે. કૉંગ્રેસે ગુજરાત વિધાનસભામાં પૂર્વ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીને ચૂંટણીજંગમાં ઉતાર્યા છે. પૂર્વ રાજવીઓ વિશેની ટિપ્પણીને કારણે ક્ષત્રિય સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને આ બેઠક આંદોલનનું ઍપીસેન્ટર હતું.

    purshottam rupala photo

    ઇમેજ સ્રોત, PARSHOTTAM RUPALA/X

  2. વલણોમાં ઓડિશામાં ભાજપને, આંધ્રમાં ટીડીપીને બહુમત

    naveen patnaik photo

    ઇમેજ સ્રોત, Getty Images

    મંગળવારે 542 લોકસભા બેઠક ઉપરાંત આંધ્ર પ્રદેશ અને ઓડિશા વિધાનસભાની ચૂંટણી માટે પણ મતગણના યોજાઈ હતી. પ્રારંભિક વલણો મુજબ, ઓડિશાની 147 બેઠકમાંથી ભાજપ 74 બેઠક ઉપર આગળ છે. જ્યારે સત્તારૂઢ બીજેડી 51 કૉંગ્રેસ 13, અપક્ષ બે તથા સીપીઆઈ-એમ એક બેઠક ઉપર આગળ છે. આમ રાજ્યમાં પ્રથમ વખત ભાજપ આપબળે સરકાર રચવા તરફ અગ્રેસર હોવાનું ચિત્ર ઊભું થાય છે.

    બીજી બાજુ આંધ્ર પ્રદેશમાં ટીડીપી આપબળે 175માંથી 126 બેઠક પર આગળ છે. જનસેના 18 તથા ભાજપ સાત બેઠક પર અગ્રેસર છે. જ્યારે સત્તારૂઢ વાયએસઆરસીપી 22 બેઠક પર આગળ છે.

  3. બનાસકાંઠામાં ગેનીબહેનની સ્થિતિ કેવી?

    ગેનીબહેન ઠાકોર, બીબીસી ગુજરાતી

    ઇમેજ સ્રોત, GENIBAHEN THAKOR/FB

    ઇમેજ કૅપ્શન, ગેનીબહેન ઠાકોર

    બનાસકાંઠાની બેઠક પરથી ગેનીબહેન ઠાકોર 760 જેટલા મતોથી આગળ છે. જ્યારે ભાજપનાં ઉમેદવાર રેખાબહેન ચૌધરી બીજાક્રમાંક પર છે. ગેનીબહેન વાવની બેઠક ઉપરથી કૉંગ્રેસનાં ધારાસભ્ય છે. વર્ષ 2022માં ભાજપતરફી વલણની વચ્ચે પણ ગેનીબહેન આ બેઠક પરથી ચૂંટાઈ આવ્યાં હતાં.

  4. અમેઠી : કૉંગ્રેસના કિશોરીલાલ શર્મા આગળ, સ્મૃતિ ઈરાની પાછળ

    સ્મૃતિ ઈરાની, ભાજપ, બીબીસી ગુજરાતી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની

    ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા બેઠક પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પાછળ ચાલી રહ્યાં છે.

    ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર સવારે 11: 10 વાગ્યે સ્મૃતિ 63, 653 મતોથી પાછળ હતાં. અહીં હાલમાં કૉંગ્રેસના કિશોરીલાલ શર્માને 90, 747 મત મળ્યા છે અને તેમને 27, 094 મતોની સરસાઈ છે.

    નોંધનીય છે કે 2019માં સ્મૃતિ ઈરાનીએ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને હરાવ્યા હતા. જોકે, આ વખતે કૉંગ્રેસે રાહુલ ગાંધીની જગ્યાએ કિશોરીલાલ શર્માને અહીં ઉમેદવાર બનાવ્યા હતા.

    સવારે 11:50ના વલણો પ્રમાણે ભાજપ ઉત્તર પ્રદેશની 80માંથી 34 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.

  5. ગુજરાત વિધાનસભાની પાંચેય બેઠકો પર પેટાચૂંટણીમાં ભાજપ આગળ

    અર્જુન મોઢવાડિયા

    ઇમેજ સ્રોત, Arjun Modhwadia -FB

    લોકસભા ચૂંટણી સાથે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણી માટે પણ મતગણતરી ચાલી રહી છે.

    વિજાપુર બેઠકમાં સાત રાઉન્ડની મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર ડૉ. સી. જે ચાવડા કૉંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલથી 18,494 મતોથી આગળ છે.

    પોરબંદર બેઠકમાં નવ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે, જેમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા કૉંગ્રેસના ઉમેદવાર ઓડેદરા રાજુ ભીમાથી 58589 મતથી આગળ છે.

    ખંભાત બેઠકમાં આઠ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ 16545 મતથી આગળ ચાલી રહ્યા છે. કૉંગ્રેસએ આ બેઠકમાં મહેન્દ્રસિંહ પરમારને ટિકિટ આપી છે.

    વાઘોડિયા બેઠકમાં છ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. કૉંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલ ભાજપના ઉમેદવાર ધર્મન્દ્રસિંહ વાધેલાથી 20842 મતથી પાછળ ચાલી રહ્યા છે.

    માણાવદર બેઠકમાં છ રાઉન્ડની મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી 9705 મતથી આગળ ચાલી રહ્યા છે. કૉંગ્રેસે આ બેઠકપર હરિભાઈ કણસાગરાને ટિકિટ આપી છે.

  6. ગુજરાતની આ બેઠકોનાં પરિણામો સૌને ચોંકાવી દેશે?

  7. ઇન્ડિયા ગઠબંધન વલણોમાં 200ને પાર

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી
    ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી

    લોકસભા 2024ની ચૂંટણીનાં શરૂઆતી વલણો પ્રમાણે ઇન્ડિયા ગઠબંધન 209 બેઠકોપર આગળ ચાલી રહ્યું છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા એનડીએગઠબંધન 285 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.

    ભાજપના પ્રવક્તાઓ કહે છે કેએનડીએ ગઠબંધન સરળતાથી સરકાર બનાવશે. જોકે, ઇન્ડિયા ગઠબંધનના પ્રદર્શનનેકારણે પાર્ટીના ઘણા કાર્યકરો આશ્ચર્યચકિત છે.

    ગુજરાતનીવાત કરીએ તો ભાજપ 25માંથી 24 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે, જ્યારે કૉંગ્રેસમાત્ર પાટણની બેઠક પરથી આગળ ચાલી રહી છે.

  8. નિફ્ટી અને બીએસઈ આંકમાં કડાકો

    શેર માર્કેટ

    ઇમેજ સ્રોત, ANI

    સવારે અગ્યાર વાગ્યે ત્રીસ શૅરના બીએસઈ સૂચકાંકમાં ત્રણ હજાર 250 પૉઇન્ટનો કડાકો બોલી ગયો હતો અને તે 73 હજાર 225 આસપાસ ટ્રૅન્ડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી આંક એક હજાર 250 પૉઇન્ટ જેટલો નીચે ઉતરી ગયો હતો, જે 5.40 ટકા જેટલો ઘટાડો સૂચવે છે.

    પ્રારંભિક વલણોમાં ભાજપને આપબળે બહુમતી નહીં મળવાને મુખ્ય કારણ માનવામાં આવે છે. જાણકારોનું કહેવું છે કે મંગળવારે જ્યાં સુધી ચિત્ર સ્પષ્ટ ન થાય, ત્યાં સુધી બજારમાં નરમાશ જોવા મળી શકે છે.

  9. પંજાબમાં ખાલિસ્તાની સમર્થક અમૃતપાલસિંહ ખડુર સાહિબ બેઠક પરથી આગળ

    અમૃતપાલ સિંહ

    ઇમેજ સ્રોત, Getty Images

    પંજાબમાં કૉંગ્રેસ છ બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી ત્રણ બેઠકો પર આગળ ચાલી રહી છે. શિરોમણી અકાલી દળ બે બેઠકો પર આગળ ચાલી રહી છે.

    પંજાબમાં કૂલ 13 બેઠકો છે. ભારતીય જનતા પાર્ટી 13માંથી એક પણ બેઠક પર આગળ નથી ચાલી રહી.

    સૌથી ચોકવનારી વાત એ છે કે ખડુરસાહિબ બેઠક પરથી ખાલિસ્તાની સમર્થક અમૃતપાલસિંહ અને ફરીદકોટ બેઠક પરથી સરબજિતસિંહ ખાલસા આગળ ચાલી રહ્યા છે. બંને અપક્ષ ઉમેદવારો તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

    સરબજીતસિંહ ખાલસા બેઅંતસિંહના પુત્ર છે. બેઅંતસિંહ પૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યામાં સામેલ હતા. અહીં ઉલ્લેખનિય છે કે અમૃતપાલસિંહ જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ 57 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે.

  10. હિમાચલ પ્રદેશમાં નવાજૂની?

    sukhvinder singh sukhu photo

    ઇમેજ સ્રોત, @HARISHRAWATCMUK

    હિમાચલ પ્રદેશ વિધાનસભાના 68 ધારાસભ્યમાંથી કૉંગ્રેસ પાસે 34 અને ભાજપ પાસે 25 બેઠક છે. છ બેઠક પરની પેટાચૂંટણીમાં ભાજપ ત્રણ જ્યારે કૉંગ્રેસ બે અને અપક્ષ એક બેઠક પર આગળ છે.રાજ્યસભાની ચૂંટણી સમયે ભાજપના ઉમેદવારની તરફેણમાં મતદાન કરનારા ત્રણ અપક્ષ ધારાસભ્યોએ સભ્યપદેથી રાજીનામા આપી દીધાં હતાં, જેને વિધાનસભાના સ્પીકરે સ્વીકારી લીધા હતા.

    પેટાચૂંટણીના પરિણામ ઉપર હિમાચલ પ્રદેશની સુખવિંદરસિંહ સુખ્ખુ સરકારના ભવિષ્યનો આધાર રહેશે.

  11. કોણ આગળ, કોણ પાછળ ?

    નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી

    સવારે સાડા દસ વાગ્યાની સ્થિતિ પ્રમાણે, વારાણસીની બેઠક ઉપરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા રાયબરેલીની બેઠક ઉપરથી રાહુલ ગાંધી આગળ છે. રાહુલ ગાંધી વાયનાડની બેઠક પરથી પણ આગળ છે. ગાંધીનગરની બેઠક પરથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે લાખ કરતાં વધુ મતની લીડથી આગળ છે.

    હરિયાણાની કરનાલ બેઠક ઉપરથી પૂર્વ મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટર તથા મધ્ય પ્રદેશની વિદિશા બેઠક પરથી પૂર્વ મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આગળ છે.

    હમીરપુર (હિમાચલ પ્રદેશ) બેઠક પરથી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર તથા મંડીની બેઠક ઉપરથી અભિનેત્રી કંગના રણૌત આગળ છે. તિરૂવનંતપુરમની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રાજીવ ચંદ્રશેખર કૉંગ્રેસના શશિ થરૂર કરતાં પાંચેક હજાર મતથી આગળ છે. અમેઠીની બેઠક ઉપરથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની 19 હજાર જેટલા મતોથી પાછળ છે.

    પંજાબની ખડુર સાહિબ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર અમરિતપાલસિંહ આગળ છે. તેઓ આસામની જેલમાં બંધ છે અને તેમણે જેલમાંથી જ ઉમેદવારી કરી હતી. બાડમેરની બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર રવિન્દ્ર ભાટી કૉંગ્રેસના ઉમદેવાર ઉમેદલાલ મીણા કરતાં પાછળ છે.

    મહારાષ્ટ્રની મુંબઈ (ઉત્તર) બેઠક ઉપરથી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ કૉંગ્રેસના ઉમેદવાર કરતાં આગળ છે.

  12. એનડીએ 292 બેઠકો પર આગળ, ઇન્ડિયા ગઠબંધને 200 બેઠકો પર લીડ

    લોકસભા ચૂંટણીના સવારે 10:30 વાગ્યા સુધીના વલણો પ્રમાણે, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળું એનડીએ ગઠબંધન 292 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 200 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. અન્ય રાજકીય પાર્ટીઓ 43 બેઠકો પર આગળ ચાલી રહી છે.

    ગુજરાતની વાત કરીએ તો 25 બેઠકો પર મતગણતરી ચાલી રહી છે, જેમાં ભાજપના ઉમેદવારો 24 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. કૉંગ્રેસના ચંદનજી ઠાકોર એક માત્ર પાટણ બેઠકો પરથી આગળ ચાલી રહ્યા છે. ચંદનજી ઠાકોર 17 હજારથી વધારે મતોથી આગળ ચાલી રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતની સુરત બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ પહેલાં જ નિર્વિરોધ ચૂંટાઈ ગયા હતા.

    એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન જેવાં રાજ્યોમાં ભારે ટક્કર જોવા મળી રહી છે.

    કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી
    ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી
  13. પાંચ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપ આગળ

    ગુજરાત ભાજપ

    ઇમેજ સ્રોત, @CRPAATIL

    લોકસભા ચૂંટણીની મતગણતરીની સાથેસાથે જ્યાં પેટાચૂંટણી યોજાઈ હતી તે પાંચ વિધાનસભા બેઠકોની મતગણતરી ચાલી રહી છે. ભાજપ ભાજપને વાઘોડિયા, ખંભાત, પોરબંદર, માણાવદર અને વીજાપુર બેઠકમાં આગળ ચાલી રહી છે.

    મત ગણતરી શરૂ થઈ અને પ્રથમ રાઉન્ડના અંતમાં ભાજપને વાઘોડિયા, ખંભાત, પોરબંદર અને વીજાપુર વિધાનસભા બેઠકોમાં લીડ મળવાની શરૂઆત થઈ હતી. બીજા રાઉન્ડ સુધીમાં લીડમાં વધારો થઈ રહ્યો છે. અર્જુન મોઢવાડિયા 25,355 મતથી આગળ છે.

    સૌથી નોંધનીય વાત છે કે માણાવદર બેઠકમાં જ્યાં કૉંગ્રેસના ઉમેદવાર પ્રથમ રાઉન્ડમાં આગળ હતા, પરંતુ બીજા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ 559 મતની લીડ મેળવી છે.

  14. LIVE : લોકસભા ચૂંટણી પરિણામ લાઇવ, કોણ આગળ, કોણ પાછળ?

  15. આંધ્ર અને ઓડિશામાં કેવી સ્થિતિ?

    ચંદ્રબાબુ નાયડુની તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

    સવારે દસ વાગ્યાની સ્થિતિ પ્રમાણે, આંધ્ર પ્રદેશ તથા ઓડિશામાં સત્તારૂઢ પક્ષોનું પ્રદર્શન વિપક્ષ કરતાં ખરાબ જોવા મળી રહ્યું છે.

    આંધ્ર પ્રદેશમાં તેલુગુ દેશમ્ પાર્ટી 78, જનસેના પાર્ટી 13 અને ભાજપ ત્રણ બેઠક ઉપર આગળ છે. 175 ધારાસભ્યોવાળા વિધાનગૃહમાં ટીડીપી, બીજેપી તથા જનસેનાની યુતિએ બહુમતી માટે જરૂરી 88નો આંકડો પાર કરી લીધો છે. અહીં સત્તારૂઢ વાયએસઆર કૉંગ્રેસ 19 બેઠક ઉપર આગળ છે.

    ઓડિશામાં 147 બેઠકમાંથી 34 પર ભાજપ, 23 પર બીજેડી, પાંચ પર કૉંગ્રેસ, એક પર સીપીઆઈ-એમ તથા એક પર અપક્ષ આગળ છે. અહીં બહુમત માટે 74 બેઠકની જરૂર રહે.

  16. શરૂઆતી વલણોમાં ગુજરાતમાં કૉંગ્રેસ બે બેઠકો પર આગળ, દેશમાં એનડીએ 283 બેઠકો પર આગળ

    સવારે સાડા નવ વાગ્યે ગુજરાતની તમામ 25 બેઠક પરની મતગણતરીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. કૉંગ્રેસના ઉમેદવાર બનાસકાંઠા તથા પાટણની બેઠક ઉપર આગળ છે, જ્યારે અન્ય 23 બેઠક ઉપર ભાજપના ઉમેદવાર આગળ છે. અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતની સુરત બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ પહેલાં જ નિર્વિરોધ ચૂંટાઈ ગયા હતા.આ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્રક રદ થયા પછી અપક્ષના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. 2014 અને 2019ની ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 26 લોકસભા બેઠકો પર ભાજપની જીત થઈ હતી. દેશની વાત કરીએ તો હાલમાં એનડીએ 283, ઇન્ડિયા ગઠબંધન 201 તથા અન્ય 46 બેઠક ઉપર આગળ છે. હાલમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને હરિયાણા જેવા રાજ્યોમાં એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે આ માત્ર શરૂઆતી વલણો છે.

    કૉંગ્રેસ ઉમેદવાર ગેનીબહેન ઠાકોર

    ઇમેજ સ્રોત, GENIBEN THAKOR MLA/FB

    ઇમેજ કૅપ્શન, બનાસકાંઠાથી કૉંગ્રેસના ઉમેદવાર ગેનીબહેન ઠાકોર
  17. બ્રેકિંગ, શૅરબજારમાં કડાકો, તેજી ધોવાઈ

    ઍક્ઝિટ પોલ્સમાં ભાજપને બહુમતીની આગાહીના સથવારે સોમવારે બીએસઈ તથા એનએસઈના સૂચકાંકોમાં સવા ત્રણ ટકા જેટલી તેજી જોવા મળી હતી, પરંતુ મંગળવારે સવારે ગિફ્ટ નિફ્ટીએ બજારમાં નરમાશના સંકેત આપ્યા હતા.

    ભાજપનું પ્રદર્શન અપેક્ષા કરતાં ઓછું સારું રહ્યું હતું. શરૂઆતની મિનિટોમાં જ બજારમાં સવા ત્રણ ટકા સુધીનો કડાકો બોલી ગયો હતો અને ગઈકાલે બજારમાં જે વધારો જોવા મળ્યો હતો, તે ધોવાઈ ગયો હતો.

    નિફ્ટીના તમામ સૂચકાંકો રેડઝોનમાં ટ્રૅડ કરી રહ્યા હતા, માત્ર ઉથલપાથલના સૂચકાંક ઇન્ડિયા વિએક્સમાં 20 ટકા જેટલી વૃદ્ધિ જોવા મળી હતી.

    શેરમાર્કેટ

    ઇમેજ સ્રોત, Getty Images

  18. રાજકોટ અગ્નિકાંડ : ભાજપના સાંસદ રામભાઈ મોકરિયા શા માટે વિવાદમાં સપડાયા છે?

  19. પ્રારંભિક વલણમાં એનડીએને બહુમતી

    મતગણતરીના પ્રારંભિક કલાકો દરમિયાન એનડીએએ બહુમત માટે જરૂરી 272નો આંકડો પાર કરી લીધો હતો અને 278 ઉપર હતું. જ્યારે ઇન્ડિયા ગઠબંધન 193 પર તથા અન્ય 46 સીટ પર આગળ છે.

    અન્યમાં બીજુ જનતા દળ (ઓડિશા), બહુજન સમાજ પક્ષ (યુપી) તથા વાયએસઆર કૉંગ્રેસ (આંધ્ર પ્રદેશ) જેવા દળોનો સમાવેશ થાય છે, જેમણે એનડીએ કે ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાણ નથી કર્યું.

    BBC results tally
  20. સવારે નવ વાગ્યાની સ્થિતિ

    સવારે નવ વાગ્યે ગુજરાતની તમામ 25 બેઠક પરની મતગણતરીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. જ્યાં બનાસકાંઠા, આણંદ તથા સાબરકાંઠાની બેઠક ઉપર કૉંગ્રેસના ઉમેદવાર આગળ છે, જ્યારે અન્ય 22 બેઠક ઉપર ભાજપના ઉમેદવાર આગળ છે.

    એનડીએ 265, ઇન્ડિયા ગઠબંધન 176 તથા અન્ય 39 બેઠક ઉપર આગળ છે.

    ગુજરાતની પાંચ સહિત દેશભરમાં 25 બેઠક ઉપર પણ પેટાચૂંટણી માટે મતગણતરી યોજાઈ રહી છે, પરંતુ ત્યાંનાં ચિત્ર હજુ સુધી સ્પષ્ટ નથી થયાં. આ સિવાય ઓડિશામાં એક બેઠક ઉપર સત્તારૂઢ બીજુ જનતા દળ તથા એક બેઠક ઉપર તેલુગુ દેશમ્ પાર્ટી અગ્રેસર છે.

    લોકસભાની ચૂંટણી