You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પરિણામ બાદ પીએમ નરેન્દ્ર મોદીએ શું પ્રતિક્રિયા આપી?
લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનના પ્રદર્શન પર કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ પત્રકારપરિષદ સંબોધી હતી.
સારાંશ
- 18 મી લોકસભાના ગઠન માટે ભાજપના નેતૃત્વવાળા એનડીએ અને કૉંગ્રેસના નેતૃત્વમાં નવગઠિત ઇન્ડિયા એલાયન્સની વચ્ચે મુખ્ય સ્પર્ધા હતી.
- ચૂંટણીપંચ અનુસાર 31 કરોડ 20 લાખ મહિલા મતદારોએ સામાન્ય ચૂંટણી દરમિયાન વોટિંગ કર્યું હતું.
- કુલ 75 દિવસ દરમિયાન સાત તબક્કામાં દેશની આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ અને ઓડિશા એમ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ પણ યોજાઈ હતી.
- સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી હતી, જ્યારે ઇન્દોરની બેઠક ઉપરથી કૉંગ્રેસના ઉમેદવારે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.
લાઇવ કવરેજ
લોકસભાની ચૂંટણીનાં પરિણામો પરનું આ વિશેષ લાઇવ કરવેજ અહીં જ પૂર્ણ કરીએ છીએ. અમારી સાથે જોડાયા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર. અન્ય સમાચાર માટે જોડાયેલા રહો બીબીસી ન્યૂઝ ગુજરાતી પર.
PM મોદીએ ભાજપના કાર્યાલય પરથી શું કહ્યું?
લોકસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાનીમાં એનડીએ 290 બેઠકો જીતી છે.
આ પ્રદર્શન બાદ મંગળવારે નરેન્દ્ર મોદીએ દિલ્હીના ભાજપના કાર્યાલય પહોંચીને બોલ્યા, "આજનો દિવસ ભાવૂક કરી દેનારો છે. મારી માના ગયા બાદ આ મારી પ્રથમ ચૂંટણી હતી. દેશની જનતાએ મને માની કમી અનુભવવા ના દીધી. દેશની માતા-બહેનોએ મને પ્રેરણા આપી છે."
પીએમ મોદીએ ઉમેર્યું, "અમારા વિરોધીઓ એકજૂથ થઈને પણ એટલી બેઠકો નથી જીતી શક્યા, જેટલી એકલા ભાજપે જીતી છે."
પીએમ મોદીએ શું-શું કહ્યું?
કેટલાંય વર્ષો બાદ કોઈ સરકાર પોતાના બે કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ ત્રીજી વખત પરત ફરી છે.
ભાજપ ઓડિશામાં સરકાર બનાવી રહ્યો છે. લોકસભા ચૂંટણીમાં ઓડિશાએ બહેતર પ્રદર્શન કર્યું છે.
ભાજપે કેરળમાં વિજય હાંસલ કર્યો છે.કેરળના કાર્યકરોએ ભારે બલિદાનો આપ્યાં છે. કેટલીય પેઢીઓથી તેઓ સંઘર્ષ કરી રહ્યા છે.
ચૂંટણીનાં પરિણામો બાદ પીએમ નરેન્દ્ર મોદીએ શું પ્રતિક્રિયા આપી?
ચૂંટણીનાં પરિણામો બાદ પીએમ નરેન્દ્ર મોદીની પ્રથમ પ્રતિક્રિયા આવી છે.
લોકસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાં બાદ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, "દેશની જનતા-જનાર્દને એનડીએ પર સતત ત્રીજી વખત પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભારતના ઇતિહાસમાં આ અદ્ભૂત પળ છે.હું સ્નેહ અને આશીર્વાદ માટે પોતાના પરિવારજનોને નમન કરું છું."
તેમણે ઉમેર્યું, "હું દેશવાસીઓને વિશ્વાસ અપાવું છું કે તેમની આકાંક્ષાઓને પૂરી કરવા માટે અમે નવી ઊર્જા, નવા ઉમંગ, નવા સંકલ્પ સાથે આગળ વધીશું."
આ સમાચાર લખાઈ રહ્યાં છે ત્યાં સુધી એનડીએ 292 અને ઇન્ડિયા 233 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે.
પીએમ મોદીએ તત્કાલ રાજીનામું આપવું જોઈએ - મમતા બેનરજી
લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનના પ્રદર્શન બાદ પશ્ચિમ બંગળાનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ પીએમ નરેન્દ્ર મોદીના રાજીનામાની માગ કરી છે.
બેનરજીએ પત્રકારોને જણાવ્યું,"એક તરફ સીબીઆઈ, એક તરફ ઈડી, તો પણ મોદીને મહુમતી નથી મળી. તેમણે પોતાની વિશ્વનિયતા ગુમાવી દીધી છે.તેમણે (પીએમ મોદીએ) તત્કાલ રાજીનામું આપી દેવું જોઈએ. કેમ કે આ વખતે 400નો નારો આપ્યો હતો. "
મમતાએ કહ્યું હતું, "અત્યારે તેમને ટીડીપી અને નીતીશકુમારના પગ પકડવા પડી રહ્યા છે. મોદીને હું સારી રીતે જાણું છું. તેઓ ઇન્ડિયા ગઠબંધન નહીં તોડી શકે."
તેમણે એવું પણ કહ્યું, "મેં અખિલેશને અભિનંદન પાઠવ્યાં. બહુ સારું કર્યું છે. આગામી ચૂંટણીમાં અખિલેશ યાદવની યુપીમાં જીત થશે. બિહારમાં જે પરિણામો અત્યાર સુધી સામે આવ્યાં છે, એ સાચા નથી. તેજસ્વી યાદવ સાથે મારી વાત થઈ છે. તેમણે કહ્યું છે કે દીદી હજુ ઘણી મતગણતરી બાકી છે. આ લોકો ખોટું બોલી રહ્યા છે."
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના વિરોધ છતાં રાજકોટથી કેવી રીતે જીતી ગયા?
અમેઠીથી કિશોરીલાલ સામે સ્મૃતિ ઈરાની હાર્યાં, 1 લાખ 67 હજાર મતનું અંતર
ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી ચૂંટણીપંચે પરિણામ જાહેર કરી દીધું છે.
આ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર કિશોરીલાલ શર્માએ ભાજપનાં સ્મૃતિ ઈરાનીને 1 લાખ 67 હજાર 196 મતથી હરાવી દીધાં છે.
સ્મૃતિ ઈરાનીએ મંગળવારે સાંજે પત્રકારપરિષદ ભરી હતી.
તેમણે અમેઠીમાં ભાજપના નેતાઓ, કાર્યકરોનો આભાર માન્યો હતો.
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે "આજે નરેન્દ્ર મોદી, યોગીજીનો આભાર માનું છું. 30 વરસનાં કામોને પાંચ વરસમાં પૂરાં કર્યાં છે. જે જીત્યા છે, એમને અભિનંદન."
તેમણે કહ્યું, "હું આશા રાખું છું કે અમે જેટલી નિષ્ઠા સાથે ગામેગામ જઈને સેવા કરી, એ જ રીતે સેવા થતી રહેશે. સંગઠનને વધુ મજબૂત કરીશું. જેવું અટલજી કહેતા હતા- ક્યા હાર મેં ક્યા જીત મેં, કિંચિત નહીં ભયભીત મૈં, સંઘર્ષ પથ પર જો મિલે યહ ભી સહી વહ ભી સહી."
બ્રેકિંગ, કૉંગ્રેસના પ્રદર્શન પર રાહુલ ગાંધી શું બોલ્યા?
લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનના પ્રદર્શન પર કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ પત્રકારપરિષદ સંબોધી હતી.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું, "અમારી લડાઈ બંધારણ બચાવવાની હતી. હું હિંદુસ્તાનની જનતા, ઇન્ડિયાના સહયોગી, કૉંગ્રેસ પક્ષના નેતાઓ અને બબ્બર શેર કાર્યકરોનો દિલથી ધન્યવાદ કરવા ઇચ્છું છું."
રાહુલે એવું પણ કહ્યું, "અદાણીના સ્ટૉક્સ તો તમે જોયા હશે. જનતા મોદી અને અદાણીને સીધા જ જોડીને જુએ છે. સીધો સંબંધ છે. ભ્રષ્ટાચારનો સંબંધ છે. ચૂંટણીએ એ કહી દીધું કે નરેન્દ્ર મોદી અમે તમને નથી ઇચ્છતા. શાહને નથી ઇચ્છતા."
પત્રકારપરિષદમાં રાહુલ ગાંધીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું તેઓ પોતાના પૂર્વસહયોગીઓ સાથે ફરીથી જોડાશે?
એનો જવાબ આપતાં રાહુલે જણાવ્યું, "અમે અમારા સહયોગીઓ સાથે વાતચીત કર્યા વગર આના પર વાત નહીં કરીએ. કાલે ઇન્ડિયા ગઠબંધનની બેઠક છે. જે ઇન્ડિયા નક્કી કરશે, અમે તેના પર જ ઍક્શન લઈશું."
રાયબરેલી અને વાયનાડ બેઠકથી જીતવા અંગે જ્યારે તેમને પુછાયું તો તેમણે કહ્યું, "કઈ બેઠક પર રહીશ એ પૂછીશ અને બાદમાં નક્કી કરીશ."
તેમણે એવું પણ કહ્યું, "આ ચૂંટણી ભાજપ, એક રાજકીય દળ, ભારતનાં સંસ્થાનો, ભારતના વહીવટી માળખા સામે લડ્યા. આ લડાઈ બંધારણને બચાવવાની હતી."
"મારા મગજમાં પહેલાંથી જ હતું કે ભારતની જનતા પોતાના બંધારણમાં એક સાથે મળીને લડી જશે."
જ્યાં રામમંદિર બન્યું એ અયોધ્યામાં જ ભાજપ આટલો પાછળ કેમ ચાલી રહ્યો છે?
ઉત્તર પ્રદેશની ફૈઝાબાદ બેઠક પર સમાજાવાદી પક્ષના અવધેશ પ્રસાદ 47 હજાર બેઠકોથી આગળ ચાલી રહ્યા છે.
અવધશ પ્રસાદને અત્યાર સુધી 78 હજારથી વધારે મત મળ્યા છે. આ આંકડો સાંજના પાંચ વાગ્યા સુધીનો છે.
ભાજપના લલ્લુસિંહ 4 લાખ 30 હજાર મત હાંસલ કરીને બીજા નંબર પર બનેલા છે.
ફૈઝાબાદની બેઠકની ચર્ચા એટલે પણ વધારે થઈ રહી છે કે આ જ વર્ષે જાન્યુઆરીમાં પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં શ્રીરામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસીથી જીત
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વારાણસીથી લોકસભા ચૂંટણી જીતી ગયા છે.
તેમણે કૉંગ્રેસના અજય રાયને 1,52,513 મતોથી હરાવ્યા હતા.
ઉત્તર પ્રદેશમાં ભાજપ 32 બેઠકોથી આગળ ચાલી રહ્યો છે. સમાજવાદી પાર્ટી 36 બેઠકો અને કૉંગ્રેસ છ બેઠકો પર આગળ ચાલી રહી છે.
યુપીની સીતાપુર બેઠક પરથી કૉંગ્રેસના રાકેશ રાઠોડ ચૂંટણી જીતી ગયા છે.
નાણાકીય બજારોમાં પરિણામોની શું અસર થઈ?, અર્ચના શુક્લા, બિઝનેસ સંવાદદાતા, બીબીસી
દેશનાં નાણાકીય બજારોમાં જાણે રક્તપાત સર્જાયો હોય તે રીતે તેમના સૂચકાંકો લાલ રંગમાં તરબોળ થઈ ગયાં હતાં. દેશનાં મહત્ત્વનાં શેરબજાર બૉમ્બે સ્ટોક ઍક્સ્ચેન્જ અને નેશનલ સ્ટોક ઍક્સ્ચેન્જના સૂચકાંકો અનુક્રમે સૅન્સેક્સ અને નિફ્ટી દિવસ દરમિયાન 8 ટકા કરતાં વધુના ઘટાડા સાથે છેલ્લાં ચાર વર્ષનાં સૌથી નીચી સપાટીએ બંધ થયા. આ બજારો દિવસ દરમિયાન થયેલા ઘટાડા બાદ થોડા સુધારા સાથે બંધ થયા.
વિશ્લેષકોના મત અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પક્ષ ભાજપ પોતે સ્પષ્ટ બહુમતી મેળવી નથી રહ્યો એ બજારો માટે સૌથી નિરાશાજનક બાબત રહી. મેં બૉમ્બે સ્ટોક ઍક્સ્ચેન્જની બહાર એક રોકાણકાર સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે આ બાબત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રોમાં રોકાણોની સાતત્યતામાં અનિશ્ચિતતા દર્શાવે છે.
તેમણે કહ્યું, “તેનાથી સરકારની આર્થિક નીતિના ઘડતરની ગતિ ધીમી પડે છે.” ભૂતકાળમાં સ્પષ્ટ બહુમતીને કારણે ઝડપથી લેવાતા નીતિવિષયક નિર્ણયો લેવાની ક્ષમતાને આ ગઠબંધન સરકારે પોતાની ખૂબી ગણાવી હતી.
સોમવારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તેને આનુષંગિક માલસામાનનું ઉત્પાદન કરતી કંપનીઓ, ઊર્જા કંપનીઓ અને સરકારી બૅન્કોમાં સુધારો જોવા મળ્યો હતો, તેમાં મંગળવારે સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો.
આ ઘટાડાનો સૌથી વધુ આંચકો અદાણી ગ્રૂપની મોટા ભાગની ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા ઊર્જા ક્ષેત્રની કંપનીઓને લાગ્યો હતો. સોમવારના સોદાઓમાં અદાણી જૂથના જે શૅરોમાં જે રેકૉર્ડ તેજી જોવા મળી હતી તે તમામ શૅરોની કિંમતમાં 20 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.
અદાણી ગ્રૂપના પ્રમોટર અને વિશ્વની સૌથી ધનિક વ્યક્તિઓમાં સ્થાન પામતા ગૌતમ અદાણી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નજીક હોવાનું મનાય છે.
વડા પ્રધાન મોદીના ભાજપને સંસદમાં ઓછી બેઠકો મળવા અને સંસદમાં લાંબા સમયથી મોદી સાથે ઘનિષ્ઠ સંબંધોને કારણે અદાણીએ કથિત લાભ મેળવ્યા હોવાના આરોપો મૂકરી રહેલો વિરોધપક્ષ વધુ સશક્ત બનવાથી અદાણીના શૅરની કિંમતો વિશેની ચિંતામાં ઉમેરો થયો હોવાની સંભાવના છે.
સીઆર પાટીલે કેમ કહ્યું, 'મતદારો નારાજ હશે'
ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે પરિણામો આવી રહ્યાં છે. ભાજપ એક બનાસકાંઠા બેઠક છોડીને તમામ બેઠક પર આગળ ચાલી રહ્યો છે.
આ દરમિયાન કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે બનાસકાંઠાનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોરને વિજય માટે અભિનંદન આપ્યાં છે.
ગેનીબહેન ઠાકોરે પણ મીડિયા સાથેની વાતચીતમાં વિજયી મુદ્રામાં બનાસકાંઠાના લોકોનો આભાર માન્યો હતો.
ચૂંટણીપંચની વેબસાઇટ પ્રમાણે, ગુજરાતની એકમાત્ર બનાસકાંઠા બેઠક પરથી કૉંગ્રેસનાં મહિલા ઉમેદવાર ગેનીબહેન ઠાકોર લગભગ 33 હજારથી વધારે મતોથી આગળ ચાલી રહ્યાં છે.
આ બેઠક પર ગેનીબહેનનો મુકાબલો ભારતીય જનતા પાર્ટીનાં ડૉક્ટર રેખાબહેન ચૌધરી સામે હતો.
બનાસકાંઠા બેઠક પર અગાઉથી એવી ચર્ચા ચાલતી હતી કે ગેનીબહેન ઠાકોરનો વિજય થશે અને પરિણામ પણ એમની તરફેણમાં આવી રહ્યું છે.
પરિણામોને લઈ ભાજપે કમલમ ખાતે મીડિયાને સંબોધન કર્યું હતું.
સીઆર પાટીલે કહ્યું કે અમે આ વખતે પણ 26 બેઠક જીતવા સંકલ્પ કર્યો હતો, પરંતુ એક સીટ ગુમાવવી પડી છે.
પાંચ લાખથી ઓછી લીડવાળી બેઠકો અંગે પાટીલે કહ્યું કે અમને હતું કે 14-15 સીટો પર પાંચ લાખની લીડથી જીતીશું, પરંતુ ક્યાંક કચાસ રહી હશે. લોકોને ક્યાંક કોઈક બાબતે નારાજગી હશે તો અમે અભ્યાસ કરીશું. પાટીલે કહ્યું કે કદાચ મતદારો નારાજ હશે.
યુપીમાં ભાજપનું શું થયું? ઇન્ડિયા ગઠબંધન કેટલી સીટ પર આગળ?
લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું છે.
યુપીમાં એનડીએ ગઠબંધન 37 સીટ પર આગળ છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 42 સીટ પર આગળ છે.
યુપીમાં ગત લોકસભા ચૂંટણી કરતાં ભાજપ ઘણી ઓછી બેઠકો પર આગળ છે.
ચૂંટણીપંચ અનુસાર, ભાજપ 36, સમાજવાદી પાર્ટી 33, કૉંગ્રેસ સાત અને આરએલડી બે સીટ પર આગળ છે.
અમેઠી બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર કિશોરીલાલ શર્મા એક લાખ 18 હજાર મતથી આગળ છે. જ્યારે ભાજપનાં ઉમેદવાર સ્મૃતિ ઈરાની પાછળ છે.
ઉત્તર પ્રદેશ: ચંદ્રશેખર આઝાદ અંદાજે 1.24 લાખ મતોથી આગળ
ઉત્તર પ્રદેશની નગીના લોકસભા બેઠકથી આઝાદ સમાજ પાર્ટી(કાંશીરામ)ના ચંદ્રશેખર આઝાદ આગળ ચાલી રહ્યા છે.
ભારતીય ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર બપોરે 2:30 સુધીમાં ચંદ્રશેખર આઝાદ કુલ 1.24 લાખ મતોથી આગળ છે.
ભારતીય જનતા પાર્ટીના ઓમ કુમાર બીજા નંબરે છે. ચંદ્રશેખરને કુલ 4 લાખ 27 હજાર મતો મળી ચૂક્યા છે.
ઉત્તર પ્રદેશની બેઠકોની વાત કરવામાં આવે તો સમાજવાદી પાર્ટી 36 બેઠકો, ભાજપ 33 બેઠકો અને કૉંગ્રેસ સાત બેઠકો પર આગળ છે.
પોરબંદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કૉંગ્રેસમાંથી ભાજપમાં જનાર અર્જુન મોઢવાડીયાનો વિજય
પોરબંદર વિધાનસભાની પેટાચૂંટણીની વાત કરીએ તો કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અર્જુનભાઈ મોઢવાડીયાએ એક લાખ 16 હજારથી વધારે મતોથી જીત નોંધાવી હતી. મોઢવાડીયાનો મુકાબલો અહીં કૉંગ્રેસના ઉમેદવાર રાજુભાઈ ઓડેદરા સામે છે.
કૉંગ્રેસના ઉમેદવારને માત્ર 16 હજાર 355 મતો મળ્યા હતા. અર્જુનભાઈએ રામમંદિર અંગે કૉંગ્રેસના વલણનું કારણ આપ્યું પણ માત્ર એ એક જ કારણ નથી.
અર્જુનભાઈએ રાજીનામું આપ્યું ત્યારે કહ્યું કે, “40 વર્ષ સુધી જે પક્ષને જીવન સમર્પિત કર્યું તેને છોડવાનો નિર્ણય ખૂબ ભારે હૈયે લઈ રહ્યો છું.”
વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિઝાપુર, માણાવદર, ખંભાત અને વાધોડિયા બેઠક પરથી પણ આગળ ચાલી રહ્યા છે.
બંને બેઠક પર રાહુલ ગાંધી આગળ
કેરળની વાયનાડ બેઠક પરથી કૉંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી બે લાખ 44 હજાર મતથી આગળ છે. અહીં કમ્યૂનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના એન્ની રાજા તેમને ટક્કર આપી રહ્યાં છે.
રાહુલ ગાંધી પરિવારની પરંપરાગત રાય બરેલી બેઠક પરથી પણ ચૂંટણી લડી રહ્યાં છે. જ્યાં તેઓ એક લાખ 73 હજાર મતોથી આગળ છે. ભાજપે મૂળ સપાના દિનેશ પ્રતાપસિંહને અહીંથી ઉમેદવાર બનાવ્યા હતા.
નિયમ પ્રમાણે, જો રાહુલ ગાંધી બંને બેઠક ઉપરથી ચૂંટાઈ આવે તો તેઓ કોઈ એક જ બેઠકનું પ્રતિનિધિત્વ કરી શકે છે અને તેમણે બીજી બેઠક છોડવી પડી શકે છે.
'ચિરાગ' પાસવાનનો ઝળહળાટ
લોકજનશક્તિ પાર્ટી (પાસવાન)ના વડા ચિરાગ પાસવાન તેમના પિતાની પરંપરાગત બેઠક હાજીપુર પરથી 35 હજાર મતોથી આગળ છે. પિતાના અવસાન બાદતેમના અને કાકાની વચ્ચે મતભેદ થયા હતા અને તેમણે પાર્ટી ઉપર પ્રભુત્વ ગુમાવ્યું હતું. તેઓ એનડીએના ઘટકદળ છે. રાષ્ટ્રીય જનતા દળના શીવ ચંદ્ર રામ તેમને ટક્કર આપી રહ્યાં છે.
વલસાડમાં ભાજપને મળી જબરદસ્ત સરસાઈ, કૉંગ્રેસના અનંત પટેલની સ્થિતિ શું છે?
દક્ષિણ ગુજરાતની વલસાડ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલ 1,92,734 મતોથી આગળ ચાલી રહ્યા છે.
કૉંગ્રેસના 'લોકપ્રિય' ઉમેદવાર અને વાંસદાથી ધારાસભ્ય અનંત પટેલ સતત પાછળ ચાલી રહ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે વલસાડની બેઠક એ બેલવેધર સીટ ગણાય છે. આ બેઠક જે જીતે તેમની સરકાર બને તેવી ધારણા રહી છે.
ભરૂચમાં ચૈતર વસાવાની સ્થિતિ શું છે?
ગુજરાતમાં ભરૂચ લોકસભા બેઠક પરથી ભાજપના મનસુખ વસાવા 59534 મતોથી આગળ ચાલી રહ્યા છે.
આમ આદમી પાર્ટીના બહુચર્ચિત ઉમેદવાર ચૈતર વસાવા સતત પાછળ ચાલી રહ્યા છે.
ચૈતર વસાવા ડેડિયાપાડાથી હાલના ચૂંટાયેલા ધારાસભ્ય છે.
ઇન્ડિયા ગઠબંધનને આ બેઠક પર જીતની પ્રબળ આશા છે.
નવસારીની બેઠક પર સીઆર પાટીલ આગળ
નવસારીની બેઠક ઉપરથી ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સીઆર પાટીલ ત્રણ લાખ 85 હજાર જેટલા મતોથી આગળ છે. આ બેઠક પરથી કૉંગ્રેસે નૈષધ દેસાઈને ઉમેદવાર બનાવ્યા હતા.
મ્યુનિસિપલ કૉર્પોરેશન, ગુજરાત વિધાનસભા તથા લોકસભાની ચૂંટણીમાં જો પાટીલ પાર્ટીને કેન્દ્રીય નેતૃત્વની અપેક્ષા મુજબના પરિણામ અપાવી શકશે તો આગામી સમયમાં તેમની ભૂમિકા બદલાઈ શકે છે.અહીં જાણો : લોકસભા : ભારતની સામાન્ય ચૂંટણીનું પરિણામ 2024