Election Result : મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણી : વડા પ્રધાન મોદીએ ફરી કહ્યું કે 'એક હૈ, તો સેફ હૈ'

મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા ગઠબંધન મહાયુતિને જંગી બહુમતી મળી છે અને ઝારખંડમાં કૉંગ્રેસ તથા જેએમએમએ પોતાનું પ્રદર્શન સુધાર્યું છે. ગુજરાતની વાવ વિધાનસભા બેઠક પર ભારે રસાકસી બાદ ભાજપના ઉમેદવારની જીત થઈ છે.

સારાંશ

  • મહારાષ્ટ્રમાં કુલ 288 બેઠકો પર મતગણતરી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકરોને સંબોધન કર્યું
  • ઝારખંડમાં 81 બેઠકો પર મતગણતરી, કૉંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચો સૌથી મોટી પાર્ટી બનીને ઊભર્યાં
  • મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપીનું અતિશય ખરાબ પ્રદર્શન
  • ગુજરાતમાં વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપની જીત

લાઇવ કવરેજ

આર્જવ પારેખ

  1. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ: બંને ગઠબંધન વચ્ચે ખરાખરીનો જંગ

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024, બીબીસી ગુજરાતી

    ઇમેજ સ્રોત, Getty Images

    મહારાષ્ટ્રમાં મુખ્ય મુકાબલો મહાવિકાસ અઘાડી અને મહાયુતિ ગઠબંધન વચ્ચે છે.

    મહાવિકાસ અઘાડીમાં કૉંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને એનસીપી(શરદચંદ્ર પવાર) જેવા પક્ષો સામેલ છે. જ્યારે સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં ભાજપ, શિવસેના(શિંદે) અને એનસીપી(અજિત પવાર) સામેલ છે.

    રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પણ અનેક બેઠકો પર ચૂંટણી લડી રહી છે. એ સિવાય વંચિત બહુજન અઘાડી અને અન્ય પક્ષોનું એક ત્રીજું ગઠબંધન પણ મેદાનમાં છે. આ સાથે જ અનેક બેઠકો પર અપક્ષો અને બળવાખોરો મેદાનમાં હોવાથી મહારાષ્ટ્રનો ચૂંટણીનો જંગ અતિશય રોચક બન્યો છે.

    મહાયુતિ ગઠબંધનમાં કોણ કેટલી બેઠકો પર લડ્યું?

    • ભાજપ: 149 બેઠકો
    • શિવસેના(શિંદે): 81 બેઠકો
    • એનસીપી(અજિત પવાર): 59 બેઠકો

    મહાવિકાસ અઘાડીમાં કોણ કેટલી બેઠકો પર લડ્યું?

    • કૉંગ્રેસ: 101 બેઠકો
    • શિવસેના (ઉદ્ધવ ઠાકરે): 95 બેઠકો
    • એનસીપી(શરદચંદ્ર પવાર): 86 બેઠકો

    એ સિવાય રાજ ઠાકરેનો પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના 95 બેઠકો, વંચિત બહુજન અઘાડી 200 બેઠકો અને એઆઈએમઆઈએમ 17 બેઠકો પર ચૂંટણી લડી.

    2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કુલ 105 બેઠકો પર જીત મેળવી હતી અને શિવસેનાએ 56 બેઠકો પર જીત મેળવી હતી. બંને પક્ષોએ સાથે મળીને આ ચૂંટણી લડી હતી.

    એનસીપીએ 54 બેઠકો અને કૉંગ્રેસે 44 બેઠકો પર જીત મેળવી હતી. જોકે, હવે શિવસેના અને એનસીપીના પણ બે ભાગ થઈ ચૂક્યા છે.

  2. વાવ વિધાનસભા બેઠક પર કોણ જીતશે?

    વાવ વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ

    ઇમેજ સ્રોત, Kalpesh Thakor

    ઇમેજ કૅપ્શન, વાવ વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ

    22 નવેમ્બરે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની સાથે ગુજરાતની વાવ બેઠકનું પણ પરિણામ આવશે.

    ચૂંટણીપંચના આંકડા પ્રમાણે, અહીં લગભગ 70.5 ટકા જેટલા મતદારોએ તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કર્યો હતો.

    ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર તથા કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

    સામાન્ય રીતે આ બેઠક પર ભાજપ અને કૉંગ્રેસની વચ્ચે જંગ જામતો હોય છે, પરંતુ ભાજપના નેતા માવજીભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી કરતા ચૂંટણીજંગ ત્રિપાંખિયો બન્યો હતો. આ બેઠક ઉપર કુલ 10 ઉમેદવાર ચૂંટણીમેદાનમાં ઊતર્યા છે.

    પટેલ પણ પોતાના વિજય માટે આશાન્વિત છે. ભાજપે મતદાન પૂર્વે માવજીભાઈ પટેલ સહિત પાંચ નેતાઓને પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી દૂર કર્યા હતા.

    ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાંથી કૉંગ્રેસ પક્ષનાં ગેનીબહેન ઠાકોર આ બેઠક પરથી ધારાસભ્ય હતાં, પરંતુ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તેઓ સંસદસભ્યપદે ચૂંટાઈ આવતાં, તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.

  3. ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ: શું હેમંત સોરેન ફરીથી સત્તામાં આવી શકશે?

    ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024, હેમંત સોરેન, બીબીસી ગુજરાતી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઝારખંડ વિધાનસભામાં કુલ 81 બેઠકો છે. આથી, ઝારખંડમાં સરકાર બનાવવા માટે 41 બેઠકોની જરૂર પડે છે.

    ઇન્ડિયા ગઠબંધન હેઠળ ઝારખંડ મુક્તિ મોરચા અને કૉંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. જેમાં કૉંગ્રેસ 30 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. 11 બેઠકો સાથીપક્ષો રાષ્ટ્રીય જનતા દળ અને સીપીઆઈ(એમએલ)એલને આપવામાં આવી છે. બાકીની બેઠકો પર ઝારખંડ મુક્તિ મોરચા ચૂંટણી લડી રહ્યો છે.

    એનડીએ ગઠબંધન હેઠળ ભાજપ કુલ 68 બેઠકો પર ચૂંટણી લડી રહ્યો છે જ્યારે બાકીની બેઠકો પર તેના સાથી પક્ષો ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન, જેડીયુ અને એલજેપી (રામવિલાસ) ચૂંટણી લડી રહ્યા છે.

    અલગ અલગ એજન્સીઓ અને સમાચાર સંસ્થાઓએ ઝારખંડમાં કોની સરકાર બનશે તેની આગાહી કરી છે.

    ઝારખંડમાં મેટ્રાઇઝ એજન્સીએ એનડીએ સરકારને સૌથી વધુ બેઠકો મળવાની આગાહી કરી છે. તેના અનુમાન પ્રમાણે એનડીએને 27-42 અને ઇન્ડિયા ગઠબંધનને 25-30 બેઠકો મળી શકે છે.

    પીપલ્સ પલ્સના અનુમાન પ્રમાણે પણ ઝારખંડમાં એનડીએનો હાથ ઉપર રહેશે. પીપલ્સ પલ્સે આગાહી કરી છે કે ઝારખંડમાં એનડીએને 44થી 53 બેઠકો તથા ઇન્ડિયાને 25થી 37 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે અન્યના ફાળે 5થી 9 બેઠકો જશે તેવી આગાહી છે.

    ઍક્સિસ માય ઇન્ડિયાના ઍક્ઝિટ પોલે ઝારખંડ માટે આગાહી કરી છે કે ઇન્ડિયા ગઠબંધનને પૂર્ણ બહુમતી સાથે 53 બેઠકો મળશે. જ્યારે એનડીએને માત્ર 25 બેઠકો મળશે.

    ટાઇમ્સ નાઉ-જેવીસીએ આપેલા વરતારા પ્રમાણે એનડીએને 40-44 બેઠકો અને ઇન્ડિયા ગઠબંધનને 30-40 બેઠકો મળી શકે છે.

    રાજ્યમાં હાલમાં ઝારખંડ મુક્તિ મોરચા અને કૉંગ્રેસના ગઠબંધનની સરકાર છે.

  4. નમસ્કાર. હું બીબીસી સંવાદદાતા આર્જવ પારેખ. આપનું બીબીસી ગુજરાતીના લાઇવ પેજ પર સ્વાગત છે.

    આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં પરિણામ છે. આ લાઇવ પેજમાં આજે સમગ્ર દિવસ દરમિયાન અમે તમને બંને રાજ્યોની ચૂંટણીનાં પરિણામો સંબંધિત મહત્ત્વની જાણકારી અને અપડેટ્સ આપીશું.

    ગુજરાત વિધાનસભાની વાવ બેઠકની પેટાચૂંટણીનું પરિણામ પણ આજે જાહેર થશે. તેની અપડેટ્સ પણ તમને અહીં મળતી રહેશે.