You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

દિલ્હી એમસીડીમાં આપને બહુમત, 'ગુજરાતમાં પણ ચોંકાવનારાં પરિણામ હશે' - ભગવંત માન

દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને બહુમત મળ્યો. 15 વર્ષથી હતું ભાજપનું શાસન.

લાઇવ કવરેજ

  1. યુક્રેને કહ્યું, ‘ભારત અમારા જીવના જોખમે રશિયાથી ક્રૂડ ઑઇલ લઈ રહ્યું છે’

    યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુબેલાએ મંગળવારે જાહેરમાં ભારત પર રશિયા-યુક્રેન યુદ્ધનો ફાયદો ઉઠાવવાનો આરોપ લગાવ્યો હતો.

    અંગ્રેજી અખબાર ધ ટેલિગ્રાફના અહેવાલઅનુસાર, “કુબેલાએ ભારતના ‘યુક્રેન યુદ્ધ’ કહેવા પર પણ સવાલ ઉઠાવ્યા છે.”

    તેમણે કહ્યું હતું કે, “ભારતને ‘અમારી પીડા અને વેદના’થી લાભ થઈ રહ્યો છે, ત્યારે તે ઓછામાં ઓછું એટલું તો કરી શકે કે તેઓ અમારી મદદમાં વધારો કરે.”

    આ વર્ષે 24 ફેબ્રુઆરીએ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું પછી ભારત સરકારે યુક્રેનને માનવીય સહાય પૂરી પાડી છે.ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરનું નિવેદન સામે આવ્યા પછી કુબેલાએ ભારત વિશે આ વાત કહી હતી.

    જયશંકરે ફરી એકવાર કહ્યું હતું કે, “ભારત હજુ પણ યુરોપીય સંઘ કરતાં ઘણી ઓછી માત્રામાં રશિયા પાસે ક્રૂડઑઇલ ખરીદી રહ્યું છે.”

    કુબેલાએ કહ્યું હતું કે, “માત્ર યુરોપીય સંઘ પર આંગળીચીંધવી અને ‘તેઓ પણ એવું જ કરી રહ્યા છે’ એવું કહેવું યોગ્ય નથી, કારણ કે ભારતને સસ્તા ભાવે રશિયન ક્રૂડ ખરીદીને પૈસા બચાવવાની તક મળી છે. તેનું કારણ એવું નથી કે યુરોપીય સંઘ પણ રશિયા પાસે ક્રૂડ ખરીદી રહ્યું છે, કારણ કે યુક્રેનના લોકો રશિયન યુદ્ધના કારણે પીડાઈ રહ્યા છે અને મરી રહ્યા છે.”

    ભારતે પોતાનાં રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને યુક્રેન યુદ્ધની શરૂઆતથી જ સસ્તા ભાવે ઉપલબ્ધ રશિયન ક્રૂડની આયાતમાં વધારો કર્યો છે.

    ધ હિન્દુના અહેવાલ અનુસાર, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે મંગળવારે યુએન સિક્યૉરિટી કાઉન્સિલની મીટિંગમાં કહ્યું છે કે ભારત સતત વાતચીત શરૂ કરવાની દિશામાં આગળ વધવાની વાત કરી રહ્યું છે.

    તેમણે કહ્યું કે, “ભારત એ કહેતું આવ્યું છે કે હિંસા તાત્કાલિક બંધ થવી જોઈએ. ભારતે બંને પક્ષોને કૂટનીતિ અને સંવાદ તરફ આગળ વધવાની અપીલ કરી છે. સતત કહ્યું છે કે, તેઓ સંઘર્ષ પૂરો કરવા તમામ કૂટનીતિક પ્રયાસોનું સમર્થન આપશે.”

  2. પ્રિયંકા ચોપરાએ બોલીવૂડમાં અભિનેતાઓ કરતાં અભિનેત્રિઓને મળતા ઓછાં મહેનતાણા વિશે શું કહ્યું?

  3. બ્રેકિંગ, સ્પેનના કેટાલોનિયામાં બે ટ્રેન અથડાતાં 150 લોકો ઈજાગ્રસ્ત

    ઉત્તર-પૂર્વ સ્પેનના કેટાલોનિયામાં બે ટ્રેન અથડાઈ હતી, જેમાં ઓછામાં ઓછા 150 લોકોને ઈજા થઈ છે.

    આ અકસ્માત બાર્સેલોનાની બહારના એક સ્ટેશન પર લગભગ 7.50 વાગ્યે થયો હતો.

    સ્થાનિક મીડિયા પ્રમાણએ, આ બંને ટ્રેન એક જ દિશામાં ચાલી રહી હતી અને સ્ટેશન પર ઊભી રહી ત્યારે એકબીજા સાથે અથડાઈ હતી.

    અકસ્માત કેવી રીતે થયો તે હજુ સ્પષ્ટ થયું નથી અને અધિકારીઓએ હજુ સુધી કોઈ માહિતી આપી નથી.

  4. ગુજરાતમાં ઍક્ઝિટ પોલ ખોટા પડશે : ભગવંત માન

    250 બેઠકોવાળી દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજ્યમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીએ 131 બેઠકો જીતીને બહુમતનો આંક હાંસલ કરી દીધો છે. આ સાથે જ દિલ્હી નગરનિગમ પર ગત 15 વર્ષના શાસનનો અંત આવ્યો છે

    રાજ્ય ચૂંટણીપંચના અંતિમ પરિણામ અનુસાર ભાજપના ખાતામાં 100 બેઠકો આવી છે, જ્યારે કૉંગ્રેસને સાત બેઠકો મળી છે. ત્રણ બેઠકો અન્ય ઉમેદવારોને મળી છે.

    એમસીડીમાં 2007થી જ ભાજપનું શાસન હતું. અંતિમ પરિણામ આવે એ પહેલાં જ એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે આપ અહીં ભાજપ પાસેથી સત્તા આંચકી રહી છે.

    દિલ્હી મહાનગરપાલિકા (એમસીડી)માં આપના ભવ્ય વિજયને જોતાં પંજાબના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને 'ગુજરાતમાં પણ ચોંકાવનારાં પરિણામો' આવશે એવો દાવો કર્યો છે.

    સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર માને કહ્યું, "હવે ટ્રેન્ટ પરિણામોમાં ફેરવાઈ રહ્યા છે. કેજરીવાલે (પંજાબમાં) કૉંગ્રેસનું 15 વર્ષ જૂનું શાસન ઉખાડી ફેંક્યું હતું અને હવે એમસીડીમાં પણ ભાજપનું 15 વર્ષનું શાસન ઉખાડી નાખ્યું છે."

    તેમણે એવું પણ કહ્યું કે લોકોને 'નફરતનું રાજકારણ' પસંદ નથી આવતું અને તેઓ શાળાઓ, હૉસ્પિટલો, સ્વછતા તેમજ માળખાકીય સુવિધાઓ માટે મત આપતા હોય છે.

    તેમણે ઉમેર્યું, "ભાજપ આપને રોકવા માગતો હતો એટલે એણે મેદાન પર આખી સેના ઉતારી દીધી હતી.હું કાલે ફરી તમારી સાથે ગુજરાતનાં પરિણામો દરમિયાન આવીશ. ગુજરાતમાં ઍક્ઝિટ પોલ ખોટા પડશે."

  5. બ્રેકિંગ, દિલ્હી એમસીડી : વિજયથી આપ વેંત છેટી, 122 બેઠકો પર 'ઝાડું'ની જીત

    દિલ્હી મહાનગરપાલિકા(એમસીડી)ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય લગભગ નક્કી થઈ ગયો છે. દિલ્હી રાજ્ય ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી એમસીડીમાં આપે 122 બેઠકો જીતી લીધી છે, જ્યારે 11 બેઠકો પર આપને લીડ હાંસલ છે. પાલિકામાં બહુમત હાંસલ કરવા માટે 126 બેઠકો જીતવી જરૂરી છે.

    બીજી તરફ ભારતીય જનતા પક્ષે અત્યાર સુધી 97 બેઠકો જીતી લીધી છે, જ્યારે કૉંગ્રેસે 7 બેઠકો જીતી છે. આ સાત બેઠકોમાંથી ત્રણ વૉર્ડ પર 2017માં આપનો વિજય થયો હતો, જ્યારે એક વૉર્ડ ભાજપના નામે રહ્યો હતો.

    નોંધનીય છે કે એમસીડીનું એકીકરણ કરાયા બાદ યોજાયેલી આ પ્રથમ ચૂંટણી છે. ચાર ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં 50.48 ટકા મતદાન થયું હતું.દિલ્હી રાજ્યના ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર દક્ષિણ દિલ્હીમાં સૌથી ઓછું મતદાન થયું હતું, જ્યારે 2020માં દિલ્હીના જે વિસ્તારોમાં રમખાણો થયા હતા ત્યાં સૌથી વધુ મતદાન નોંધાયું હતું.

  6. દિલ્હી નગરનિગમ ચૂંટણી : AAPની 75 અને ભાજપની 55 બેઠકો પર જીત

    દિલ્હી નગરનિગમ ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. બપોરે 12 વાગ્યા સુધીમાં આમ આદમી પાર્ટીનો 75 બેઠકો પર વિજય થયો છે. જ્યારે ભાજપનો 55 બેઠકો પર વિજય થયો છે.

    દિલ્હી રાજ્ય ચૂંટણીપંચના આંકડા અનુસાર આમ આદમી પાર્ટી હજી 60 બેઠકો પર લીડમાં છે. જ્યારે ભાજપ અન્ય 48 બેઠકો પર લીડમાં છે.

    કૉંગ્રેસનો ચાર બેઠક પર વિજય થયો છે અને પાંચ બેઠક પર તે લીડમાં છે.

    ઉલ્લેખનીય છે કે એમસીડીમાં કુલ 250 વૉર્ડ છે અને ચાર ડિસેમ્બરે તેના માટે મતદાન થયું હતું.

  7. સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે પીએમ મોદીએ કહ્યું, "જે આગળ લઈ જાય એ જ નેતૃત્ત્વની પરિભાષા"

    આ પહેલાંપહેલાં વડા પ્રધાને પત્રકારોને સંબોધ્યા હતા. પીએમ મોદીએ કહ્યું, "દેશને જી-20 મેજબાનીનો અવસર મળ્યો છે. વિશ્વને ભારત પાસેથી અપેક્ષાઓ વધી છે. ભારત વૈશ્વિક મંચ પર પોતાની ભાગીદારી વધારી રહ્યું છે."

    "શિયાળુ સત્રનો આજે પ્રથમ દિવસ છે, આ સત્ર એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કે 15 ઑગસ્ટ પહેલાં આપણે મળ્યા હતા, 15 ઑગસ્ટે આઝાદીનો અમૃત મહોત્સવ પુરો થયો અને આપણે અમૃતકાળમાં આગળ વધી રહ્યા છે."

    મોદીએ વધુમાં કહ્યું હતું, "જે પ્રકારે ભારત પાસેથી અપેક્ષાઓ વધી છે અને જે પ્રકારે ભારત વૈશ્વિક મંચ પર પોતાની ભાગીદારી વધારી રહ્યું છે, એવા સમયમાં જી-20ની મેજબાની ભારતને મળવી એક ઘણો મોટો અવસર છે."

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “મને આશા છે કે તમામ રાજકીય દળ ચર્ચાને વધુ આગળ વધારશે, તેઓ પોતાના વિચારોથી નિર્ણયને નવી તાકાત આપશે, દિશાને સ્પષ્ટ રીતે ઉજાગર કરવામાં મદદ કરશે.”

    "આ સત્રમાં દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે, વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓમાં ભારતને આગળ વધારવા માટે શક્ય તેટલા નવા અવસરોને ધ્યાનમાં રાખીને ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણય આ સત્રમાં કરવાનો પ્રયાસ કરવામાં આવશે."

    તેમણે ઉમેર્યું હતું, "આપણે યુવા સાંસદોની ભાવના સમજવી પડશે. હું તમામ પાર્ટીના નેતાઓ પાસેથી આગ્રહ રાખું છે કે ઉજ્જવળ ભવિષ્ય અને લોકતંત્રની ભાવી પેઢીને તૈયાર કરવા માટે આપણે વધુથી વધુ તક યુવા સાંસદોને આપવી જોઈએ."

    રાજ્યસભાનું સત્ર શરૂ થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે તાજેતરમાં ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડનો પરિચય આપ્યો હતો અને તેમના વિશે કેટલીક વાતો કરી હતી.

    વડા પ્રધાને પોતાના ભાષણની શરૂઆતમાં તમામ સત્તાપક્ષ અને વિપક્ષના સાથીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને દેશને મળેલી જી-20ની અધ્યક્ષતા મુદ્દે અભિનંદન પાઠવ્યાં હતાં.

    રાજ્યસભાના સભાપતિ તરીકે જગદીપ ધનખડનું આ પ્રથમ સત્ર છે. પીએમ મોદીએ કહ્યું, "આજે પ્રથમ વખત આપણા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કાર્યકાળ શરૂ કરી રહ્યા છે. ત્યારે એક ખેડૂતપુત્ર આ પદ પર રહીને દેશને ગૌરવાન્વિત કરશે."

    તેમણે સભાપતિને સંબોધીને કહ્યું, "તમે ધારાસભ્યપદથી લઈને ઉપરાષ્ટ્રપતિપદ સુધી પહોંચ્યા છો અને તમારી પાસે ત્રણ દાયકાથી પણ વધારે સમયનો વકીલાતનો અનુભવ છે. આશા છે કે તમને અહીં પણ કોર્ટરૂમ જેવી મજા આવશે. કારણ કે તમને સુપ્રીમ કોર્ટમાં મળતા ઘણા લોકો આજે અહીં હાજર છે."

    પીએમ મોદીએ આગળ કહ્યું, "જે આગળ લઈને જાય છે તે જ નેતૃત્ત્વની સાચી પરિભાષા છે અને આ સદન પર લોકતાંત્રિક નિર્ણયોને આગળ વધારવાની જવાબદારી છે."

    ઉલ્લેખનીય છે કે આજથી શરૂ થયેલું સંસદનું શિયાળુ સત્ર 29 ડિસેમ્બર સુધી ચાલશે. આ સત્રમાં સરકાર 16 મુસદ્દા રજૂ કરી શકે છે.

  8. ગુજરાતની ચૂંટણીમાં સર્જાયેલા એ ‘અપસેટ’ જેમાં સરકારના મંત્રી હારી ગયા

  9. મીરાબાઈ ચાનુએ વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં જીત્યો સિલ્વર મેડલ

    ઑલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ બુધવારે વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચૅમ્પિયશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેઓએ કુલ 200 કિલોગ્રામ વજન ઊંચકીને આ મેડલ પોતાના નામે કર્યો છે.

    મીરાબાઈ ચાનુએ સ્નૅચમાં 87 કિલોગ્રામ અને ક્લીન અને જર્ક કૅટેગરીમાં 113 કિલો વજન ઊંચક્યું છે.

    ચીનની જિયાંગ હુઈહુઆએ ચાનુને 6 કિલોથી વધુ વજન ઊંચકીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

    મીરાબાઈ ચાનુએ પોતાના ત્રીજા પ્રયાસમાં સ્નૅચમાં 87 કિલો વજન ઊંચક્યું હતું.

    વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મીરાબાઈ ચાનુનું આ બીજું મેડલ છે.

    વર્ષ 2017ની સ્પર્ધામાં તેઓએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ વર્ષે યોજાયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં પણ ચાનુ ગોલ્ડ મેડલ વિજેતા રહ્યાં હતાં.

    ચાનુનું સર્વશ્રેષ્ઠ વજન 207 કિલો (88 કિલો+119 કિલો) રહ્યું છે.

    આ વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ 2024ના પેરિસ ઑલિમ્પિકમાં ક્વૉલિફાઈ થવા માટેની પ્રથમ સ્પર્ધા છે. પેરિસ ઑલિમ્પિકમાં વેઈટલિફ્ટિંગ સાથે જોડાયેલી સ્પર્ધાઓની સંખ્યા ઘટાડીને 10 કરવામાં આવી છે.

  10. દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં સવારે દસ વાગ્યા સુધીના ટ્રેન્ડમાં આપ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર

    આઠમી ડિસેમ્બરે ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આવવાના છે ત્યાર પહેલાં સૌની નજર દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન (એમસીડી)ના પરિણામ પર છે.

    આજે દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન (એમસીડી)નું ચૂંટણીનું પરિણામ જાહેર થશે.

    દિલ્હી કૉર્પોરેશનમાં 250 વૉર્ડ છે. પરિણામ માટે 42 મતગણતરી કેન્દ્ર બનાવાયાં છે.

    ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે.

    સવારે 10 વાગ્યા સુધી જે ટ્રેન્ડ સામે આવી રહ્યા છે તેમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે.

    સવારે દસ વાગ્યા સુધીના ટ્રેન્ડમાં ભાજપ 111 અને આપને 114 બેઠકો પર આગળ છે.

    દિલ્હી કૉર્પોરેશનમાં છેલ્લાં 15 વર્ષથી ભાજપની સરકાર છે.

    દિલ્હીમાં ચાર ડિસેમ્બરે મતદાન થયું હતું અને અંદાજે 50.48 ટકા મતદાન નોંધાયું હતું. આ ચૂંટણીમાં 1349 ઉમેદવારો મેદાનમાં છે.

    આ ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી એમ ત્રિપાંખિયો જંગ છે.

    ગત ચૂંટણીમાં ભાજપે 181 વૉર્ડ પર જીત મેળવી હતી, આપે 48 અને કૉંગ્રેસે 27 વૉર્ડ જીત્યા હતા.

  11. આજથી સંસદમાં શિયાળુ સત્ર શરૂ થશે

    સંસદમાં આજથી શિયાળુ સત્ર શરૂ થશે. આજે દિલ્હી કૉર્પોરેશન અને આવતી કાલે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીનાં પરિણામો જાહેર થશે.

    દરમિયાન શરૂ થનારું શિયાળુ સત્ર રાજકીય હુંસાતુંસીથી ભરેલું રહે તેવી શક્યતા છે.

    વિપક્ષે સરકારને ઘેરવા માટે કેટલીક રણનીતિ પણ ઘડી છે. વિપક્ષે સત્ર મામલે ગત શનિવારે એક બેઠક કરી હતી અને બાદમાં કૉંગ્રેસે પત્રકારપરિષદ ભરી હતી.

    કૉંગ્રેસ નેતા જયરામ રમેશે જાણકારી આપી કે "બેઠકમાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જે મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો, તેમાં બેરોજગારી, ખેડૂતો માટે એમએસપીની કાયદાકીય ગૅરંટી, મૂલ્યવૃદ્ધિ અને મોંઘવારી, સાયબર ક્રાઇમ, આરટીઆઈ, મનરેગા, વન અધિકારી અધિનિયમ, ચીન સાથે તણાવ યથાવત્, બંધારણીય સંસ્થાઓ (જેને નબળી પડાઈ રહી છે) વગેરેનો સમાવેશ કર્યો છે."

    બેઠકમાં મોરબી પુલ દુર્ઘટનાનો મુદ્દો પણ ચર્ચવામાં આવ્યો હતો.

    તેમજ વિપક્ષ દેશની આર્થિક સ્થિતિ, જીએસટી, કેટલાક પસંદીદા ઉદ્યોગપતિઓને સંપત્તિ વેચાઈ રહી છે- એ મુદ્દો પણ ઉઠાવશે.

    ત્યારે કેન્દ્ર સરકારના અજેન્ડામાં સંસદના શિયાળુ સત્રમાં 16 નવા બિલ છે.

  12. ટ્રમ્પની સંસ્થાને ટૅક્સ અપરાધ માટે દોષી ઠરાવી, મૅક્સ મત્ઝા, બીબીસી ન્યૂઝ

    ન્યૂયૉર્કમાં મુકદમો ચાલ્યા બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સંસ્થાને ટૅક્સ અપરાધ માટે દોષિત ઠરાવામાં આવી છે.

    ડોનાલ્ડ ટ્રમ્પની પારિવારિક રિયલ એસ્ટેટ કંપની ટૅક્સના ગુનામાં દોષી સાબિત થઈ છે.

    મંગળવારે ન્યૂયૉર્કમાં બે દિવસની જ્યૂરીની ચર્ચા-વિચારણા બાદ ટ્રમ્પની સંસ્થાને તમામ બાબતોમાં દોષિત ઠેરાવી છે.

    જોકે ટ્રમ્પ કે તેમના પરિવારના સભ્યો વ્યક્તિગત રીતે ટ્રાયલ પર હાજર રહ્યા નહોતા.

    આ ચુકાદા સામે અપીલ કરતા ટ્રમ્પે કહ્યું કે તેઓ "નિરાશ" છે અને ફરીથી આ કેસને તેમણે "વિચ હન્ટ" ગણાવ્યો હતો.

    કંપનીને આશરે 1.6 મિલિયન અમેરિકન ડૉલરના દંડનો સામનો કરવો પડે તેવી ધારણા છે. ભવિષ્યમાં લોન અને ધિરાણ મેળવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

    ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ આ ટ્રાયલને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને તેની ટીકા કરી હતી.

  13. દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીનાં આજે પરિણામો

    આઠમી ડિસેમ્બરે ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આવવાના છે ત્યાર પહેલાં સૌની નજર દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન (એમસીડી)ના પરિણામ પર છે.

    આજે દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન (એમસીડી)નું ચૂંટણીનું પરિણામ જાહેર થશે.

    દિલ્હી કૉર્પોરેશનમાં 250 વૉર્ડ છે. પરિણામ માટે 42 મતગણતરી કેન્દ્ર બનાવાયાં છે.

    ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થશે.

    દિલ્હી કૉર્પોરેશનમાં છેલ્લાં 15 વર્ષથી ભાજપની સરકાર છે.

    દિલ્હીમાં ચાર ડિસેમ્બરે મતદાન થયું હતું અને અંદાજે 50.48 ટકા મતદાન નોંધાયું હતું. આ ચૂંટણીમાં 1349 ઉમેદવારો મેદાનમાં છે.

    આ ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી એમ ત્રિપાંખિયો જંગ છે.

    ગત ચૂંટણીમાં ભાજપે 181 વૉર્ડ પર જીત મેળવી હતી, આપે 48 અને કૉંગ્રેસે 27 વૉર્ડ જીત્યા હતા.

    એમસીડીમાં કુલ 250 વૉર્ડ છે અનેઇન્ડિયા ટુડે વેબસાઈટપર પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર આઈટીજી-ઍક્સિસ માય ઇન્ડિયા દ્વારા થયેલાં સર્વેક્ષણમાં આમ આદમી પાર્ટી (આપ) આ ચૂંટણીઓમાં 149થી 171 વૉર્ડમાં જીત મેળવીને એમસીડીમાં સત્તા મેળવે તેવી શક્યતા છે. વધુ વાંચો અહીં.

  14. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજ પર આપનું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત ચૂંટણી સહિત દેશ-દુનિયાના તમામ મહત્ત્વના સમાચારો મળી રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી ગુજરાતી સાથે.

    6 ડિસેમ્બરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.