'બીબીસી ભય વિના કામ કરી શકે', આવકવેરા વિભાગના "સર્વે" બાદ બ્રિટિશ સાંસદોએ ઉઠાવ્યા સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીની ભારતીય ઓફિસો પર આવેકવેરાવિભાગની કાર્યવાહીને લઈને બ્રિટિશ સંસદમાં પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.
સવાલોના જવાબમાં બ્રિટિશ સરકારના મંત્રીએ સંસદમાં કહ્યું કે તેઓ ભારત સરકારના સંપર્કમાં છે અને તેમની સમક્ષ આ મામલો મૂકવામાં આવ્યો છે.
14 ફેબ્રુઆરીએ આવકવેરાવિભાગે બીબીસીની દિલ્હી અને મુંબઈની ઓફિસમાં સર્વે શરૂ કર્યો હતો. જે ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો.
યુકેમાં મંગળવારે લોઅર હાઉસ ઑફ કૉમન્સના નિયમિત કામકાજ દરમિયાન બ્રિટિશ સાંસદોએ 'અર્જન્ટ ક્વેશ્ચન' દ્વારા બ્રિટિશ સરકારને પૂછ્યું કે વિદેશમંત્રી આ કાર્યવાહી પર કોઈ નિવેદન કેમ આપતા નથી?
હજી સુધી આ મામલે યુકે સરકાર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
બીબીસી એક સ્વતંત્ર સંસ્થા છે, જે કોઈપણ રીતે બ્રિટિશ સરકારનો ભાગ નથી.

બ્રિટિશ રાજકારણીઓએ વ્યક્ત કરી ચિંતા

ઇમેજ સ્રોત, BRITISH PARLIAMENT TV
બ્રિટિશ લેબર પાર્ટીના નેતા ફેબિયન હૅમિલ્ટને ભારત સરકારની આ કાર્યવાહી અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું, "એવા લોકતાંત્રિક દેશો જ્યાં હકીકતમાં પ્રેસ પોતાનું કામ કરવા સ્વતંત્ર હોય, ત્યાં કારણ વગર ટીકાત્મક અવાજોને દબાવી શકાય નહીં અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની દરેક કિંમતે સુરક્ષા થવી જોઈએ."
તેમણે કહ્યું, "જેથી ગયા અઠવાડિયે બીબીસીની ભારતસ્થિત ઓફિસોમાં દરોડા પડવા એ ચિંતાજનક બાબત છે, ભલેને તેનું સત્તાવાર કારણ કંઈપણ આપવામાં આવતું હોય. બીબીસી વિશ્વભરમાં પોતાના ઉચ્ચ ગુણવત્તાસભર પત્રકારત્વ માટે જાણીતું છે અને તેને કોઈપણ ભય વગર તેને યથાવત રાખવાની સ્વતંત્રતા હોવી જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
બ્રિટનની ડૅમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટીના સાંસદ જિમ શૅનને કહ્યું, "આપણે એ બાબતે બિલકુલ સ્પષ્ટ હોવું જોઈએ કે આ એક ધમકાવવાની કાર્યવાહી હતી. જે દેશના નેતાની ટીકાત્મક ડૉક્યુમૅન્ટરી પ્રસારિત થયા બાદ કરવામાં આવી હતી."
"આ ડૉક્યુમૅન્ટરી પ્રસારિત થયા બાદ ભારતમાં તેનું સ્ક્રીનિંગ રોકવાના પૂરજોશમાં પ્રયાસ કરવામાં આવ્યા. સાથે જ મીડિયા અને પત્રકારોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર દમન ગુજારવામાં આવી રહ્યું છે. જ્યારે યુનિવર્સિટીઓમાં ભણતા વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે આ ડૉક્યુમૅન્ટરી જોવાનો પ્રયાસ કર્યો તો ડઝનબંધ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી. ઘણા વિદ્યાર્થીઓએ તો ઇન્ટરનેટ અને વીજળી વગર રહેવું પડ્યું હતું."
"ભારત સરકારની આ કાર્યવાહીની પત્રકારો, માનવાધિકાર વકીલો અને ધાર્મિક અલ્પસંખ્યકો પર ગંભીર અસર પડી. આ દરોડા સાત દિવસ પહેલાં પાડવામાં આવ્યા હતા. તે પછીથી એફસીડીઓ (ફૉરેન, કૉમનવેલ્થ અને ડૅવલપમેન્ટ ઑફિસ) તરફથી કંઈ કહેવાયું નથી અને સરકાર તરફથી પણ કોઈ નિવેદન જાહેર કરાયું નથી. શું મંત્રી મને અને આ સદનને જણાવી શકે છે કે સરકાર આ મામલે ભારતીય હાઇકમિશનને પ્રશ્નો કરવા બોલાવશે અથવા આ મામલે પોતાના સમકક્ષ સામે આ મુદ્દો ઉઠાવશે?"
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
લેબર પાર્ટીના ભારતીય મૂળના સાંસદ તનમનજીત સિંહ ઢેસીએ પણ આ મુદ્દે બ્રિટિશ સરકારને સવાલ પૂછ્યો હતો.
તેમણે કહ્યું, "બ્રિટનમાં આપણે પ્રેસની સ્વતંત્રતાને લઈને ઘણો ગર્વ અનુભવીએ છીએ, આપણે બીબીસી અને અન્ય સન્માનિત મીડિયા સમૂહો તરફથી બ્રિટીશ સરકાર, તેમના વડા પ્રધાન અને વિપક્ષી દળોની જવાબદારી સુનિશ્ચિત કરવાથી ટેવાયેલા છે."
"આ કારણે આપણામાંથી ઘણાં લોકો ચિંતિત હતા કારણ કે ભારત એક એવો દેશ છે જેની સાથે આપણે લોકતાંત્રિક અને પ્રેસ સ્વતંત્રતાના મૂલ્યો વહેંચીએ છીએ અને ત્યાંની સરકારે વડા પ્રધાનના પગલાંની ટીકા કરનારી ડૉક્યુમેન્ટરી રિલીઝ થયા બાદ બીબીસીની ઓફિસો પર દરોડા પાડવાનો નિર્ણય લીધો. એવામાં મંત્રીએ પોતાના સમકક્ષ સાથે શું વાત થઈ એ જણાવવું જોઈએ. જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે પત્રકાર કોઈ પણ ભય વગર કે કોઈને પણ ફાયદો પહોંચાડ્યા વગર પોતાનું કામ કરી શકે."

સાંસદોના સવાલ પર બ્રિટિશ સરકારે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Reuters
વિપક્ષી દળોના સાંસદો દ્વારા પ્રશ્નો ઉઠાવ્યા એ પછી બ્રિટિશ સરકારના મંત્રી ડેવિડ રટલેએ પોતાની સરકારનો પક્ષ મૂક્યો હતો.
તેમણે પહેલી વખત જાણકારી આપી કે બ્રિટિશ મંત્રીઓએ આ વિશે પોતાના ભારતીય સમકક્ષો સાથે વાત કરી છે.
તેમણે કહ્યું, "આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે અને અમે સતત તેના પર નજર રાખી રહ્યા છે."
આ સાથે જ તેમણે બીબીસીને કૉન્સ્યુલર મદદની ઑફર કરવામાં આવી હતી.
ડેવિડ રટલે એમ પણ કહ્યું, "ભારત સાથે અમારા વ્યાપક અને ગાઢ સંબંધો હોવાથી તેઓ (બ્રિટિશ મંત્રી) રચનાત્મક રીતે ભારત સરકાર સાથે અલગ-અલગ મુદ્દે વાત કરવામાં સક્ષમ હતા અને અમે આ મુદ્દે સતત નજર રાખી રહ્યા છીએ. બીબીસીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ આ મામલે પોતાના કર્મચારીઓની તમામ શક્ય રીતે મદદ કરી રહ્યા છે."
"જો તેમની તરફથી કૉન્સ્યુલર સપોર્ટ માગવામાં આવશે તો એ પણ ઉપલબ્ધ છે. અમે પ્રેસની સ્વતંત્રતાને સંપૂર્ણપણે સમર્થન આપીએ છીએ. તેથી જ અમે બીબીસી વર્લ્ડ સર્વિસને ફંડિંગ આપવા રાજી થયા છીએ. આ સાથે જ એફસીડીઓ ભારતમાં મુખ્ય ભાષાઓ માટે વધુ ફંડિંગ આપવા તૈયાર થઈ છે."

સર્વે પર બીબીસી અને આયકરવિભાગે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
બીબીસીએ આયકરવિભાગનો સર્વે પૂર્ણ થયા બાદ આ મામલે એક વિસ્તૃત નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે તેઓ આ મામલે ટૅક્સ અધિકારીઓને સહકાર આપતા રહેશે.
બીબીસીના પ્રવક્તાએ કહ્યું હતું, "અમે આયકરવિભાગના અધિકારીઓને સહયોગ આપતા રહીશું અને આશા વ્યક્ત કરીએ છીએ કે આ મામલો શક્ય હોય તેટલો ઝડપથી પૂર્ણ થાય."
બીબીસી પ્રવક્તાએ જણાવ્યું હતું કે "અમે એ લોકોનું ખાસ ધ્યાન રાખી રહ્યા છીએ જેમની ઘણા લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. કેટલાક લોકોને આખી રાત ઓફિસમાં રોકાવું પડ્યું હતું. એવા કર્મચારીઓની સારસંભાળ રાખવી અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે."
ગયા અઠવાડિયે સતત ત્રણ દિવસ સુધી ચાલેલા આયકરવિભાગના સર્વે દરમિયાન બીબીસી દેશ-દુનિયા સાથે જોડાયેલ અહેવાલો પોતાની ઑડિયન્સ સુધી પહોંચાડતું રહ્યું હતું.
બીબીસીએ એમ પણ કહ્યું હતું કે "અમે ભરોસાપાત્ર, નિષ્પક્ષ, આંતરરાષ્ટ્રીય અને સ્વતંત્ર મીડિયા છે. અમે અમારા એ સહકર્મીઓ અને પત્રકારો સાથે ખડેપગે છીએ. જે સતત આપ સુધી કોઈ પણ ભય કે પક્ષપાત વગર સમાચાર પહોંચાડતા રહેશે."

ઇમેજ સ્રોત, Getty Images
"આયકરવિભાગના અધિકારીઓ મંગળવારે બીબીસીની ઓફિસોમાં આવ્યા બાદથી માહોલ તણાવગ્રસ્ત અને અવરોધપૂર્ણ રહ્યો. અમારા ઘણા સહકર્મીઓની ઘણી લાંબી પૂછપરછ કરવામાં આવી અને તેમાંથી કેટલાકને તો આખી રાત ઓફિસમાં રહેવું પડ્યું."
આ સર્વે પૂરો થયા બાદ આયકરવિભાગ તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું.
સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર, ઇન્ડિયા ટૅક્સ ડિપાર્ટમેન્ટના એક પ્રવક્તાએ કહ્યું, "સર્વે દરમિયાન માત્ર એ કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા જેમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હતી. તેમાં પણ ખાસ કરીને નાણાકીય અને કન્ટેન્ટ ડેવલપમેન્ટ સાથે જોડાયેલા લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા."
પ્રવક્તાએ કહ્યું, "સર્વે દરમિયાન ડિજિટલ ઉપકરણો જપ્ત કરાયાં નહોતાં. બીબીસીના સંપાદકીય સ્ટાફમાંથી જેઓ કાર્યવાહી માટે મહત્ત્વપૂર્ણ ન હતા, તેમને કામ કરવાની અનુમતિ આપવામાં આવી હતી."
પ્રવક્તાએ કહ્યું, "માત્ર મહત્ત્વપૂર્ણ માનવામાં આવનારા ઉપકરણોમાંથી જ ડેટા ક્લોનિંગ કરવામાં આવ્યો હતો. ક્લોનિંગ બાદ તમામ ઉપકરણો પરત આપી દેવામાં આવ્યાં હતાં."

ડૉક્યુમૅન્ટરી પર વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીએ તાજેતરમાં જ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર એક ડૉક્યુમૅન્ટરી પ્રસારિત કરી હતી. જેનાં કેટલાંક સપ્તાહો બાદ દિલ્હી અને મુંબઈસ્થિત કાર્યાલયોની તપાસ કરાઈ. જોકે, આ ડૉક્યુમૅન્ટરી ભારતમાં પ્રસારિત કરવા માટે નહોતી.
આ ડૉક્યુમૅન્ટરી ગુજરાતનાં રમખાણો પર હતી. એ વખતે ભારતના વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા.
આ ડૉક્યુમૅન્ટરીમાં કેટલાય લોકોએ ગુજરાતનાં રમખાણો દરમિયાન નરેન્દ્ર મોદીની ભૂમિકા પર પ્રશ્નો કર્યા હતા.
કેન્દ્ર સરકારે ડૉક્યુમૅન્ટરીને પ્રૉપેગૅન્ડા અને સંસ્થાનવાદી માનસિકતા ઉપરાંત ભારતવિરોધી ગણાવતાં ભારતમાં એના ઑનલાઇન શૅરિંગને બ્લૉક કરવાનો પ્રયાસ કર્યો હતો.
બીબીસીએ કહ્યું હતું કે ભારત સરકારને આ ડૉક્યુમૅન્ટરી પર પોતાનો પક્ષ રાખવાની તક અપાઈ હતી. જોકે, સરકાર તરફથી કોઈ જવાબ નહોતો મળ્યો.
બીબીસીનું કહેવું છે કે "આ ડૉક્યુમૅન્ટરી પર સંપૂર્ણ ગંભીરતા સાથે રિસર્સ કરવામાં આવ્યું, કેટલાય અવાજો અને સાક્ષીઓને સામેલ કરવામાં આવ્યા અને વિશેષજ્ઞોનો મત લેવાયો તથા અમે ભાજપના લોકો સહિત કેટલાય પ્રકારના વિચારોને પણ સામેલ કર્યા."
ગત મહિને, દિલ્હીમાં પોલીસે આ ડૉક્યુમૅન્ટરીને જોવા માટે એકઠા થયેલા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.
જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય સહિત દેશની કેટલીય યુનિવર્સિટીઓમાં આ ડૉક્યુમૅન્ટરીને પ્રદર્શિત કરવામાં આવી હતી. જોકે, કેટલીય જગ્યાએ પોલીસ અને વિશ્વવિદ્યાલયના તંત્રે એને રોકવાના પ્રયાસો કર્યા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
























