સંયુક્ત રાષ્ટ્રની આ વર્ષની મહાસભા કેમ મહત્ત્વપૂર્ણ છે? યુક્રેન-રશિયા અંગે દુનિયાના નેતા શું નિર્ણય લેશે?

યુએન

ઇમેજ સ્રોત, ED JONES/AFP VIA GETTY IMAGES

    • લેેખક, સલીમ રિઝવી
    • પદ, બીબીસી માટે, ન્યૂયૉર્કથી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

છેલ્લાં બે વર્ષ દરમિયાન કોવિડ મહામારીને કારણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું વાર્ષિક સંમેલન પૂર્ણ સ્વરૂપે યોજાઈ શક્યું નથી.

આ વર્ષે વિશ્વભરમાંથી મોટા ભાગના રાજનેતાઓ અને પ્રતિનિધિઓ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે.

દર વર્ષે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં મહાસભાનું સત્ર યોજાય છે. સંમેલન બે અઠવાડિયાં સુધી ચાલે છે અને સામાન્ય રીતે પાંચ દિવસ સુધી દરેક સભ્ય દેશના રાજ્યના વડાઓ, રાજનેતાઓ કે પ્રતિનિધિઓનાં ભાષણો થાય છે.

1945માં સ્થપાયેલી આ સંસ્થામાં 193 સભ્યો છે જેમને સંપૂર્ણ સભ્યપદ મળ્યું છે જ્યારે ધ હોલી સી (પોપના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે તે વિસ્તાર) અને પેલેસ્ટાઈન એ બે બિન-સદસ્ય દેશો છે. સંયુક્ત રાષ્ટ્રના તમામ 193 સભ્ય દેશો મહાસભામાં પ્રતિનિધિત્વ કરે છે.

લાઇન

સંક્ષિપ્તમાં: યુએન મહાસભાની બેઠક આ વખતે કેમ ખાસ રહેશે?

લાઇન
  • 1945માં સ્થપાયેલી યુનાઈટેડ ને્શન્સમાં 193 સભ્યો છે જેમને સંપૂર્ણ સભ્યપદ મળ્યું છે જ્યારે ધ હોલી સી અને પેલેસ્ટાઈન એ બે બિન-સદસ્ય દેશો છે
  • મહાસભાનું 77મું સત્ર 21 સપ્ટેમ્બરે "એ હિસ્ટોરિક મોમેન્ટઃ ટ્રાન્સફૉર્મેશનલ સૉલ્યુશન્સ ટુ કૉમ્પ્લેક્સ ચૅલેન્જિસ" થીમ સાથે શરૂ થઈ ગયું છે
  • સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન વિશ્વભરના નેતાઓ મહત્ત્વપૂર્ણ પરિષદોમાં ખાદ્ય કટોકટી પર પણ ચર્ચા કરશે
  • સતત વિકાસ લક્ષ્યાંકો અંતર્ગત યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટરેઝની અધ્યક્ષતામાં શિક્ષણ પર 'ટ્રાન્સફરિંગ એજ્યુકેશન' નામની સમિટ પણ યોજાઈ રહી છે
  • આ વખતે બધાનું ધ્યાન યુક્રેન યુદ્ધ અને રશિયાના પશ્ચિમ સાથેના સંબંધોને લગતી બાબતો પર કેન્દ્રિત છે. યુએન સંમેલન દરમિયાન અત્યાર સુધી અમેરિકાએ રશિયા સાથે કોઈ પણ સ્તરની બેઠકની શક્યતાને નકારી કાઢી છે
  • યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી ન્યૂયૉર્ક નથી આવી રહ્યા, પરંતુ તેઓ વીડિયો દ્વારા મહાસભાને સંબોધશે. રશિયાએ આની સામે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ સંયુક્ત રાષ્ટ્રમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે જેમાં ઝૅલેન્સ્કીનું રેકૉર્ડ કરેલું ભાષણ વીડિયો દ્વારા ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે
  • રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ સંમેલનમાં ભાગ લેવાના નથી પરંતુ રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લેવરાવ હાજરી આપી રહ્યા છે.
  • ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં હાજરી આપી હતી, પરંતુ આ વર્ષે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર 24 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધિત કરશે
  • ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની માગ સાથે ભારત સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદની માગ કરશે. જોકે હાલમાં તે ડ્રાફ્ટ પર જ કોઈ સર્વસંમતિ નથી.
line

મહાસભાનાં ભાષણોમાં શેની ચર્ચા થશે?

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેઝ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 77મા સત્રમાં ભારત સહિત ઘણા દેશો આતંકવાદ અને સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરે તેવી શક્યતા છે.

મહાસભાનું 77મું સત્ર 21 સપ્ટેમ્બરે "એ હિસ્ટોરિક મૉમેન્ટઃ ટ્રાન્સફૉર્મેશનલ સોલ્યુશન્સ ટુ કૉમ્પ્લેક્સ ચૅલેન્જિસ" થીમ સાથે શરૂ થઈ ગયું છે.

આ થીમ પસંદ કરવાનું કારણ એ છે કે આજે વિશ્વ એક નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યું હોવાનું માનવામાં આવે છે, જેમાં કોવિડ-19 મહામારી, યુક્રેન યુદ્ધ, અભૂતપૂર્વ માનવીય પડકારો, જળવાયુ પરિવર્તનની ખતરનાક અસરો અને વિશ્વભરના અર્થતંત્ર સામેના ખતરાઓમાં વધારો જેવી જટિલ સમસ્યાઓનો સમાવેશ થયા છે.

આમ, આ સમસ્યાઓના ઉકેલો શોધવાની જરૂરિયાત પણ અનુભવાય છે જેમાં બધા માટે અને આવનારી પેઢી માટે વધુ સારા અને મજબૂત વિશ્વના નિર્માણ પર ભાર મૂકવામાં આવે.

સંયુક્ત રાષ્ટ્રનું માનવું છે કે વિશ્વભરમાં કોવિડ મહામારીને કારણે ઘણા લોકોના જીવ ગયા છે અને આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે. જેના કારણે વિશ્વ અર્થવ્યવસ્થાને રિકવર કરવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે. આ સંદર્ભમાં વિશ્વભરના નેતાઓ કોવિડ મહામારીને સમાપ્ત કરવાની દિશામાં પણ ચર્ચા કરશે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન વિશ્વભરના નેતાઓ મહત્ત્વપૂર્ણ પરિષદોમાં ખાદ્ય કટોકટી પર પણ ચર્ચા કરશે. યુએન દ્વારા 2015માં થયેલી સમજૂતી હેઠળ 2030 સુધીમાં ટકાઉ વિકાસ માટે વિશ્વભરના દેશો માટે 17 લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યા છે.

સસ્ટેનેબલ ડેવલપમૅન્ટ લક્ષ્યાંકો અથવા સતત વિકાસ લક્ષ્યાંકો પરનું સંમેલન પણ આ વર્ષે એવા સમયે થઈ રહ્યું છે કે જ્યારે મોટા ભાગના વિકાસશીલ દેશો માટે વિશ્વભરમાં વધતા ફુગાવા વચ્ચે ટકાઉ વિકાસ પર કામ કરવું વધુ પડકારજનક બની ગયું છે.

સતત વિકાસ લક્ષ્યાંકો અંતર્ગત યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટરેઝની અધ્યક્ષતામાં શિક્ષણ પર 'ટ્રાન્સફરિંગ એજ્યુકેશન' નામની સમિટ પણ યોજાઈ રહી છે.

સંયુક્ત રાષ્ટ્રનું માનવું છે કે વિશ્વભરમાં શિક્ષણ સંકટ ચાલી રહ્યું છે. આ કૉન્ફરન્સમાં કોવિડ રોગચાળાને કારણે શિક્ષણમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે સંયુક્ત ઉકેલ શોધવાના પ્રયાસો કરવામાં આવશે અને ભવિષ્યમાં શિક્ષણ પ્રણાલીને સુધારવાની રીતો પર પણ વિચારણા કરવામાં આવશે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક સત્ર દરમિયાન ધાર્મિક, સાંસ્કૃતિક અને ભાષાકીય લઘુમતીઓના અધિકારો પર પસાર કરવામાં આવેલા ઠરાવની 30મી વર્ષગાંઠ નિમિત્તે એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજવામાં આવી રહી છે.

આ ઉપરાંત જળવાયુ પરિવર્તનની સ્થિતિ વધુ બગડતી અટકાવવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજવામાં આવી રહી છે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયાસો તેજ કરી શકાય. પાછલાં ઘણા વર્ષોની જેમ આ વર્ષે પણ સંયુક્ત રાષ્ટ્રના સભ્ય રાષ્ટ્રો ફરીથી વિશ્વભરમાંથી પરમાણુ હથિયારોને ખતમ કરવાનો સંકલ્પ લેશે.

line

આ અઠવાડિયે સમાચારોમાં શું હોઈ શકે?

સામાન્ય રીતે મહાસભાના ઑડિટોરિયમની બહાર વિશ્વભરના મોટા રાજનેતાઓ અથવા દેશના વડાઓ વચ્ચેની અચાનક અથવા સુનિશ્ચિત બેઠકોમાંથી સમાચારો આવતા હોય છે.

આ વખતે બધાનું ધ્યાન યુક્રેન યુદ્ધ અને રશિયાના પશ્ચિમ સાથેના સંબંધોને લગતી બાબતો પર કેન્દ્રિત છે. યુએન સંમેલન દરમિયાન અત્યાર સુધી અમેરિકાએ રશિયા સાથે કોઈ પણ સ્તરની બેઠકની શક્યતાને નકારી કાઢી છે.

line

મહાસભા કેવી રીતે કામ કરે છે?

યુએન

ઇમેજ સ્રોત, Getty Images

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ દર વર્ષે ચૂંટાય છે. આ વર્ષે હંગેરીના સાબા કોરોસી 77મી મહાસભાના પ્રમુખ તરીકે ચૂંટાયા છે.

પરંપરાગત રીતે સામાન્ય સભાના વાર્ષિક સત્રમાં ભાષણોનો ક્રમ દેશના નેતાના સ્તર અને તેમની વિવેકબુદ્ધિ સાથે અન્ય પરિબળો- જેમ કે દેશની વસ્તી અને ભૌગોલિક સ્થાન વગેરે પર આધાર રાખે છે.

દરેક વક્તાને 15 મિનિટથી ઓછા સમયમાં પોતાનું ભાષણ પૂરું કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ ઘણા નેતાઓનાં ભાષણો આ સમયમર્યાદા કરતા વધુ લાંબાં હોય છે અને કેટલાક નેતાઓ તેમનાં ભાષણો કેટલાય કલાકો સુધી ચાલુ રાખે છે.

1960માં ક્યુબાના રાષ્ટ્રપતિ ફિડેલ કાસ્ટ્રોનું ભાષણ સાડા ચાર કલાક ચાલ્યું હતું.

line

કોણ હાજર રહેશે અને કોણ નહીં?

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી ન્યૂયૉર્ક નથી આવી રહ્યા, પરંતુ તેઓ વીડિયો દ્વારા મહાસભાને સંબોધશે. રશિયાએ આની સામે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ સંયુક્ત રાષ્ટ્રમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે જેમાં ઝૅલેન્સ્કીનું રેકૉર્ડ કરેલું ભાષણ વીડિયો દ્વારા ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ સંમેલનમાં ભાગ લેવાના નથી પરંતુ રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લેવરાવ હાજરી આપી રહ્યા છે. લેવરાવ કુલ 56 સભ્યોના દળ સાથે ન્યૂયૉર્ક આવવા માગતા હતા, પરંતુ અમેરિકાએ માત્ર 24 લોકોને જ વિઝા આપ્યા છે.

સંયુક્ત રાષ્ટ્રના 1947ના "હેડક્વાર્ટર એગ્રિમેન્ટ" હેઠળ યુનાઇટેડ સ્ટેટ્સ સામાન્ય રીતે વિદેશી રાજદૂતો અને પ્રતિનિધિઓને યુએનની બેઠકોમાં ભાગ લેવા રોકી શકતું નથી. અમેરિકાનું માનવું છે કે તે તેની સુરક્ષા, આતંકવાદ અને વિદેશનીતિને લગતાં કારણસર વિઝાનો ઇનકાર કરી શકે છે.

બધાની નજર બ્રિટનના નવા વડા પ્રધાન લિઝ ટ્રસ અને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૅક્રોનનાં ભાષણો પર પણ રહેશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આ વર્ષે સંમેલનમાં ભાગ લઈ રહ્યા નથી.

line

અમેરિકી રાષ્ટ્રપતિએ શું કહ્યું?

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને બુધવારે સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કર્યું, જેમાં રશિયા પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર હુમલો કરીને યુએન ચાર્ટરનું નિર્લજ્જતાપૂર્વક ઉલ્લંઘન કર્યું છે.

જો બાઇડને કહ્યું કે રશિયન સૈનિકોએ યુક્રેનમાં શાળાઓ, રેલવે સ્ટેશનો અને હૉસ્પિટલો પર હુમલો કર્યો છે. આ હુમલાઓનો હેતુ યુક્રેનના અસ્તિત્વને ખતમ કરવાનો છે.

પરમાણુ યુદ્ધ પર બોલતા તેમણે કહ્યું કે પુતિને આજે યુક્રેન યુદ્ધને લઈને બેજવાબદારીપૂર્વક પરમાણુ યુદ્ધની ધમકી આપી છે, પરંતુ પરમાણુ યુદ્ધથી જીતી શકાતું નથી અને તે ક્યારેય લડાવું જોઈએ નહીં.

તાઇવાન અને ચીન પર બોલતા જો બાઇડને કહ્યું કે અમેરિકા વન-ચાઈના નીતિ પ્રત્યે પ્રતિબદ્ધ છે. વ્હાઇટ હાઉસના અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તાઇવાન પર યુએસની નીતિ બદલાઈ નથી. તેમણે કહ્યું કે તેઓ યથાસ્થિતિમાં કોઈ પણ ફેરફારનો વિરોધ કરશે. અગાઉ અનેક પ્રસંગોએ જો બાઇડને કહ્યું છે કે જો ચીન તાઇવાન પર હુમલો કરશે તો અમેરિકા તાઇવાનને મદદ કરશે.

line

ભારત તરફથી કોણ હાજરી આપશે?

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૅક્રોન સાથે એસ. જયશંકર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૅક્રોન સાથે એસ. જયશંકર

ગયા વર્ષે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં હાજરી આપી હતી, પરંતુ આ વર્ષે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર 24 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધિત કરશે.

એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારતીય વિદેશમંત્રી તેમના ભાષણ દરમિયાન બ્રિટનને પછાડીને ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં પાંચમા ક્રમે આવી છે તેનો ઉલ્લેખ કરશે.

આ ઉપરાંત જયશંકર વૈશ્વિક પડકારો સામે લડવામાં ખાસ કરીને વિશ્વના ઘણા દેશોમાં કોવિડ રસીની ડિલિવરી સહિતના ભારત દ્વારા આપવામાં આવેલા યોગદાનનો પણ ઉલ્લેખ કરી શકે છે. તેમના ભાષણમાં જયશંકર સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની ભારતની લાંબા સમયથી ચાલી રહેલી માગનો પુનરોચ્ચાર કરી શકે છે.

પીએમ મોદી આ વખતે હાજર નહીં રહે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. છેલ્લાં ઘણાં વર્ષોથી સામાન્ય રીતે ભારતના વડા પ્રધાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં ભાગ લેતા હોય છે અને મહાસભાને સંબોધતા હોય છે.

ભારત આ વર્ષે ડિસેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરશે અને એવી અપેક્ષા છે કે તે સમયે પીએમ મોદી બેઠકમાં ભાગ લેશે.

પીએમ મોદી અત્યાર સુધીમાં ચાર વખત મહાસભાના સત્રમાં હાજર રહ્યા અને મહાસભામાં ભાષણ પણ આપ્યું છે. વર્ષ 2020માં પીએમ મોદીએ કોવિડ મહામારીને કારણે વીડિયો લિંક દ્વારા સંબોધન કર્યું હતું.

ગયા અઠવાડિયે વડા પ્રધાન મોદી એસસીઓ સમિટમાં ભાગ લેવા માટે સમરકંદ ગયા હતા. ત્યાં તેમણે યુક્રેન યુદ્ધ પર રશિયન રાષ્ટ્રપતિ પુતિનને આપેલી જાહેર સલાહને અમેરિકી મીડિયા અને રાજદ્વારી વર્તુળોમાં ભારે રસથી જોવામાં આવી હતી. પરંતુ સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેન પર હુમલાના મામલે ભારતે હજુ સુધી રશિયા વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું નથી.

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ

ઇમેજ સ્રોત, LUDOVIC MARIN/AFP VIA GETTY IMAGE

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે અને તેમનું ભાષણ 23 સપ્ટેમ્બરે યોજાશે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર, તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનને આ વર્ષે વક્તાઓની યાદીમાં સામેલ કરાયું નથી.

અફઘાનિસ્તાનની ભૂતપૂર્વ સરકાર દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં નિયુક્ત કરાયેલા રાજદૂત ગુલામ ઈસાકઝાઈએ ડિસેમ્બર 2021માં રાજીનામું આપ્યું હતું. અને હવે સંયુક્ત રાષ્ટ્રે નક્કી કરવાનું છે કે અફઘાનિસ્તાનના તાલિબાન શાસકોના દૂતને માન્યતા આપવી કે નહીં.

સામાન્ય સભાના સત્ર દરમિયાન ઘણા દેશોના રાજનેતાઓ અને પ્રતિનિધિઓ પણ એકબીજા સાથે મુલાકાત કરે છે. ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરની પણ ઘણા દેશોના મંત્રીઓ અને પ્રતિનિધિઓ સાથે દ્વિપક્ષીય અને અન્ય બેઠકો યોજાવાની છે, જેમાં ક્વાડ, બ્રિક્સ વગેરે જૂથોની મહત્ત્વપૂર્ણ બેઠકોનો પણ સમાવેશ થાય છે.

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર વૉશિંગ્ટનમાં અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકનને મળશે. તાજેતરમાં જ પાકિસ્તાનને એફ-16 વિમાન આપવાના નિર્ણય પર ભારતે અમેરિકા સામે વિરોધ વ્યક્ત કર્યો છે.

line

સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની ભારતની માગ પર અત્યાર સુધી શું થયું છે?

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

ભારત ચાર દાયકાથી વધુ સમયથી સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની માગ કરી રહ્યું છે, પરંતુ આ મામલે ચર્ચા ચાલી રહી છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ જોવાં મળ્યું નથી.

આ વખતે પણ એવી અપેક્ષા છે કે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર મહાસભાને સંબોધિત કરતી વખતે સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની માગનું પુનરાવર્તન કરશે.

ભારતનું માનવું છે કે હવે 21મી સદીમાં બદલાયેલી પરિસ્થિતિ અનુસાર સંયુક્ત રાષ્ટ્રમાં સુધારો થવો જોઈએ અને ભારત સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે દાવેદાર છે.

હાલમાં તે ડ્રાફ્ટ પર જ કોઈ સર્વસંમતિ નથી. આમાં સૌથી મોટો અવરોધ યુનાઇટિંગ ફૉર કન્સેન્સસ નામનું એક જૂથ મૂકે છે. આ જૂથનું નેતૃત્વ ઈટાલી કરે છે અને પાકિસ્તાન આ જૂથનું સભ્ય છે.

line

મહાસભાની બેઠકોના કેટલાક રસપ્રદ કિસ્સા

વીતેલા વર્ષોમાં ઘણી રસપ્રદ ક્ષણો પણ આવી છે. 2017માં મહાસભામાં એક ભાષણમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન વિશે કહ્યું હતું કે, "રૉકેટમૅન પોતાના માટે આત્મઘાતી મિશન પર છે."

2006માં મહાસભામાં તેમના ભાષણ દરમિયાન વેનેઝુએલાના તત્કાલીન રાષ્ટ્રપતિ હ્યુગો શાવેઝે તત્કાલીન યુએસ પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશ માટે "ધ ડેવિલ કે શયતાન" શબ્દ વાપર્યો હતો અને પોડિયમ તરફ ઈશારો કરીને કહ્યું હતું કે "હજુ સલ્ફરની ગંધ આવી રહી છે".

1977માં ભારત માટે યાદગાર કહી શકાય તેવું વાજપેયીનું હિન્દીમાં ભાષણ પણ રસપ્રદ રહ્યું હતું. ભારતના વિદેશમંત્રી તરીકે અટલ બિહારી વાજપેયીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પ્રથમ વખત હિન્દીમાં સંબોધન કર્યું હતું.

આ સિવાય પાછલા લગભગ બે દાયકામાં દર વર્ષે મહાસભાના વાર્ષિક અધિવેશન દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે બોલાચાલી થતી રહે છે.

પાકિસ્તાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવે છે અને ભારત કાશ્મીરનો મુદ્દો તેનો આંતરિક મામલો ગણાવીને ફરિયાદ કરે છે કે તે મુદ્દો ઉઠાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર યોગ્ય મંચ નથી. આ સિવાય ભારત પાકિસ્તાન પર આતંકવાદને સમર્થન આપવાનો સતત આરોપ લગાવતું રહ્યું છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન