ED દ્વારા સોનિયા ગાંધીની બીજી વખત પૂછપરછ, ધરણા પર બેસેલા રાહુલ ગાંધીની અટકાયત- પ્રેસ રિવ્યૂ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની નેશનલ હૅરાલ્ડ મામલે ઈડી દ્વારા આજે બીજી વખત પૂછપરછ કરાઈ રહી છે. સવારે 11 વાગ્યાની આસપાસ તેઓ ઈડીની ઑફિસે પહોંચ્યાં હતાં.

આ વચ્ચે દેશભરમાં કૉંગ્રેસ વિરોધપ્રદર્શન કરી રહ્યું છે. કૉંગ્રેસના સાંસદોએ દિલ્હીમાં સંસદભવનમાં ગાંધી મૂર્તિ પાસેથી વિજય ચોક સુધી રેલી યોજી હતી. આ રેલીમાં રાહુલ ગાંધી પણ સામેલ હતા અને બાદમાં તેઓ વિજય ચોક પર ધરણાં કરવા બેસી ગયા હતા.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

બાદમાં દિલ્હી પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.

મીડિયા સાથે વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું, "તમામ સાંસદ અહીં આવ્યા. તેઓ મોંઘવારી અને બેરોજગારીની વાત કરી રહ્યા હતા પરંતુ પોલીસ અમને અહીં બેસવા દઈ રહી નથી. અંદર (સંસદમાં) વાત કરવા દેવી નથી અને અહીં અમારી ધરપકડ કરી રહ્યા છે."

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે, રેલીમાં સામેલ કૉંગ્રેસના અન્ય ઘણા નેતાઓની પણ પોલીસે અટકાયત કરી હતી. તેમાં રંજિત રંજન, કેસી વેણુગોપાલ, ઇમરાન પ્રતાપગઢી અને કે સુરેશ સામેલ છે.

line

ગુજરાતી વેપારીની આફ્રિકામાં ઘરમાં ઘૂસીને હત્યા કરાઈ

ભરૂચના વેપારીની ઝામ્બિયામાં હત્યા

ઇમેજ સ્રોત, iStock

ઝામ્બિયાના કાબવે શહેરમાં સોમવારે સવારે ભરૂચ જિલ્લાના 40 વર્ષીય વેપારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે, સોમવારે વેપારીના ઘરે ચોરીના ઇરાદે આવેલા શખ્સોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ઇમરાન કરકરિયા નામના મૂળ ગુજરાતી વેપારીનું મૃત્યુ થયું હતું. જ્યારે તેમના ભાઈ અઝમતના હાથ પર ગોળી વાગતાં સારવાર માટે ખસેડવા પડ્યા હતા.

મૃતકના પિતરાઈ તૌસિફ કરકરિયાએ અખબારને જણાવ્યું હતું કે મૂળ ભરૂચના ઇમરાન અને અઝમત કરકરિયા 10 વર્ષ પહેલાં આફ્રિકા ગયા હતા અને ઝામ્બિયામાં સ્થાયી થયા હતા. બંને ભાઈઓ ત્યાં એક દુકાન ચલાવતા હતા.

હુમલો થયો તે સમયે ઇમરાનનાં પત્ની અને બે બાળકો પણ ઘરમાં હાજર હતાં. જોકે, લૂંટારુઓએ માત્ર ઇમરાન અને તેમના ભાઈ પર હુમલો કર્યો હતો.

ઇમરાનના પેટ અને હાથના ભાગે ગોળી વાગગતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

line

કેન્દ્ર સરકારે રાજ્યસભામાં કહ્યું, 'ચીન બૉર્ડર પર રસ્તા બનાવવામાં 15 હજાર કરોડ રૂપિયા ખર્ચાયા'

ભારત ચીન બૉર્ડર પર રસ્તા

ઇમેજ સ્રોત, ANI

રાજ્યસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં રાજ્યકક્ષાના સંરક્ષણમંત્રી અજય ભટ્ટે દેશની સીમાઓ સુધી દરેક ઋતુમાં પહોંચવા માટે છેલ્લાં પાંચ વર્ષોમાં નિર્મિત નવા રસ્તાઓની લંબાઈ અને ખર્ચને લગતી માહિતી આપી હતી.

આ માહિતી પ્રમાણે, ભારત-ચીન સીમા પર 2088.57 કિલોમીટર લાંબા રસ્તા પાછળ 15,477 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.

ભારત-પાકિસ્તાન સીમા પર 1336.09 કિલોમીટર લાંબો રસ્તો 4343.38 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે.

ભારત-મ્યાનમાર સીમા પર 151.15 કિલોમીટર લાંબો રસ્તો 882.52 કરોડ અને ભારત-બાંગ્લાદેશ બૉર્ડર પર 19.25 કિલોમીટર લાંબો રસ્તો બનાવવા 165.45 કરોડ રૂપિયામાં બનાવવામાં આવ્યો છે.

line

રશિયા ફરી એક વખત યુરોપિયન દેશોને ઝટકો આપશે?

રશિયા યુક્રેન યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

રશિયાની ઊર્જાકંપની ગાઝપ્રોમનું કહેવું છે કે મૅઇન્ટેનન્સની કામગીરીના લીધે તે ફરી એક વખત યુરોપિયન યુનિયનને પોતાની મુખ્ય પાઇપલાઇનમાંથી મોકલાતો ગૅસનો જથ્થો ઘટાડશે.

ગાઝપ્રોમે કહ્યું કે નૉર્ડ સ્ટ્રીમ-1 પાઇપલાઇન પર એક તરફનું ટર્બાઇન રોકવાથી ગૅસઉત્પાદન 20 ટકા ઘટશે. જેથી હાલની સરખામણીએ અડધો ગૅસ મળશે.

આ મામલે જર્મન સરકારે કહ્યું છે કે ગૅસનો જથ્થો સીમિત કરવાનું કોઈ ટેકનિકલ કારણ ન હતું.

જથ્થો ઘટવાથી યુરોપિયન યુનિયનના દેશો માટે શિયાળા પહેલાં પોતાના ગૅસ ભંડારને ફરીથી ભરવાની શક્યતા ઓછી થતી જાય છે. આ મહિનામાં જ મેઇન્ટેનન્સનું કારણ આગળ ધરીને આ પાઇપલાઇન 10 દિવસ માટે બંધ કરવામાં આવી હતી.

ગયા વર્ષે યુરોપિયન યુનિયનને જરૂરી ગૅસનો 40 ટકા ભાગ રશિયાથી આવ્યો હતો અને તેઓ હવે રશિયા પર ઊર્જાઉત્પાદનોનો હથિયારની જેમ ઉપયોગ કરવાનો આરોપ લગાવી રહ્યા છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન