ઝૅલેન્સ્કીએ બીબીસીને કહ્યું - રશિયનો અમને મારી શકે છે, પરંતુ તેઓ પણ જીવિત નહીં રહે

    • લેેખક, ક્લાઇવ માયરી અને જોઍલ ગંટર
    • પદ, બીબીસી સંવાદદાતા, કિએવથી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ યુરોપિયન દેશો પર આરોપ લગાવતાં કહ્યું છે કે જે દેશ રશિયા પાસેથી ઑઇલ ખરીદી રહ્યા છે, તે બીજીના લોહીથી રંગાયેલી કમાણી કરી રહ્યા છે.

વોલોદિમીર ઝૅલેન્સ્કી
ઇમેજ કૅપ્શન, વોલોદિમીર ઝૅલેન્સ્કી

બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ઝૅલેન્સ્કીએ જર્મની અને હંગેરી પર નિશાન સાધતાં કહ્યું કે તેમના કારણે રશિયા પાસેથી ઑઇલ ખરીદવા પર લગાવેલા પ્રતિબંધ લાગુ કરવામાં અડચણ ઊભી થઈ રહી છે. તેમણે કહ્યું કે આ કારણથી રશિયાને આ વર્ષે 326 અબજ ડૉલર સુધીનો ફાયદો થઈ શકે છે.

હાલના દિવસોમાં જર્મનીને લઈને યુક્રેનિયન નેતાઓમાં નારાજગી વધી ગઈ છે. જર્મનીએ રશિયા વિરુદ્ધ કેટલાક પ્રતિબંધોનું સમર્થન કર્યું છે પરંતુ ઑઇલ ખરીદવાને લઈને લગાવેલા પ્રતિબંધોને સંપૂર્ણપણે સમર્થન આપ્યું નથી.

યુક્રેનની રાજધાની કિએવસ્થિત સિચ્યુએશન રૂમમાં ગુરુવારે ઝૅલેન્સ્કીએ કહ્યું, "અમારા કેટલાક સહયોગી અને મિત્રો એ વાત સમજે છે કે હવે પહેલા જેટલો સમય રહ્યો નથી. આ હવે વેપાર કે પૈસાનો મામલો નથી પણ અસ્તિત્વ બચાવવાનો સંઘર્ષ છે."

રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ ફરી એક વખત આંતરરાષ્ટ્રીય સ્તરે અપીલ કરી છે કે તેઓ યુક્રેનને વધુ હથિયાર આપે અને કહ્યું કે રશિયન હુમલાનો જવાબ આપવા માટે તેમને જલદી વધુ હથિયારોની જરૂર છે.

તેમણે કહ્યું, "અમેરિકા, બ્રિટન અને કેટલાક યુરોપિયન દેશો અમારી મદદ માટે પ્રયત્ન કરી રહ્યા છે અને મદદ પણ કરી રહ્યા છે, પરંતુ અમને જલદીથી જલદી વધુ મદદ જોઈએ છીએ."

હાલના દિવસોમાં યુક્રેનની રાજધાની કિએવ અને દેશના ઉત્તર અને મધ્યના વિસ્તારોને ઘેરવાનો પ્રયત્ન કરી રહેલી રશિયન સેનાએ પોતાના સૈનિકો ત્યાંથી પાછા હઠાવી લીધા છે. માનવામાં આવી રહ્યું છે કે રશિયન સેનાએ બળપ્રયોગ કરીને યુક્રેનને પોતાના કબજામાં લેવાનો પ્રયત્ન છોડી દીધો છે.

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હવે આ સૈન્યાભિયાન દ્વારા વધુમાં વધુ જમીન પર કબજો કરવા માગે છે. આ બાદ હવે એ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે દેશના પૂર્વ અને દક્ષિણ ભાગમાં આ સંઘર્ષ લાંબો સમય ચાલી શકે છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

line

શાંતિવાર્તાની સંભાવના વધુ ઓછી

વોલોદિમીર ઝૅલેન્સ્કી બીબીસી ઇન્ટરવ્યૂ
ઇમેજ કૅપ્શન, બીબીસી સંવાદદાતા ક્લાઇવ માયરી સાથે વોલોદિમીર ઝૅલેન્સ્કી

યુક્રેનના દક્ષિણમાં આવેલું શહેર મારિયુપોલ રશિયન સેનાના સતત હુમલાના કારણે વેરવિખેર થઈ ગયું છે. આ શહેરને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વ્યૂહરચનાત્મકપણે મહત્ત્વપૂર્ણ માને છે.

રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ બીબીસીને કહ્યું કે તેમને લાગે છે કે મારિયુપોલમાં દસ હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં હશે.

તેમણે કહ્યું, "અમારી પાસે જાણકારી છે કે દસ હજારથી વધુ લોકો માર્યા ગયા છે અને તે સિવાય સેંકડો લોકો ગુમ થયા છે. અમને ખબર છે કે તેમના દસ્તાવેજો બદલી નાખવામાં આવ્યા છે, તેમને રશિયન પાસપોર્ટ આપી દેવામાં આવ્યા છે અને રશિયામાં ક્યાંક લઈ જવામાં આવ્યા છે. કેટલાકને અન્ય શહેરોમાં લઈ જવામાં આવ્યા છે. કોઈને ખબર નથી કે તેમની સાથે શું થઈ રહ્યું છે. કેટલા લોકોનાં મૃત્યુ થયાં છે, તેની કોઈને ચોક્કસ ખબર નથી."

ઝૅલેન્સ્કીએ કહ્યું કે મારિયુપોલ અને રાજધાની કિએવના બહારના વિસ્તારો બૂચા અને બોરદોયંકામાં રશિયન સૈનિકોએ જે રીતે અત્યાચાર ગુજાર્યા છે, તેનાંથી રશિયા સાથે શાંતિવાર્તાની સંભાવના વધુ ઘટી ગઈ છે.

અઠવાડિયા પહેલાં બૂચાને યુક્રેને રશિયન સૈનિકોના કબજામાંથી છોડાવ્યું હતું. યુક્રેનિયન સૈનિકો અનુસાર, શહેરમાંથી સેંકડો લોકોના મૃતદેહ મળ્યા છે, જેમાં સામાન્ય લોકોનો પણ સમાવેશ થાય છે. આ લોકોના હાથ પાછળ બાંધી દેવામાં આવ્યા છે અને માથા પર ગોળી મારવામાં આવી હતી. સાથે જ અહીંથી મોટી સંખ્યામાં યૌન હિંસાના પણ અહેવાલો સામે આવ્યા છે.

રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ કહ્યું, "શાંતિ માટે વાતચીત બંધ કરવાની પ્રક્રિયાની સંભાવના બૂચાથી શરૂ થાય છે. આ મારા કે અન્ય કોઈ વિશે નથી પરંતુ રશિયા વિશે છે. તેમની પાસે અમારી સાથે વાતચીત કરવાની ઘણી તકો નહીં હોય."

ઝૅલેન્સ્કીએ આરોપ લગાવ્યો કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને રશિયન સેના ઉપરથી નીચે સુધી "યુદ્ધ અપરાધીઓથી ભરેલી છે."

ઝૅલેન્સ્કી આ વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન પર રશિયાનો હુમલો શરૂ થયા બાદના સમયમાં દેશના નેતૃત્વનો બચાવ કરતા પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમની સરકારે નાગરિકોને સંયમ જાળવી રાખવા માટે અપીલ પણ કરી હતી.

તેમણે કહ્યું કે તેમની સરકાર હથિયારો તેમજ જરૂરી સૈન્ય સરંજામો માટે સમજૂતી પર સતત કામ કરી રહી છે. આ સાથે જ તેઓ આ વાત તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે કે યુદ્ધના માહોલમાં લોકોમાં ડર ન ફેલાય. કારણ કે તેનાથી બૅન્કો પર બિનજરૂરી દબાણ પડી શકે છે અને અર્થવ્યવસ્થા અસ્થિર થવાનો પણ ભય છે.

વોલોદિમીર ઝૅલેન્સ્કી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બૂચા શહેરની મુલાકાત દરમિયાન વોલોદિમીર ઝૅલેન્સ્કી

તેમણે કહ્યું, "રશિયા એમ જ ઇચ્છતું હતું, પરંતુ અમે થવા ન દીધું. અમને આશા ન હતી કે રશિયા અમારા પર મોટા પાયે હુમલો કરશે."

રશિયા કિએવ તરફથી ધ્યાન હઠાવીને હવે યુક્રેનના પૂર્વ અને દક્ષિણ તરફ હુમલા વધારી રહ્યું છે અને યુક્રેન ફરી એક વખત રશિયા સામે પોતાના વિસ્તારને બચાવવા માટે જંગ લડી રહ્યું છે. આ પહેલા 2014માં યુક્રેનનો ભાગ રહેલા ક્રાઇમિયા પર રશિયાએ કબજો કરી લીધો હતો.

રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ કહ્યું કે યુક્રેનિયન સેના માટે પૂર્વમાં "સ્થિતિ ખુબ મુશ્કેલ છે, પરંતુ તે એવો વિસ્તાર છે જ્યાં તેમની સૌથી શક્તિશાળી સૈન્ય ટુકડીઓ હાજર છે."

તેમણે કહ્યું, "તેઓ અમને નેસ્તનાબૂદ કરી શકે છે પરંતુ અમે પણ તેનો જવાબ આપીશું. તેઓ અમને મારી શકે છે પરંતુ ખુદ પણ માર્યા જશે. મને એ નથી સમજમાં આવી રહ્યું કે તેઓ અહીં વધુ શું કરવા આવ્યા છે."

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો