રશિયા-યુક્રેન યુદ્ધ : EUમાં સામેલ થવાની યુક્રેનની અરજી થોડા મહિનામાં મંજૂર કરાશે- ઝૅલેન્સ્કી, અત્યાર સુધી શું-શું થયું?

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલું યુદ્ધ 23મા દિવસે પણ સતત ચાલુ છે. રશિયાની સેનાએ યુક્રેનનાં શહેરો પર વધુ તીવ્રતા સાથે હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે.

બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થીઓ માટેની એજન્સી દ્વારા યુક્રેનમાં રશિયાના આક્રમણ બાદ સર્જાયેલી માનવીય પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થીઓ માટેની એજન્સી દ્વારા યુક્રેનમાં રશિયાના આક્રમણ બાદ સર્જાયેલી માનવીય પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થીઓ માટેની એજન્સી દ્વારા યુક્રેનમાં રશિયાના આક્રમણ બાદ સર્જાયેલી માનવીય પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી

સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, યુક્રેન યુદ્ધમાં 17 માર્ચ સુધીમાં કમસે કમ 816 નાગરિકો માર્યા ગયા છે અને 1333 ઘાયલ થયા છે.

યુક્રેનના સંરક્ષણમંત્રાલયે રશિયાના હુમલાના જવાબમાં યુક્રેનના સૈન્યદળોએ 14,200 રશિયન સૈનિકોનાં મૃત્યુ નિપજાવ્યાં હોવાનો દાવો કર્યો હતો.

તો યુક્રેનના મારિયુપોલમાં રશિયાના હવાઈ હુમલાનો નિશાન બનેલા થિયેટરના કાટમાળમાંથી અત્યાર સુધીમાં 130 લોકોને જીવિત કાઢવામાં આવ્યા છે.

સમગ્ર દિવસ દરમિયાન બનેલી ઘટનાઓ અંગે વિગતવાર જાણવા માટે આ અહેવાલ વાંચો.

line

યુરોપિયન યુનિયનમાં સામેલ થવાની યુક્રેનની અરજી અમુક મહિનામાં મંજૂર કરાશે : ઝૅલેન્સ્કી

યુક્રેન

ઇમેજ સ્રોત, Telegram/Zelensky Official

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ પોતાના તાજેતરના રાષ્ટ્રજોગ સંબોધનમાં યુરોપિયન યુનિયન કમિશનનાં ચીફ ઉર્સુલા વોન ડેર લિએન સાથે થયેલી પોતાની વાતચીત અંગે માહિતી આપી હતી.

તેમણે કહ્યું હતું કે આ વાતચીત બાદ યુક્રેનની યુરોપિયન યુનિયનમાં સામેલ થવાની થવાની અરજીના ફાસ્ટટ્રેક નિકાલ અંગે આશ્વાસન અપાયું છે.

ઝૅલેન્સ્કીએ જણાવ્યું કે વોન ડેર લિએને કહ્યું હતું કે, "તેઓ યુરોપિયન યુનિયનમાં યુક્રેનને સામેલ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે બનતા પ્રયાસો કરશે."

ઝૅલેન્સ્કીએ કહ્યું હતું કે, "આપણે યુરોપિયન યુનિયનના પૂર્ણકાલીન સભ્ય બની જઈશું."

"વહીવટીતંત્રની જે પ્રક્રિયા પૂરી કરતાં વર્ષોનો સમય લાગે છે તે માત્ર અમુક અઠવાડિયાં અથવા મહિનાઓમાં પૂર્ણ કરી દેવાશે."

line

મારિયુપોલના થિયેટરના કાટમાળમાંથી 130 લોકોને જીવિત કાઢ્યા

અધિકારીઓ અનુસાર, હજુ પણ થિયેટરમાં 1300થી વધુ લોકો ફસાયેલા હોઈ શકે છે

ઇમેજ સ્રોત, Azov/Reuters

ઇમેજ કૅપ્શન, અધિકારીઓ અનુસાર, હજુ પણ થિયેટરમાં 1300થી વધુ લોકો ફસાયેલા હોઈ શકે છે

યુક્રેનના મારિયુપોલમાં રશિયાના હવાઈ હુમલાનો નિશાન બનેલા થિયેટરના કાટમાળમાંથી અત્યાર સુધીમાં 130 લોકોને જીવિત કાઢવામાં આવ્યા છે.

અધિકારીઓ અનુસાર, આ થિયેટરના બેઝમૅન્ટમાં સેંકડો લોકોએ આશરો લીધો હતો. યુક્રેનના માનવાધિકાર કમિશનર અનુસાર આ થિયેટર પર રશિયાએ બૉમ્બમારો કર્યો હતો, આથી તે આખું તબાહ થઈ ગયું છે.

ટીવી પર આવેલા નિવેદનમાં માનવાધિકાર કમિશનર લ્યુડિમાઇલા ડેનિસોવાએ કહ્યું કે હજુ પણ રાહત અને બચાવકાર્ય ચાલુ છે.

અધિકારીઓ અનુસાર, હજુ પણ થિયેટરમાં 1300થી વધુ લોકો ફસાયેલા હોઈ શકે છે.

રણનીતિક રીતે મહત્ત્વનું મારિયુપોલ શહેર રશિયાની ઘેરાબંધી છે અને યુદ્ધની શરૂઆતથી રશિયન સેના અહીં ભીષણ હુમલાઓ કરી રહી છે.

રિપોર્ટો અનુસાર, આ શહેરમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા છે.

line

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે યુક્રેનમાં સર્જાયું માનવીય સંકટ

યુક્રેન

ઇમેજ સ્રોત, Reuters

સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી સંસ્થાએ ચેતવણી આપી છે કે યુક્રેનમાં માનવીય મદદની જરૂરિયાત ઝડપથી વધતી જઈ રહી છે. એજન્સી સાથે જોડાયેલા મેથ્યૂ સાલ્ટમાર્શે કહ્યું કે જો યુક્રેનમાં યુદ્ધ નહીં રોકાય તો પરિસ્થિતિ વધુ વણસશે.

યુક્રેનનાં જે ક્ષેત્રોમાં ભીષણ લડાઈ ચાલી રહી છે ત્યાં મોટી સંખ્યામાં લોકો ફસાયેલા છે. આ લોકોના ખાવાપીવા જેવી પાયાની જરૂરિયાતો પણ પૂરી નથી થઈ રહી. આવશ્યક સેવાઓ બાધિત થવાના કારણે દવાઓ જેવી જરૂરી વસ્તુઓ પણ લોકો સુધી નથી પહોંચી રહી.

તેમણે કહ્યું કે રશિયાની ઘેરાબંધીમાં ફસાયેલાં દક્ષિણનાં શહેરોમાં પરિસ્થિતિ અત્યંત વિકટ છે અને અહીંથી આવનારા રિપોર્ટ અત્યંત ચિંતાજનક છે.

તેમણે કહ્યું, "સુમી અને મારિયુપોલ જેવાં શહેરોમાં માનવીય પરિસ્થિતિઓ અત્યંત વિકટ છે, અહીં રહી રહેલા લોકો પાસે ખાવા-પીવાની વસ્તુઓ નથી અને ઘણી જગ્યાએ લોકો ભૂખમરાનો શિકાર થઈ રહ્યા છે. પાણી અને દવા પણ ઉપલબ્ધ નથી."

સાલ્ટમાર્શે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રની શાંતિવાર્તા પર નજર છે અને જ્યારે પરિસ્થિતિ સુધરશે ત્યારે આ ક્ષેત્રો માટે પુરવઠો મોકલવામાં આવશે.

તેમણે કહ્યું કે ઓડેસામાં પ્રશાસને સાડા ચાર લાખ લોકો માટે ખાદ્યસામગ્રી અને દવાઓ માગી છે. આ લોકો અહીં ફસાયેલા છે.

line

યુક્રેન સંકટ: તુર્કી સાથેની વાતચીતમાં પુતિને મૂકી શરતો

યુક્રેન સંકટમાં તુર્કીએ રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થીનો પ્રયાસ કર્યો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુક્રેન સંકટમાં તુર્કીએ રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થીનો પ્રયાસ કર્યો છે

યુક્રેન સંકટમાં તુર્કીએ રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થીનો પ્રયાસ કર્યો છે. એવામાં તેનું પરિણામ પણ જોવા મળ્યું છે.

ગુરુવારે બપોરે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ્પ આર્દોઅનને ફોન કર્યો હતો.

બીબીસી વર્લ્ડ અફૅર્સ ઍડિટર જૉન સિંપસને આ ફોનકૉલની ગણતરીની મિનિટો બાદ તુર્કીના રાષ્ટ્રપતિના પ્રવક્તા અને સલાહકાર ઇબ્રાહીમ કલિનનો ઇન્ટરવ્યૂ કર્યો.

કલિન પ્રમાણે, રશિયાની માગ બે કૅટેગરીમાં આવે છે. શરુઆતી ચાર માગ એવી છે જે યુક્રેન માટે પૂરી કરવી મુશ્કેલ નથી.

આ માગોમાંની એક છે કે યુક્રેન એ સ્વીકારે કે તે તટસ્થ રહે અને નેટોમાં સામેલ ન થાય. આ એવી માગ છે જેના પર યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કી પહેલેથી બોલી ચૂક્યા છે.

વીડિયો કૅપ્શન, 'કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ વિશે કાશ્મીરી પંડિતો શું બોલ્યા?

આ કૅટેગરીમાં જે અન્ય માગ છે તેમાં યુક્રેને નિશસ્ત્રીકરણની પ્રક્રિયા સુનિશ્ચિત કરવાની રહેશે, જેનાથી સાબિત થાય કે તે રશિયા માટે ખતરારૂપ નથી.

યુક્રેનમાં રશિયન ભાષા માટે સુરક્ષા હોવી જોઈએ અને "ડિ-નાઝીફિકેશન"ની પણ વાત છે. આ માગ ઝૅલેન્સ્કીને પરેશાન કરનારી છે.

ઝૅલેન્સ્કી ખુદ યહૂદી છે અને તેમના કેટલાક પરિવારજનો હૉલોકાસ્ટમાં મૃત્યુ પામ્યાં હતાં, પરંતુ તુર્કીનું માનવું છે કે ઝૅલેન્સ્કી માટે આ સ્વીકારવું મુશ્કેલ નહીં હોય.

કદાચ યુક્રેન માટે આ પૂરતું હશે કે તેઓ નિઓ-નાઝીવાદની નિંદા કરે અને તેના પર ગાળિયો કસવાનો વાયદો કરે.

બીજી કૅટેગરી એવી માગોની છે જેમાં યુક્રેનને તકલીફો પડી શકે છે. કલિને આ વિષે ખૂલીને કંઈ ન કહ્યું. તેમણે કહ્યું કે આ માગમાં પૂર્વ યુક્રેનના ડોનબાસ ક્ષેત્રની સ્થિતિ સામેલ છે.

પૂર્વ યુક્રેનના કેટલાક વિસ્તારો પર રશિયા પહેલેથી દાવો કરી ચૂક્યું છે. આ સાથે જ ક્રાઇમિયાની સ્થિતિ પર પણ તેમનું જોર છે. બીજી વાત એ છે કે રશિયા માગ કરશે કે ક્રાઇમિયાને યુક્રેન ઔપચારિક રીતે સ્વીકારે, જેના પર 2014માં રશિયાએ કબજો કરી લીધો હતો.

line

રશિયન સેના પાસે ભોજન અને ઈંધણ જેવી જરૂરી વસ્તુઓની અછત : બ્રિટન

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન

હવે બ્રિટનના સંરક્ષણ મંત્રાલયના ગુપ્ત રિપોર્ટ અનુસાર રશિયાને યુક્રેનમાં પોતાના હુમલાઓ ચાલુ રાખવામાં તકલીફ પડી રહી છે.

આ રિપોર્ટ અનુસાર રશિયાને યુક્રેનમાં કેટલીક જરૂરી વસ્તુઓની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.

સાથે જ સીમિત ગતિશીલતા અને ઍર સપોર્ટમાં અછતના કારણે રશિયન સૈનિકો પોતાના અન્ય સાથીઓ સુધી ભોજન અને ઇંધણ જેવી જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા સક્ષમ નથી જણાઈ રહ્યા.

રિપોર્ટમાં આગળ જણાવવામાં આવ્યું છે કે યુક્રેનના સૈનિકોના સતત પલટવારના કારણે રશિયાને પોતાની સપ્લાય લાઇન બચાવવા માટે પણ સૈનિકો રોકવા પડી રહ્યા છે.

આ કારણથી રશિયાની હુમલો કરવાની ક્ષમતા પણ ઘટી છે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો