નૂર મુકાદમ : હાઈ સોસાયટીની એક સ્ત્રીની હત્યા, જેનાથી પાકિસ્તાન સ્તબ્ધ થઈ ગયું

    • લેેખક, શુમાઈલા જાફરી
    • પદ, બીબીસી, ઇસ્લામાબાદ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

સમૃદ્ધ લોકોના સમાન મિત્રવર્તુળના એક પુરુષ દ્વારા નૂર મુકાદમ પર બળાત્કાર અને તેમની હત્યાથી પાકિસ્તાન સમસમી ઊઠ્યું હતું અને આ ઘટનાએ પાકિસ્તાનમાં મહિલાઓ પરની હિંસાના આઘાતજનક સ્તરને ઉજાગર કર્યું હતું.

નૂરના મૃત્યુ પછીના દિવસોમાં સંખ્યાબંધ લોકોએ તેમના માટે ન્યાયની અને ફોજદારી ન્યાય વ્યવસ્થામાં આમૂલ ફેરફારની માગ કરી હતી.

ચેતવણીઃ આ સ્ટોરીમાં હિંસક અપરાધનું દુઃખદ વિવરણ છે.

નૂર મુકાદમ

ઇમેજ સ્રોત, SARA MUQADDAM

ઇમેજ કૅપ્શન, નૂર મુકાદમની હત્યાની ઘટનાએ, પાકિસ્તાની મહિલાઓ જે જોખમોનો સામનો કરે છે તેને ઉજાગર કર્યાં છે.

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદના સમૃદ્ધ એફ-7 વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં ગત વર્ષે 20 જુલાઈએ ફોન રણક્યો હતો. ફોનકર્તાએ (જેની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે) પોલીસને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં એક ગુનો આચરવામાં આવ્યો છે.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે 27 વર્ષનાં નૂર મુકાદમ મૃત્યુ પામ્યાં હતાં.

પોલીસના જણાવ્યા મુજબ, નૂર મુકાદમને તેમના પરિચિત ઝાહિર ઝાકિર જાફર નામના એક પુરુષે બે દિવસ સુધી બંદી બનાવી રાખ્યાં હતાં. ઝાહિર જાફર પાકિસ્તાનના સૌથી વધુ સમૃદ્ધ ઉદ્યોગપતિ પરિવારો પૈકીના એકનો પુત્ર છે.

પોલીસના તપાસ અહેવાલમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, નૂરે પોતાની મુક્તિ માટે વારંવાર વિનંતી કરી હતી અને તેમણે બે વખત નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું. કંપારી છૂટે એવા એક વીડિયોમાં નૂર પહેલા માળ પરના રૂમની બારીમાંથી કૂદકો મારતાં જોવાં મળ્યાં હતાં, પરંતુ તેમને ફરી ઘરમાં ઢસડી લાવવામાં આવ્યાં હતાં. એ ઘરમાં તેમના પર અત્યાચાર તથા બળાત્કાર કરવામાં આવ્યો હતો અને આખરે તેમની હત્યા કરીને તેમનું માથું વાઢી નાખવામાં આવ્યું હતું.

ઝાહિર

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, હત્યારા ઝાહિર જાફર અને નૂર મુકાદમ હાઈ સોસાયટીના સમાન મિત્ર વર્તુળમાં સામેલ હતાં.

નૂરના હત્યારાએ પોલીસને કહ્યું હતું તેમ તેમની સાથે પરણવાનો ઈનકાર કર્યો એટલે તેમણે નૂરની હત્યા કરી હતી.

આ અપરાધની ભયાનક વિગતથી પાકિસ્તાન થથરી ઊઠ્યું હતું. મહિલા અધિકાર કર્મશીલોએ શેરીઓમાં વિરોધપ્રદર્શન કર્યું હતું, મીણબત્તીઓ પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપી હતી અને સોશિયલ મીડિયા પર #JusticeForNoor અને #EndFemicide જેવાં હૅશટેગ્ઝ ટ્રેન્ડ થયાં હતાં.

અનેક મહિલાઓ આગળ આવ્યાં હતાં અને તેમણે ઘરેલુ હિંસા તથા જાતીય સતામણીની પોતાની કથાઓ જણાવી હતી.

ઇસ્લામાબાદથી હજ્જારો કિલોમીટર દૂર પૂર્વમાં આવેલા લાહોર શહેરમાં વકીલ ખદિજા સિદ્દિકી ગયા જુલાઈમાં નૂરની હત્યાના સમાચાર સાંભળીને આખી રાત જાગતાં રહ્યાં હતાં.

ખદિજા સિદ્દિકીએ બીબીસીને કહ્યું હતું કે "મારા માટે એ વાસ્તવિકતાના અનુભવ અને ફ્લૅશબેક જેવું હતું, કારણ કે નૂરની સાથે બન્યું તે મારી સાથે બન્યું હોત."

ખદિજા સિદ્દિકી પર 2016માં તેમના બૉયફ્રેન્ડે લાહોરના વ્યસ્ત રહેતા માર્ગ પર છરીના 23 ઘા માર્યા હતા. બન્ને વચ્ચેના બ્રૅકઅપ પછી ઉશ્કેરાયેલા બૉયફ્રેન્ડે આવું કર્યું હતું. હુમલાખોરને પ્રારંભે સાત વર્ષની સજા ફરમાવવામાં આવી હતી, પરંતુ પાછળથી તે ઘટાડીને બે વર્ષની કરવામાં આવી હતી.

અદાલત માત્ર હુમલાનો ભાગ બનેલી વ્યક્તિના નિવેદન પર આધાર ન રાખી શકે એવો ચુકાદો 2018માં આપીને લાહોર હાઈકોર્ટે હુમલાખોરને છોડી મૂક્યો હતો.

બાદમાં પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે હાઈકોર્ટના ચુકાદાને રદ્દ કર્યો હતો અને અગાઉની સજા જાળવી રાખી હતી.

line

પાકિસ્તાન અને મહિલા પર અત્યાચાર

વકીલ ખદિજા સિદ્દિકીના શરીર પર તેમના બોયફ્રેન્ડે ચપ્પુના 23 ઘા માર્યા હતા.

ઇમેજ સ્રોત, HANDOUT

ઇમેજ કૅપ્શન, વકીલ ખદિજા સિદ્દિકીના શરીર પર તેમના બોયફ્રેન્ડે ચપ્પુના 23 ઘા માર્યા હતા.

ખદિજાના હુમલાખોરને ગત વર્ષની 17 જુલાઈએ, નૂર મુકાદમની ભયાનક હત્યાના ત્રણ દિવસ પહેલાં જ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.

ખદિજા સિદ્દિકી નસીબદાર હતાં કે તેમને તેમના પરિવારનો ટેકો મળ્યો હતો અને તેમના કેસ પ્રત્યે મીડિયાનું ધ્યાન આકર્ષાયું હતું. ઘણા કિસ્સામાં આવું બનતું જ નથી.

ખદિજાનો કેસ ઝડપથી ચલાવવામાં આવ્યો હતો, પરંતુ મહિલા પરના હિંસક હુમલાના મોટા ભાગના કિસ્સાઓની માફક ખદિજાને ન્યાય ક્યારેય મળ્યો ન હતો.

ખદિજાએ કહ્યું હતું કે "નિપુણતાના અભાવ અને તપાસ અધિકારીઓને યોગ્ય તાલીમ ન મળી હોવાને કારણે યોગ્ય રીતે તપાસ કરવામાં આવી ન હતી. મહત્ત્વના પુરાવા એકત્ર કરવામાં આવ્યા ન હતા. નકામા પુરાવા એકઠા કરવામાં આવે છે અથવા તો તેમાં એટલો વિલંબ કરવામાં આવે છે કે તે સામગ્રી કોર્ટમાં પુરાવા તરીકેનું મૂલ્ય ગુમાવી બેસે છે."

પાકિસ્તાનમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓના ભરોસાપાત્ર આંકડાઓ ઉપલબ્ધ નથી, પરંતુ સંયુક્ત રાષ્ટ્રસંઘના અંદાજ અનુસાર, પાકિસ્તાનમાં આવા કિસ્સાઓમાં ગુનેગારોને કરવામાં આવતી સજાનો દર પ્રત્યેક 100 કેસ દીઠ એકથી અઢી ટકા સુધીનો છે. તેથી હુમલાનો ભોગ બનેલાં ઘણાં મહિલાઓ શા માટે મૌન રહેવાનું પસંદ કરે છે તે સમજવાનું મુશ્કેલ નથી.

જે મહિલાઓ અદાલતનો આશરો લે છે તેમણે અન્ય પ્રકારના આક્રમણનો સામનો કરવો પડે છે. એવી મહિલાઓની આકરી ઊલટતપાસ કરવામાં આવે છે, જે સામાન્ય રીતે ગુનાને લગતી નથી હોતી, પરંતુ મહિલાના કથિત ચારિત્ર્ય વિશેની હોય છે.

ખદિજા સિદ્દિકીએ કહ્યું હતું કે "કોઈ મહિલા પર કાદવ ઉછાળવાનું શરૂ થતાંની સાથે જ તેના ભૂતકાળ તથા સંબંધોની વાતો કરવામાં આવે છે. પરિણામે મહિલા તરત જ પાછી પાની કરે છે."

તેમણે ઉમેર્યું હતું કે "મહિલાઓએ ચારિત્ર્યહનનનો સામનો કરવો પડે છે. તેમને પોતાને જ દોષી ઠરાવવામાં આવે છે અને આવા ભયને કારણે મહિલાઓ, તેમના પરિચિત કે અપરિચિત પુરુષો દ્વારા તેમના પર આચરવામાં આવતી હિંસા વિશે ફરિયાદ કરતી નથી."

line

'લાંબો પંથ કાપવાનો છે'

ઇમરાન ખાન

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પીડિતાને દોષી ઠરાવવાના અને સ્ત્રીઓ પ્રત્યેના દ્વેષને પ્રોત્સાહન આપવાના આક્ષેપનો સામનો કરી રહ્યા છે.

ગ્લોબલ જેન્ડર ઇક્વૉલિટી ઈન્ડેક્સમાં સામેલ કુલ 156 દેશોમાં પાકિસ્તાનનું સ્થાન 155મું છે. મહિલાઓના રક્ષણ માટે નવા કાયદાઓના અમલ અને જાતિ આધારિત હિંસાના કેસીસની સુનાવણી માટે ખાસ કોર્ટ્સની વ્યવસ્થા છતાં પાકિસ્તાનમાં આ સ્થિતિ છે.

જોકે, મહિલાઓના દરજ્જા વિશેના રાષ્ટ્રીય પંચનાં અધ્યક્ષ નીલોફર બખ્તિયારના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ ઝડપથી બહેતર બની રહી છે.

તેમણે કહ્યું હતું કે "આવા હાઈ-પ્રોફાઇલ કેસીસ તો હંમેશાં જોવા મળતા રહ્યા છે, પરંતુ તેને મીડિયા દ્વારા વધુ મહત્ત્વ આપવામાં આવે છે. આવા કિસ્સામાં હિંસાનો ભોગ બનેલી મહિલાઓને તેમના પરિવારજનોનો પણ સધિયારો મળતો હોય છે. ભૂતકાળમાં આવું ન હતું."

નીલોફર બખ્તિયાર માને છે કે નૂર મુકાદમની હત્યાસંબંધી લોકરોષ પરિવર્તનનો મોટો હિસ્સો છે.

તેમણે કહ્યું હતું કે "મહિલાઓ વિરુદ્ધની આ પ્રકારની હિંસાને તત્કાળ ડામવાની જરૂર છે. ખાસ કરીને ઉચ્ચ સ્થાને બેઠેલા પુરુષો આ વિશે વાત કરી રહ્યા છે અને નીતિના ઘડવૈયાઓ આ બાબતને જાજમ તળે છુપાવવા હવે તૈયાર નથી."

તેમ છતાં મહિલાઓ વિરુદ્ધની હિંસા પાકિસ્તાનમાં અત્યંત ગંભીર સમસ્યા બની રહી છે. પાકિસ્તાનમાં દર વર્ષે આશરે 1,000થી વધારે મહિલાઓ કથિત ઑનર કિલિંગમાં મોતને ભેટતી હોવાનો અંદાજ હ્યુમન રાઈટ્સ વોચના તાજેતરના અહેવાલમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

કર્મશીલો માને છે કે સ્ત્રીઓ પ્રત્યેના દ્વેષની માનસિકતાનાં મૂળિયાં સમાજમાં એટલાં ઊંડે સુધી પેસેલાં છે કે તેમાં વાસ્તવિક પરિવર્તન લાવવામાં વર્ષો થશે.

નૂર મુકાદમની હત્યાના એક મહિના પહેલાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પર પીડિતાને દોષી ઠરાવવાનો અને સ્ત્રીઓ પ્રત્યેના દ્વેષને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ઇમરાન ખાને એવા મતલબનું વિધાન કર્યું હતું કે મહિલાઓ દ્વારા પહેરવામાં આવતાં વસ્ત્રો પણ પાકિસ્તાનમાં સેક્સ ક્રાઈમ્સમાં વધારા માટે આંશિક રીતે જવાબદાર છે.

ઇમરાન ખાને એચબીઓ નામના અમેરિકન ટીવી નેટવર્કને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે "સ્ત્રીઓ બહુ ઓછાં વસ્ત્રો પહેરે તો તેની પુરુષો પર અસર થવાની જ છે."

ઇમરાન ખાનની આવી કૉમેન્ટ્સને કારણે મહિલાઓ રોષે ભરાયાં હતાં અને રાષ્ટ્રવ્યાપી વિરોધ ફાટી નીકળ્યો હતો. જાતીય હુમલાનો ભોગ બનેલાં મહિલાઓને તેમના ડ્રેસીસના ફોટોગ્રાફ ટ્વિટર પરના એક થ્રેડમાં શૅર કરવાનું જણાવવામાં આવ્યું હતું અને એ મહિલાઓની વીતકકથાઓ ટૉપ ટ્રૅન્ડ બની હતી.

બીજી તરફ ઇમરાન ખાનની પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ પાર્ટીની કેટલાંક મહિલા સંસદસભ્યોએ ઇમરાન ખાનના બચાવમાં એવું જણાવ્યું હતું કે પ્રસ્તુત ટિપ્પણીનો ભળતો અર્થ તારવવામાં આવ્યો છે અને ઇમરાન ખાનની મુલવણી તેમની સરકાર દ્વારા મહિલાઓના રક્ષણ તથા સશક્તીકરણ માટે લેવામાં આવતાં પગલાંના સંદર્ભમાં કરવી જોઈએ.

સવાલ એ છે કે નૂર મુકાદમની હત્યા પાકિસ્તાનમાં મહિલા ચળવળના ઇતિહાસમાં નિર્ણાયક વળાંક સાબિત થઈ શકશે અને નૂરના પરિવારજનોએ જે પીડા સહન કરવી પડી એવી પીડા સહન કરવામાંથી અન્ય પરિવારોને બચાવી શકશે?

જસ્ટિસ ફૉર નૂર ઝુંબેશના નેતૃત્વકર્તા અને નૂરનાં બહેને મીડિયાને કહ્યું હતું કે "અમે જે પીડાનો સામનો કરી રહ્યા છીએ તેવી પીડાનો સામનો પાકિસ્તાનના એકેય પરિવારે ન કરવો પડે તો સારું."

જોકે, ખદિજા સિદ્દિકી આ બાબતે સાશંક છે. તેમણે કહ્યું હતું કે "પાકિસ્તાનની મહિલાઓએ મૌન રહેવાની કળામાં પ્રાવિણ્ય મેળવી લીધું છે. મહિલાઓના મનમાં એવું ઠસાવી દેવામાં આવ્યું છે કે તેમની સાથે જે કંઈ પણ બને છે એ તેમનો પોતાનો જ દોષ છે."

"જસ્ટિસ ફૉર નૂર એક આગેકદમ છે, પરંતુ આપણે બહુ લાંબો પંથ કાપવાનો છે," એમ ખદિજાએ કહ્યું હતું.

ફૂટર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો