પાકિસ્તાનમાં ટીએલપીની લૉન્ગ માર્ચ, શું પોતાની જ જાળમાં ફસાઈ ગયા ઇમરાન ખાન?
- લેેખક, સકલૈન ઇમામ
- પદ, બીબીસી સંવાદદાતા, ઇસ્લામાબાદ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ અહમદ રશીદે કહ્યું છે કે જો તહરીક-એ-લબ્બૈક સરકાર સાથે કરેલ પોતાના વાયદાનું પાલન નહીં કરે તો પરિસ્થિતિ કાબૂ બહાર થઈ શકે છે.
પાકિસ્તાનમાં પ્રતિબંધિત ધાર્મિક રાજકીય પાર્ટી ટીએલપી લાહોરથી ઇસ્લામાબાદ માર્ચ કરવા મામલે અડગ છે.

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્લેષકોનું માનવું છે કે ટીએલપીની આ માર્ચ વડા પ્રધાન ઇમરાન ખાનની સરકાર અને પાકિસ્તાનની સેના માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
સરકારે ટીએલપીની લૉન્ગ માર્ચને દેશવિરોધી કાવતરું ગણાવ્યું છે. અને માર્ચ રોકવા માટે રેન્જરો તહેનાત કરવાનો નિર્ણય કર્યો છે.
આ દરમિયાન વડા પ્રધાન ઇમરાન ખાને શુક્રવારે ટીએલપીની માર્ચથી પેદા થયેલી પરિસ્થિતિ પર ચર્ચા માટે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક પણ બોલાવી છે. આ દરમિયાન ટીએલપીની માર્ચ ગુરુવારે ગુજરાંવાલા પાર કરી ગઈ છે.
હવે એ સવાલ ઊભો થઈ રહ્યો છે કે જો રેન્જર્સ અને ટીએલપી કાર્યકર્તા સામસામે આવી ગયા તો શું પરિણામ આવી શકે છે. જો લોહિયાળ સંઘર્ષ થયો તો પરિણામો લાલ મસ્જિદ ઑપરેશન જેવાં પણ હોઈ શકે છે.
ઇમરાન ખાન સરકારનો દાવો છે કે ટીએલપીનો આ લૉન્ગ માર્ચ યોજવાનો છઠ્ઠો પ્રયાસ છે. આ અગાઉ સરકાર દરેક પ્રસંગે ટીએલપીની માર્ચ કે ધરણાં રોકવાના પ્રયાસ કરવા અંગે અનિચ્છા દાખવતી રહી છે.

શું છે ટીએલપી?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
ટીએલપીનું ગઠન વર્ષ 2015માં થયું હતું પરંતુ તે ચર્ચામાં પંજાબના ગવર્નર સલમાન તાસીરની હત્યા કરનારા હુસૈન કાદરીની ફાંસીની સજાનો વિરોધ કરીને આવી.
ટીએલપી વર્ષ 2017માં ફૈઝાબાદમાં ધરણાં કરીને પોતાની તાકાત દેખાડી ચૂકી છે. તે સમયે સેનાની મધ્યસ્થી બાદ ધરણાં સમાપ્ત કરાયાં હતાં.
પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ અહમદ રાશિદનું કહેવું છે કે આ સંગઠનને વૈશ્વિક ઉગ્રવાદી સંગઠન કહી શકાય છે.

હાલમાં કેમ યોજાઈ રહી છે માર્ચ?

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્ષે એપ્રિલમાં ટીએલપીએ ફ્રાન્સના રાજદૂતને પાકિસ્તાનમાંથી કાઢવાની માગ કરી હતી. ત્યારે ધાર્મિક મામલાના મંત્રીએ ટીએલપીને વિશ્વાસ અપાવ્યો હતો કે ફ્રાન્સના રાજદૂતને પાછા મોકલી દેવામાં આવશે અને ધરણું સમાપ્ત થઈ ગયું હતું.
નોંધનીય છે કે ફ્રાન્સે પયગંબર હઝરત મોહમ્મદનાં કાર્ટૂનોના પ્રકાશન પર પ્રતિબંધ લાદવાનો ઇનકાર કરી દીધો હતો અને પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બહુમતીવાળા દેશોમાં ફ્રાન્સ વિરુદ્ધ આક્રોશ પેદા થઈ ગયો હતો. ટીએલપીએ ફ્રાન્સના રાજદૂતને દેશમાંથી કાઢી મૂકવા માટે પ્રદર્શન કર્યાં હતાં.
તેમજ યુરોપિયન સદન દ્વારા એક પ્રસ્તાવ પસાર કરીને પાકિસ્તાનને યુરોપિયન સંઘ અને સભ્ય દેશો અને તેમના પ્રતિનિધિઓનું સન્માન કરવા કહેવાયું હતું.
ટીએલપીના તત્કાલીન નેતા સાદ હુસૈન રિઝવીની દેશની કાયદાવ્યવસ્થા બગાડવાના આરોપમાં ધરપકડ પણ થઈ હતી.
હાલની લૉન્ગ માર્ચ ફ્રાન્સ સાથે રાજકીય સંબંધ સમાપ્ત કરવા અને સાદ રિઝવીના છૂટકારા માટે કાઢવામાં આવી રહી છે.

રેન્જરો તહેનાત

ઇમેજ સ્રોત, Getty Images
સરકારે ટીએલપીની માર્ચને રોકવા માટે રેન્જરોને તહેનાત કર્યા છે પરંતુ વિશ્લેષકોનું માનુવું છે કે આવું કરવાનાં પરિણામો ગંભીર હોઈ શકે છે.
જોકે આવું પહેલી વાર નથી થઈ રહ્યું કે પંજાબ પ્રાંતમાં રેન્જરો તહેનાત કરાયા છે. અગાઉની સરકારે વર્ષ 2016માં હથિયારબંધ જૂથોને રોકવા માટે પણ રેન્જરો તહેનાત કર્યા હતા.
રેન્જર પાકિસ્તાનનું અર્ધસૈનિક બળ છે, જેમને વિશિષ્ટ પરિસ્થિતિઓમાં દેશમાં તહેનાત કરવામાં આવે છે. ગૃહમંત્રાલયનું કહેવું છે કે બંધારણના અનુચ્છેદ 147 હેઠળ રેન્જર તહેનાત કરાયા છે.

ટીએલપી અને લાલ મસ્જિદ

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પીસ સ્ટડીઝના પ્રોફેસર મોહમ્મદ આમિર રાણા પ્રમાણે લાલ મસ્જિદ અને ટીએલપીમાં મોટો ફેર એ છે કે લાલ મસ્જિદ સાથે જોડાયેલા લોકો તાલિબાન અને અલ-કાયદા જેવાં સમૂહોમાં માને છે અને હુમલા કરવામાં માનતાં હતાં, જ્યારે ટીએલપીના કાર્યકર્તા માત્ર રસ્તા પર પ્રદર્શન કરે છે. ટીએલપી કાર્યકર્તાઓએ ક્યારેય હુમલા નથી કર્યા.
રાણા કહે છે કે લાલ મસ્જિદના લોકો અલ-કાયદા જેવાં સંગઠનો સાથે જોડાયેલા હતા અને અત્યંત ખતરનાક હતા અને તેમના એજન્ડાને પાકિસ્તાનના સામાન્ય લોકોનું સમર્થન નહોતું. પરંતુ ટીએલપી સામાન્ય લોકો વચ્ચે અત્યંત લોકપ્રિય છે અને તેના ખત્મે નબૂબત (મોહમ્મદ ઇસ્લામના અંતિમ પયગંબર છે)ના નારા તમામને સ્વીકાર્ય છે.
રાણા પ્રમાણે ભલે ટીએલપી સામાન્ય લોકો વચ્ચે અત્યંત લોકપ્રિય ન હોય પરંતુ તેમના નારા તમામને સ્વીકાર્ય છે. પાકિસ્તાનની સરકાર પણ ‘રિયાસત-એ-મદીના’ (ઇસ્લામના પવિત્ર સ્થળ મદીનાથી પ્રભાવિત સરકાર)ના નારા સાથે રાજ કરી રહી છે.
આમિર રાણા માને છે કે જો ટીએલપીના નેતા વાતચીતથી રસ્તો કાઢે તેમ છતાં તેમની લોકપ્રિયતા અને સ્વીકૃતિ વધશે અને તેમનો મતદારવર્ગ પણ વધશે અને ભવિષ્યમાં તેઓ મજબૂત પડકાર ઊભો કરશે.

ઇમરાનને ચૂકવવી પડી શકે છે કાર્યવાહી કરવાની કીમત?

ઇમેજ સ્રોત, AAMIR QURESHI/Getty
આમિર રાણાને લાગે છે કે જો પાકિસ્તાની રેન્જરો ટીએલપીના કાર્યકર્તાઓ સાથે ઘર્ષણમાં ઊતર્યા અને લોહી રેડાયું તો તેનાં પરિણામ ઇમરાન ખાનની સરકારને ભોગવવાં પડી શકે છે.
અત્યારના માહોલમાં એવું લાગે છે કે પાકિસ્તાનની સેના આ ઘર્ષણમાં પણ સામેલ નથી. આમિર રાણા કહે છે કે જો આ ખેલમાં તમામ ખેલાડી એક સાથે આવી ગયા તો પણ તેનાં પરિણામ ઇમરાન ખાનની તહરીક-એ-ઇન્સાફ પાકિસ્તાન (PTI)ને ચૂકવવું પડશે.
પાકિસ્તાનમાં અન્ય રાજકીય દળો પણ આ માહોલ અને રેન્જર ઑપરેશનનો લાભ ઉઠાવવાના પ્રયત્ન કરશે.
જોકે પાકિસ્તાનની સરકાર સામે સૌથી મોટો પડકાર એ હશે કે આ પ્રકારનાં ધાર્મિક આંદોલનોનું શાંતિપૂર્ણ સમાધાન શોધવું મુશ્કેલ હોય છે. જેમ-જેમ ધાર્મિક સમૂહોની માગો માનવામાં આવે છે તેઓ વધુ ઉગ્ર બનતાં જાય છે.
રાણા કહે છે કે, “અહરાર કે ખાકસાર હરીરને જોઈ લો, તેમની શરૂઆત લોકપ્રિય નારા સાથે થઈ હતી અને સફળતાની સાથોસાથ વધુ ઉગ્ર બનતાં ગયાં. અંતે એજન્સીઓએ જ મેદાનમાં ઊતરવું પડ્યું.”

હોઈ શકે છે ગંભીર પરિણામ

ઇમેજ સ્રોત, ABDUL MAJEED
તેમજ ઇખરા યુનિવર્સિટીમાં પ્રોફેસર એઝાઝ હુસૈન ભટ્ટનું માનવું છે કે ટીએલપી મુદ્દાના સમાધાન માટે રેન્જરોના ઉપયોગનાં ગંભીર પરિણામ પણ આવી શકે છે.
પ્રોફેસર એઝાઝ ભટ્ટને લાગે છે કે વાતચીત જ યોગ્ય રસ્તો છે. તેઓ કહે છે કે, “હોઈ શકે છે કે સેના જ આનો અંતિમ ઉપાય હોય અને પછી તેનાં પણ પરિણામો હશે.”
પાકિસ્તાનમાં છેલ્લે થયેલી સામાન્ય ચૂંટણીમાં ટીએલપી પાંચમી સૌથી મોટી પાર્ટી હતી અને ધાર્મિક સમૂહોના મતો મામલે સૌથી આગળ પડતી હતી. પ્રોફેસર એઝાઝ ભટ્ટ માને છે કે જો સરકારે ટીએલપી વિરુદ્ધ હિંસક કાર્યવાહી કરી તો તમામ માટે ગંભીર પરિણામ હશે.
પ્રોફેસર ભટ્ટ કહે છે કે ટીએલપીની માર્ચ દેશનાં હિતો વિરુદ્ધ છે અને આવી પરિસ્થિતિમાં સરકારે ટીએલપી સાથે વાત કરવા માટે ધર્મગુરુઓની સમિતિ બનાવવી જોઈએ.
તેમજ વરિષ્ઠ પત્રકાર અને વિશ્લેષક મોહમ્મદ ઝિયાઉદ્દીનને લાગે છે કે હાલની પરિસ્થિતિઓમાં સરકાર પાસે કોઈ સરળ રસ્તો નથી.
ઝિયાઉદ્દીન દાવો કરે છે કે ‘ટીએલપી એએચક્યૂ (સેના મુખ્યાલય)એ ફૈઝ હમીદની આઈએસઆઈ દ્વારા મુસ્લિમ લીગની સરકાર પર દબાણ ઊભું કરવા માટે બનાવાઈ હતી.’

ઇમેજ સ્રોત, Getty Images
ઝિયાઉદ્દીન કહે છે કે ઇમરાન ખાન અને શેખ રશીદે આ દરમિયાન ટીએલપીનું સમર્થન કર્યું હતું. ત્યારે ટીએલપીના કબજામાંથી ફૈઝાબાદ જંક્શન છોડાવવા માટે મુસ્લિમ લીગની સરકારે હથિયાર હેઠાં મૂકી દેવાના દસ્તાવેજ પર સહી કરવા માટે મજબૂર થવું પડ્યું હતું.
ફૈઝ હમીદ આ પ્રસંગે સમજૂતીના ગૅરંટર હતા. ઝિયાઉદ્દીન દાવો કરે છે કે કમાન્ડરે સાર્વજનિક રીતે ટીએલપી કાર્યકર્તાઓને પૈસાની વહેંચણી પણ કરી હતી.
ઝિયાઉદ્દી દાવો કરે છે કે ટીએલપીએ મુસ્લિમ લીગની વોટ બૅંક તોડવા માટે રાજકીય દળ સ્વરૂપે રજિસ્ટર થવાની તક પણ આપવામાં આવી.
ગત વખતે જ્યારે ટીએલપી રસ્તા પર ઊતરી હતી ત્યારે સરકારે તેમને ફ્રાન્સના રાજદૂતને હઠાવવાનો મુશ્કેલ વાયદો કરીને સંતુષ્ટ કરી દીધા હતા. પરંતુ પાકિસ્તાન સરકાર માટે આ વાયદો પૂર્ણ કરવો એટલું સરળ નથી.
વડા પ્રધાન ઇમરાન ખાને પણ લૉન્ગ માર્ચથી પોતાનાં રાજકીય મૂળ મજબૂત કર્યાં હતાં અને પોતાની પાર્ટીનું દેશમાં વિસ્તરણ કર્યું હતું. હવે ટીએલપી એમની જ રમતમાં એમને પડકારી રહી છે.
હાલના સંકટમાંથી બહાર નીકળવું ઇમરાન ખાન સરકાર માટે સરળ નહીં હોય. સૌથી મોટો પડકાર શાંતિપૂર્ણ સમાધાન જ છે.
ઇમરાન સરકાર હાલ ખરાબ રીતે ફસાયેલી છે. સરકાર જો માગો માને છે તો આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન માટે મુશ્કેલી સર્જાશે અને જો રેન્જર કાર્યવાહી કરશે તો દેશની આંતરિક પરિસ્થિતિ પર અસર પડશે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















