લખીમપુર હિંસા : SCના પ્રશ્ન બાદ યુપી પોલીસ સક્રિય થઈ, બે લોકોની અટકાયત

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

સુપ્રીમ કોર્ટે તિકુનિયા હિંસાની સુનાવણીમાં ઍક્શન ટેકન રિપોર્ટ સમન્સ કર્યા બાદ ઉત્તર પ્રદેશ પોલીસ હરકતમાં આવી છે અને આ મામલે બે લોકોને પૂછપરછ માટે અટકાયતમાં લીધા છે.

લખીમપુર ખીરીથી બીબીસીના સંવાદદાતા અંનત ઝણાણેના જણાવ્યા અનુસાર મીડિયા સાથે વાત કરતાં લખનૌ ક્ષેત્રનાં આઈજી લક્ષ્મીસિંહે કહ્યું કે બે લોકોની પૂછપરછ ચાલુ છે અને આ મામલે મુખ્ય આરોપી કેન્દ્રીય ગૃહમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાને પોલીસે સમન્સ મોકલ્યા છે.

ઘટનાસ્થળેથી બે કારતૂસ મળી હોવાના સમાચારોને IG લક્ષ્મીસિંહે ફગાવ દીધા છે અને કહ્યું છે, "પોલીસની ફૉરેન્સિક અને ટેકનિકલ ટીમ તિકુનિયામાં કૉમ્બિંગ ઑપરેશન કરીને તમામ પુરાવા એઠકા કરી રહી છે."

હત્યાના આરોપી આશીષ મિશ્રા તપાસમાં સહકાર આપી રહ્યા છે કે કેમ એ અંગે પૂછતાં આઈજીએ જણાવ્યું કે "સમન્સ મોકલાયા છે અને જો તેઓ સહકાર નહીં આપે તો પોલીસ કોર્ટમાં જશે."

જે સો લોકોની પોલીસ પૂછપરછ કરી રહી છે એમનાં નામ હજુ સામે નથી આવ્યાં.

જોકે, આઈજી લખનૌનું કહેવું છે કે તેમનાં નિવેદનોમાંથી અન્ય ત્રણ આરોપીઓની ભૂમિકા અંગે જાણકારી મળી છે. જોકે, એ ત્રણેય લોકોનાં આ હિંસામાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

પાકિસ્તાનમાં ભૂકંપથી કમસે કમ 20 લોકોનાં મોત, સેંકડો લોકો બેઘર

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ગુરુવારે આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા 20 લોકોનાં મોત થયાં છે.

અધિકારીઓએ બીબીસીને આ માહિતી આપી છે અને આપદા પ્રબંધન અધિકારીઓનું કહેવું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં ભૂકંપ બાદ ક્વેટા શહેરમાં લોકો રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે.

શરૂઆતના અહેવાલો અનુસાર, ભૂકંપની તીવ્રતા 5.7 રિક્ટરની માનવામાં આવે છે.

એક સરકારી અધિકારીનું કહેવું છે કે ઇમારતો ધરાશાયી થતા લોકોનાં મોત થયાં છે.

સ્થાનિક અધિકારીઓએ બીબીસી ઉર્દૂને જણાવ્યું કે કમસે કમ 150 લોકો ઘાયલ થયા છે, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને હૉસ્પિટલ લઈ જવાયા છે.

સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર મૃતકોમાં ઘણી મહિલાઓ અને બાળકો સામેલ છે. એક અધિકારીએ એજન્સીને જણાવ્યું કે 100થી વધુ માટીનાં ઘર પડી ગયાં છે અને મોટી સંખ્યામાં ઇમારતોને નુકસાન થયું છે, સેંકડો લોકો બેઘર થઈ ગયા છે.

અધિકારીઓ અનુસાર, સૌથી વધુ નુકસાન હરનાઈ જિલ્લામાં થયું છે. રાજધાની ક્વેટાના પૂર્વમાં આવેલા હરનાઈમાં મોટી સંખ્યામાં કોલસાની ખાણો છે.

બલૂચિસ્તાનના ગૃહમંત્રી મીર ઝિયાઉલ્લાહ લાંગુએ બીબીસીને જણાવ્યું કે વિસ્તારમાં આપાતકાલીન મદદ મોકલી દેવાઈ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો