You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પૂર્વ અફઘાનિસ્તાનમાં વિસ્ફોટમાં 15 બાળકોનાં મૃત્યુ, 20 ઘાયલ
અફઘાનિસ્તાનના પૂર્વમાં આવેલા ગઝની પ્રાંતમાં થયેલા બ્લાસ્ટમાં 15 બાળકોનાં મૃત્યુ થયાં છે તેમજ 20 લોકો ઘાયલ થયા છે, જેની ખરાઈ તંત્ર અને પોલીસ સૂત્રો દ્વારા કરાઈ રહી છે.
ગિલાન જિલ્લામાં થયેલ આ ધડાકાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અધિકારીઓ દ્વારા અપાયેલી માહિતી અનુસાર આ બ્લાસ્ટ એક રિક્ષાના પાછળના ભાગે થયો હતો.
જોકે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે એક વિસ્ફોટ થયા વગરના દારૂગોળાને બાળકો એક વેપારીને ત્યાં વેચવા માટે લઈ જઈ રહ્યાં હતાં તે વખતે આ બ્લાસ્ટ થયો હતો.
તાલિબાનના લોકોએ પણ આ બ્લાસ્ટને અકસ્માત ગણાવ્યો હતો.
આ ધડાકો બપોરના બે વાગ્યે એક મકાન, કે જ્યાં કુરાન વાંચવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, તેની પાસે થયો હતો.
ઍસોસિયેટેડ પ્રેસને ગઝનીના પ્રોવિન્સિયલ ગવર્નરના પ્રવક્તા વહીદુલ્લાહ જુમઝાદાએ જણાવ્યું હતું કે જ્યારે એક રિક્ષાચાલક ગામમાં પ્રવેશ્યો ત્યારે બ્લાસ્ટ થયો હતો. નિવેદન અનુસાર આ રિક્ષાની આસપાસ બાળકો હતાં.
તેમણે વધુમાં જણાવ્યું કે આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધુ હોઈ શકે છે.
AFP ન્યૂઝ એજન્સી પ્રમાણે પોલીસના પ્રવક્તા અહમદ ખાને તાલિબાન પર હુમલાનો આરોપ નાખ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે તાલિબાનના પ્રવક્તા ઝબિનુલ્લાહ મુજાહિદે ઍસોસિયેટેડ પ્રેસને જણાવ્યું કે બાળકો જ્યારે વિસ્ફોટ થયા વગરના દારૂગોળાને વેપારી પાસે લઈ આવ્યાં ત્યારે આ ધડાકાના કારણે 12 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં.
નોંધનીય છે કે અફઘાનિસ્તાન અને તાલિબાનના અધિકારીઓ વચ્ચે વાતચીત શરૂ થઈ હોવા છતાં દેશમાં હિંસાની ઘટનાઓમાં સતત વધારો નોંધાયો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો