ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગને કૉંગ્રેસનો પત્ર, વૉટ્સઍપ – ભાજપના જોડાણનો આરોપ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ભારતની પ્રમુખ વિપક્ષી પાર્ટી કૉંગ્રેસે અમેરિકાની પ્રતિષ્ઠિત ટાઇમ મૅગેઝિનમાં છપાયેલા એક લેખને આધારે ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગને પત્ર લખીને આપત્તિ વ્યક્ત કરી છે.

27 ઑગસ્ટ, 2020ના રોજ ટાઇમ મૅગેઝિનમાં 'ફેસબુક ટાઇઝ ટૂ ઇંડિયાઝ રૂલિંગ પાર્ટી કૉમ્પિલકેટ ઇટ્સ ફાઇટ અગેંસ્ટ હેટ સ્પીચ' શીર્ષક સાથે એક લેખ છપાયો હતો. જેમાં ફેસબુકની મૅસેજિંગ ઍપ વ્હૉટ્સઍપ અને સત્તાધારી ભારતીય જનતા પક્ષ વચ્ચે જોડાણ હોવાની વાત કહેવાઈ છે.

આ પહેલાં આવો જ એક લેખ અમેરિકન અખબાર વૉલ સ્ટ્રીટ જનરલમાં છપાયો હતો. જેનું શીર્ષક હતું – 'ફેસબુક હેટ સ્પીચ રૂલ્સ કૉલાઇડ વિધ ઇંડિયન પૉલિટિક્સ'. જેમાં ફેસબુકની ભારતીય ટીમના પક્ષપાતને રેખાંકિત કરાયો હતો અને લખાયું હતું કે સત્તાધારી પાર્ટીના નેતાઓની વિવાદિત પોસ્ટને લઈને આ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ દ્વારા નિયમોનું કડકાઈથી પાલન નથી કરાયું.

વૉલ સ્ટ્રીટ જનરલના લેખને આધારે પણ કૉંગ્રસે ફેસબુકના સંસ્થાપકને 17 ઑગસ્ટના રોજ પત્ર લખીને આરોપોની તપાસ કરવા માટે જણાવ્યું હતું અને સાથે જ ભારતમાં તેમની કંપની યોગ્ય રીતે કામ કરે એ પણ સુનિશ્ચિત કરવા કહેવાયું હતું.

વૉટ્સઍપ પર ભાજપનો કબજો

કૉંગ્રેસે હવે ટાઇમ મૅગેઝિનના લેખને આધારે લખ્યું છે, "અમારે આટલા ઓછા સમયમાં આપને એટલા માટે ફરી વાર પત્ર લખવો પડી રહ્યો છે, કારણ કે એક પ્રતિષ્ઠિત અમેરિકન પબ્લિકેશને એક અન્ય લેખમાં આ વિશે વધુ માહિતી આપી છે."

પત્રમાં લખાયું છે કે ટાઇમ મૅગેઝિનના લેખમાં મુખ્ય ત્રણ આશ્ચર્યજનક વાતો છે, જે ભારતમાં વિદેશી કંપનીઓના સંચાલન અંગેનાં કાયદા અને ભાવના બંનેનું ઉલ્લંઘન કરે છે.

કૉંગ્રેસના પત્રમાં જે વાતોનો ઉલ્લેખ કરાયો છે તે પૈકી પ્રથમ વાત એ છે કે વૉટ્સઍપે ભારતમાં પોતાના પેમૅન્ટ ઑપરેશન માટે એક જરૂરી સંભવિત લાઇસન્સ મેળવવાની અવેજમાં ભાજપને વૉટ્સઍપ ઇંડિયાના ઑપરેશનનું નિયંત્રણ આપી દીધું.

બીજા પૉઇન્ટમાં લખ્યું છે કે "ભારતમાં આપની કંપનીની લીડરશિપમાં એક કરતાં વધુ વ્યક્તિ સત્તાધીશ ભાજપના મામલામાં પક્ષપાતપૂર્ણ કામ કરે છે. પહેલાં જેટલી સમજવામાં આવી રહી હતી તેના કરતાં આ સમસ્યા ઘણી મોટી છે."

ત્રીજી વાત એ છે, "વૉટ્સઍપનો ઉપયોગ 40 કરોડ ભારતીયો કરે છે અને આપની ટીમ એ પ્લૅટફૉર્મ પર હેટ સ્પીચને પરવાનગી આપે છે અને આ રીતે ભારતના સામાજિક સદ્ભાવને નુકસાન પહોંચાડે છે."

પત્રમાં લખાયું છે કે "એક પ્રમુખ વિપક્ષી પાર્ટી હોવાને લીધે અમે આપને અપીલ કરીએ છીએ કે આપ અમને જણાવો કે આપની કંપની આ મામલાની તપાસ માટે કયાં પગલાં લેવાં જઈ રહી છે. પત્રમાં એવી પણ અપીલ કરાઈ છે કે સંસ્થા પોતાના ભારતીય ઑપરેશનમાં સુધારા માટે ઍક્શન પ્લાન ઘડે."

કૉંગ્રેસ પણ આ મામલે વૈધાનિક અને ન્યાયિક પગલાં લેશે એવું જણાવાયું છે. જેથી કોઈ પણ વિદેશી કંપની આવી રીતે પોતાના અંગત લાભ માટે દેશમાં સામાજિક વૈમનસ્ય ન ફેલાવી શકે.

આ મુદ્દે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું છે.

કંપનીએ શું કહ્યું?

વૉલ સ્ટ્રીટ જનરલના લેખ બાદ ફેસબુકે કહ્યું હતુ કે તેઓ નફરત ફેલાવનારાં ભાષણો પર પોતાની નીતિઓ કોઈ પણ પ્રકારના રાજકીય હોદ્દા કે પક્ષ સાથે તેના સંપર્કને ધ્યાને લીધા વગર લાગુ કરે છે.

ફેસબુકના એક પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે, “અમે નફરત ફેલાવનાર ભાષણો અને સામગ્રીઓને રોકીએ છીએ અને સમગ્ર વિશ્વમાં પોતાની નીતિઓને કોઈ પણ પ્રકારના રાજકીય હોદ્દા કે પાર્ટી સાથેના સંપર્કને ધ્યાને લીધા વગર લાગુ કરીએ છીએ.”

“અમને ખબર છે કે આ દિશામાં વધુ પ્રયાસો કરવાની જરૂરિયાત છે, પરંતુ અમે નિષ્પક્ષતા અને સત્યતાને સુનિશ્ચિત કરવા માટે અમારી પ્રક્રિયાને લાગુ કરાય એની તપાસ કરવાની દિશામાં પ્રગતિ કરી રહ્યા છીએ.”

બીજી તરફ દેશનો સત્તાધારી પક્ષ ભાજપ આવા આરોપોને નકારતો આવ્યો છે.

વૉલ સ્ટ્રીટ જનરલવાળા લેખને લઈને જ્યારે રાહુલ ગાંધીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને સંચાર, ઇલેક્ટ્રૉનિકસ્ તથા માહિતીપ્રસારણ ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીના આ આરોપોનો કડક ભાષામાં જવાબ આપ્યો હતો.

રવિશંકર પ્રસાદે ટ્વીટ કરીને કહ્યું હતું કે, “જે લૂઝર, પોતે પોતાના પાક્ષના લોકોને પ્રભાવિત નથી કરી શકતા તેઓ સમગ્ર વિશ્વને ભાજપ અને આર. એસ. એસ. નિયંત્રિત કરી રહ્યા હોવાની વાતો કરી રહ્યા છે.”

રવિશંકર પ્રસાદે ઊલટાનું કૉંગ્રેસના જૂના આરોપો ગણાવતાં કહ્યું હતું કે, “ચૂંટણી પહેલાં ડેટાને હથિયાર બનાવવા માટે કૅમ્બ્રિજ ઍનાલિટિકા અને ફેસબુક સાથે આપનું જોડાણ સામે આવ્યું હતું અને હવે અમને પ્રશ્ન કરવા સુધીની તમારી હિંમત થઈ ગઈ?”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો