ઑસ્ટ્રેલિયામાં દાવાનળને પગલે હજારો લોકોને પલાયન કરવાની ફરજ પડી
ઑસ્ટ્રોલિયામાં ફાટી નીકળેલા દાવાનળની ભીષણતા જોતાં હજારો લોકોને પ્રભાવિત વિસ્તાર છોડવાની ફરજ પડી છે. છેક સપ્ટેમ્બર મહિનાથી ચાલી રહેલી આ પરિસ્થિતિને પગલે અત્યાર સુધી 18 લોકોનો ભોગ લેવાયો છે અને 1200થી વધુ મકાનો બરબાદ થઈ ગયાં છે.
ચાલુ અઠવાડિયે વિક્ટોરિયા અને ન્યૂ સાઉથ વૅલ્સ વચ્ચે ફાટી નીકળેલી આગમાં 17 લોકો લાપતા થયા છે.
આ આગને પગલે ન્યૂ સાઉથ વૅલ્સમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. સંબંધિત વિસ્તારમાંથી આટલા મોટા પાયે પ્રથમ વખત લોકોને ખસેડવામાં આવી રહ્યા છે.
આ પહેલાં ગુરુવારે સીડની અને કૅનબૅર્રા જનારા માર્ગો પર મોટા પ્રમાણમાં વાહનોમાં પ્રભાવિત વિસ્તાર છોડીને જઈ રહેલા લોકો જોવા મળ્યા હતા. આમાંથી કેટલાય લોકો એવા પણ હતા કે જેઓ અહીં રજાઓ ગાળવા માટે આવ્યા હતા.

આગ સામે આગ

ઇમેજ સ્રોત, Getty Images
સ્થાનિક મીડિયાના અહેવાલો જણાવે છે કે બૅટમૅન્સ બૅ વિસ્તારમાં પેટ્રોલપંપની સામે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આ ભીષણ આગને પગલે કેટલાય માર્ગો બંધ કરી દેવા પડ્યા છે.
જોકે, પરિસ્થિતિમાં આંશિક સુધારો આવ્યો હોવાનું જણાવતાં અધિકારીઓએ શનિવારે પરિસ્થિતિ બગડી શકવાની સંભાવના વ્યક્ત કરી છે.
હાલમાં રસ્તાઓ સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દાવાનળ વધુ વિસ્તારને ઝપેટમાં લે એ પહેલાં 'બૅકબર્નિંગ' અભિયાન હાથ ધરી દેવાયું છે.
બૅકબર્નિગની પ્રક્રિયામાં જંગલની આગને રહેણાંક વિસ્તારમાં પ્રસરતી અટકાવવા માટે અડીને આવેલા જંગલવિસ્તારોમાં નાની અને નિયંત્રિત આગ લગાડીને સાફ કરી નાખવામાં આવે છે. જંગલની આગ ત્યાંથી આગળ વધતી અટકાવવા માટે આવું કરવામાં આવતું હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ન્યૂ સાઉથ વૅલ્સના વાહનવ્યવહારમંત્રી ઍન્ડ્ર્યુ કૉન્સટાન્સે પ્રભાવિત વિસ્તારો છોડીને જઈ રહેલા લોકોને ગાઢ ધુમ્મસમાં હળવેથી વાહન હંકારવાની ભલામણ કરી છે. એબીસી ચેનલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે તેમના મિત્રોનાં ઘરો આ આગમાં સળગી ગયાં છે.
આ અઠવાડિયે લાગેલી આગમાં ન્યૂ સાઉથ વૅલ્સમાં ઓછામાં ઓછાં 381, જ્યારે વિક્ટૉરિયામાં 43 મકાનો નષ્ટ થઈ ગયાં છે અને અધિકારીઓના જણાવ્યા અનુસાર આ આંકડો વધી શકે છે.

સ્થિતિ કથળવાની શક્યતા

ઇમેજ સ્રોત, Getty Images
પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના બે પ્રાંતોમાં ગુરુવારે આગનું જોખમ હોવા અંગે આગાહી કરાઈ છે, જ્યારે દક્ષિણ ઑસ્ટ્રેલિયામાં શુક્રવારે ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.
એબીસી ચેનલના જણાવ્યા અનુસાર દાવાનળને પગલે પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં 330 કિલોમિટરનો ધોરીમાર્ગ બંધ કરી દેવાની ફરજ પડી છે.
દાવાનળને પગલે મંગળવારે કૅનબૅરા શહેરની હવાની ગુણવત્તા વિશ્વના કોઈ પણ શહેર કરતાં ખરાબ આંકવામાં આવી હતી.
આગથી બચવા માટે વિક્ટૉરિયાના માલ્લાકુટ્ટામાંથી હજારો લોકો હોડીઓમાં બેસીને દરિયામાં જતા રહ્યા હતા અને રસ્તા પર ફસાયેલા લોકોને બચાવવા માટે નૌકાદળનું જહાજ તહેનાત કરવું પડ્યું હતું.
પ્રભાવિત લોકો માટે બુધવારે પોલીસબોટોમાં 1.6 ટન જેટલું અન્ન, પાણી અને દવા મોકલવામાં આવ્યાં હતાં.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















