હૉંગકૉંગ વિરોધપ્રદર્શનો : સંસદમાં ભારે હોબાળો, ચીફ ઍક્ઝિક્યુટિવ ન આપી શક્યાં ભાષણ

ઇમેજ સ્રોત, AFP
હૉંગકૉંગની સંસદમાં વિપક્ષોએ ભારે હોબાળો કરતા ચીફ ઍક્ઝિક્યુટિવ કૅરી લેમને અધવચ્ચે વક્તવ્ય જ ટુંકાવી દેવું પડ્યું અને તેમને વીડિયો સંદશો આપવો પડ્યો.
વિવાદિત પ્રત્યર્પણ બિલને લઈને હૉંગકૉંગમાં લાંબા સમયથી વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યાં છે.
પ્રથમ વાર સત્ર સ્થગિત થયા બાદ ફરી વાર શરૂ કરાયું, પરંતુ વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચારને કારણે ફરી સંસદ સ્થગિત કરાઈ.
સતત બે વખત સત્ર સ્થગિત કરાયા બાદ આખરે સત્રાવસાનની જ ઘોષણા કરી દેવાઈ. જેથી કૅરી લેમને વીડિયો પ્રસારણ મારફતે પોતાનું વક્તવ્ય આપવું પડ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
નોંધનીય છે કે આ હંગામાના કારણે વિવાદિત પ્રત્યર્પણ બિલને પાછું ન ખેંચી શકાયું.
સમગ્ર હૉંગકૉંગમાં આ બિલના વ્યાપક વિરોધને પગલે આ બિલ જુલાઈ મહિનામાં સ્થગિત રખાયું હતું.
જુલાઈ મહિના બાદ પ્રથમ વાર હૉંગકૉંગમાં સંસદનું સત્ર શરૂ કરાયું હતું, પરંતુ વિરોધના પગલે ચીફ ઍક્ઝિક્યુટિવ કૅરી લેમને પોતાનું વક્તવ્ય ટુંકાવવાની ફરજ પડી હતી.

બિલ પાછું ખેંચો અને પદ છોડો

ઇમેજ સ્રોત, Reuters
ધારાસભામાં વિરોધી પક્ષના નેતાઓએ પોતાની '5 માંગણીઓ'ના નારા પોકાર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે બિલનો વિરોધ શરૂ થયા બાદથી જ આ બિલ પાછું ખેંચી લેવાની માગણીઓ સાથે પાંચ અન્ય માગણીઓ પણ કરાઈ રહી છે. જેમાં સમાન મતાધિકારનો પણ સમાવેશ થાય છે.
વિરોધ પક્ષનાં નેતા તાન્યા ચેને કૅરી લેમને હૉંગકૉંગની મુશ્કેલીઓનું કારણ ગણાવ્યાં હતાં.
તાન્યા ચેને આ વિશે કહ્યું કે, "તેમના બંને હાથ ખૂન વડે રંગાયેલા છે. અમે આશા રાખીએ છીએ કે તેઓ આ બિલ પાછું ખેંચશે અને પોતાના પદનો ત્યાગ કરશે. તેમની અંદર રાજ્ય સંચાલન માટેની કુશળતાનો અભાવ છે. તેથી તેઓ ચીફ ઍક્ઝિક્યુટિવ રહેવાને લાયક નથી."
નોંધનીય છે કે આ પહેલી વાર એવું બન્યું છે કે હૉંગકૉંગના કોઈ ચીફ ઍક્ઝિક્યુટિવને સત્ર દરમિયાન ભાષણ આપતા અટકાવી દેવાયા હોય.
ધારાસભાના સત્ર સમાપનની જાહેરાત કરી દેવાયા બાદ કૅરી લેમનું અગાઉથી રેકૉર્ડેડ વક્તવ્ય હૉંગકૉંગ ધારાસભા પરિષદની વેબસાઇટ પર મુકાયું હતું.
તેમણે આ વક્તવ્યમાં "એક દેશ બે તંત્ર"ની વાત પર ભાર મૂક્યો હતો. તેમજ બ્રિટિશરાજમાંથી મુક્તિ મળ્યા બાદની રાજકીય પરિસ્થિતિ જાળવી રખાશે એવું આશ્વાસન પણ આપ્યું હતું અને હૉંગકૉંગની સ્વતંત્રતાની માગણીઓ બિલકુલ સહન નહીં કરાય એવું જણાવ્યું હતું.
નોંધનીય છે કે અમેરિકાની સંસદમાં પણ હૉંગકૉંગમાં માનવાધિકારોની જાળવણી માટે બિલ પાસ કરાયું છે, જે બાદ હૉંગકૉંગ સંસદમાં વિવાદિત પ્રત્યાર્પણ બિલને પાછું ખેંચવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી.
જૉન સડવર્થ, બીબીસીના ચીન ખાતેના સંવાદદાતાનું અવલોકન :
આ સત્રની શરૂઆતમાં કૅરી લેમને લાગી રહ્યું હતું કે તેઓ આ સત્ર મારફતે હૉંગકૉંગમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોનો અંત લાવી શકશે. તેમને આ સત્ર બાદ બધું જ ઠરીઠામ પડી જશે તેવી આશા હતી. જેની પર સત્ર દરમિયાન થયેલા વિરોધ પ્રદર્શન બાદ પાણી ફરી વળ્યું છે.
જોકે, હૉંગકૉંગની અપરિપક્વ લોકશાહીમાં હજુ સુધી એવા લડાયક નેતા નથી પાક્યા જેઓ પોતાના વિરોધીઓની સાથે સામાન્ય પ્રજા પર પણ પ્રભુત્વ ધરાવતા હોય.
કદાચ આ જ કારણે હૉંગકૉંગના સામાજિક જીવનમાં આટલી મોટી ફાટ પડેલી જોવા મળે છે.
આ તંત્રના સમર્થકો આ રાજકીય તંત્રને સ્થિરતા અને તાકાતનો સ્રોત માને છે. જેમ કે, ચીનની સામ્યવાદી પાર્ટી. તંત્રના આવા ટેકેદારો તંત્રનો વિરોધ કરતા અને પ્રદર્શનો કરતાં લોકો માટે ખતરો બની શકે છે.

હૉંગકૉંગમાં પ્રદર્શનોની શરૂઆત કેવી રીતે થઈ?
- પ્રત્યર્પણ બિલના વિરોધમાં પ્રથમ પ્રદર્શન જૂનમાં શરૂ થયું.
- જુલાઈ મહિનામાં દેખાવકારો દ્વારા ધારાસભા પરિષદ પર હલ્લાબોલ કરવામાં આવ્યું. જે દરમિયાન ભીંતો પર ચિત્રો દોરવામાં આવ્યાં. તેમજ પરિષદનાં ચિહ્નો પર પણ સ્પ્રે છાંટવામાં આવ્યો.
- ઑગસ્ટમાં એક દેખાવકારને આંખની જગ્યાએ ઈજા થઈ. આ વાતનો વિરોધ દર્શાવવા માટે દેખાવકારોએ આંખ પર પાટા બાંધીને પ્રદર્શનમાં ભાગ લીધો.
- ત્યાર બાદ હ઼ૉંગકૉંગથી ઉડાણ ભરતી સેંકડો ફ્લાઇટ રદ્દ કરાઈ હતી.
- સપ્ટેમ્બરમાં કૅરી લેમે વિવાદિત પ્રત્યાર્પણ બિલ પાછું ખેંચી લેવાની જાહેરાત કરી, પરંતુ દેખાવકારોએ કહ્યું કે, 'હવે ઘણું મોડું થઈ ગયું છે.'
- 1 ઑક્ટોબરના રોજ ચીને દેશમાં સામ્યવાદી સરકારની સત્તાની 70મી વર્ષગાંઠ ઊજવી. તેના બીજા જ દિવસે હૉંગકૉંગમાં હિંસા ફાટી નીકળી.
- વિરોધ પ્રદર્શન કરી રહેલા 18 વર્ષીય યુવાનને છાતીમાં ગોળી વાગી. ત્યાર બાદ દેખાવકારોએ સુરક્ષાદળના જવાનો પર પેટ્રોલ બૉમ્બ અને લાકડી વડે હુમલો કર્યો તો.
- 4 ઑક્ટોબરના રોજ સરકારે માસ્ક ધારણ કરવા પર પ્રતિબંધ લાદી દીધો.
- ગયા રવિવારે શાંતિપૂર્ણ રેલી યોજાઈ. જે બાદમાં રેલવે સ્ટેશનો ખાતે ઘર્ષણમાં પરિણમી તેમજ સરકાર તરફી દુકાનોમાં તોડફોડ પણ કરવામાં આવી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















