11 લાખ ફૉલૉઅર ધરાવનાર 'સ્ટાર'ની અસલ જિંદગી મકાનમાલકણે જાહેર કરી દીધી

ચીન
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ચીનમાં સોશિયલ મીડિયાનાં એક સ્ટારની 'ડબલ-લાઇફ'નો પર્દાફાશ થયો છે.

તેમના જીવનની હકીકત ત્યારે સામે આવી જ્યારે મકાનમાલકણે તેમના અસલ જીવનનો વીડિયો ઓનલાઈન મૂકી દીધો.

આ વીડિયોમાં સોશિયલ મીડિયાનાં સ્ટારની અસ્તવ્યસ્ત જીવનશૈલી જોવા મળે છે. લીઝા લી નામનાં આ સ્ટાર પોતાની આકર્ષક જીવનશૈલી માટે સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ છે.

તેમના જીવનની હકીકત દર્શાવતાં આ વીડિયોમાં લીઝા લીના ઍપાર્ટમૅન્ટમાં ચારે તરફ કચરો, વાસી ભોજન અને કૂતરાનું મળમૂત્ર પથરાયેલું જોવાં મળ્યું.

લીઝા એક બ્લૉગર છે અને સોશિયલ મીડિયા પર તેમના 11 લાખ ફોલૉઅર છે. આ વીડિયો બહાર આવ્યા બાદ લીઝાએ માફી માગી છે.

line

લીઝા લી આટલાં પ્રખ્યાત કેમ?

ચીન

ઇમેજ સ્રોત, The paper

લીઝા લી ચીનના સીના વાઈબો માઇક્રોબ્લૉગ પર 'વૅંગ હૉંગ' અથવા 'ઓનલાઈન સ્ટાર' તરીકે પ્રખ્યાત છે.

ચીનના અન્ય સ્ટારની માફક જ લીઝાના એકાઉન્ટમાં પણ ટ્રાવેલ-ઍડ્વૅન્ચર, પાર્ટી અને ફાઈન ડાઈનિંગના અનુભવો પોસ્ટ કરવામાં આવ્યા છે.

પરંતુ જ્યારથી તેમનાં મકાનમાલકણે સ્થાનિક મીડિયાને ઝીઆન શહેરમાં આવેલા તેમના ઍપાર્ટમૅન્ટની દુર્દશા બતાવી ત્યારથી તેઓ કંઈક અલગ જ કારણથી પ્રખ્યાત બની ગયાં છે.

line

તેમનાં મકાનમાલકણે શું કર્યું?

ચીન

ઇમેજ સ્રોત, PEAR VIDEO

મકાનમાલકણે કરેલા સંખ્યાબંધ ફોન-કૉલ ન ઉપાડવાનું લીઝા લીને ભારે પડ્યું.

આ અપમાનથી ગુસ્સે ભરાયેલાં મકાનમાલકણ ચેને સ્થાનિક મીડિયાને લીઝાના ઍપાર્ટમૅન્ટની દુર્દશાથી માહિતગાર કરવાનો નિર્ણય લીધો.

ચેને 'પીયર વીડિયો'ને જણાવ્યું કે વ્યાવસાયિક સફાઈ કામદારોએ પણ એ ઍપાર્ટમૅન્ટની સફાઈ કરવાનો ઇનકાર કરી દીધો હતો. લીઝાએ હજારો યુઆનનું બિલ ન ચૂકવ્યું હોવાનું પણ તેમણે ઉમેર્યું.

બાકી નીકળતાં નાણાંની વસૂલાત અને તેમની સંપત્તિને થયેલા નુકસાનના કારણે પોલીસનો સંપર્ક કર્યા સિવાય બીજો કોઈ રસ્તો ન હોવાની વાત પણ ચેને કરી.

મકાનમાલકણે જ્યારથી વાઇબો પેજ પર આ અંગેની માહિતી શૅર કરી ત્યારથી લીઝાને વધુ પડતું મીડિયા-ઍટેન્શન મળવા લાગ્યું છે.

મકાનમાલકણે લખ્યું હતું, 'આ એક સોશિયલ મીડિયા સ્ટાર છે જેમના 10 લાખ ફોલૉઅર્સ છે.'

તેમણે 'પીયર વીડિયો'ને ઇન્ટરવ્યૂ આપતાં જણાવ્યું કે "સોશિયલ મીડિયા પર સુંદર છોકરીની છબિ ધરાવતી લીઝાનું જીવન જેવું તે દર્શાવે છે એવું નથી. તે એક સૂગ ચડે એવી સ્ત્રી છે, જેણે મારા ઍપાર્ટમૅન્ટની દુર્દશા કરી નાખી છે."

line

લીઝા લીની પ્રતિક્રિયા

ચીન

ઇમેજ સ્રોત, PEAR VIDEO

જ્યારે લિઝાના ઍપાર્ટમૅન્ટનો વીડિયો જાહેર થયો અને લાખો લોકોએ એને જોયો, ત્યારે સોશિયલ મીડિયા પર નિવેદન આપવાને બદલે તેમણે તેમનાં મકાનમાલકણ પાસે જઈને માફી માગી.

તેમણે ચેનને કહ્યું કે, 'આ આખા બનાવની જવાબદારી મારાં પર જ છે.' બાદમાં તેઓ હસ્તધૂનન કરતાં પણ દેખાયાં.

લીઝાએ પોતાની ગેરહાજરી વિશે ન્યૂઝ વેબસાઈટ 'ધ પેપર'ને જણાવ્યું, 'હું ખૂબ જ વ્યસ્ત હતી. ગયા અઠવાડિયે હું હૉસ્પિટલમાં હતી અને ત્યાર બાદ બિઝનેસ-ટ્રિપ પર ગઈ હતી.'

બહાર જવાને લીધે તેઓ કેટલાય ફોનકૉલ નહોતા ઉપાડી શક્યા એવું તેમણે જણાવ્યું. તેમના આ ફૉનકૉલમાં તેમનાં મકાનમાલકણનો ફોનકૉલ પણ સામેલ હતા.

તેમણે જણાવ્યું કે, 'હવેથી હું સ્વચ્છતા જાળવીશ, બલકે હું તો રાતોરાત બધું જ સાફ કરી નાખીશ.'

line

લીઝા લીના પ્રશંસકોની પ્રતિક્રિયા

ચીન

ઇમેજ સ્રોત, PEAR VIDEO

કૂતરાનાં મળમૂત્ર સાફ કરતાં લીઝાનો વીડિયો સામે આવ્યા આવ્યા બાદ પ્રશંસકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તો કેટલાક લોકોએ તેમની મજાક પણ ઉડાડી હતી.

તેમના પેજ પર 60 હજાર કરતાં વધારે લોકોએ કૉમેન્ટ કરી હતી. જે પૈકી ઘણા પ્રશંસકોએ તેમને અનફૉલૉ કરવાની વાત કરી તો ઘણાએ તેમને 'ફેક' કહ્યાં.

લીઝાએ મૅઇન-સ્ટ્રીમ મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂ પર પણ ઘણા પ્રશંસકોએ સવાલ ઉઠાવ્યા.

નોંધનીય છે કે તેમણે પોતાનું સોશિયલ મીડિયા હૅન્ડલ બદલી નાખ્યું છે અને પહેલાંની ઘણી પોસ્ટ પણ ડિલીટ કરી દીધી છે.

line

શું આવો બનાવ પહેલી વાર બન્યો છે?

ચીન

ઇમેજ સ્રોત, THE PAPER

ચીનમાં પ્રખ્યાત વ્યક્તિ પણ 'સામાજિક જવાબદારી' સ્વીકારે તે માટે વ્યાપક પ્રયત્નો થઈ રહ્યા છે.

જુલાઈ મહિનામાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો હતો.

જેમાં પોતાની જાતને યુવતી તરીકે રજૂ કરતાં એક મહિલાની અસલ ઉંમર એક તકનીકી ખામીને કારણે છતી થઈ ગઈ હતી. એ વખતે તેમની ઘણી મજાક ઉડાડવામાં આવી હતી.

'ખરાબ વર્તન' કરનારા સોશિયલ મીડિયાના કેટલાક સ્ટારને ચીનમાં જેલની હવા પણ ખાવી પડી છે.

ઑક્ટોબર, 2018માં કરોડો પ્રશંસકો ધરાવતા યાંગ કાઈલી નામનાં એક સોશિયલ મીડિયા સ્ટારને જીવંત પ્રસારણ દરમિયાન રાષ્ટ્રગીતના અપમાન બદલ 5 દિવસની જેલની સજા કરાઈ હતી.

તેઓ 'હુયા' નામક જીવંત પ્રસારણના પ્લેટફૉર્મનો ઉપયોગ કરતાં હતાં.

આ પ્લેટફૉર્મે પણ તેમનો વીડિયો દૂર કરી, તેમની ચેનલ બંધ કરવાનો નિર્ણય લીધો હતો અને કહ્યું હતું,

'જીવંત પ્રસારણનાં પ્લેટફૉર્મ કાયદાથી પર નથી, કાયદો અને નૈતિક માપદંડો અહીં પણ સમાનપણે લાગુ પડે છે.'

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો