Top News : ભારત સામે યુદ્ધની શરૂઆત પાકિસ્તાન નહીં કરે - ઇમરાન ખાન

ઇમેજ સ્રોત, Reuters
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સોમવારે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના ખાસ દરજ્જાની નાબૂદી મુદ્દે પાકિસ્તાન ભારત સામે ન્યુક્લિયર શસ્ત્રોનો ઉપયોગ કે સૈન્ય કાર્યવાહીની પહેલ કરશે નહીં.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ લાહોરમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય શીખ સંમેલનમાં સંબોધન કરતા ઇમરાન ખાને કહ્યું, "બંને પરમાણુ શસ્ત્રોથી સજ્જ દેશ છે. તેનો ખતરો વધ્યો તો દુનિયા જોખમમાં મુકાશે. આપણે ક્યારેય પહેલ કરીશું નહીં."
"હું નથી માનતો કે યુદ્ધથી કોઈ સમસ્યાનું સમાધાન આવે. જે આવું માનતો હોય તે વ્યવહારુ નથી. તેણે વિશ્વનો ઇતિહાસ વાંચ્યો નથી. યુદ્ધથી એક સમસ્યાનું સમાધાન થશે તો બીજી ચાર સમસ્યા ઊભી થશે."

અફઘાનિસ્તાનથી US 5400 સૈનિકોને પાછા બોલાવશે

ઇમેજ સ્રોત, Reuters
વૉશિંગ્ટનના ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સની તાલિબાની ઉગ્રવાદીઓ સાથેની વાટાઘાટોના ભાગરૂપે યૂએસ 20 અઠવાડિયામાં 5400 સૈનિકોને અફઘાનિસ્તાનથી પાછા બોલાવશે.
તાલિબાને પણ આ અંગે પુષ્ટિ કરી છે. અફઘાની નેતાઓ સાથે સમજૂતી બાદ પ્રથમ વખત એક ટીવી ઇન્ટરવ્યૂમાં ઝાલ્મી ખલીલઝાદે આ માહિતી આપી.
પરંતુ અંતિમ નિર્ણય યૂએસના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર છોડવામાં આવ્યો છે. આ વચ્ચે કાબુલમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે અને 50થી વધારે લોકો ઘાયલ થયા છે.
યૂએસ સૈનિકોને પાછા બોલાવાશે અને તેના બદલામાં તાલિબાન યૂએસ કે તેમના સહયોગીઓને નિશાન બનાવવા માટે અફઘાનિસ્તાનનો ઉગ્રવાદના કેન્દ્ર તરીકે ઉપયોગ નહીં કરે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અફઘાનિસ્તાનમાં હાલ યૂએસના 14000 સૈનિકો છે. જ્યારે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું છે કે તેઓ પહેલાં સમજૂતીનો અભ્યાસ કરશે પછી જ આ મુદ્દે કોઈ નિવેદન આપશે.

મુલાકાત વખતે કુલભૂષણ દબાણમાં હતા - વિદેશ મંત્રાલય

ઇમેજ સ્રોત, Pakistan foreign ministry
પાકિસ્તાનની જેલમાં કેદ પૂર્વ ભારતીય નૌકાદળના અધિકારી કુલભૂષણ જાધવ સાથે સોમવારે ભારતીય અધિકારીઓની મુલાકાત યોજાઈ હતી. પાકિસ્તાની અધિકારીઓએ એક દિવસ પહેલાં જ કુલભૂષણને કૉન્સ્યૂલર એક્સેસ આપવાની વાત કરી હતી.
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ ભારતીય અધિકારી ગૌરવ આહલુવાલિયાએ કુલભૂષણ જાધવ સાથે મુલાકાત કરી.
ત્યાર બાદ ભારતીય વિદેશ મંત્રાલય તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું. જેમાં તેમણે કહ્યું છે કે મુલાકાત દરમિયાન કુલભૂષણ બહુ દબાણમાં હતા, વિસ્તૃત અહેવાલ મળ્યા બાદ આગામી પગલાં લેવામાં આવશે.
આહલુવાલિયાની આ મુલાકાત લગભગ બે કલાક ચાલી. આંતરરાષ્ટ્રીય અદાલતના નિર્ણયને કારણે કુલભૂષણ જાધવને પ્રથમ વખત કૉન્સ્યૂલર એક્સેસ આપવામાં આવી.
49 વર્ષના કુલભૂષણને વર્ષ 2017માં પાકિસ્તાની ક્રિમિનલ કોર્ટ દ્વારા જાસૂસી અને આતંકવાદના આરોપસર મૃત્યુદંડની સજા નિયત કરાઈ હતી.

ઘરેલું હિંસાના કેસમાં શમી વિરુદ્ધ વૉરંટ

ઇમેજ સ્રોત, facebook
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બૉલર મોહમ્મદ શમી અને તેમના ભાઈ વિરુદ્ધ શમીનાં પત્ની હસીન જહાંએ ઘરેલું હિંસા અને મારપીટની ફરિયાદ દાખલ કરી હતી.
જે સંદર્ભે કોલકાતાની અલીપુર કોર્ટે શમી અને તેમના ભાઈ વિરુદ્ધ ધરપકડનું વૉરંટ કાઢ્યું છે.
શમી હાલ ભારતીય ટીમ સાથે વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે હોવાથી કોર્ટે તેમને આત્મસમર્પણ કરવા અને જામીનની કાર્યવાહી કરવા માટે 15 દિવસનો સમય આપ્યો છે.
જ્યારે તેમના ભાઈ વિરુદ્ધ તાત્કાલિક ધરપકડનું વૉરંટ કાઢ્યું છે.
આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કહ્યું કે તેઓ ચાર્જશીટ જોયા બાદ જ આ અંગે કોઈ નિર્ણય લેશે.
હસીનના વકીલ અનિર્વાણ ગુહા ઠાકુરતાએ જણાવ્યું, "આ મુદ્દે અત્યાર સુધીમાં શમી એક પણ વખત કોર્ટમાં હાજર રહ્યા નથી. તેથી શમી અને તેમના ભાઈ વિરુદ્ધ વૉરંટ નીકળ્યું છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















