કુલભૂષણ જાધવ કેસ : પાકિસ્તાને 16 વાર નકારેલી માગણી આખરે માની, ભારતને કૉન્સુલર ઍક્સેસ આપશે

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેઓ શુક્રવારે પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને કૉન્સુલર ઍક્સેસ આપશે.
પાકિસ્તાને આ પગલું નેધરલૅન્ડના હૅગ સ્થિત આંતરરાષ્ટ્રીય અદાલતના આદેશ પછી લીધું છે.
ગત મહિને કુલભૂષણની ફાંસીની સજા પર ફેરવિચારણા કરવાનો, ભારતને કૉન્સુલર ઍક્સેસ આપવાનો ICJએ આદેશ કર્યો હતો.
આ મામલે ભારતના વિદેશ મંત્રાયલના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે પાકિસ્તાને શુક્રવારે જાધવને રાજનૈતિક મદદની રજૂઆત કરી છે. ભારત આ મામલે પાકિસ્તાન સાથે વાતચીત કરી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય અદાલતના નિર્ણયને લક્ષમાં લઈને આગળ કામ કરવામાં આવશે.

શું કહ્યું હતું હૅગની અદાલતે?

ઇમેજ સ્રોત, ANI
હૅગની ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસે વિયેના સંધિનો ભંગ થયો હોવાની ભારતની દલીલ માન્ય રાખી અને કુલભૂષણ જાધવને કૉન્સુલર આપવાનો પણ આદેશ કર્યો હતો.
અદાલતે કહ્યું હતું, ''કુલભૂષણ જાધવને ફાંસી જાહેર કરાઈ એ કેસમાં પાકિસ્તાને વિયેના સંધિનો ભંગ કર્યો છે. પાકિસ્તાને ભારતને કૉમ્યુનિકેશન કરવાની તક ન આપી અને કુલભૂષણનો કબજો ન આપ્યો.''
અટકાયત દરમિયાન તેમની મુલાકાત ન કરવા દેવાઈ અને તેમને યોગ્ય ન્યાયિક પ્રતિનિધિત્વ ન આપવામાં આવ્યું. અદાલતે આ બાબતોને વિયેના કરારનો ભંગ ગણાવ્યો છે.''
આંતરરાષ્ટ્રીય અદાલતે ભારતની પિટિશન માન્ય નહીં રાખવાની પાકિસ્તાનની દલીલ ફગાવી દીધી હતી. 16 પૈકી 15 જજને ભારતની તરફેણમાં ચુદાકો આપ્યો અને કહ્યું હતું કે ભારતની પિટિશન દાખલ થવાને પાત્ર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આંતરરાષ્ટ્રીય અદાલતના 16 પૈકી 15 જજોએ માન્ય રાખી કહ્યું, ''કુલભૂષણ યાદવને આર્ટિકલ 36, ફકરો 1, (બી) મુજબ એમના અધિકારો અંગે માહિતગાર ન કરીને પાકિસ્તાને કાયદાનો ભંગ કર્યો.''
અદાલતે એમ પણ કહ્યું કે આટલા દિવસો સુધી કુલભૂષણ જાધવને કાનૂની સહાયતા ઉપલબ્ધ ન કરાવીને પાકિસ્તાને વિયેના કરારનો ભંગ કર્યો.
અદાલતે કુલભૂષણ જાધવને આપવામાં આવેલી ફાંસીની સજાની સમીક્ષા કરવાનો અને ફેરવિચારણા કરવાનો આદેશ કર્યો.
મોટા ભાગની ભારતની માગણીઓ પર 16 જજ પૈકી 15 જજ સહમત થયા અને પાકિસ્તાનના એકમાત્ર જજ ઍડહૉક ગિલાનીએ અસહમતી દર્શાવી.
અદાલતે ભારતની મોટા ભાગની દલીલો માન્ય રાખી, પરંતુ કુલભૂષણ જાધવની સજાને રદ કરવાનો આદેશ નહોતો કર્યો.
ભારત તરફથી આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભૂષણ જાધવનો કેસ લડનાર વકીલ હરીશ સાલ્વે કહ્યું હતું, ''જો પાકિસ્તાનના બંધારણને ધ્યાનમાં રાખીને નિષ્પક્ષ સુનાવણી કરવામાં આવે તો કંઈક થાય.''
''જો તે ફરીથી મિલિટરી કોર્ટમાં જશે તો સરખા કાયદા સાથે જશે જ્યાં વકીલોને પ્રવેશ નથી. આપણને પ્રવેશવા દેવામાં આવશે નહીં. પુરાવા નહીં અપાય.''

પાકિસ્તાને 16 વખત નકારી હતી કૉન્સુલર ઍક્સેસની માગણી

ઇમેજ સ્રોત, Getty Images
ભારતે એ તો માન્યું કે કુલભૂષણ તેમના નાગરિક છે, પરંતુ જાસૂસ હોવાની વાતનો ઇનકાર કર્યો હતો.
ભારત સરકારનું કહેવું છે કે કુલભૂષણ ઈરાનથી તેમનો બિઝનેસ ચલાવી રહ્યા હતા. ભારતે જાધવનું અપહરણ થયાની પણ આશંકા વ્યક્ત કરી હતી.
પાકિસ્તાને 26 એપ્રિલ, 2017ના રોજ જાધવને કૉન્સ્યુલર ઍક્સેસ આપવાની ભારતની વિનંતી 16મી વખત નકારી દીધી હતી.
જેને ભારતે વિયેના સંધિનું ઉલ્લંઘન ગણાવ્યું અને તેમણે આ મામલે સંયુક્ત રાષ્ટ્રમાં પોતાની અરજી દાખલ કરી હતી.
જાધવના કેસમાં ભારતે સૌપ્રથમ 8 મે, 2017ના રોજ આંતરરાષ્ટ્રીય અદાલતના દરવાજા ખખડાવ્યા હતા.
પાકિસ્તાન ભારતના નાગરિકને આપેલી મોતની સજાનો અમલ કરે તે પહેલાં તાત્કાલિક ધોરણે દખલ દઈને સજાને મોકૂફ રાખવા ભારતે આંતરરાષ્ટ્રીય અદાલતને વિનંતી કરી હતી.
9 મે, 2017ના રોજ આંતરરાષ્ટ્રીય અદાલતે બંને દેશોને પોતાની દલીલો રજૂ કરવા માટે કહ્યું અને પાકિસ્તાનને ત્યાં સુધી સજા મોકૂફ રાખવા માટે કહેવામાં આવ્યું.
15 મેના રોજ બંને દેશોએ પોતપોતાની દલીલો રજૂ કરી. 18 મેના રોજ આંતરરાષ્ટ્રીય અદાલતની 10 સભ્યોની બેન્ચે પાકિસ્તાનને અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી સજાનો અમલ ન કરવાનું કહ્યું.
કોર્ટે અનુક્રમે 17 એપ્રિલ, 2018 અને 17 જુલાઈ, 2018 સુધીની સમયમર્યાદામાં ભારત અને પાકિસ્તાનને લેખિતમાં જવાબ રજૂ કરવાનું કહ્યું હતું. જે બંને દેશોએ રજૂ કરી દીધા હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















