You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વર્લ્ડ કપ 2019 : પાકિસ્તાનની સેમિફાઇનલમાં પહોંચવાની શક્યતા કેટલી?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
જોની બેરિસ્ટ્રો અને જેસન રોયની ધમાકેદાર બેટિંગની મદદથી યજમાન ઇંગ્લૅન્ડે બુધવારે ન્યૂઝીલૅન્ડને 119 રનથી હરાવીને વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
ન્યૂઝીલૅન્ડને સેમિફાઇનલ માટે હજી પણ રાહ જોવી પડશે, પાકિસ્તાન માટે પણ સેમિફાઇનલમાં પ્રવેશવાનાં દ્વાર હજી ખુલ્લાં છે, પરંતુ તેના માટે કપરાં ચઢાણ છે.
આ મેચમાં પરાસ્ત થયા બાદ પણ ન્યૂઝીલૅન્ડ મજબૂત સ્થિતિમાં છે, કેમ કે તેની નેટ રનરેટ સારી છે.
બુધવારે રમાયેલી મૅચમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ઇંગ્લૅન્ડે 50 ઓવરમાં આઠ વિકેટે 305નો સ્કોર ખડક્યો હતો, જેની સામે ન્યૂઝીલૅન્ડનો ધબડકો થયો હતો અને તે 45 ઓવરમાં માત્ર 186 રન કરી શક્યું હતું.
બેરિસ્ટ્રો અને જેસન રોયે આક્રમક શરૂઆત કરી હોવા છતાં ઇંગ્લૅન્ડ ધાર્યા પ્રમાણે સ્કોર કરી શક્યું નહીં, પરંતુ 305નો સ્કોર તેમના માટે પર્યાપ્ત બની રહ્યો, કેમ કે ન્યૂઝીલૅન્ડે ત્યાં સુધી પહોંચી શક્યું નહીં.
માર્ટિન ગુપ્ટિલ આઠ અને હેનરી નિકોલસ શૂન્ય પર આઉટ થઈ ગયા બાદ કૅપ્ટન કેન વિલિયમ્સન અને રોઝ ટેલરે બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.
શનિવારની મૅચની માફક આ બંને બૅટ્સમૅન સેટ થયા ત્યારે ન્યૂઝીલૅન્ડ પાસેથી લડતની અપેક્ષા હતી, પરંતુ વિલિયમ્સન ફરીથી 40 રને જ આઉટ થઈ ગયા હતા.
શનિવારે 30 રન કરનાર ટેલર પણ બુધવારે 28 રન કરીને આઉટ થઈ ગયા હતા. જ્યારે ટોમ લાથમે 57 રન ફટકાર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇંગ્લૅન્ડ તરફથી કોઈ એક બૉલર સફળ રહ્યા ન હતા, પરંતુ લગભગ તમામ નિયમિત બૉલરે વિકેટ લીધી હતી.
બૅટ્સમૅનનો સહારો
વર્તમાન ટુર્નામેન્ટમાં ઇંગ્લૅન્ડની મુખ્ય તાકાત તેના બૅટ્સમૅન રહ્યા છે, જેમાં આ મૅચ પણ અપવાદ નહોતી.
ઓપનર્સ જેસન રોય અને જોની બેરિસ્ટ્રોએ ઝંઝાવાતી પ્રારંભ કર્યો હતો.
બંનેએ પ્રતિ ઓવર છથી સાત રનની સરેરાશથી રન ફટકાર્યા હતા.
એટલે જ 19મી ઓવરમાં જેસન રોય આઉટ થયા ત્યાં સુધીમાં ઇંગ્લૅન્ડનો સ્કોર 123 પર પહોંચી ગયો હતો.
બેરિસ્ટ્રોએ 99 બૉલમાં 106 રન ફટકાર્યા હતા. આ સદી તેમની કારકિર્દીની નવમી અને આ વર્લ્ડ કપની બીજી સદી હતી.
તેમણે 15 બાઉન્ડરી ઉપરાંત એક સિક્સર પણ ફટકારી હતી.
જેસન રોયે પણ લગભગ રન પ્રતિ બૉલની સરેરાશથી 61 બૉલમાં 60 રન ફટકાર્યા હતા.
જોકે આ જોડી તૂટ્યા બાદ એકમાત્ર ઇયોન મોર્ગન જ નોંધપાત્ર બેટિંગ કરી શક્યા હતા. તેમણે 40 બૉલમાં 42 રન કર્યા હતા.
ન્યૂઝીલૅન્ડે 30મી ઓવર બાદ કમબૅક કરીને વિકેટો ખેરવી હતી, જેમાં ટ્રેન્ટ બોલ્ટે બે વિકેટ લઈને વર્લ્ડ કપમાં પોતાની વિકેટનો આંક 15 પર પહોંચાડ્યો હતો.
મેટ હૅનરી અને જેમ્સ નીશમે પણ બે-બે વિકેટ લીધી હતી.
પાકિસ્તાને 316 રનના માર્જીનથી જીતવું પડે
ઇંગ્લૅન્ડ સામે ન્યૂઝીલૅન્ડનો પરાજય થતાં હવે પાકિસ્તાન પાસે સેમિફાઇનલમાં જવાનો અવસર છે, પણ તેના રસ્તો એટલો સહેલો નથી.
આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી ન્યૂઝીલૅન્ડની નેટ રનરેટ 0.175 રહી છે.
તેનો અર્થ એ થયો કે પાકિસ્તાને હવે બાંગ્લાદેશ સામે પ્રથમ બેટિંગ કરીને લઘુતમ 316ના માર્જિનથી મૅચ જીતવી પડે.
જો તેઓ બીજી બેટિંગ કરશે તો તેમના માટે કોઈ શક્યતા નથી, કેમ કે એ સંજોગોમાં બાંગ્લાદેશ જેટલા રન કરે તે પાકિસ્તાને એકાદ-બે ઓવરમાં જ વટાવી દેવા પડે.
પાકિસ્તાન 400 રન કરે તો તેણે હરીફને 84 રનમાં અને 350 રન કરે તો 38 રનમાં ઑલઆઉટ કરવું પડે.
ભારત સેમિફાઇનલમાં કોની સામે?
ભારત તેની અંતિમ મૅચમાં શ્રીલંકાને હરાવે અને ઑસ્ટ્રેલિયા તેની છેલ્લી મૅચ સાઉથ આફ્રિકા સામે હારી જાય તો ભારત મોખરે રહે અને એ સંજોગોમાં તેનો મુકાબલો ન્યૂઝીલૅન્ડ સામે થઈ શકે છે.
જો આમ ન થાય અને ભારત બીજા ક્રમે રહે તો તે સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે ટકરાશે.
પૉઇન્ટ ટેબલ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો