પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIના ચીફ બનેલા ફૈઝ હમીદ વિશે આ જાણો છો?

ઇમેજ સ્રોત, ISPR
લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદની નિમણૂક પાકિસ્તાનના શક્તિશાળી લશ્કરી જાસૂસી તંત્રના વડા તરીકે કરવામાં આવી છે. તેઓ ડિરેક્ટોરેટ ઑફ ઇન્ટર-સર્વિસિઝ ઇન્ટેલિજન્સના વડા બન્યા છે, જે આઈએસઆઈ તરીકે વધારે જાણીતી છે.
ફક્ત આઠ મહિના પહેલાં નીમાયેલા અસીમ મુનીરના સ્થાને 18 જૂને હમીદની નિમણૂક કરવામાં આવી છે. આઈએસઆઈના વડા તરીકે મુનીરની આઠ મહિનાની મુદત સૌથી ટૂંકી મુદત સાબિત થઈ છે.
હમીદ વગદાર ઉપરાંત 'બહુ હાર્ડલાઇન' અધિકારી મનાય છે. સેનાના વડા જનરલ કમર જાવેદ બાજવા સાથે 'સલાહવિમર્શ' કર્યા બાદ વડા પ્રધાન ઇમરાન ખાને તેમની આ નિમણૂક કરી છે.
પાકિસ્તાનના સ્થાનિક રાજકારણમાં, તેની વિદેશનીતિમાં અને વ્યૂહાત્મક બાબતોમાં આઈએસએસની ભૂમિકા મહત્ત્વની ગણાય છે અને તેના કારણે આ નિમણૂક સાથે ફૈઝ હમીદ દેશના સૌથી વગદાર લોકોમાંના એક બની ગયા છે.

મહત્ત્વની હકીકતો

ઇમેજ સ્રોત, Getty Images
હમીદ વિશે બહુ માહિતી મળતી નથી. તેઓ જે પ્રકારની કામગીરી બજાવે છે તેના કારણે ભાગ્યે જ તેમના વિશેની વિગતો બહાર આવતી હોય છે.
આઈએસઆઈના વડા બન્યા પહેલાં ભૂતકાળમાં તેઓ આઈએસઆઈની કાઉન્ટર ઇન્ટેલિજન્સ પાંખના વડા તરીકે કામગીરી બજાવી ચૂક્યા છે.
સેનાના વડા બાજવા અને હમીદ બંને પાકિસ્તાની સેનાની બલોચ રેજિમૅન્ટના છે. અગાઉ તેઓ સિંધ પ્રાંતમાં પાનો અકિલ ડિવિઝનમાં પણ કમાન્ડર તરીકે હતા.
હમીદનું નામ 2017માં પ્રથમ વાર જાહેરમાં આવ્યું હતું, કેમ કે તેમણે સરકાર અને લડાયક મિજાજ ધરાવતા જૂથ તહેરિક-એ-લબરિક પાકિસ્તાન (ટીએલપી) વચ્ચે સમાધાન કરાવ્યું હતું. તે વખતે સરકાર મુસ્લિમ લીગ (નવાઝ) પક્ષની હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકાર એક નવો ચૂંટણીલક્ષી કાયદો લાવવા માગતી હતી, તેને ઇસ્લામી મૂલ્યોની વિરુદ્ધ ગણીને ટીએલપીએ વિરોધ કર્યો હતો.
જુલાઈ 2018માં પણ ફરી તેમનું નામ વિવાદમાં ચમક્યું હતું, કેમ કે ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે તેમના પર રાજકીય પક્ષપલટા કરાવવાનો આક્ષેપ મૂક્યો હતો.
શરીફે એવો પણ આક્ષેપ કર્યો હતો કે હમીદ 'ખાનગી રીતે' ઇમરાન ખાનના પક્ષ પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ને મદદ કરી રહ્યા છે.
આ વર્ષની શરૂઆતમાં તેમને પ્રમોશન આપીને થ્રી સ્ટાર સાથેના જનરલ બનાવાયા હતા. પાકિસ્તાની સેનાના હોદ્દાના ક્રમમાં આ બીજા નંબરનો સૌથી અગત્યનો હોદ્દો ગણાય છે.
પાકિસ્તાની સૈન્ય અધિકારીઓને અપાતા બીજા નંબરના સૌથી સર્વોચ્ચ સન્માન હિલાલ-એ-ઇમ્તિયાઝથી પણ તેમને નવાજવામાં આવ્યા હતા.

અન્યો શું કહે છે

ઇમેજ સ્રોત, Getty Images
બલોચિસ્તાન સરકારના ભૂતપૂર્વ સલાહકાર અને વિશ્લેષક જાન અચાકઝાઇ ફૈઝ હમીદને 'નિર્ણાયક, મક્કમ અને અનોખી રીતે વિચારનારા વ્યૂહકાર' ગણાવે છે.
એ ગુણો બરાબર છે, પણ ઘણા નિષ્ણાતોએ ભય વ્યક્ત કર્યો છે કે તેઓ "બધા જ રાજકીય અને બૌદ્ધિક વિરોધીઓને દબાવી દેવા માટે"ની કાર્યવાહીમાં "વધારે પડતો બળપ્રયોગ" કરશે, "અખબારો પર નિયંત્રણો" લાદશે અને માનવ અધિકાર જૂથો પર તવાઈ લાવશે.
ખૈબર પખ્તુનખ્વા અને બલોચિસ્તાનમાં ચાલતી પાયાના સ્તરની પશ્તુન તહફ્ફુઝ ચળવળ સહિતની ઘણી ચળવળો ચલાવતા જૂથોને ડામી દેવા કોશિશ કરશે તેમ મનાય છે.
પાકિસ્તાની સેનાના જાણકાર આયેશા સિદ્દિક પણ હમીદને "હાર્ડલાઇનર" ગણાવે છે અને કહે છે કે તેઓ "સ્થાનિક ધોરણે જ્યાં છિદ્રો દેખાશે ત્યાં આક્રમક રીતે તેને પૂરી દેવાની" કોશિશ કરશે.
પત્રકાર તાહા સિદ્દિકીનું માનવું છે કે તેમણે ઇમરાન ખાનને મદદ કરી હતી તેના બદલા રૂપે આઈએસઆઈના વડાનું પદ મળ્યું હશે. જનરલ બાજવાની સેનાના વડા તરીકેની મુદત ચાર જ મહિનામાં પૂરી થવાની છે. નિવૃત્તિના બદલે જનરલ તરીકે તેમને એક્સટેન્શન મળે તે માટે "પોતાની વગ વધારવાનો" પણ આ પ્રયાસ છે એમ સિદ્દિકીને લાગે છે.
"ટોચના હોદ્દા પર પોતાના માનીતા અધિકારીને" લાવીને તેમણે પોતાનો કાર્યકાળ વધારવા માટેનો પ્રયાસ કર્યો છે તેમ માની શકાય.
ઇન્ડિયન નેશનલ સિક્યૉરિટી ઍડવાઇઝરી બોર્ડના સભ્ય તિલક દેવાશેરને હમીદની નિમણૂક "વિચારતા કરી મૂકે" તેવી લાગે છે.
તેમને લાગે છે કે માનવ અધિકાર ભંગના વિરોધમાં સ્થાનિક પશ્તુલ કબીલાઓ વિરોધ-પ્રદર્શનો કરી રહ્યા છે તેને કાબૂમાં રાખી શકવાની મુનીરની નિષ્ફળતાને કારણે પણ તેમને ટૂંકી મુદતમાં હઠાવીને હમીદને મુકાયા હોય તેમ બને.

જાણીતાં અખબારોમાં નિમણૂકની નોંધ લેવાઈ

ઇમેજ સ્રોત, Getty Images
જાણીતા અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસે એક લેખમાં નોંધ્યું છે કે હમીદે પાકિસ્તાનમાં "મુલ્લા-મિલિટરી ગઠબંધન" ઊભું કર્યું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે ભારતવિરોધી પ્રવૃત્તિ કરતાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા એ બંનેને ત્રાસવાદી જૂથો જાહેર કરેલાં છે.
આઈએસઆઈના વડા તરીકે હમીદ "આ જૂથો સાથે આઈએસઆઈના સંબંધો કેવી રીતે આગળ વધારે છે તેના પર પણ ભારતની નજર રહેશે" એમ લેખમાં જણાવાયું છે.
આ જૂથોના નેતાઓ મસૂદ અઝહર અને હાફિઝ સઇદ સાથેના સંબંધો હમીદની આગેવાનીમાં કેવી રીતે આકાર લે છે તેના પર ભારતની નજર રહેશે એમ મનાય છે.
પાકિસ્તાનના અખબારમાં પણ આ નિમણૂકની નોંધ લેવાઈ હતી અને "તેમની સામેના તરતના પડકારો" વિશે વાત કરતાં જણાવાયું હતું કે તેમણે ફાઇનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સનો સામનો કરવાનો રહેશે.
આતંકવાદી પ્રવૃત્તિઓ અને મની લૉન્ડરિંગ પર નજર રાખતી આ વૈશ્વિક સંસ્થાએ પાકિસ્તાન પાસેથી ખાતરી માગેલી છે તે ત્રાસવાદી જૂથો અને તેમની નાણાકીય બાબતો સામે કાર્યવાહી કરશે.
પાકિસ્તાનના અખબારોએ એવું પણ નોંધ્યું છે કે હાલમાં અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપના માટે અમેરિકા અને તાલિબાનો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોમાં પણ તેમણે ભૂમિકા ભજવવાની રહેશે.
આ વાટાઘાટોમાં "પાકિસ્તાનનાં હિતોની જાળવણીની" જવાબદારી પણ તેમના માથે રહેશે એમ જણાવાઈ રહ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















