શું ભારતીયોનો રસીકરણ પરથી વિશ્વાસ ઊઠી ગયો છે?

    • લેેખક, માઇકલ રોબર્ટ્સ
    • પદ, બીબીસી ન્યૂઝ
  • પ્રકાશિત

રસીકરણ પર લોકોને ભરોસો ન રહે તેનો અર્થ એ થયો કે જીવલેણ હોવ છતાં જેને રોકી શકીએ છીએ એવા ચેપી રોગોનો સામનો કરવાની બાબતમાં જગત એક ડગલું પાછળ જતું રહેશે, એવી ચેતવણી નિષ્ણાતો આપી રહ્યા છે.

રસીકરણ તરફના લોકોના અભિપ્રાય અંગે સૌથી મોટા વૈશ્વિક અભ્યાસમાં એવું ચિંતાજનક તારણ નીકળ્યું છે કે કેટલાક પ્રદેશોમાં તેના પર બહુ ઓછો ભરોસો છે.

વેલકમ ટ્રસ્ટે કરેલા અભ્યાસમાં 140 દેશોના 1,40,000થી વધુ લોકોને આવરી લેવાયા હતા.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ વૈશ્વિક આરોગ્ય સામેના સૌથી ટોચના 10 પડકારોની યાદીમાં રસીકરણ માટેની આનાકાનીનો હવે સમાવેશ કર્યો છે ત્યારે જ આ અભ્યાસ પ્રગટ થયો છે.

શું તમારા દેશમાં લોકોને રસીકરણ પર ભરોસો છે ખરો?

વેલકમ ગ્લૉબલ મૉનિટરે 142 દેશોમાં સમગ્ર રાષ્ટ્રને આવરી લેતા સર્વે કર્યા હતા.

સર્વેમાં આ પ્રકારના વિષયો આવરી લેવાયા હતાઃ વિજ્ઞાન, વિજ્ઞાનીઓ અને આરોગ્યની માહિતી પર વિશ્વાસ; વિજ્ઞાન અને સ્વાસ્થ્યની બાબતમાં રસ અને સમજણ; તથા રસીકરણ તરફનો અભિગમ.

આ વૈશ્વિક સર્વેમાં અનેક લોકોએ એવું જણાવ્યું કે તેમને રસીકરણના કાર્યક્રમમાં બહુ ઓછો ભરોસો છે.

રસી સુરક્ષિત છે કે કેમ તેવા સવાલના જવાબમાં:

  • 79% (દસમાંથી આઠે) 'થોડા અંશે' અથવા 'ઘણા અંશે સહમત' એમ જણાવ્યું હતું
  • 7% 'અમુક અંશે સહમત' અથવા 'બિલકુલ અસહમત' એમ જણાવ્યું હતું
  • 14% લોકોએ સહમત પણ નહીં, અસહમત પણ નહીં એવું અથવા 'ખબર નથી' એમ જણાવ્યું હતું

રસીકરણ કામ કરે છે ખરી તેવા સવાલના જવાબમાં:

  • 84% થોડા અથવા ઘણા અંશે સહમત થયા હતા
  • 5% થોડા અથવા ઘણા અંશે અસહમત થયા હતા
  • 12% સહમત કે અસહમત કશું નહોતું જણાવ્યું અથવા "ખબર નથી" એમ જણાવ્યું હતું

આ બાબત શા માટે અગત્યની છે?

એવા વ્યાપક વૈજ્ઞાનિક પુરાવા મળે છે કે રસીકરણથી આપણે ઓરી જેવા જીવલેણ અને હાનિકારક ચેપ સામે રક્ષણ મેળવી શકીએ છીએ.

રસીના કારણે વિશ્વભરમાં લાખોના જીવ બચે છે. દાખલા તરીકે શીતળાના ચેપને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવાયો છે અને પોલીયો જેવા બીજા કેટલાક રોગની નાબૂદી તરફ આપણે આગળ વધી રહ્યા છીએ.

જોકે, ઓરી જેવા કેટલાક મુશ્કેલ ચેપ ફરીથી દેખાઈ રહ્યા છે, જેનું એક કારણ લોકો રસી લેવાનું ટાળે છે તે પણ છે એમ જાણકારો કહે છે. રસી વિશેનો ભય કે ગેરમાહિતીને કારણે લોકો રસીકરણથી દૂર ભાગે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા ખાતેના રસીકરણ કાર્યક્રમના નિષ્ણાત ડૉ. એન્ન લિન્ડસ્ટ્રેન્ડ કહે છે કે હાલની સ્થિતિ ઘણી ગંભીર છે. "અમુક પ્રદેશોમાં રસી લેવાનું ટાળવાની વૃત્તિને કારણે આપણે દુનિયાને રસીથી હટાવી શકાય તેવા રોગોથી મુક્ત કરવાની દિશામાં આગળ વધી શકતા નથી.

"આવા રોગો ફરી દેખાવા લાગે તે અસ્વીકાર્ય એવી પીછેહઠ છે."

ઓરીનું પુનરાગમન

જે દેશોમાં ઓરી નાબૂદ થવાની તૈયારી હતી ત્યાં પણ તે ફરીથી મોટા પ્રમાણમાં દેખાવા લાગ્યા છે.

દુનિયાના લગભગ દરેક દેશોમાં ઓરી નીકળવાના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે. 2016ની સરખામણીએ 2017માં ઓરીના 30% વધુ કેસો જોવા મળ્યા હતા.

કોઈ પણ કારણસર રસી ના લેવાની વૃત્તિને કારણે વ્યક્તિ ખુદની સામે ઉપરાંત અન્યની સામે પણ જોખમ ખડું કરે છે.

પૂરતા પ્રમાણમાં લોકોને રસી આપવામાં આવે તો તેના કારણે ચેપ ફેલાવાનું ઓછું થાય છે. જાણકારો જેને ટોળામાંથી ફેલાતા ચેપ તરીકે ગણે છે તેમાં ઘટાડો થઈ શકે છે.

વેલકમ ટ્રસ્ટના ઇમરાન ખાન કહે છે: "અમે અત્યારે ઓરીને કારણે ચિંતામાં છીએ. 95%થી ઓછા લોકોને રસી પહોંચે તો ફરીથી ચેપ ફેલાઈ શકે છે અને તેવું જ અત્યારે થઈ રહ્યું છે."

ક્યાં સૌથી ઓછો ભરોસો છે?

વધુ આવક ધરાવતા પ્રદેશોમાં રહેનારા લોકોમાંથી કેટલાક એવા છે, જેમને વૅક્સિનની સુરક્ષા વિશે સૌથી ઓછી ખાતરી હોય છે.

ફ્રાન્સમાં ત્રણમાંથી એક વ્યક્તિ વૅક્સિન સુરક્ષિત હોવાની વાત સાથે સહમત નથી. દુનિયાભરમાં અસહમતીનું આ સૌથી ઊંચું પ્રમાણ છે.

યુરોપના કેટલાક દેશોમાં ફરીથી ઓરી દેખાવા લાગ્યા છે, તેમાં ફ્રાન્સનો પણ સમાવેશ થાય છે.

દુનિયામાં ફ્રાન્સના લોકોમાં રસીકરણના કાર્યક્રમમાં સૌથી ઓછો વિશ્વાસ છે. 19% ટકા નાગરિકોને રસીમાં ભરોસો નથી. એ જ રીતે બાળકો માટે રસીકરણ જરૂરી છે તેવી વાત સાથે પણ 10% નાગરિકો સહમત થતા નથી.

ફ્રાન્સમાં બાળકો માટે ત્રણ રસી ફરજિયાત બનાવાયેલી હતી. ફ્રાન્સની સરકારે હવે બીજી આઠ રસીઓ બાળકોને આપવાનું ફરજિયાત બનાવ્યું છે.

ઇટાલીમાં 76% નાગરિકો સહમત છે કે રસી સલામત છે. ઇટાલીમાં હાલમાં જ એવો કાયદો પણ પસાર કરાયો છે કે રસી ના લીધી હોય તેવા બાળકને પ્રવેશ આપવાનો શાળાઓ ઇનકાર કરી શકે છે.

આવા કિસ્સામાં વાલીઓને દંડ પણ કરી શકાય છે. રસીકરણનું પ્રમાણ ઘટવા લાગ્યું તે પછી સરકારે આવો કાયદો કરવો પડ્યો હતો.

યુકેમાં હજી સુધી આવાં પગલાં લેવાયાં નથી. જોકે આરોગ્ય સચિવ મેટ હેન્કોકે જણાવ્યું કે રસીકરણને ફરજિયાત બનાવવાનો કાયદો કરવાની શક્યતાને નકારી શકાય નહીં.

અમેરિકામાં પણ ફરીથી ઓરી દેખાવા લાગ્યા છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં આ વખતે સૌથી વધુ ચેપ ફેલાયો છે. 2019માં અત્યાર સુધીમાં 26 રાજ્યોમાં 980 ઓરીના કેસ નોંધાયા છે.

ઉત્તર અમેરિકામાં તથા દક્ષિણ અને ઉત્તર યુરોપમાં 70%થી થોડા વધુ લોકો જ રસીકરણ સુરક્ષિત હોવાની વાત સાથે સહમત થાય છે.

પશ્ચિમ યુરોપમાં આ પ્રમાણ 59% જેટલું, જ્યારે પૂર્વ યુરોપમાં આ પ્રમાણ 50% જેટલું નીચું છે.

ગયા વર્ષે યુક્રેનમાં સૌથી વધુ (કુલ 53,218) ઓરીના કેસ નોંધાયા હતા. યુક્રેનમાં પણ માત્ર 50% લોકો જ એ વાત સાથે સહમત થાય છે કે રસી અસરકારક હોય છે.

બેલારુસમાં આ પ્રમાણ 46% જેટલું અને રશિયામાં 62% જેટલું છે.

સફળતાની કહાણી

ઓછી આવક ધરાવતા વિસ્તારોમાં મોટા ભાગના લોકો સહમત થતા હોય છે કે રસી સલામત છે. આનું સૌથી ઊંચું પ્રમાણ દક્ષિણ એશિયામાં છે, જ્યાં 95% લોકો સહમત થાય છે. પૂર્વ આફ્રિકામાં આ પ્રમાણ 92% જેટલું છે.

બાંગ્લાદેશ અને રવાન્ડામાં પણ સાર્વત્રિક રીતે માનવામાં આવે છે કે રસીકરણ સલામત અને અસરકારક હોય છે.

આ દેશોમાં લોકો સુધી રસી પહોંચાડવી બહુ મુશ્કેલ કાર્ય હોય છે, તેમ છતાં રસીકરણના કાર્યક્રમને સારી એવી સફળતા મળી છે.

ગરીબ દેશોમાં રવાન્ડા એવો સૌપ્રથમ દેશ બન્યો, જ્યાં દેશની યુવતીઓને સર્વિકલ કેન્સરની HPV રસી સહેલાઈથી ઉપલબ્ધ થઈ શકે છે.

ઇમરાન ખાન કહે છે: "સાતત્યપૂર્ણ પ્રયાસોથી વ્યાપક રસીકરણ શક્ય છે તે આ ઉદાહરણ દર્શાવે છે."

લોકોને ભરોસો કેમ બેસતો નથી?

સર્વેમાં એવું તારણ પણ નીકળ્યું કે વિજ્ઞાનીઓ, તબિબો અને નર્સો પર વધારે વિશ્વાસ ધરાવતા લોકોને રસીકરણમાં પણ ભરોસો બેસે તેવી શક્યતા વધુ હોય છે.

તેનાથી વિપરિત જે લોકોએ વિજ્ઞાન, દવાઓ અને આરોગ્ય વિશે જાણકારી મેળવવા માટે જુદી જુદી જગ્યાએ પ્રયાસો કર્યા હોય તે લોકોને વિશ્વાસ ઓછો બેસતો હોય છે.

વિશ્વાસ ના હોવા પાછળના બધા જ કારણોની તપાસ વેલકમના અભ્યાસમાં કરવામાં આવી નથી પણ સંશોધકો કહે છે કે તેની પાછળ એકથી વધુ પરિબળો કારણભૂત હોઈ શકે છે.

કેટલાક કિસ્સામાં માત્ર ઉપેક્ષા હોય છે. રોગ ઓછો દેખાવા લાગે તેના કારણે લોકોને રસીકરણની હવે જરૂર નથી તેમ લાગતું હોય છે.

રસી સહિતની બધી જ દવાઓની આડઅસરો હોય છે પરંતુ રસી લોકો માટે સલામત અને અસરકારક બની રહે તે માટે પૂરતી ચકાસણી કરવામાં આવતી હોય છે.

ઇન્ટરનેટને કારણે એવું શક્ય બને છે કે રસી વિશેની માન્યતાઓ અને ચિંતાઓ તરત જ બીજા સાથે શેર કરી શકાય છે. તેના કારણે ઘણીવાર હકીકતો પર આધારિત ના હોય તેવી ગેરમાહિતી પણ ફેલાતી હોય છે.

જાપાનમાં HPV રસી અને તેના કારણે ન્યૂરોલૉજિકલ સમસ્યાઓ ઊભી થતી હોવાની વાત વ્યાપક રીતે ફેલાઈ હતી.

આવી વાતોને કારણે રસીકરણના કાર્યક્રમમાં જનતાનો ભરોસો ઓછો થતો હોય છે એમ નિષ્ણાતો માને છે.

એવી જ રીતે ફ્રાન્સમાં પણ ઇન્ફ્લુએન્ઝાની રસી વિશે વિવાદાસ્પદ વિગતો ફેલાઈ હતી.

એવા આક્ષેપો વહેતા થયા હતા કે સરકારે બહુ મોટા જથ્થામાં રસી ખરીદી છે. જથ્થો પૂરો પાડવા ઝડપથી તેનું ઉત્પાદન કરાયું અને તેના કારણે તે સુરક્ષિત નહીં હોય તેવી અફવાઓ ઊડી હતી.

MMR અને ઑટિઝમ વિશે આવી જ ગેરમાન્યતાઓ યુકેમાં ફેલાઇ હતી.

ડૉ. લિન્ડસ્ટ્રેન્ડ કહે છે: "વૅક્સિન વિશે શંકાઓ વ્યક્ત થતી હોય છે તેને નિવારવા સૌથી અગત્યનું કામ એ કરવાની જરૂર છે કે આરોગ્ય કર્મચારીઓને સારી રીતે તાલીમ આપવામાં આવે."

"તેઓ વૈજ્ઞાનિક તથ્યોના આધારે લોકોને રસી લેવા માટે ભલામણ કરી શકે તે રીતે તૈયાર કરવા જોઈએ. વાલીઓને રસીકરણ વિશે સવાલો કે ચિંતાઓ હોય તેનું યોગ્ય રીતે નિવારણ કરવા માટે તેમને તાલીમ આપીને તૈયાર કરવા જોઈએ."

ઇન્ટરેક્ટિવના નિર્માતા બેકી ડેલ અને ક્રિસ્ટીન જેવન્સ, ડિઝાઇન ડેબી લૉઇઝૂ, સંકલન સ્કૉટ જાર્વીસ અને કેટિયા આર્ટસેન્કોવા

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો