'તારક મહેતા...'માં આવેલો નવો ટપ્પુ કોણ છે અને નવાં 'દયાબહેન' વિશે શું કહે છે જેઠાલાલ?

છેલ્લાં 15 વર્ષથી દર્શકોને હસાવતી ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નવા ટપ્પુની ઍન્ટ્રી થવા જઈ રહી છે.
શોના નિર્માતા અસિતકુમાર મોદીએ તાજેતરમાં જ નવા ટપ્પુ વિશે, તેના ઑન સ્ક્રીન આગમન વિશે, શો છોડીને જઈ રહેલા કલાકારો અને દયા બહેનની રિઍન્ટ્રી વિશે વાત કરી હતી.
તેમણે કહ્યું, "15 વર્ષથી દર્શકોએ શો અને તેનાં તમામ પાત્રોને પ્રેમ આપ્યો છે. ટપ્પુ પણ તેમાંનો એક છે અને એક વર્ષની અમારી મહેનત બાદ આ અઠવાડિયાના અંત સુધીમાં દર્શકોને તે ઓન સ્ક્રીન જોવા મળી જશે."
નિર્માતાઓ દ્વારા ઍક્ટર નીતીશ ભલુનીની ટપ્પુ તરીકે પસંદગી કરવામાં આવી છે. જેઓ 17 ફેબ્રુઆરીએ શુક્રવારે ઓન સ્ક્રીન જોવા મળશે.

નવા ટપ્પુનું સિલેક્શન કેવી રીતે થયું?

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલમાં નીતીશ ભલુની ટપ્પુનું પાત્ર ભજવનારા ત્રીજા કલાકાર છે. આ પહેલાં ભવ્ય ગાંધી અને રાજ અનડકટ આ પાત્ર ભજવી ચૂક્યા છે.
સિરિયલનાં અન્ય પાત્રોની જેમ ટપ્પુના પાત્રને પણ દર્શકોએ અઢળક પ્રેમ આપ્યો છે. ત્યારે આ પાત્રની પસંદગી કરતી વખતે કઈકઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું? આ પ્રશ્નના જવાબમાં અસિત મોદીએ કહ્યું, "અમારી ટીમ છેલ્લા એક વર્ષથી ટપ્પુના પાત્ર માટે વિવિધ કલાકારોને મળતી હતી, તેમના ઇન્ટરવ્યૂ કરતી હતી, સ્ક્રીન અને લુક ટેસ્ટ લેતી હતી. આ મહેનત ફળી ગઈ છે અને અમને નીતીશ મળી ગયો છે."
નીતીશની પસંદગી કરવા પાછળનું કારણ શું? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, "જ્યારે પસંદગીપ્રક્રિયા ચાલતી હતી, ત્યારે તેણે દર્શકોને ધ્યાનમાં રાખીને વાત કરી હતી. આ શો અત્યારે જે છે, તેનું મુખ્ય કારણ દર્શકો જ છે અને મને એ વાત ગમી ગઈ હતી."
"આ ઉપરાંત જ્યારે તેને કહેવામાં આવ્યું કે આ પાત્ર ભજવવાનું છે તો શરૂઆતમાં એ થોડો નર્વસ થયો પણ બાદમાં આવીને માત્ર એટલું જ કહ્યું કે હું મારું પૂરેપુરુ આપીશ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"એની આ પૉઝિટિવિટી અને કાયમ હસતો ચહેરો મને ગમી ગયા અને આશા છે કે દર્શકોને પણ એ ગમશે અને તેઓ એટલો જ પ્રેમ આપશે જેટલો પહેલાં આપતા હતા."

નવા ટપ્પુએ જેઠાલાલ વિશે શું કહ્યું?

ટપ્પુના પાત્રને લઈને નીતીશ ભલુનીએ કહ્યું, "જ્યારે મને આ પાત્ર ઑફર કરવામાં આવ્યું તો થોડો નર્વસ થયો પણ મને ભરોસો છે કે હું પૂરેપૂરી મહેનત કરીશ અને પાત્રને ન્યાય આપીશ."
તેમણે સીરિયલમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશી વિશે કહ્યું, "તેઓ લિજેન્ડ છે. તેમને ઓન સ્ક્રીન કામ કરતા જોવા એ એક લ્હાવો છે. તેમણે મને ઘણું શીખવ્યું છે અને હજી પણ તેમની પાસેથી ઘણું શીખી રહ્યો છું."
"તેઓ જ્યારે ઍક્ટિંગ કરતા હોય છે ત્યારે પૂરેપૂરા કૅરેક્ટરમાં પ્રવેશી ગયા હોય છે અને પાત્ર ભજવતી વખતે તેનાં 'થૉટ પ્રોસેસ'માં કેવી રીતે ઘૂસી જવું, એ શીખવા માટે તેઓ ઉત્તર વ્યક્તિ છે."
નીતીશે વધુમાં કહ્યું, "દિલીપ સર પાસેથી મને ઍક્ટિંગ સિવાય બીજી એક વસ્તુ શીખવા મળી 'સાંભળવાનું.' મારો એ માઇનસ પૉઇન્ટ હતો. પણ હવે હું એ શીખ્યો છું અને તેનો અમલ કરી રહ્યો છું."

નિર્માતાએ શોમાં બદલાઈ રહેલા કલાકારો વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, RAJ_ANADKAT
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો જુલાઈ 2008માં શરૂ થયો હતો. જેને લગભગ 15 વર્ષ થઈ ગયાં છે. આ સાથે જ શો વિશ્વમાં સૌથી લાંબો ચાલનારો કૉમેડી શો બની ગયો છે.
આ 15 વર્ષ દરમિયાન ઘણા કલાકારો શો છોડીને જઈ ચૂક્યા છે અને ઘણા નવા ચહેરા આવી રહ્યા છે. બદલાઈ રહેલાં ચહેરાઓ અંગે અસિત મોદી કહે છે, "અમારે મહિનામાં 26 ઍપિસોડ બનાવવાના હોય છે અને આ કામ અમે છેલ્લાં 15 વર્ષથી કરી રહ્યા છે. આ કામ માટે સમર્પણ અને શિસ્ત જોઈએ."
તેમણે આગળ કહ્યું, "હું બધાને જોડીને રાખું છં પણ લોકો અલગઅલગ કારણોસર જવાનું પસંદ કરે તો તેમને રોકી તો ન શકાય ને? જે લોકો શિસ્તબદ્ધ કામ ન કરી શકતા હોય અને સમર્પણની ભાવના ન હોય તેઓ શો છોડીને ચાલ્યા જાય છે."
અગાઉ કલાકારો દ્વારા શોના નિર્માતા દ્વારા પૈસા ન અપાયા હોવાની ફરિયાદો કરાઈ હતી. આ વિશે અસિત મોદીએ કહ્યું, "સોશિયલ મીડિયા પર સાંભળવા મળતી વાતો પાયાવિહોણી છે. હું કોઈની મહેનતના પૈસા રાખીને શું કરું? ભગવાને મને ઘણું આપ્યું છે અને તેનાથી હું ખુશ છું. હું આજે પણ તમામ કલાકારો માટે ઓપન છું."

દયાબહેન ક્યારે જોવા મળશે?

ઇમેજ સ્રોત, MANISH SHUKLA
હાલમાં આ શોને લઈને સૌથી વધુ ચર્ચિત મુદ્દો છે; 'દયાબહેન ક્યારે પાછા આવશે?'
આ અંગે અસિત મોદી જણાવ્યું, "અમે પણ ઇચ્છીએ છીએ કે જૂનાં દયાબહેન એટલે કે દિશા વાકાણી પાછા આવે પરંતુ તેમનું પારિવારિક જીવન પણ છે અને તેઓ તેને પ્રાધાન્ય આપવા ઇચ્છે છે. અમારી તો ઘણી ઇચ્છા છે પણ તેમનું આવવું મુશ્કેલ છે."
તેમણે આગળ કહ્યું, "તેમને (દિશા વાકાણી) દયાબહેનના પાત્ર તરીકે જે ચાહના મળી છે તે મુજબ હવે નવા કલાકારની પસંદગી કરવી પણ અઘરી બની ગઈ છે. અમે રોજ ઍપિસોડ શૂટ કરવાની સાથેસાથે નવા કલાકાર પણ શોધી જ રહ્યા છીએ. નવો ટપ્પુ આવી ગયો છે, ટૂંક સમયમાં નવા દયાબહેન પણ જોવા મળી જશે."
શોમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીએ દયાબહેનના પાત્રને લઈને કહ્યું, "એક વાત ચોક્કસ છે કે દર્શકોએ છેલ્લાં 15 વર્ષથી જેઠાલાલ અને દયાની કૅમેસ્ટ્રી જોઈ છે અને છેલ્લા ઘણા સમયથી દર્શકોને તે જોવા મળી રહી નથી."
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે નવા દયાબહેન ક્યારે જોવા મળશે? તો તેના જવાબમાં તેમણે કહ્યું, "હવે એ તો અસિતભાઈને જ ખબર કે નવા દયાબહેન ક્યારે આવશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો























