છેલ્લો શો : ફિલ્મને ઑસ્કર મળવાની સંભાવના અંગે પાન નલિન અને નિર્માતાઓએ શું કહ્યું?

ઑસ્કર
ઇમેજ કૅપ્શન, છેલ્લો શોના નિર્માતા-નિર્દેશક અને મુખ્ય અભિનેતા સાથે મુલાકાત
પ્રકાશિત
લાઇન
  • ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' ઑસ્કર ઍવૉર્ડ માટે ભારતની આધિકારિક ઍન્ટ્રી જાહેર થઈ છે
  • 14 ઑક્ટોબરે આ ફિલ્મ ભારતનાં થિયેટરોમાં રિલીઝ થઈ છે
  • ફિલ્મ મોટી ફિલ્મો 'આરઆરઆર' અને 'કાશ્મીર ફાઇલ્સ'ને પાછળ છોડીને ભારતની ઑફિશિયલ ઍન્ટ્રી બનવામાં સફળ રહી છે
  • ફિલ્મ નવ વર્ષના બાળક સમયની કહાણી છે, જે સૌરાષ્ટ્રના ચલાળામાં આકાર લે છે.
લાઇન

ફિલ્મમૅકર પાન નલિન દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' ઑસ્કર ઍવૉર્ડ્સમાં ભારતની ઔપચારિક ઍન્ટ્રી બની છે.

પાન નલિનના કહેવા પ્રમાણે, આ તેમની 'અર્ધ-આત્મકથાનક ફિલ્મ' છે, જે 14 ઑક્ટોબર એટલે કે શુક્રવારથી સિનેમાગૃહોમાં રજૂ થઈ ચૂકી છે. નલિન અગાઉ સમસારા અને 'ઍંગ્રી ઇન્ડિયન ગૉડેસિસ' જેવી ફિલ્મોનું સર્જન કરી ચૂક્યા છે.

ફિલ્મ નવ વર્ષના બાળક સમયની કહાણી છે, જે સૌરાષ્ટ્રના ચલાળામાં આકાર લે છે.

સમયને ભણવાનું કંટાળાજનક લાગે છે અને તે થિયેટરના પ્રોજેક્ટર-રૂમમાં બેસીને ફિલ્મો જુએ છે અને તેના પ્રત્યે આકર્ષણ પેદા થાય છે. આગળ જતાં તે જુગાડથી દેશી પ્રોજેક્ટર બનાવે છે.

ફિલ્મના નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર અને ધીર મોમાયા તેમજ નિર્દેશક પાન નલિને આ ફિલ્મના વિચાર અને તેની નિર્માણપ્રક્રિયા અંગે બીબીસી સાથે એક ખાસ મુલાકાતમાં વાત કરી હતી.

line

કઈ રીતે આવ્યો ફિલ્મનો વિચાર?

ફિલ્મના નિર્દેશક પાન નલિને આ ફિલ્મ પોતાના જીવન પર આંશિક રીતે આધારિત હોવાની વાત કરી હતી
ઇમેજ કૅપ્શન, ફિલ્મના નિર્દેશક પાન નલિને આ ફિલ્મ પોતાના જીવન પર આંશિક રીતે આધારિત હોવાની વાત કરી હતી

ફિલ્મની કહાણીના વિચારની ઉત્પત્તિ વિશે વાત કરતાં નિર્દેશક પાન નલિને જણાવ્યું હતું કે, "ફિલ્મનો વિચાર ભારતના ફિલ્મ મૅકિંગ ઉદ્યોગ અને સિનેમા ઉદ્યોગમાં પાછલાં દસ વર્ષમાં આવી રહેલા બદલાવના અનુભવને લઈને આવ્યો છે. આ સમય એક ટ્રાન્ઝિશન પિરિયડનો હતો."

"જેટલાં પણ સિંગલ સ્ક્રીન થિયેટર અને પણ સિનેમાહૉલની કામકાજની રીતોમાં પરિવર્તન થવા લાગ્યું હતું, પ્રોજેક્શન સિસ્ટમ હઠાવવામાં આવી રહી હતી."

તેઓ ફિલ્મના વિચાર સાથે સંકળાયેલા તેમના વ્યક્તિગત અનુભવ અંગે વાત કરતાં જણાવે છે કે, "મારા જ એક બાળપણના મિત્ર છે જેઓ પ્રોજેક્શનિસ્ટ હતા, તેઓની હાલત આ ટ્રાન્ઝિસનના કારણે ઘણી ખરાબ હતી. તેમને શાકભાજી વેચતાં જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે મેં તેમને હંમેશાં પ્રોજેક્ટ રૂમમાં જ જોયા હતા."

પાન નલિન તેમના મિત્રને સિનેમા ઉદ્યોગમાં થઈ રહેલા પરિવર્તનને કારણે વેઠવી પડેલ મુશ્કેલી અંગે જણાવે છે કે, "મારા મિત્રે મને કહ્યું કે તેમની નોકરી જતી રહી, કારણ કે નવી ટેકનૉલૉજી પ્રમાણે ડિજિટલ પ્રોજેક્ટર ચલાવવા માટેનું કમ્પ્યુટર અને અંગ્રેજીનું જ્ઞાન મારી પાસે નહોતું. અમને બધાને નોકરીમાંથી છૂટા કરી દીધા."

હાલના સમયની વાત કરું તો એક વાર હું પોતે એક ફિલ્મમાં શૂટ કરવા માગતો હતો પણ એ સમયે મને કહેવામાં આવ્યું કે, હાલ તો ફિલ્મ ઘણી મોંઘી થઈ ગઈ છે. તમારી પાસે ક્રિસ્ટોફર નૉલેજ નથી. મને એ વાતનું ઘણું દુખ થયું હતું.

આ સિવાય તેઓ થિયેટર અને ફિલ્મ સ્ક્રીનિંગ ટેકનૉલૉજીમાં આવેલા પરિવર્તન અંગે વાત પોતાના જાતઅનુભવ અંગે વાત કરે છે.

તેઓ કહે છે કે, "તાજેતરમાં જ એક વાર હું પોતે એક ફિલ્મ શૂટ કરવા માગતો હતો પણ મને કહેવામાં આવ્યું કે હવે ફિલ્મ બનાવવું મોંઘું થઈ ગયું છે. તમે ક્રિસ્ટોફર નૉલન નથી. હું આ વાત સાંભળીને વ્યથિત થઈ ગયો. મને થયું કે હું તો બાળપણથી ફિલ્મ બનાવું છું. આમ, આઘાત અને મિત્ર સાથેની વાતચીતથી આ ફિલ્મનો વિચાર આવ્યો."

તેઓ આગળ કહે છે કે, "બર્લિનમાં પણ કોડકની કૉન્ફરન્સમાં ફિલ્મની વાત વખતે આ મુદ્દો આવ્યો. આમ, ધીરે-ધીરે આ બધી કહાણીઓ બહાર આવવા લાગી. આ બાદ મારી ફિલ્મ 'ઍંગ્રી ઇન્ડિયન ગોડેસિસ' જોઈને ધીર મને મળવા માગતા હતા તે અનુસંધાને અમે મળ્યા અને મેં તેમને મારા મનમાં ચાલી રહેલ ફિલ્મના વિચાર વિશે થોડી વાતો કહી અને ત્યારથી આ લાસ્ટ ફિલ્મ શોની કહાણી બની ગઈ હતી."

line

'મુખ્ય ઍક્ટર શોધવામાં પડી મુશ્કેલી'

ફિલ્મના મુખ્ય કલાકાર ભાવિન રબારી
ઇમેજ કૅપ્શન, ફિલ્મના મુખ્ય કલાકાર ભાવિન રબારી

ફિલ્મના મુખ્ય પાત્રનું મહત્ત્વ અને તેની શોધવા માટેની મથામણ અંગે વાત કરતાં પાન નલિને કહ્યું કે, "જ્યારથી લાસ્ટ ફિલ્મ શોની સ્કિપ્ટ અને સ્ટોરી તૈયાર થઈ રહી હતી ત્યારથી જ નક્કી હતું કે લીડ રોલ માટે અભિનેતા નહીં મળે ત્યાં સુધી આ ફિલ્મ બનાવવી ઘણી અઘરી થઈ પડશે."

"જેમ-જેમ અમે બાળકોને મળતા ગયા તેમ-તેમ અમારી આશા ખતમ થવા લાગી હતી. અમને એમ થઈ ગયું તે આ ફિલ્મ બની શકશે જ નહીં, કારણ કે આના માટે કોઈ છે જ નહીં."

"પરંતુ ત્યારે અમારા કાસ્ટિંગ ડિરેક્ટર દિલીપ શંકરે કહ્યું કે આપણે કંઈક અલગ રીતે અભિનેતાની કાસ્ટિંગ કરવાનો પ્રયાસ કરીશું. ઘણું વિચાર્યા બાદ કાઠિયાવાડના એવા ગામમાં જવાનો વિચાર કર્યો જ્યાં બાળકો ટીવી જોતાં જ ન હોય અને નૅચરલ ઍક્ટર હોય."

"ત્યાં મહામુસીબતે અમને અમારો લીડ ઍક્ટર આખરે મળી ગયો. લીડ ઍક્ટર ભાવિન રબારીને જોયો અને જોતાં જ લાગ્યું કે આ મને બચાવી લેશે. ફિલ્મ નહીં ડૂબે."

વીડિયો કૅપ્શન, ગુજરાતના નાના ગામથી ખ્યાત થયેલા પાન નલિન સાથે ખાસ વાતચીત

ફિલ્મની પસંદગી ભારતની ઑસ્કર માટેની ઑફિશિયલ ઍન્ટ્રી તરીકે થતાં કેટલાક ટીકાકારોએ એવા આરોપ પણ કર્યા હતા કે આ ફિલ્મ એક ઇટાલિયન ફિલ્મની નકલ છે.

આ બાબતે પાન નલિન સ્પષ્ટતા કરતાં કહે છે કે, "આ આરોપો ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયાની જ્યુરીના સભ્યોનું પણ અપમાન છે. તેમને કુલ 30-40 જેટલા નેશનલ ઍવૉર્ડ મેળવનારી ફિલ્મો બનાવવાનો અનુભવ છે. શું એમને ક્યારેય આ ફિલ્મ કૉપી છે એવું નહીં લાગ્યું હોય. મેં મારા બાળપણ વિશે ફિલ્મ બનાવી છે."

ફિલ્મને ફરી વાર ઑસ્કર માટે મોકલવાના આરોપ અંગે પાન નલિન કહે છે કે, "આ અંગે અમે એકૅડેમીના તમામ ધારાધોરણનું પાલન કર્યું છે. ગત વખત ઑમિક્રૉન વૅરિયન્ટના ફેલાવાના કારણે અમારી પાસે ઓછો સમય રહ્યો હતો."

"આ ફિલ્મ પહેલાં સ્પેન, જર્મનીમાં રિલીઝ થઈ અને હવે ભારતમાં 14 ઑક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થઈ છે. ઍકેડમીના નિયમ પ્રમાણે સમગ્ર દુનિયામાં થિયેટરોમાં 2022માં રિલીઝ થયેલી ફિલ્મ નામાંકન કરી શકે તેમાં અમે કંઈ ખોટું કર્યું નથી."

બાળકલાકાર ભાવિન રબારીએ ફિલ્મ કરતી વખતના પોતાના અનુભવ વિશે વાત કરતાં કહ્યું કે, "અમે પાંચથી છ બાળકો આખી ટીમને ખૂબ હેરાન કરતાં હતાં. અમે નલિનસરને રોજ એમ કહેતા હતા કે અમને ઓરિયો અને દૂધ આપો તો જ અમે ઍક્ટિંગ કરીશું અને તેઓ રોજ અમને ઓરિયો અને બિસ્કિટ આપતાં હતાં અને અમે ઍક્ટિંગ કરતાં હતાં."

"પ્રથમ વખત મેં જ્યારે પોતાની જાતને મોટી સ્ક્રીન પર જોયો તો મને એમ થઈ ગયું કે મારામાં કંઈક તો છે."

line

ઑસ્કર મેળવવાની કેટલી આશા?

ફિલ્મના નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર (ડાબે) અને ધીર મોમાયા (જમણે)
ઇમેજ કૅપ્શન, ફિલ્મના નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર (ડાબે) અને ધીર મોમાયા (જમણે)

ફિલ્મના નિર્માતા ધીર મોમાયાએ પાન નલિન સાથેના પોતાના અનુભવો વિશે વાત કરતાં કહ્યું હતું કે, "હું પાન નલિનના જીવન વિશે એક ફિલ્મ બનાવવા માગતો હતો, પણ એ સમયે તેમણે ના પાડી કે એ ફિલ્મ કોઈ જોશે નહીં. પરંતુ બે વર્ષ બાદ તેમનો ફોન આવ્યો કે અને તેમણે મને મળવા બોલાવ્યો."

"અમે મળ્યા ત્યારે તેમણે મને ફિલ્મ અંગેની કહાણી સંભળાવી, ત્યારે મને લાગ્યું કે આ તો એ જ કહાણી છે જેના પર હું ફિલ્મ બનાવવા માગતો હતો. અને મેં આ ફિલ્મ માટે હા પાડી દીધી અને કીધું કે તમે ચિંતા ના કરો હું છું તમારી સાથે છું."

ફિલ્મને ઑસ્કર મળવાની આશા અંગે વાત કરતાં તેઓ કહે છે કે, "અમારા સેલ્સ એજન્ટ તરીકે ફોરેનના સ્ટુડિયોની સેવા લીધી છે. તેઓ અમારા માટે ગ્લોબલ ડિસ્ટ્રિબ્યુટર છે. તેમણે છેલ્લાં પાંચ વર્ષમાં આઠ ઑસ્કર જીત્યા છે."

"તેઓ જાણે છે કે એકૅડેમીના વોટિંગ મેમ્બરને કેવી રીતે ફિલ્મ બતાવવી જોઈએ, તેનું પ્રેઝન્ટેશન કઈ રીતે થવું જોઈએ. જ્યાં એ લોકો લાગણીસભર રીતે ફિલ્મમાં ઊંડા ઊતરી જાય અને ફિલ્મને વોટ આપે."

ફિલ્મનિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર ફિલ્મનાં વખાણ કરતાં કહે છે કે, "તમે લાસ્ટ ફિલ્મ શો જોશો તો તમને એક અલગ જ ફિલિંગનો અહેસાસ થશે, જે તમને રડાવે અને હસાવે પણ છે. આ બધું જો ફિલ્મમાં છે તો અમારું કામ લોકો સુધી આ ફિલ્મ પહોંચાડવાનું છે અને લોકો આ ફિલ્મ જોશે તો અમે મેઈન સ્ટ્રીમ ફિલ્મ જેવી સફળતા પણ હાંસલ કરી જ લઈશું."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન