નેપાળમાં પૂર અને ભૂસ્ખલનને લીધે 33 લોકોનાં મૃત્યુ, અનેક ગુમ- પ્રેસ રિવ્યૂ

ઇમેજ સ્રોત, UNICEF
નેપાળમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું છે અને આ ભૂસ્ખલનમાં સ્થાનિક લોકો ફસાયા છે.
લોકલ મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ગયા અઠવાડિયે ઉત્તર નેપાળમાં પૂર અને ભૂસ્ખલનના કારણે 33 લોકો મૃત્યુ પામ્યાં છે.
આ ભૂસ્ખલનમાં 22 વ્યક્તિઓ હજુ પણ ગુમ છે અને તેનાથી વધુ લોકો ઇજાગ્રસ્ત છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે કરનાલીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે 1000થી વધુ લોકો ઘરવિહોણા બન્યા છે.
પૂર અને ભૂસ્ખલનના કારણે સેંકડો ઘરોને નુકસાન થયું છે.
અન્નપૂર્ણાએ પોસ્ટ કરેલા એક ક્વોટમાં પોલીસે જણાવ્યું છે કે, પૂર આવ્યા બાદ અમે પોલીસ અધિકારીઓને ભેગા કર્યા છે. અમે હેલિકૉપ્ટર દ્વારા સુરખેતના લોકોને રેસ્ક્યૂ કર્યા છે.
નેપાળની ઇમરજન્સી ઑથૉરિટીએ કહ્યું કે, કરનાલી નદીમાં 12મી (39 ફૂટ) પાણીની સપાટી વધવાથી તમામ વિસ્તારમાં પાણી ઘૂસી ગયાં છે, આ સાથે લોકલ મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે નદીમાં પાણી વધવાના કારણે પુલનું ધોવાણ થયું છે.
યુએન એજન્સીએ કહ્યું છે કે પશ્ચિમ નેપાળના જે લોકો પૂરગ્રસ્ત થયા છે તેમને ફૂડ અને દવાઓ આપવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'ભારત ભૂતકાળની ભવ્યતાનું પુનઃસ્થાપન કરી રહ્યું છે' - વડા પ્રધાન મોદી

ઇમેજ સ્રોત, Twitter/@BJP4GUJ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 11 ઑક્ટોબરની સાંજે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ લોક કૉરિડોરના પ્રથમ તબક્કાનું લોકાપર્ણ કર્યું.
દેશના 12 જ્યોતિર્લિંગોમાંથી એક મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કર્યા બાદ, ઉપસ્થિત જનસમૂહને સંબોધન કરતા વડા પ્રધાને "જ્યાં ઇનોવેશન છે, ત્યાં રિનોવેશન હશે" કહીને એ વાત પર ભાર મૂક્યો હતો કે, ભારતનું દિવ્યત્વ એક શાંતિપૂર્ણ વિશ્વ માટેનો માર્ગ મોકળો કરશે.
ઉજ્જૈનના આ મહાકાલ લોક કૉરિડોર પ્રોજેક્ટમાં મહાકાલેશ્વર મંદિર સહિત 900 મીટર લાંબા કૉરિડોરનો સમાવેશ થાય છે.
વડા પ્રધાને પોતાના ભાષણમાં કહ્યું કે, "ભારત ભૂતકાળની ઉપનિવેશિક માનસિકતામાંથી મુક્ત થયું છે અને હવે તે ભૂતકાળની ભવ્યતાનું પુનઃસ્થાપન કરી રહ્યો છે."
"અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, કાશીમાં વિશ્વનાથ ધામ છે, સોમનાથ મંદિરની સાથે સાથે બાબા કેદારનાથના પવિત્ર યાત્રાધામમાં પણ વિકાસ કાર્યો થઈ રહ્યા છે."
તેમણે કહ્યું કે "સ્વતંત્રતા બાદ, પ્રથમ વખત તમામ ચાર ધામ કોઈ પણ ઋતુમાં ત્યાં પહોંચી શકાય તેવા રસ્તાથી જોડવામાં આવી રહ્યા છે."

આચાર્ય દેવવ્રતે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિપદનો સ્વીકાર કર્યો

ઇમેજ સ્રોત, ANI
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ બનવા માટે મોકલવામાં આવેલા નિમંત્રણનો સ્વીકાર કર્યો છે. તેઓ મહાત્મા ગાંધી દ્વારા વર્ષ 1920 માં સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના 12મા કુલપતિ (ચાન્સેલર) બનશે.
ઇન્ડિયન એક્સ્પ્રેસ અખબાર સાથેની વાતચીતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, તેમને 11 ઑક્ટોબરના રોજ ગૂજરાત વિદ્યાપીઠના ઉપકુલપતિ (વાઇસ ચાન્સેલર) રાજેન્દ્ર ખીમાણી તથા કુલસચિવ (રજિસ્ટ્રાર) નિખિલ ભટ્ટ અને વિદ્યાપીઠ ટ્રસ્ટી મંડળના અન્ય કેટલાક સભ્યો કુલપતિપદ માટેનું નિમંત્રણ લઈને મળવા માટે આવ્યા હતા. રાજ્યપાલે નિમંત્રણનો સ્વીકાર કર્યો છે અને તેમણે જણાવ્યુ હતું કે, 'હું મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત આ સંસ્થા સાથે જોડાવા માટે ગૌરવ અનુભવું છું. ગાંધીજીના સિદ્ધાંતો અને વિધારધારાને મજબૂત કરવા અને આગળ વધારવા માટેની આ તક મળી તે મારા માટે સન્માનની વાત છે.'
આચાર્ય દેવવ્રત આગામી પાંચ વર્ષ માટે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિપદે રહેશે.
ઉલ્લેખનીય છે કે, ગૂજરાત વિદ્યાપીઠના વર્તમાન કુલપતિ અને ગાંધીવાદી ઇલા ભટ્ટે તેમની નાદુરસ્ત તબિયતને કારણે કુલપતિપદેથી રાજીનામું આપ્યું હતું. તેઓ વર્ષ 2015થી કુલપતિ હતાં.
4 ઑક્ટોબરના રોજ મળેલી વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળની બેઠકમાં તેમના રાજીનામાનો સ્વીકાર અને આચાર્ય દેવવ્રતને કુલપતિપદ માટે નિમંત્રણ આપવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
ભારતીય જનતા પક્ષ સાથે ઘનિષ્ઠતા ધરાવતા આચાર્ય દેવવ્રતની નિમણૂક બાબતે મહાત્મા ગાંધીની વિચારધારામાં માનતા વર્ગે પોતાનો વિરોધ પણ વ્યક્ત કર્યો હતો.
જોકે આ બાબતે દેવવ્રતે જણાવ્યું હતું કે, તેઓ (ગૂજરાત વિદ્યાપીઠ) મને ગાંધીના મિશનમાં જોડવા ઇચ્છે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો























