નરેન્દ્ર મોદીએ મેટ્રોના ઉદ્ઘાટન સમયે કહ્યું કે 'વિદ્યાર્થીઓ મેટ્રોની મુલાકાત લે અને તેનો અભ્યાસ કરે'

ઇમેજ સ્રોત, Ani
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસ પર છે. આ દરમિયાન તેમણે ગુરુવારે ઘણા પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કર્યું હતું.
શુક્રવારે પણ તેમણે વંદે ભારત એક્સપ્રેસ, અમદાવાદ મેટ્રોનું ઉદ્ગાટન કર્યું હતું.
આ અવસરે તેમણે જનસભાનું સંબોધન કર્યું હતું.
તેમણે ગુજરાતમાં ભાજપ સરકારની ઉપલબ્ધિઓ ગણાવતાં કહ્યું હતું કે, "ગુજરાતમાં પણ વિદેશની માફક અનેક ટ્વિન સિટીનું સપનું સાકાર કરાશે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આ સિવાય તેમણે વંદે ભારત એક્સપ્રેસ અને અમદાવાદના મેટ્રોના 32 કિલોમિટરના ફેઝની શરૂઆત એક મૂલ્યવાન ઉપલબ્ધિ હોવાનું ગણાવ્યું હતું.
તેમજ અમદાવાદ માટે મેટ્રોની સુવિધાના લાભો ગણાવ્યા હતા અને શહેરને અભૂતપૂર્વ કનેક્ટિવિટી પ્રદાન કરી હોવાની વાત કહી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકારની ઉપલબ્ધિઓ અંગે વાત કરતાં કહ્યું હતું કે, "ભારત સરકારની યોજના થકી ગુજરાતને 850 ઇલેક્ટ્રોનિક બસો મળી જેથી શહેરોને ધુમાડાવાળા ટ્રાન્સપૉર્ટેશનથી મુક્તિ મળી છે."
"આવતાં વર્ષે ઑગસ્ટ માસ સુધી 75 વંદે ભારત ટ્રેન ચલાવવા માટે સરકાર પ્રયાસ કરશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"માલગાડીઓની ઝડપ વધારવા માટે કામ થઈ રહ્યું છે, જેથી આયાત મારફતે આવતા માલસામાનની ઝડપમાં વધારો થશે. જેનો સીધો લાભ ગુજરાતનાં બંદરો થકી સૌરાષ્ટ અને કચ્છને મળશે. પાછલાં આઠ વર્ષોમાં અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જનઆકાંક્ષાઓ સાથે જોડી છે."

ઇમેજ સ્રોત, naredramodi.in
"હું ઇચ્છું છું કે વિદ્યાર્થીઓ મેટ્રો સ્ટેશનની મુલાકાત લે. અને તેનો અભ્યાસ કરે. પોતાના પ્રશ્નોના જવાબો મેળવે. ટેકનૉલૉજિકલ જ્ઞાન મેળવે. તેમનામાં માલિકીનો ભાવ પેદા કરવામાં આવે એ પણ જરૂરી છે. જેથી કોઈ પણ મુશ્કેલ સમયમાં તેઓ આ પ્રૉપર્ટીને નુકસાન કરતા અટકશે. અને દેશના વિકાસમાં સહભાગી બનવાની ભાવના જાગશે."
અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મા નેશનલ ગેમ્સ સમારોહની શરૂઆત કરાવી હતી.
રાષ્ટ્રીય રમતોત્સવ 29 સપ્ટેમ્બરથી 12 ઑક્ટોબર સુધી રમાશે.
દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 7,000 જેટલા ઍથ્લીટ આ રમતોત્સવમાં ભાગ લઈ રહ્યા છે.

ઇમેજ સ્રોત, narendramodi.in
રમતોત્સવમાં ભાષણ આપતાં પહેલાં વડા પ્રધાને સ્વર્ણિમ ગુજરાત સ્પૉર્ટ્સ યુનિવર્સિટીનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન કર્યું હતું.
નેશનલ ગેમ્સમાં વડા પ્રધાને આપેલા ભાષણ દરમિયાન ભારતે રમતગમતક્ષેત્રે સાધેલી પ્રગતિ અંગે વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "જે ખેલાડી બીજાં રાજ્યોમાંથી આવ્યા છે તેમને મારો આગ્રહ કે રમતની સાથે અહીંના ગરબાના આયોજનનો પણ લાભ લેજો. ગુજરાતીઓ તમારી મહેમાનગતિમાં કોઈ કચાશ નહીં રાખે. ઉત્સવની આ પરંપરા દેશવાસીઓને જોડવાનું કામ કરે છે. તમને સૌને નવરાત્રિની શુભકામના."
"રાષ્ટ્રને નેતૃત્વ દેશનો યુવા આપે છે અને રમત યુવાનોની ઊર્જાનો પ્રમુખ સ્ત્રોત છે. રમતના મેદાનમાં ખેલાડીઓનું દમદાર પ્રદર્શન અન્ય ક્ષેત્રોમાં પણ દેશને આગળ લઈ જાય છે."
"તમે લડતાં-ઝઝૂમતાં પડી-આખડી શકો પણ તમે દોડવાનો જુસ્સો ન ગુમાવતા અને તમે ચાલતાં રહો તો એમ માનજો કે જીત એક એક ડગલું તમારી સામે આવી રહી છે."
વડા પ્રધાને રમતગમતક્ષેત્રે આવેલ પરિવર્તન અંગે વાત કરતાં કહ્યું હતું કે, "આપણે ત્યાં રમતને વર્ષો સુધી પુસ્તકોમાં જનરલ નૉલેજ પૂરતું મર્યાદિત કરી દેવામાં આવી હતી. પરંતુ હવે મિજાજ બદલાયો, મૂડ બદલાયો છે, માહોલ બદલાયો છે, આપણા યુવાઓએ ખેલમાં જોરદાર પ્રદર્શન કરી રહ્યા છે."
"આઠ વર્ષ પહેલાં સુધી ભારતના ખેલાડી 100 કરતાં ઓછી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં ભાગ લેતા હતા, આજે ભારતના ખેલાડીઓ 300 કરતાં વધુ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં ભાગ લે છે."
"આઠ વર્ષ પહેલાં ભારતના ખેલાડીઓ 20-25 રમતોમાં ભાગ લેતા હતા, આજે ભારતના ખેલાડીઓ 40 જેટલી વિવિધ રમતોમાં ભાગ લઈ રહ્યા છે."
"આ સફળતાનું સૌથી મજબૂત પાસું એ છે કે આપણી યુવતીઓ પણ મોખરે છે. રમતમાં પ્રૉફેશનાલિઝમની જગ્યા ભ્રષ્ટાચારે લીધી હતી એટલે આવી સફળતા પહેલાં ન મળી."
"આજે ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા જેવાં સૂત્રો જનઆંદોલન બની ગયાં છે. છેલ્લાં આઠ વર્ષમાં દેશનું ખેલ બજેટ 17 ગણું વધ્યું છે."

વડા પ્રધાન મોદીની ભાવનગર મુલાકાત, 800 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું

ઇમેજ સ્રોત, ANI
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારથી બે દિવસની યાત્રા પર ગુજરાતમાં છે.
ગુજરાતમાં 29 હજાર કરોડના પ્રકલ્પોનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
વડા પ્રધાને સુરતમાં વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા બાદ ભાવનગરમાં તેમનો ભવ્ય રોડ શો યોજાયો હતો.
ત્યારબાદ વડા પ્રધાને ભાવનગરમાં કરોડોનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.
ભાવનગરમાં 800 કરોડથી વધારેનાં કાર્યોનું લોકાર્પણ તેમજ છ હજાર કરોડ ઉપરાંતના કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું.
ખાતમુહૂર્ત બાદ વડા પ્રધાને સભાને સંબોધી હતી. વડા પ્રધાને તેમના ભાષણમાં સૌરાષ્ટ્રને ઊર્જાનું મહત્ત્વનું કેન્દ્ર બનાવવાનો પ્રયત્ન કર્યો હોવાની વાત કરી હતી.
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ધોલેરામાં સેમિ-કંડક્ટરનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એનો લાભ ભાવનગરને મળશે.
તાજેતરમાં જ તાઇવાનની ફોક્સકોન-વેદાન્તા કંપનીએ સેમિ-કંડક્ટર ક્ષેત્રે ગુજરાતમાં દોઢ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.
વડા પ્રધાન મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, "દેશ આઝાદીનાં 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ભાવનગર તેની સ્થાપનાનાં 300 વર્ષ પૂરાં કરવા જઈ રહ્યું છે."
"દરિયાનું ખારું પાણી અહીના લોકો માટે અભિશાપ બની ગયું હતું, ગામડાં ખાલી થઈ રહ્યાં હતાં. ત્યારે અમે છેલ્લા બે દાયકામાં ગુજરાતના દરિયાકાંઠાને ભારતની સમૃદ્ધિ સાથે જોડવાનો ઈમાનદારીપૂર્વકનો પ્રયાસ કર્યો છે."
તેમણે ભાજપ સરકારની ઉપલબ્ધિઓ અને તેના કારણે ક્ષેત્રને થયેલ લાભ અંગે વાત કરતાં કહ્યું હતું કે, "માછીમારોને મદદ માટે ફિશિંગ હાર્બરનું મજબૂત નેટવર્ક તૈયાર કર્યુ છે. તેનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે."
"અમે ઍક્વાકલ્ચરને સતત પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. આજે ગુજરાતનો દરિયાકાંઠો લાખોને રોજગાર પૂરો પાડવાનું માધ્યમ બન્યો છે. રિન્યૂએબલ ઍનર્જીનું હબ બનવા જઈ રહ્યુ છે. સૌર ઊર્જાના અનેક પ્રોજેક્ટ આ વિસ્તારમાં લાગી રહ્યા છે."
"20 વર્ષ પહેલાં રાત્રે જમતાં સમયે પણ વીજળી નહોતી મળતી. આજે પૂરતી વીજળીને કારણે ઉદ્યોગ-ધંધાને પ્રોત્સાહન મળ્યું છે."
"ધોલેરામાં સેમિ-કંડક્ટર ઉદ્યોગમાં રોકાણ થઈ રહ્યું છે તેનો લાભ ભાવનગરને પણ મળશે."
"ભાવનગરના બંદરનું દેશનાં અલગ અલગ ઔદ્યોગિક ક્ષેત્રો સાથે મલ્ટિમૉડલ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરાશે."
"માલગાડીઓ માટે અલગથી ટ્રેક વિકસાવાઈ રહ્યા છે તેની સાથે અને બીજા હાઈવે અને રેલવે નેટવર્ક સાથે પણ સારી કનેક્ટિવિટી સ્થપાશે."
આ સિવાય વડા પ્રધાને ક્ષેત્ર માટે સરકારે તૈયાર કરેલ યોજના અંગે વાત કરતાં કહ્યું હતું કે, "ભાવનગરનું આ બંદર આત્મનિર્ભર ભારતમાં મોટી ભૂમિકા નિભાવશે. આ બંદર ગાડીઓના સ્ક્રેપિંગ, કન્ટેનર ઉત્પાદન અને ધોલેરા સર જેવા મોટા પ્રોજેક્ટોની જરૂરિયાતને પણ પૂરી કરશે. એનાથી અહીં રોજગાર વધશે."
"કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાયેલ નવી સ્ક્રેપિંગ પૉલીસી લાગુ કરાશે ત્યારે આખા દેશમાં વ્હીકલ સ્ક્રેપિંગ પૉલીસીનો સૌથી પહેલો અને સૌથી વધુ લાભ ભાવનગરને મળશે. સમગ્ર દુનિયાને લાખો કન્ટેનરની જરૂર છે, ભાવનગરમાં બનતા કન્ટેનર સમગ્ર દુનિયાની માંગ સંતોષશે."
"સુરત અને ભાવનગર વચ્ચેનું અંતર ઘોઘા-હજીરા રો રો ફેરી સર્વિસને કારણે 400 કિલોમિટરથી ઘટીને 100 કિલોમિટર કરતાં ઓછું થઈ ગયું છે. આ સેવાનો ત્રણ લાખ મુસાફરો, 80 હજાર ગાડીઓએ લાભ લીધો છે. 40 લાખ લિટર કરતાં વધુ પેટ્રોલ-ડીઝલની બચત થઈ છે. આ રૂટ પર મોટાં જહાજો માટેનો રસ્તો મોકળો થયો છે."

વડા પ્રધાનની સુરત મુલાકાત

ઇમેજ સ્રોત, BBC/ANI
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારથી બે દિવસની યાત્રા પર ગુજરાતમાં છે. ગુજરાતમાં 29 હજાર કરોડના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમોમાં હાજરી આપવા આવેલા વડા પ્રધાન મોદી ગુરુવારે સવારે સુરત પહોંચ્યા હતા.
સુરતમાં તેમણે કાર્યક્રમસ્થળ સુધી રોડ-શોમાં ભાગ લીધો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
ત્યાર બાદ વડા પ્રધાન મોદીએ સુરતમાં લગભગ રૂ. ત્રણ હજાર કરોડનાં કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા નિર્મિત વોટ પ્રોજેક્ટ, ડ્રેઇનેજ પ્રોજેક્ટ, બાયૉ ડાયવર્સિટી પાર્ક, ડ્રીમ સિટી તથા હજીરામાં રોપેક્ષ ટર્મિનલનો સમાવેશ થાય છે.
ઉદ્ઘાટન બાદ વડા પ્રધાને પોતાના ભાષણમાં કહ્યું, "સુરત આવવું આનંદદાયક છે, સારું લાગે છે પણ વ્રત હોય ત્યારે મુશ્કેલ લાગે છે. કારણ કે ભોજન ઘણું સ્વાદિષ્ટ છે. સુરતના લોકોનો આભાર માનવા માટે શબ્દો ઓછા પડે છે."
"આ પ્રોજેક્ટ્સ સામાન્ય લોકો અને વેપારીઓને ફાયદો પહોંચાડે તેવા છે. "
"સુરત શહેર લોકોની એકજૂટતા અને જનભાગીદારી બંનેનો ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ભારતભરના લોકો સુરતમાં રહે છે. સુરત મિની હિંદુસ્તાન છે."
"સુરતની ખાસિયત એ છે કે આ શહેર શ્રમનું સન્માન કરનાર શહેર છે. અહીં પ્રતિભાની કદર થાય છે અને પ્રગતિની આકાંક્ષા પૂરી થાય છે. આ શહેર બધા લોકોને વિકાસ માટે પૂરતી તક આપે છે."
"આ સદીના શરૂઆતી દશકોમાં પીપીપીની ચર્ચા થતી હતી. ત્યારે હું કહેતો કે સુરત ચાર પીનું ઉદાહરણ છે. પીપલ્સ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ સુરતને વિશેષ બનાવે છે."
"આજે દુનિયાના સૌથી ઝડપી વિકસિત થતાં શહેરોમાં સુરતનું નામ છે અને તેનો લાભ તમામ વેપારને થઈ રહ્યો છે. પાછલાં 20 વર્ષોમાં સુરતે બાકીનાં શહેરોની સરખામણીએ વધુ વિકાસ કર્યો છે."
"સુરતનો જે પણ વિકાસ થયો એ છેલ્લાં 20 વર્ષની મહેનતનો પ્રતાપ છે. "

ડબલ એન્જિનની સરકાર

ઇમેજ સ્રોત, BBC/Getty
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "હું તો કાશીનો સાંસદ છું એટલે લોકો મને કહેતા હોય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ શ્રેષ્ઠ છે. "
"અનેક સાથીઓ એવા છે કે ઍરપોર્ટ માટે અમારા લાંબા સંઘર્ષને જોયો છે. ત્યારે દિલ્હીની સરકારને કહેતા થાકી ગયા કે સુરતને ઍરપોર્ટની જરૂર કેમ છે? આજે રોજની સેંકડો ફ્લાઇટ જતી હોય છે."
"આજે ડબલ એન્જિનની સરકારમાં ઝડપી મંજૂરી મળે છે અને કામ પણ વધુ ઝડપથી થાય છે. "
"નવી લૉજિસ્ટિક પૉલિસીથી સુરતને ઘણો લાભ થવાનો છે. ઘોઘા-હજીરા રો-રો ફેરીથી સૌરાષ્ટ્રના કૃષિ હબને બિઝનેસ હબ સુરત સાથે જોડવામાં આવ્યું છે અને 12 કલાકની યાત્રા ત્રણ-ચાર કલાકમાં થઈ જાય છે."
"સુરત અવનવાં નામોથી ઓળખાતું રહે છે. નજીકના ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વ્હિકલ સીટી તરીકે જાણીતું થશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો























