પીએફઆઈનાં અલગઅલગ ઠેકાણે અનેક રાજ્યોમાં NIA અને EDના દરોડા - પ્રેસ રિવ્યૂ

પીએફઆઈર

ઇમેજ સ્રોત, PFI

પ્રકાશિત

રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) અને પ્રવર્તન નિદેશાલય (ઈડી)એ અનેક રાજ્યોમાં પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયાનાં અલગ-અલગ ઠેકાણે દરોડા પાડ્યા છે.

પીએફઆઈના કાર્યકર્તાઓએ એનઆઈએના દરોડા સામે વિરોધપ્રદર્શન કર્યું છે.

જોકે ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર પીએફઆઈના 100 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર, અધિકારીઓએ આ કાર્યવાહીને અત્યાર સુધીની "સૌથી મોટી તપાસ પ્રક્રિયા ગણાવી છે."

દરોડાની કાર્યવાહી કેરળ, તેલંગણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, બિહાર, મધ્ય પ્રદેશ અને અન્ય કેટલાંક રાજ્યોમાં કરવામાં આવી છે.

line

ભારત જોડો યાત્રા : રાહુલને આવકારતા બૅનરમાં સાવરકરની તસવીર છપાઈ

સાવરકર

ઇમેજ સ્રોત, SHURIAH NIAZI/BBC

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' દરમિયાન બુધવારે પાર્ટીએ ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હતું.

રાહુલ ગાંધીને આવકારવા માટે છપાવવામાં આવેલા બૅનરમાં પાર્ટીના અન્ય નેતાઓની સાથે હિંદુવાદી વિચારક વિનાયક દામોદર સાવરકરની તસવીર પણ છપાઈ ગઈ હતી.

સ્થાનિક મીડિયા સંસ્થા 'મનોરમા ઑનલાઇન' દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રમાણે, નેદમ્બસરી વિસ્તારના 'ઇન્ટુક'ના (ઇન્ડિયન ટ્રૅડ યુનિયન કૉંગ્રેસ) વડા સુરેશ દ્વારા આ બૅનર છપાવવામાં આવ્યું હતું અને તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

સમગ્ર ઘટનાક્રમની જવાબદારી સ્વીકારતા સુરેશે કહ્યું, "આ બૅનર 88 ફૂટ લાંબુ હતું. હું અન્ય કામોમાં વ્યસ્ત હતો એટલે પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારી દ્વારા ચૂંટવામાં આવેલા 20 સ્વાતંત્ર્યસેનાનીઓની તસવીરનું વૅરિફિકેશન કરી નહોતો શક્યો અને કર્મચારીને સાવરકર કોણ છે, તેના વિશે જાણ નહોતી. "

તેમણે એવું પણ ઉમેર્યું હતું. "બૅનરનું છાપકામ અને તેને લગાડવાનું કામ રાતોરાત હાથ ધરવામાં આવ્યું હતું."

જ્યારે લોકોએ આ બૅનર તથા વીડિયોની તસવીરો લેવાનું શરૂ કર્યું,ત્યારે કૉંગ્રેસના સ્થાનિક ધારાસભ્યે છબરડા વિશે સુરેશનું ધ્યાન દોર્યું હતું.

પાર્ટી કાર્યકરોએ સાવરકરની તસવીર ઉપર મહાત્મા ગાંધીની તસવીર લગાડીને ઢાંકપછેડો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં સોશિયલ મીડિયા પર તેની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. એ પછી પાર્ટી દ્વારા બૅનરને જ હઠાવી દેવામાં આવ્યું હતું.

line

માયા કોડનાનીને ફરી ગુજરાત બહાર જવા માટે કોર્ટની મંજૂરી

માયા કોડનાની

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર અમદાવાદની અદાલતે 2002ના નરોડા પાટીયા નરસંહાર કેસમાં આરોપી રહેલાં પૂર્વ ભાજપ મંત્રી માયા કોડનાનીને છ મહિના માટે ગુજરાતની બહાર પ્રવાસ માટે પરવાનગી આપી છે.

નરોડા ગામ કેસની સુનાવણી કરતી ટ્રાયલ કોર્ટે કોડનાનીને રિન્યૂ કરાવવાના હેતુથી પાસપોર્ટ મેળવવાની પણ મંજૂરી આપી છે.

માયા કોડનાનીને મે 2009માં કોર્ટે તેમને જામીન આપતા શરત મૂકી હતી કે તેઓ પૂર્વ મંજૂરી વિના ગુજરાતની બહાર નહીં જઈ શકે.

2018થી માયા કોડનાની તરફથી દાખલ અરજી પર કોર્ટે અનુગામી નિર્દેશોમાં તેમને ગુજરાતની બહાર જવાની શરત પર થોડી છૂટ આપી હતી. 31 માર્ચ 2022માં અદાલતના ઑર્ડર પ્રમાણે તેમને એક એપ્રિલથી ગુજરાતની બહાર જવા માટે છ મહિના માટે સુધી છૂટ આપવામાં આવી હતી.

માયા કોડનાનીએ ડિપ્રેશનની પરિસ્થિતિમાં પોતાને શાંત કરવા માટે પરિવારજનો સાથે ગુજરાતની બહાર યાત્રાએ જવા, ગુજરાતની બહાર સામાજિક મેળાવડા અને આયોજનોમાં ભાગ લેવા અને ગુજરાતની બહાર રહેતા સંબંધીઓને મળવા માટેની જરૂરિયાતના આધારે આ શરતમાંથી છૂટ માગતાં આવ્યાં છે.

line

'હિજાબ પહેરવા દેવાય તો...'

હિજાબ પર પ્રતિબંધ મુદ્દે બુધવારે પણ દેશની સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી ચાલુ રહેવા પામી હતી

ઇમેજ સ્રોત, Getty Images

કર્ણાટકમાં હિજાબ પર પ્રતિબંધ મુદ્દે બુધવારે પણ દેશની સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી ચાલુ રહેવા પામી હતી.

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે જસ્ટિસ હેમંત ગુપ્તા તથા જસ્ટિસ સુધાંશુ ધૂલિયાની બેન્ચે આ કેસની સુનાવણી હાથ ધરી હતી.

આ દરમિયાન કર્ણાટક સરકાર વતી હાજર રહેલા વકીલોએ દલીલ આપી હતી કે વર્ગખંડમાં 'એકસમાનતા' (યુનિફૉર્મિટી) માટે આમ કરવું જરૂરી છે. કોઈ પણ અધિકાર અબાધિત નથી અને તેની ઉપર વ્યાજબી નિયંત્રણો લાદી શકાય છે.

એ દરમિયાન બેન્ચે પૂછ્યું હતું કે જાહેરવ્યવસ્થા, આરોગ્ય અને નૈતિકતાના આધાર પર નિયંત્રણો લાદી શકાય, ત્યારે હિજાબ પર નિષેધ મૂકતી વખતે ઉપરોક્તમાંથી કયા આધાર પર તેઓ નિયંત્રણો મૂકવા માગે છે?

સાથે જ બેન્ચે અવલોક્યું હતું કે એક દૃષ્ટિકોણ એવો પણ હોઈ શકે કે જો વર્ગખંડમાં હિજાબને મંજૂરી આપવામાં આવે તો બાળકો સંસ્કૃતિ, ભાષા અને ખાનપાનની દૃષ્ટિએ વિવિધતાસભર દેશમાં અન્યો પ્રત્યે સંવેદનશીલ બનશે અને વૈવિધ્યનો પરિચય થશે. બાળકો બહારના સમાજ માટે તૈયાર થશે. તેમનામાં મૂલ્યોનું સિંચન થશે.

line

ઍન્કરો ધિક્કારજનક ભાષા અટકાવે

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અન્ય એક સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અવલોક્યું હતું કે ટેલિવિઝન પર ઉગ્ર ચર્ચા તિરસ્કારજનક ભાષામાં ન પરિણમે તે જોવાની ફરજ ઍન્કરોની છે.

ટેલિવિઝન પર ધિક્કારજનક ભાષાના પ્રસારને અટકાવવા માટે સરકાર કેમ કશું કરતી નથી, એવું તેણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

'ધ હિંદુ'ના અહેવાલ મૂજબ બેન્ચે નોંધ્યું હતું કે ઇલેક્ટ્રૉનિક મીડિયા તથા સોશિયલ મીડિયા પરની સામગ્રી અનિયંત્રિત છે.

જસ્ટિસ કે. એમ. જોસેફની અધ્યક્ષતાવાળી બેન્ચે નોંધ્યું હતું કે ટીવી પર ફેલાવાતી ધૃણાને હવા ન આપી શકાય.

નફરત ફેલાવતી ભાષામાં થયેલી ભારે વૃદ્ધિની સામે સર્વોચ્ચ અદાલતમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેની પર સુનાવણી કરતી વખતે બેન્ચે આ વાત કહી હતી.

આ અંગે વધુ સુનાવણી 23મી ઑક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન