પાકિસ્તાન vs શ્રીલંકા : હસરંગાની એ કમાલ જેનાથી શ્રીલંકા એશિયા કપનું ચૅમ્પિયન બની ગયું

ઇમેજ સ્રોત, SURJEET YADAV/AFP VIA GETTY IMAGES
- લેેખક, મનોજ ચતુર્વેદી
- પદ, વરિષ્ઠ સ્પોર્ટ્સ પત્રકાર, બીબીસી હિંદી માટે
- પ્રકાશિત

- એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકાનો પાકિસ્તાન સામે વિજય
- 2014 બાદ ટાઇટલ જીત્યું, શ્રીલંકા છઠ્ઠી વખત બન્યાં ચૅમ્પિયન
- વાનિંદુ હસરંગા બન્યા શ્રીલંકાના વિજયના હીરો

શ્રીલંકાની એશિયા કપની જીતના હીરો વાનિંદુ હસરંગા રહ્યા. તેમના ઑલરાઉન્ડ પ્રદર્શનથી શ્રીલંકા દુબઈમાં રમાયેલ ફાઇનલમાં પાકિસ્તાનને 23 રનથી હરાવવામાં સફળ રહ્યું હતું. શ્રીલંકાએ 2014 બાદ આ ટાઇટલ જીત્યું છે. તેઓ છઠ્ઠી વખત ચૅમ્પિયન બન્યા છે.
શ્રીલંકાએ એશિયા કપમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ હારથી શરૂઆત કરી હતી પરંતુ ત્યાર બાદ ટીમ એક પણ મૅચ હારી નથી. શ્રીલંકામાં જે પરિસ્થિતિ છે, તેમાં ટીમની આ સફળતા દેશવાસીઓને ખુશીની તક આપશે. સાથે જ આવતા મહિને ઑસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપમાં ક્વૉલિફાયર્સમાં સારું પ્રદર્શન કરવામાં મદદ કરશે.
પાકિસ્તાન તરફથી રિઝવાને સૌથી સારી બેટિંગ કરી. આ મૅચમાં પણ જ્યારે તેઓ અર્ધશતક ફટકારીને પાકિસ્તાનને લડાઈમાં ટકાવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે હસરંગાએ ત્રણ વિકેટ ખેરવીને પાકિસ્તાનનું ભાગ્ય નક્કી કરી રહ્યા હતા.
તેમણે એક જ ઓવરમાં પહેલા રિઝવાન, પછી આસિફ અલી અને ખુશદિલ શાહની વિકેટ લીધી હતી. આ સાથે સ્કોર સાત વિકેટે 112 રન થયો હતો.
રિઝવાનની ધીમી બેટિંગથી પણ પાકિસ્તાન પર દબાણ ઊભું થયું હતું. રિઝવાન છેલ્લી ઘણી મૅચોમાં ટીમના સંકટમોચક સાબિત થયા છે. પરંતુ શ્રીલંકાના બૉલરોએ તેમને ખુલીને રમવાની તક જ નહોતી આપી.
પાકિસ્તાને લક્ષ્ય સુધી પહોંચવા માટે ઝડપથી રન મારવાનો પ્રયત્ન કર્યો.
જોકે, ઝડપથી રન બનાવવાના પ્રયાસમાં પહેલાં નવાઝ અને બાદમાં રિઝવાન આઉટ થઈ ગયા. રિઝવાને 12.24ના સ્ટ્રાઇક રેટથી 55 રન બનાવ્યા.

પ્રથમ બે વિકેટથી ઊભું થયું દબાણ

ઇમેજ સ્રોત, Getty Images
શ્રીલંકાની આક્રમક બૉલિંગ પ્રથમ ઓવરથી જ શરૂ થઈ ગઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મદુશને પ્રથમ ઓવરમાં જ કૅપ્ટન બાબર આઝમ અને ફખર ઝમાનની એક પછી એક વિકેટ લેતાં પાકિસ્તાન બૅકફૂટ પર ધકેલાઈ ગયું હતું.
હકીકતમાં પાકિસ્તાન આ ઝટકાથી છેલ્લે સુધી ઊભું ન થઈ શક્યું હતું. મદુશન શ્રીલંકાના સૌથી સફળ બૉલર પણ રહ્યા, તેમણે ચાર ઓવરમાં 34 રન આપીને ચાર વિકેટ ખેરવી હતી.
ભારત વિરુદ્ધ મૅચમાં વિરાટ કોહલીને બૉલ્ડ કરનારા શ્રીલંકાના ફાસ્ટ બૉલર મદુશન પર ફાઇનલમાં દબાણ જોવા મળ્યું હતું. પાકિસ્તાન પર આક્રમણની જવાબદારી મદુશને સંભાળી હતી પરંતુ દબાણમાં શરૂઆત નો-બૉલથી કરી હતી.
ફ્રી હિટમાં નાંખેલો શૉર્ટ બૉલ જરા વધારે ઊંચો પડ્યો અને વાઇડ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફરીથી વાઇડ નાખ્યો અને તેમાં ચોગ્ગો જવાથી પાંચ રન મળી ગયા હતા. તેઓ નવ રન આપી ચૂક્યા હતા અને હજી પણ પ્રથમ બૉલની રાહ જોવાઈ રહી હતી.
પાકિસ્તાનની 23 રન પર બે વિકેટ પડી જતાં ઇફ્તિખાર અને રિઝવાને ઇનિંગ્સ સંભાળીને સ્કોર 93 રન સુધી લઈ ગયા. પરંતુ રન રેટમાં પાછળ રહી જતાં તેમના પર ઝડપથી રન બનાવવાનું પ્રેશર હતું.
તેમને જીતવા માટે અંતિમ પાંચ ઓવરમાં 70 રનની જરૂર હતી. જે ટી-20માં શક્ય છે. પરંતુ શ્રીલંકન બૉલરોએ રન રેટ પર અંકુશ મેળવવાની સાથેસાથે ઝડપથી વિકેટ લઈને મૅચને પોતાના પક્ષમાં કરી લીધી હતી.

રાજપક્ષે અને હસરંગાએ સંભાળી ઇનિંગ

ઇમેજ સ્રોત, KARIM SAHIB/AFP VIA GETTY IMAGES
શ્રીલંકાની બેટિંગની શરૂઆત આશા પ્રમાણે ન રહી અને તેમણે 58 રન સુધી પહોંચતાં પાંચ વિકેટ ગુમાવી દીધી.
આ મુશ્કેલ સ્થિતિમાં રાજપક્ષે અને હસરંગાની દમદાર બેટિંગે ટીમને સંભાળી અને 170 રન સુધી સ્કોર પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
તેમાં રાજપક્ષેએ 157.77ના સ્ટ્રાઇક રેટથી છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકારીને 71 રનનું યોગદાન આપ્યું.
રાજપક્ષેને મુશ્કેલ સમયમાં વાનિંદુ હસરંગા સ્વરૂપે સારો જોડીદાર મળ્યો.
હકીકતમાં પાકિસ્તાનના બૉલરો પર દબાણ બનાવવાની શરૂઆત હસરંગાએ કરી હતી. તેમણે રાજપક્ષે સાથે છ વિકેટની 59 રનોની ભાગીદારીમાં 36 રનનું યોગદાન આપ્યું.
હસરંગાએ 171.42ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરીને 21 બૉલમાં 36 રન બનાવ્યા.

પાકિસ્તાન પ્રારંભિક સફળતાનો લાભ ન ઉઠાવી શક્યું

ઇમેજ સ્રોત, SURJEET YADAV/AFP VIA GETTY IMAGES
પાકિસ્તાનના બૉલિંગ-પ્રદર્શનને બે ભાગમાં વહેંચી શકાય છે.
પ્રથમ 10 ઓવરમાં તેમણે ઘણી સારી બૉલિંગ કરીને શ્રીલંકા માટે પડકાર ઊભો કર્યો પરંતુ અંતિમ 10 ઓવરમાં તેમની પકડ ઢીલી થઈ ગઈ હતી.
પાકિસ્તાનના ફાસ્ટ બૉલર હારિસ રાઉફે પોતાના પ્રથમ સ્પૅલમાં જ શ્રીલંકાની બે મજબૂત વિકેટ લઈ લીધી હતી.
રાજપક્ષે અને હસરંગા જ્યારે ઝડપથી ઇનિંગ આગળ વધારી રહ્યા હતા ત્યારે રાઉફના બૉલ પર જ હસરંગા વિકેટ ગુમાવી ચૂક્યા હતા.
જોકે, હસરંગા આઉટ થતાં પહેલાં પોતાની જવાબદારી નિભાવી ચૂક્યા હતા.
રાજપક્ષે છેલ્લે સુધી ક્રીસ પર ટકીને રહ્યા અને શ્રીલંકા સ્કોર સુધી પહોંચવામાં સફળ રહ્યું. તેમાં કરુણારત્નેએ પણ સારો એવો સાથ આપ્યો. આ જોડીએ સાતમી વિકેટ માટે 54 રન બનાવ્યા.

ફાસ્ટ બૉલિંગનો કેર પણ શ્રીલંકાને રોકી શક્યો

ઇમેજ સ્રોત, KARIM SAHIB/AFP VIA GETTY IMAGES
પાકિસ્તાનને એક એવા દેશ તરીકે ઓળખવામાં આવે છે, જેના ફાસ્ટ બૉલરોનાં હંમેશાં વખાણ થતાં હોય છે.
ઇમરાન ખાન, વકાર યૂનુસ તેમજ વસીમ અકરમ બાદ હાલમાં પણ ટીમમાં ફાસ્ટ બૉલરો યથાવત્ છે.
ફાઇનલમાં રમેલી પાકિસ્તાન ટીમના ત્રણેય ફાસ્ટ બૉલર નસીમ શાહ, હારિસ રાઉફ અને હસનેન 150 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપથી બૉલ ફેંકે છે. આ ઝડપે જ શ્રીલંકાની બેટિંગને હચમચાવી નાંખી પણ તેનો પાકિસ્તાનને પૂરેપરો ફાયદો ના મળ્યો.
નસીમ શાહે ઓપનર કુશાલ મૅન્ડિસને બૉલ્ડ કરીને અને હારિસ રાઉફે અન્ય ઓપનર નિસાંકા અને બાદમાં દાનુષ્કા ગુણાતિલકેને બૉલ્ડ કરીને શ્રીલંકાનો બેટિંગ ક્રમ તોડી નાંખ્યો હતો.
અંતિમ ઓવરોમાં શ્રીલંકન બૅટરો ખુલ્લીને રમતાં બૉલરો બૉલ પર નિયંત્રણ રાખી શક્યા નહીં.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો























