તિસ્તા સેતલવાડની જામીનઅરજી પર સુનાવણી 30 ઑગસ્ટ સુધી ટળી - TOP NEWS

સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડની જામીનઅરજી પરની સુનાવણી 30 ઑગસ્ટ સુધી ટાળી દીધી છે. ગુજરાત સરકારે આ મામલે જવાબ રજૂ કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસેથી સમય માગ્યો હતો.
જસ્ટિસ યુયુ લલિતના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચ આ મામલે આગામી સુનાવણી 30 ઑગસ્ટે હાથ ધરશે.
ગુજરાત સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ તિસ્તા સેતલવાડની અરજી પર જવાબ આપવા માટે વધુ બે દિવસનો સમય માગ્યો હતો.
જોકે, જસ્ટિસ યુયુ લલિતએ કહ્યું કે તેમની ચિંતા એ વાતને લઈને છે કે અરજીકર્તા જેલમાં છે. તેમણે કહ્યું, "અમારે એ વાતની તપાસ કરવી પડશે કે શું તેમને જેલમાં રાખવાની જરૂર છે?"
વર્ષ 2002માં ગુજરાતમાં રમખાણોના મામલે ગુનાહિત ષડ્યંત્ર ઘડવા અને છેતરપિંડીના આરોપમાં એસઆઈટીએ તિસ્તા સેતલવાડની જૂન માસમાં ધરપકડ કરી હતી.

AAPના કેટલાય ધારાસભ્યો સંપર્કની બહાર, આમ આદમી પાર્ટીનો ભાજપ પર આરોપ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
દિલ્હીમાં મુખ્ય મંત્રી કેજરીવાલની બેઠક પહેલાં આમ આદમી પાર્ટીના કેટલાય ધારાસભ્યોનો સંપર્ક ના થઈ રહ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.
સમચાર સંસ્થા એએનઆઈ દ્વારા અપાયેલી માહિતી અનુસાર આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે ભાજપ તેના 40 ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે. એએનઆઈ સાથેની વાતચીતમાં પાર્ટીના ધારાસભ્ય દિલીપ પાંડેએ આ દાવો કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું છે કે પાર્ટીના ધારાસભ્યોની બેઠક માટે ધારાસભ્યોનો સંપર્ક કરાઈ રહ્યો છે.
દિલીપ પાંડેએ કહ્યું, "કાલે જ તમામ ધારાસભ્યોને બેઠક અંગે સૂચિત કરવામાં આવ્યા હતા. જે ધારાસભ્યોનો સંપર્ક નથી થઈ રહ્યો એનો પણ સંપર્ક કરવામાં આવશે. બેઠકમાં તમામ ધારાસભ્યો હાજર રહેશે."
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે આજે તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આ બેઠક મુખ્ય મંત્રીના આવાસ પર યોજાશે.
આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય આતિશીએ કહ્યું છેકે ભાજપ લાંબા સમયથી દિલ્હી સરકારને તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેમણે દાવો કર્યો છે કે ધારાસભ્યોને પૈસાની ઑફર અપાઈ રહી છે અને તેમને ડરાવવામાં પણ આવી રહ્યા છે.
જોકે, ભાજપ નિષ્ફળ રહેશે એવો તેમણ આશાવાદ પણ વ્યક્ત કર્યો છે.
દિલ્હીની શરાબનીતિના કથિત ભ્રષ્ટાચારના અનુસંધાને છેલ્લા થોડા દિવસોથી સીબીઆઈ દ્વારા તપાસ કરાઈ રહી છે. જેના અનુસંધાને ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાના ઘર પર પણ દરોડા પાડ્યા હતા. એ બાદ બંને પાર્ટીના નેતાઓ આમનેસામને આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા હતા.
આમ આદમી પાર્ટી અને એના નેતા આ માટે કેન્દ્રની નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે, જ્યારે ભાજપ આપની સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યો છે.
મનીષ સિસોદિયાએ દાવો કર્યો છે કે ભાજપ તરફથી તેમને સંદેશો આવ્યો હતો અને ભાજપમાં જોડાઈ જવાની ઑફર આવી હતી. સાથે જ તેમણે એવો પણ આરોપ મૂક્યો કે જો તેઓ ભાજપમાં જોડાય તો તેમના પરના કેસ હઠાવી લેશે. ભાજપે આ આરોપોને નકારી કાઢ્યા છે.
આપે ભાજપ પર તેમની પાર્ટીના ધારાસભ્યોને ખરીદી લેવાની કોશિશ કરી હોવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે ધારાસભ્યોને પાર્ટી છોડવા માટે 20-20 કરોડ રૂપિયાની ઑફર આપવામાં આવી છે.
બીજી તરફ ભાજપે આ આરોપોને ખારિજ કરી દીધા છે અને કહ્યું છે કે મનીષ સિસોદિયા આ રીતે બચવાના પ્રયાસો કરી રહ્યા છે, પણ તેઓ સફળ નહીં થાય.

'રસ્તાઓને ઢોરમુક્ત ક્યારે કરશો?' હાઈકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી

ઇમેજ સ્રોત, Getty Images
બુધવારે ગુજરાત રાજ્યની સરકારે રખડતાં ઢોરનો ત્રાસ ઓછો કરવા માટે કેટલાંક પગલાં લેવાની જાહેરાત કરી, અને આ માટે 10 કરોડ રૂપિયા ફાળવ્યા હોવાની પણ ઘોષણા કરાઈ છે.
જોકે 'ઇન્ડિયન એક્સ્પ્રેસ'ના અહેવાલ પ્રમાણે ગુજરાત સરકારે આ પગલાં ગુજરાત હાઈકોર્ટે ઠપકો આપ્યો, એ બાદ લીધાં છે.
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને ઠપકો આપતાં કહ્યું હતું કે આ મામલે પૂરતી કાર્યવાહી કરાઈ નથી.
જેના જવાબમાં રાજ્ય સરકારના પ્રતિનિધિએ અદાલતમાં બાંયધરી આપી છે કે 'વાડામાં પૂરવામાં આવેલાં ઢોરોને આગામી ત્રણ મહિના સુધી છોડવામાં નહીં આવે.'
મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર અને જસ્ટિસ એ. જે. શાસ્ત્રીની ખંડપીઠે ગુજરાત રાજ્ય લીગલ સર્વિસ ઑથોરિટીના સેક્રેટરીને નિર્દેશ આપ્યા છે કે 'અમદાવાદના રસ્તાઓ પર અને જાહેર જગ્યાઓએ રખડતાં ઢોરો અંગે રિપોર્ટ આપે.'
મુખ્ય ન્યાયાધીશે સરકારના પ્રતિનિધિઓને એવું પણ કહ્યું કે, "અમે આ પશુઓની તરફેણમાં છીએ, એમનો શો વાંક? આની માટે તેમના માલિકો જવાબદાર છે. આ મૂંગા પશુઓથી એ લોકો પૈસા રળે છે."
"અમને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને મહેસાણા (કે જ્યાં પૂર્વ ઉપમુખ્ય મંત્રી પર ઢોરનો હુમલો થયો) માટે અમને સમયપત્રક આપો કે તમે ક્યાં સુધીમાં રસ્તા ઢોરમુક્ત કરશો?"

રાહુલ ગાંધી શરૂ કરશે ચૂંટણીપ્રચાર, 'ગુજરાત મૉડલ' સામે 'રાજસ્થાન મૉડલ'

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત રાજ્યના કૉંગ્રેસના નિરીક્ષક અશોક ગેહલોત અને એઆઈસીસીના જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલે પત્રકારપરિષદમાં જાહેરાત કરી કે 'રાહુલ ગાંધી ગુજરાતની વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ કરશે.'
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે તેમણે એવું પણ કહ્યું છે કે તેઓ 'ગુજરાત મૉડલ'ની સામે 'રાજસ્થાન મૉડલ'ની વાત કરશે.
વેણુગોપાલે કહ્યું હતું કે, "ગુજરાતની વર્તમાન ભાજપ સરકાર સામે પ્રજામાં ભારોભાર અસંતોષ જોવા મળી રહ્યો છે. ભાજપ એના ગુજરાત મૉડલની વાત કરે છે, પણ કૉંગ્રેસે દેશભરમાં આ કહેવાતા મૉડલનો પર્દાફાશ કર્યો છે."
"નવ મહિના પહેલાં ભાજપે મુખ્ય મંત્રી સહિત સરકારની આખી કૅબિનેટ બદલવી પડી. એ શું દેખાડે છે?"
સાથે જ અશોક ગેહલોતે કહ્યું કે 'અમે ગુજરાતની જનતા સમક્ષ ચૂંટણીઢંઢેરામાં રાજસ્થાનની સરકારમાં અમે કરેલાં કામો મૂકીશું.'

યુક્રેનના રેલવેસ્ટેશન પર મિસાઇલથી રશિયાનો હુમલો, 22નાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Reuters
યુક્રેને કહ્યું છે કે તેમના એક રેલવેસ્ટેશન પર રશિયાએ રૉકેટતી હુમલો કર્યો છે, જેમાં 22 લોકોનાં મૃત્યુ થયાં છે અને ડજનબંધ લોકોને ઈજા થઈ છે.
રશિયા-યુક્રેન સંઘર્ષના બરાબર છ મહિના પૂરા થયા, એ જ દિવસે આ હુમલો થયો છે.
યુક્રેનનું કહેવું છે કે આ હુમલો પૂર્વના શહેર ચૅપલિન પર થયો, જ્યાં પાંચ લોકોનાં એક વાહનમાં જ મૃત્યુ થયાં છે. જેમાં 11 વર્ષના એક કિશોરનું પણ મૃત્યુ થયું છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ આ અંગેની માહિતી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષાપરિષદની બેઠક વચ્ચે આપી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ






















