બનાસકાંઠામાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ, સૌરાષ્ટ્રમાં લોકમેળા પર અનિશ્ચિતતાનાં વાદળો

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પાછલા અમુક સમયથી ભારે વરસાદ પડવાના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે

ઇમેજ સ્રોત, Paresh Padhiyar

ઇમેજ કૅપ્શન, ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પાછલા અમુક સમયથી ભારે વરસાદ પડવાના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ
લાઇન
  • ગુજરાતમાં અનેક સ્થળોએ ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિનું નિર્માણ
  • રસ્તા-રોડ પર પાણી ભરાતાં લોકોને હાલાકી
  • બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે
  • આગામી દિવસોમાં પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી
  • સૌરાષ્ટ્રના લોકમેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાતાં આયોજન રદ કરાય તેવી પરિસ્થિતિનું નિર્માણ
લાઇન

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પાછલા અમુક સમયથી ભારે વરસાદ પડવાના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

નોંધનીય છે કે ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી હતી જે બાદ બનાસકાંઠા અને જૂનાગઢમાં અનરાધાર વરસાદને કારણે પરિસ્થિતિ વણસી હતી.

પાછલા 24 કલાકની જ વાત કરીએ તો બનાસકાંઠાના મોટા ભાગના તાલુકાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. જેના કારણે રોડ-રસ્તા પર પાણી ભરાયાંની સ્થિતિ પેદા થઈ છે.

બીબીસીના સ્થાનિક સહયોગી પાસેથી મળી રહેલ માહિતી અનુસાર અનારાધાર વરસાદને પગલે ઘણાં ગામો બેટમાં ફેરવાઈ ગયાં છે.

line

ક્યાં-ક્યાં કેટલો વરસાદ?

ડીસા-થરાદ હાઇવે પર પાણી ભરાતાં વાહનો અટકી પડ્યાં છે.

ઇમેજ સ્રોત, Paresh Padhiyat

ઇમેજ કૅપ્શન, ડીસા-થરાદ હાઇવે પર પાણી ભરાતાં વાહનો અટકી પડ્યાં છે.

બનાસકાંઠામાં બીબીસી ગુજરાતીની સહયોગી પરેશ પઢિયારે પૂરી પાડેલ માહિતી અનુસાર જિલ્લામાં સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

જો આંકડાકીય દૃષ્ટિએ વાત કરીએ તો પાછલા 24 કલાકમાં જ જિલ્લાના લગભગ તમામ તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે.

અમીરગઢમાં પાંચ ઇંચ, કાંકરેજમાં ચાર ઇંચ, ડીસામાં આઠ ઇંચ, થરાદમાં બે ઇંચ, દાંતામાં છ ઇંચ, દાંતીવાડામાં સાડા છ ઇંચ, દિયોદર સાડા પાંચ ઇંચ, ધાનેરામાં સાડા ચાર ઇંચ, પાલનપુરમાં સાડા ચાર ઇંચ, ભાભરમાં અઢી ઇંચ, વડગામમાં છ ઇંચ, વાવમાં છ ઇંચ અને સુઇગામમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો છે.

ડીસા-થરાદ હાઇવે પર પાણી ભરાતાં વાહનો અટકી પડ્યાં છે.

ડીસામાં વરસાદે તારાજીનાં દૃશ્યો સર્જ્યાં છે, ચારેતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું હોવાની જાણકારી મળી રહી છે.

પાલનપુર આબુરોડ હાઇવે પર નવ કલાકથી હાઇવે બંધ રહેતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.

જિલ્લા કલેક્ટરે નેશનલ હાઇવે ઑથૉરિટીને પાણીનો યોગ્ય નિકાલ કરવા સૂચના આપી છે. જો સમયસર નિકાલની વ્યવસ્થા નહીં કરાય તો ઑથૉરિટી સામે પોલીસ ફરિયાદ થઈ શકે છે તેવી પણ જાણકારી મળી રહી છે.

line

સૌરાષ્ટ્રમાં પણ વરસાદે સર્જી મુસીબત

પોરબંદરમાં મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયાં

ઇમેજ સ્રોત, Vipul Thakarar

ઇમેજ કૅપ્શન, પોરબંદરમાં મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયાં

માત્ર બનાસકાંઠા જ નહીં સૌરાષ્ટમાં પણ ભારે વરસાદને પગલે સ્થિતિ બેકાબૂ બની છે.

જૂનાગઢ શહેરમાં અનારાધાર વરસાદને પગલે રસ્તા, અંડરબ્રિજ બંધ કરવા પડ્યા છે.

સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી જતાં નિકાલ માટે વ્યવસ્થા કરાઈ રહી છે.

ભારે વરસાદમાં વૃદ્ધાનો બચાવ

ઇમેજ સ્રોત, Hanif Khokhar

ઇમેજ કૅપ્શન, ભારે વરસાદમાં વૃદ્ધાનો બચાવ

બીબીસી ગુજરાતીની સ્થાનિક સહયોગી હનીફ ખોખરે શૅર કરેલી માહિતી અનુસાર જૂનાગઢમાં ભારે વરસાદને પગલે નરસિંહ મહેતા સરોવર છલોછલ થઈ ગયું છે. આનંદ પાર્ક સોસાયટીમાં પણ પાણી ભરાયાં છે.

આ સિવાય ઍપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાણી ઘૂસી જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારે વરસાદને પગલે ઝાંઝરડા અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે.

આ સિવાય પોરબંદરમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવતાં દરિયો તોફાની બન્યો છે.

દરિયામાં શરૂ થયેલ હલચલના કારણે માછીમારોનાં વહાણો કિનારા સુધી તણાઈ આવતાં માછીમારોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

પોરબંદરમાં ભારે વરસાદને પગલે યોજાયેલ લોકમેળા પર અનિશ્ચિતતાનું જોખમ તોળાઈ રહ્યું છે.

મેળામાં લગાવાયેલ સ્ટૉલને વાતાવરણમાં અચાનક આવેલ પલટાના કારણે નુકસાન થયું છે. આ સિવાય ઝરમર વરસાદને પગલે મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતાં ગ્રાઉન્ડ તળાવમાં ફેરવાયું હોવાના સમાચાર મળી રહ્યા છે.

સ્ટૉલ સિવાય ગ્રાઉન્ડ પર લગાવાયેલ ચકડોળ પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યાં છે.

આ સિવાય સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આયોજિત મેળાનું ભાવિ હાલ અનિશ્ચિત જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે સાતમ-આઠમના મેળાના ગ્રાઉન્ડ પાણી અને કીચડથી ભરાઈ ગયાં હોવાના સમાચાર મળી રહ્યા છે.

line

આગામી દિવસોમાં સ્થિતિ સુધરશે?

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ રાજસ્થાન પર આવતા તેની અસર હાલ ગુજરાત પર પણ થઈ રહી છે.

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, રાજકોટના કેટલાક વિસ્તારોમાં હજી પણ ભારે વરસાદની આગાહી છે.

બનાસકાંઠા, કચ્છ અને પાટણમાં હવામાનવિભાગે રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. એટલે કે આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

17 અને 18 ઑગસ્ટ સુધી કચ્છ, બનાસકાંઠા, પાટણ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, મહેસાણા સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

કચ્છમાં 19 તારીખની આસપાસ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. બાકીના વિસ્તારોમાં 19 ઑગસ્ટથી વરસાદ ધીમો પડે તેવી સંભાવના હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે.

line

ગુજરાતમાં કેમ સતત ભારે વરસાદ પડી રહ્યો છે?

ગુજરાતમાં ભારે વરસાદની ફાઇલ તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં ભારે વરસાદની ફાઇલ તસવીર

ગુજરાતમાં જુલાઈ મહિનામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે છોટા ઉદેપુર, વલસાડ અને નવસારીમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી.

બીજી તરફ સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થયો હતો.

હવે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે.

રાજ્યમાં આ વર્ષે પડી રહેલા ભારે વરસાદ પાછળ વરસાદની બદલાયેલી પેટર્ન જવાબદાર છે. ગુજરાતમાં ચોમાસાનો વરસાદ દરિયામાં પેદા થતી વરસાદી સિસ્ટમો પર આધારિત હોય છે.

બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલી સિસ્ટમો પહેલાં મધ્ય ભારત પરથી ઉત્તર ભારત તરફ આગળ વધતી હતી. એ વરસાદી સિસ્ટમો એટલે કે લૉ-પ્રેશર હવે બંગાળની ખાડી પરથી મધ્ય પ્રદેશ પર થઈને રાજસ્થાન કે ગુજરાત તરફ આવી રહી છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ