ભાવનગર : ભાજપમાં જોડાવા વિદ્યાર્થીઓને આચાર્યે હાકલ કરી પછી રાજીનામું આપ્યું, શું છે સમગ્ર વિવાદ?
તાજેતરમાં ભાવનગરની ગાંધી મહિલા કૉમર્સ ઍન્ડ આર્ટ્સ કૉલેજનાં આચાર્ય તરફથી વિદ્યાર્થીઓને ભાજપમાં જોડાવવાનું સૂચન કરતી એક નોટિસ વાઇરલ થઈ છે.

ઇમેજ સ્રોત, Nitin Gohel
24 જૂનના દિવસે જાહેર કરાયેલી આ નોટિસમાં ભાજપ પક્ષમાં પેજ કમિટીના સભ્ય તરીકે નોંધણી માટે દરેક વિદ્યાર્થિનીઓને પોતાનો પાસપોર્ટ ફોટો લઈ આવવાનું જણાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ભાજપ પક્ષમાં સદસ્યતા અભિયાનમાં જોડાવવા માટે વિદ્યાર્થિનીઓને મોબાઇલ ફોન લાવવા પણ કહેવાયું હતું.
આ નોટિસ સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં વિવાદ સર્જાયો હતો. ત્યાર બાદ 27 જૂને આચાર્યએ અંગત કારણોસર આચાર્યપદ પરથી રાજીનામું આપી દીધું હતું.

કોણા આક્ષેપો સાચા?

ઇમેજ સ્રોત, Nitin Gohel
ગાંધી કૉલેજમાં કાર્યકારી આચાર્ય તરીકે ફરજ બજાવતાં રંજનબાલા ગોહિલે બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર નીતિન ગોહિલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ એવા હોદ્દા પર છે, જ્યાંથી તેઓ સ્વતંત્રપણે આ પ્રકારના નિર્ણયો લઈ શકે તેમ નથી.
તેમણે વધુમાં કહ્યું, "આ ટ્રસ્ટ સંચાલિત કૉલેજ છે. જેથી આ પ્રકારની ઘટનામાં મોટાભાગ ટ્રસ્ટીઓ દ્વારા જ નિર્ણયો લેવામાં આવે છે અને અમારે તે નિર્ણયોનું પાલન કરવાનું હોય છે."
જોકે, તેમણે આટલું કહીને વધુ વાત કરવાનો ઇનકાર કર્યો હતો.
તેનાંથી તદ્દન વિપરીત કૉલેજના ટ્રસ્ટી ધિરેન વૈષ્ણવે જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના કાર્યકારી આચાર્યના નિર્ણયની ભૂલથી સર્જાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "24મી તારીખે સામે આવેલી નોટિસ કાર્યકારી આચાર્યએ કમ્પ્યુટરમાં ટાઇપ કરીને તેનો ફોટો પાડીને વ્હૉટ્સઍપ પર મૂક્યો હતો."
"જેવી મને આ ઘટનાની જાણ થઈ મેં અન્ય ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરી અને આચાર્ય સાથે પણ ચર્ચા કરી. જેમાં જાણવા મળ્યું કે તેમને આ પ્રકારની નોટિસ પાઠવવા માટે કોઈ પણ આંતરિક કે બાહ્ય લોકોએ ફરજ પાડી નથી."
"આ તેમના ખુદના નિર્ણયની ભૂલ હોવાનું તેમણે સ્વીકાર્યું હતું અને જાતે જ ટ્રસ્ટને રાજીનામું સોંપ્યું હતું."

રાજકીય પક્ષો દ્વારા વિરોધ

ઇમેજ સ્રોત, Nitin Gohel
પરિપત્ર વાઇરલ થયો ત્યારથી કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા કૉલેજનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આચાર્યને સસ્પેન્ડ કરવાની માગ સાથે કુલપતિની ઑફિસ પર હલ્લાબોલ પણ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત આચાર્યએ રાજીનામું આપી દેતા વિવાદ શમી જવાને બદલે વધી ગયો હતો. કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા યુનિવર્સિટીના ઉપકુલપતિની ઑફિસમાં હોબાળો કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ ઉપ કુલપતિએ આ મામલે એક કમિટી બનાવીને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
જ્યારે સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પત્રકારપરિષદ યોજીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.
તેમણે આરોપ લગાવતા કહ્યું હતું કે, "શું દીકરીઓ ભાજપના કાર્યકર બનવા માટે કૉલેજ જાય છે? કોઈ પાર્ટીના સભ્ય બનવું સ્વૈચ્છિક હોવું જોઇએ, કોઈના પર દબાણ કરવું યોગ્ય નથી."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો























