અમેરિકાના ટૅક્સસમાં એક ટ્રકમાંથી 46 મૃતદેહો મળ્યા, અપ્રવાસીઓ હોવાની આશંકા
- લેેખક, લિઓ સૅન્ડ્સ
- પદ, બીબીસી ન્યૂઝ
- પ્રકાશિત
ટૅક્સસના સૅન ઍન્ટોનિયોમાં એક ટ્રકમાંથી 46 જેટલા લોકો મૃત હાલતમાં મળી આવ્યા છે. આ તમામ લોકો અપ્રવાસી હોવાનું અનુમાન છે.

ઇમેજ સ્રોત, Getty Images
ફાયર બ્રિગેડના સત્તાધીશના જણાવ્યા પ્રમાણે 16 જેટલા લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાં ચાર બાળકોનો સમાવેશ થાય છે.
આ દુર્ઘટનામાં બચી ગયેલા લોકો હીટ સ્ટ્રોકના કારણે ખૂબ જ નબળા પડી ગયા હતા અને તેમનું શરીર ખૂબ ગરમ હતું.
ટૅક્સસમાં આવેલું સૅન ઍન્ટોનિયો અમેરિકા-મૅક્સિકો બૉર્ડરથી માત્ર 250 કિલોમીટર દૂર છે.
મોટાભાગે માનવતસ્કરો ગેરકાયદેસર મૅક્સિકોથી અમેરિકા જવા માગતા લોકોને ટ્રકોમાં ગોંધીને લઈ જતા હોય છે.
સૅન ઍન્ટોનિયોના મેયર રૉન નિરેનબર્ગે જણાવ્યું, "તેમના પરિવાર હતા અને કદાચ તેઓ વધુ સારું જીવન શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ કોઈ ભયાનક દુર્ઘટનાથી ઓછું નથી."

સૅન ઍન્ટોનિયો ફાયર ચીફ ચાર્લ્સ હુડે પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ સ્થાનિક સમય પ્રમાણે સાંજે છ કલાકે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે કહ્યું, "અમે કલ્પના નહોતી કરી કે આવું કંઈક જોવું પડશે. ટ્રકમાં મૃતદેહોનાં ઢગલાં પડ્યાં હતાં."
તેમણે ઉમેર્યું કે ડ્રાઇવર આ ટ્રકને છોડીને ચાલ્યો ગયો હતો. તેમાં કોઇ ઍરકન્ડિશનિંગ ન હતું અને અંદર પીવાનું પાણી સુદ્ધાં ન હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મૅક્સિકોના વિદેશમંત્રી મર્સેલો ઇબ્રાર્ડે કહ્યું કે હૉસ્પિટલમાં લઇ જવાયેલા લોકોમાં બે ગ્વાતેમાલાના નાગરિકો છે. અન્ય પીડિતોની રાષ્ટ્રીયતા સ્પષ્ટ થઈ શકી નથી.
હાલમાં ત્રણ લોકો કસ્ટડીમાં છે અને તપાસ ફૅડરલ એજન્સીને સોંપાઈ છે.

એક ભયાવહ દૃશ્ય
સૅન ઍન્ટોનિયોથી ઍન્જેલિકા કાસાસ

હાલમાં અહીં અંધારું છે અને માત્ર થોડીક ઇમર્જન્સી સેવાઓનાં વાહનો જ છે. પોલીસે સમગ્ર વિસ્તારને પીળી પટ્ટીથી કૉર્ડન કરી દીધો છે. આ દૃશ્ય સ્પષ્ટ કરે છે કે અહીં કોઈ મોટી હોનારત સર્જાઈ છે.
આ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો અપ્રવાસી હોવાનું માનવમાં આવે છે. હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના કારણે તેમનું મૃત્યુ થયું હોઈ શકે છે.
ઘટનાસ્થળથી થોડે જ દૂર આવેલા એક લાકડાના ગોડાઉનના સિક્યૉરિટી ગાર્ડ ઍડ્વર્ડ રેના જ્યારે નાઇટ શિફ્ટમાં પહોંચ્યા તો આ સમાચાર સાંભળીને તેમને જરાય આશ્ચર્ય થયું નહોતું.

જ્યાંથી આ ટ્રક મળ્યો છે, તેની બાજુમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર તેમણે સેંકડો અપ્રવાસીઓને ટ્રેનમાંથી કૂદતાં જોયા છે. હવે તેમણે ગણતરી કરવાની બંધ કરી દીધી છે.
ઍડ્વર્ડ કહે છે, "મને ખબર જ હતી કે વહેલા કે મોડા કોઇને તો નુકસાન થશે જ. તેમને લાવનારા કાર્ટેલ્સ તેમની કોઇ ચિંતા કરતા નથી."
આ પહેલાં પણ સૅન ઍન્ટોનિયોમાં આ પ્રકારની દુર્ઘટના ઘટી હતી, પરંતુ આટલી ગંભીર નહીં.
વર્ષ 2017માં વૉલમાર્ટની બહાર એક ટ્રેલરમાંથી 10 અપ્રવાસી મૃત હાલતમાં મળી આવ્યા હતા.
ટૅક્સાસના ગવર્નર ગ્રૅગ ઍબોટે આ દુર્ઘટના માટે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન અને તેમની બૉર્ડર માટેની નીતિઓને જવાબદાર ઠેરવી છે.
નોંધનીય છે કે સૅન ઍન્ટોનિયો શહેરનું તાપમાન ગરમી દરમિયાન વધી જતું હોય છે. સોમવારે અહીં 39.4 ડિગ્રી સૅન્ટિગ્રેડ તાપમાન નોંધાયું હતું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો


























